You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દલિત ખ્રિસ્તી'ને 'સવર્ણ ખ્રિસ્તી'ના કબ્રસ્તાનમાં ન દફનાવા દેવાનો વિવાદ, શું છે ઘટના?
- લેેખક, વિજયાનંદ અરુમુગમ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ત્રિચીના થુરૈયુરના રહીશ રાજ નોબલ કહે છે, "તે કુંભકોણમ ડાયોસિસ (ધર્મપ્રાંત)ની માલિકીનું કબ્રસ્તાન હતું. ત્યાં રજિસ્ટર્ડ ખ્રિસ્તીઓ (અનુસૂચિત જાતિના ખ્રિસ્તીઓ)ને દફનાવવાની મનાઈ છે. મારા પિતાએ તે પ્રથા વિરુદ્ધ અદાલતનો આદેશ મેળવ્યો હતો, છતાં તેમને દફનાવવા માટે અમારે લડવું પડ્યું હતું."
તેમના પિતા રાજુ એક સરકારી શાળાના નિવૃત્ત શિક્ષક હતા અને ગઈ 17મી તારીખે તેમનું અવસાન થયું હતું. મુસિરીનાં સબ-કલેક્ટરની મધ્યસ્થી દ્વારા હાથ ધરવામાં આવેલી વાટાઘાટો પછી આખરે સોમવારે મળસ્કે તેમની દફનવિધિ કરવામાં આવી હતી.
કોટ્ટાપલયમ પંચાયત ત્રિચી જિલ્લાના થુરૈયુરમાં આવેલી છે. ખેતી એ આ પંચાયતનો મુખ્ય વ્યવસાય છે અને અહીં પાંચસો કરતાં વધુ ખ્રિસ્તી પરિવારો વસવાટ કરે છે. તેમાંથી સિત્તેર કરતાં વધુ પરિવારો રજિસ્ટર્ડ (અનુસૂચિત જાતિના) ખ્રિસ્તી પરિવારો છે.
કોટ્ટાપલયમનું સૌથી જૂનું ચર્ચ 'સેન્ટ મૅરી મેગ્ડેલિન ચર્ચ' છે. આ ચર્ચ કુંભકોણમ ધર્મપ્રાંતના નિયંત્રણ હેઠળ છે.
કોટ્ટાપલયમ પંચાયતમાં તહેવારો માટેનો ફાળો ઉઘરાવવાથી લઈને વહીવટદારોની નિયુક્તિ કરવા સહિતના મામલાઓમાં અનુસૂચિત જાતિના ખ્રિસ્તીઓની અવગણના કરવામાં આવતી હોવાના આક્ષેપોને પગલે અવારનવાર વિવાદો ઊઠતા રહે છે.
આ દરમિયાન, કોટ્ટાપલયમ ગામના રહીશ રાજુનું ગત 17મી તારીખે અવસાન થયું હતું. સરકારી શાળાના નિવૃત્ત શિક્ષક રાજુને ત્રણ પુત્રો હતા.
તે પૈકીના એક પુત્ર નોબલે બીબીસી તામિલને જણાવ્યા પ્રમાણે, "જ્યારે ધર્મપ્રાંતે કોટ્ટાપલયમમાં દફનવિધિ માટેની જમીન ફાળવી, ત્યારે અન્ય સવર્ણ ખ્રિસ્તીઓએ તેને વિશાળ પ્લોટ સમજીને ખરીદી લીધી. અનુસૂચિત જાતિના ખ્રિસ્તીઓ માટે એક કબ્રસ્તાન ફાળવવામાં આવ્યું હતું, પણ ત્યાં પૂરતી જગ્યા નહોતી."
ગામની અંદર લગભગ 0.55 એકર જેટલી જગ્યામાં એક કબ્રસ્તાન આવેલું છે. તેનો ઉપયોગ અન્ય ખ્રિસ્તીઓ દ્વારા કરવામાં આવે છે. લગભગ 100 ફૂટના અંતરે જ બીજું એક કબ્રસ્તાન આવેલું છે, જેનો ઉપયોગ અનુસૂચિત જાતિના ખ્રિસ્તીઓ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ નોબલ કહે છે કે, ખ્રિસ્તી સમુદાય દ્વારા વાપરવામાં આવતા કબ્રસ્તાનમાં જગ્યા મર્યાદિત હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ત્યાં મૃતદેહોને દફનાવવામાં મુશ્કેલી પડી રહી છે.
તેમણે નોંધ્યું હતું, "દાસપ્રકાશ અને તેમના પિતા રાજુએ આની સામે થુરૈયુર લૅન્ડ કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો."
થુરૈયુર સિવિલ કોર્ટમાં દાખલ આ કેસનો ચુકાદો 27-8-24ના રોજ સંભળાવવામાં આવ્યો હતો.
ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું, "અનુસૂચિત જાતિના લોકોને કોટ્ટાપલયમ ગામનું કબ્રસ્તાન વાપરવાનો અધિકાર છે. મૃતદેહને દફનાવવામાં આવી રહ્યો હોય તે સમયે વિરોધ કરનારા પક્ષોએ કોઈપણ રીતે દખલગીરી કરવી જોઈએ નહીં."
રાજ નોબલે કહ્યું હતું, "કોટ્ટાપલયમમાં અનુસૂચિત જાતિના ખ્રિસ્તીઓ પર લાંબા સમયથી અત્યાચાર થતો આવ્યો છે. મારા પિતા તેની સામે લડ્યા હોવાથી અમે તેમને અદાલતના કાયદા પ્રમાણે તે જ કબરમાં દફનાવવાનું નક્કી કર્યું હતું."
"પરંતુ, તે એટલું સહેલું નથી," એમ વકીલ આંબેડકુમાર જણાવે છે, જેમણે અનુસૂચિત જાતિના ખ્રિસ્તીઓ માટે કબ્રસ્તાનના પ્રશ્નનો ઉકેલ શોધવા માટે એક કેમ્પેન ગ્રૂપ બનાવ્યું છે.
આંબેડકુમારે બીબીસી તામિલને કહ્યું હતું, "અન્ય સવર્ણ ખ્રિસ્તીઓએ અદાલતના આદેશ પ્રમાણે રાજુના મૃતદેહને કબ્રસ્તાનમાં દફનાવવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું, 'આ કંઈ જાહેર કબ્રસ્તાન નથી.' તેમની સાથે વાત કરવી નકામી હતી."
અનુસૂચિત ખ્રિસ્તી સમુદાયે આ વિવાદનો ઉકેલ લાવવા માટે મુસિરીનાં સબ-કલેક્ટર સ્વાંગી કુંથિયા સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. તેને પગલે મહેસૂલ વિભાગના અધિકારીઓએ 19મી તારીખે બંને પક્ષોને બોલાવ્યા હતા અને વાટાઘાટોનું આયોજન કર્યું હતું.
આંબેડકુમારે કહ્યું હતું, "રવિવારે ચર્ચા દરમિયાન, વિરોધી પક્ષે કહ્યું હતું, 'અમે રાજુના મૃતદેહને તે કબ્રસ્તાનમાં નહીં દફનાવવા દઈએ.' તેમણે એમ પણ કહ્યું હતું કે, જૂની પરંપરાનું પાલન થવું જોઈએ."
'અમે પણ ખ્રિસ્તી છીએ'
આંબેડકુમારે વધુમાં કહ્યું હતું, "ચર્ચનો વિરોધ કરનારા લોકોને અમે વિનંતી કરતાં કહ્યું હતું, 'અમે પણ ખ્રિસ્તી છીએ. અમને દફનવિધિ કરવા દો.' પણ તેમણે અમારી વાત ન સાંભળી."
મુસિરી સબ-કલેક્ટરની આગેવાની હેઠળ યોજાયેલી શાંતિ વાટાઘાટોમાં એવું નક્કી થયું હતું કે, અનુસૂચિત જાતિના લોકો અદાલતના ચુકાદાના આધારે કોટ્ટાપલયમ ગામના કબ્રસ્તાનનો ઉપયોગ કરી શકે છે.
નાયબ કલેક્ટર દ્વારા યોજાયેલી તે બેઠકમાં ચેતવણી પણ જારી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, "જો આ મામલે કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ઊભી થશે, તો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે."
થુરૈયુરનાં તહેસીલદાર ચિત્રાએ બીબીસી તામિલ સાથે વાત કરતાં કહ્યું હતું, "તે બેઠક રાત્રે પૂરી થઈ હતી. તે પછી ખ્રિસ્તી વિધિ પ્રમાણે દફનવિધિ કરવામાં આવી હતી. મૃતકની દફનવિધિ પૂર્ણ થતાં વહેલી સવાર થઈ ગઈ હતી."
'અલગ મંદિર... અલગ કબર'
રાજ નોબલ કહે છે, "ચર્ચમાં ઘણાં વર્ષોથી જ્ઞાતિવાદ ચાલતો આવ્યો છે. અમે ગમે તેટલા ભણેલા હોઈએ, છતાં અમારી સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાથી અમને ઘણું દુઃખ થાય છે."
કોટ્ટાપલયમ ગામમાં અનુસૂચિત જાતિના લોકો માટે 'સેન્ટ સેબેસ્ટિયન'ને સમર્પિત એક ચર્ચ છે. તે વિશે રાજ નોબલ કહે છે, "તેઓ આ ચર્ચ બતાવીને કહે છે, 'તમારા માટે અલગ ચર્ચ છે. અલગ કબર છે. આથી, તમારે સેન્ટ મૅરી મેગ્ડેલિન ચર્ચમાં ન આવવું જોઈએ.'"
સાથે જ તેમણે કહ્યું હતું કે, કોટ્ટાપલયમ ગામમાં અનુસૂચિત જાતિના ખ્રિસ્તીઓ માટે અને અન્ય ખ્રિસ્તીઓ માટેનાં કબ્રસ્તાન કુંભકોણમ ધર્મપ્રાંતના નિયંત્રણ હેઠળ છે.
'અમે સુધારા કરી રહ્યા છીએ'
અનુસૂચિત જાતિના ખ્રિસ્તીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા આરોપો અંગે બીબીસી તામિલે સેન્ટ મૅરી મેગ્ડેલિન ચર્ચના રેક્ટર ફાધર માઇકલ રાજ સાથે વાતચીત કરી હતી.
તેઓ કહે છે, "લાંબા સમયથી ચાલી આવતી પ્રથાઓ હવે બદલાઈ રહી છે. આ જ રીતે આ ફેરફાર થયો છે. ચર્ચમાં અસ્પૃશ્યતા નથી. જો કોઈ વ્યક્તિ તેને એ રીતે જોતી હોય, તો અમે તેને ગુનો ગણીએ છીએ."
માઇકલ રાજે કહ્યું હતું કે, કબ્રસ્તાનનો પ્રશ્ન હવે ઉકેલાઈ ગયો છે. સાથે જ તેમણે ઉમેર્યું, "તેમનો મૃતદેહ એ જ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો છે. હવે તેની સામે કોઈ વાંધો નથી ઉઠાવતું. અમે દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરીએ છીએ. ચર્ચના અભિગમમાં કોઈ ભેદભાવ દાખવવામાં આવતો નથી."
ચર્ચમાં અસ્પૃશ્યતા રાખવામાં આવતી હોવાના આરોપ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું, "એ સાચું છે કે, ભૂતકાળમાં અમુક ઘટનાઓ બની છે. અમે તેને સુધારી રહ્યા છીએ. અમે ચર્ચ વતી જણાવ્યું છે કે, 'કોઈપણ પ્રકારનો ભેદભાવ ન થવો જોઈએ.'"
આગળ તેમણે કહ્યું હતું, "અમે તે મુદ્દો ઉકેલી નાખ્યો છે. ભવિષ્યમાં આવો પ્રશ્ન ઉદ્ભવવાની કોઈ શક્યતા નથી."
'તે હવે જ્ઞાતિનો મુદ્દો બની ગયો છે' - તહેસીલદાર
થુરૈયુરનાં તહેસીલદાર ચિત્રા કહે છે, "એક તબક્કે, આ પ્રશ્ન જ્ઞાતિવાદનો મુદ્દો બની ગયો હતો."
બીબીસી તામિલ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, "અદાલતનો ચુકાદો અનુસૂચિત ખ્રિસ્તી લોકોની તરફેણમાં આવ્યો છે. દ્વિપક્ષી મંત્રણા પછી અમે પોલીસ સુરક્ષા હેઠળ મૃતદેહને દફનાવ્યો હતો. તેમાં કોઈને નુકસાન પહોંચ્યું નથી."
ચિત્રાએ વધુમાં કહ્યું હતું, "આ મામલે જ્ઞાતિ આધારિત ભેદભાવ દાખવવાની કોઈ વાત નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન