બૅન્કના લૉકરમાં દાગીના મૂકનારનું મોત થઈ જાય તો ઘરેણાં કોને મળે?

    • લેેખક, ઝેવિયર સેલ્વકુમાર
    • પદ, રિપોર્ટર, બીબીસી તામિલ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કોઈમ્બતૂરમાં એક નિવૃત્ત આચાર્યએ એવી ફરિયાદ નોંધાવી છે કે, બૅન્કના એક લૉકરમાં તેમનાં સ્વર્ગસ્થ પત્ની દ્વારા રાખવામાં આવેલા 80 તોલા સોનાના દાગીના બૅન્કે તેમની પરવાનગી વિના જ સંબંધીઓને આપી દીધા હતા.

જોકે, બૅન્ક અને પોલીસનું કહેવું છે કે, તે નામથી લૉકર હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. તેમનાં મૃતક પત્નીના સંબંધીઓએ પણ આ આરોપો નકારી દીધા છે.

આ ઘટનાને કારણે લોકોમાં એક સવાલ ઊઠ્યો છેઃ "જો બૅન્કના લૉકરમાં ઘરેણાં અને સિક્યૉરિટીઝ જેવી ચીજો મૂકનારી વ્યક્તિનું મૃત્યુ થાય, તો તે લૉકર અને તેમાં રાખેલી ચીજવસ્તુઓની માલિકી કોની બને છે?"

પત્નીનાં ઘરેણાં વિશે પતિએ ફરિયાદ નોંધાવી

કોઈમ્બતૂરના સુલતાનપેટના હાઇસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ મુરુગેસનએ 16મી જુલાઈના રોજ કોઈમ્બતૂર શહેર પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કર્યો હતો કે, તેમનાં દિવંગત પત્ની ચાંદનીએ સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાની પોદાનુર શાખાના લૉકરમાં રાખેલાં 80 તોલા સોનાનાં ઘરેણાં બૅન્કના અધિકારીઓએ કાયદેસરના વારસદાર તરીકે તેમને સોંપવાને બદલે તેમનાં પત્નીનાં સંબંધીઓને આપી દીધાં હતાં.

એક સરકારી શાળાનાં નિવૃત્ત શારીરિક શિક્ષણ (પીટી) શિક્ષિકા એવાં ચાંદનીનું ત્રીજી ઑગસ્ટ, 2024ના રોજ કિડની ફેલ થઈ જવાને કારણે અવસાન થયું હતું. આ દંપતીને કોઈ બાળક ન હતું. મુરુગેસને બીબીસી તામિલને જણાવ્યું હતું કે, તેમના અવસાન પહેલાં, ચાંદનીએ તેમનાં નાણાં, દાગીના અને અસ્કયામતોની વિગતો ધરાવતા એક પત્ર (ડિક્લેરેશન) પર સહી કરી હતી.

મુરુગેસને તેમની ફરિયાદમાં એવો આરોપ લગાવ્યો હતો કે, તે પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાની પોદાનુર શાખાના લૉકરમાં 80 તોલા સોનું રાખવામાં આવ્યું હતું અને તેમનાં પત્નીની બે બહેનો અને તેમના પતિએ બૅન્ક મૅનેજરની મદદથી તે દાગીના લઈ લીધા હતા.

મુરુગેસને આપેલા ટાઈપ થયેલા દસ્તાવેજમાં ચાંદની અને બે સાક્ષીઓની સહી હતી. જોકે, બીબીસીને દસ્તાવેજ પર સહી કરનારા સાક્ષીઓ તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. મુરુગેસને એમ પણ જણાવ્યું હતું કે, લૉકર હતું એ પુરવાર કરવા માટે તેમની પાસે બૅન્કના દસ્તાવેજો પણ ન હતા.

પોદાનુરના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક કુમારે જણાવ્યા મુજબ, "અમે તમામ સ્તરે તપાસ કરી છે. આ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી નથી, કારણ કે, ફરિયાદીએ ફરિયાદ માટે કોઈ પુરાવા આપ્યા ન હતા." પોલીસે બીબીસી તામિલને એમ પણ જણાવ્યું હતું કે, બૅન્કે તેમને લેખિતમાં જણાવ્યું હતું કે, શાખામાં ચાંદનીના નામથી કોઈ લૉકર જ નહોતું.

ચાંદનીનાં નાનાં બહેન થિલ્લઈ નાયકીએ કહ્યું હતું, "આ સાવ જૂઠ્ઠા અને ઉપજાવી કાઢેલા આક્ષેપો છે. જો પુરાવો હોય, તો તેમણે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ."

બૅન્ક લૉકર સિસ્ટમ શું હોય છે?

બીબીસી તામિલે સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાના લૉકરની જાળવણી કરનારા એક અધિકારી સાથે વાત કરી હતી. નામ ન જણાવવાની શરતે તે અધિકારીએ કહ્યું હતું, "બૅન્ક લૉકરની બાબતમાં, દરેક બૅન્ક તેની અલગ ફી અને નિયમો ધરાવતી હોય છે. સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયાના કિસ્સામાં, જો લૉકર ખાલી હોય, તો જ તે માત્ર પ્રાથમિકતાના ધોરણે ફાળવવામાં આવે છે. તે માટેની ફી પણ અલગ હોય છે."

બૅન્કના અધિકારીઓએ સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાનાં લૉકર્સના પ્રકારો, સાઇઝ અને ચાર્જ વિશેની વિગતો પણ આપી હતી. તે અનુસાર, ત્યાં ચાર સાઇઝનાં લૉકર ઉપલબ્ધ હોય છેઃ નાનાં, મધ્યમ, વિશાળ અને અતિ વિશાળ કદનાં.

બૅન્કના અધિકારીઓએ સમજાવ્યું હતું, "તે માટેની રજિસ્ટ્રેશન ફી પણ લૉકરની સાઇઝ પ્રમાણે જુદી-જુદી હોય છે. વળી, લૉકરના કદના આધારે જ તેની વાર્ષિક ફી પણ જુદી હોય છે. આ ફી શહેરી અને મેટ્રો શહેરોમાં ઊંચી હોય છે, જ્યારે ગ્રામીણ તથા અર્ધ-શહેરી વિસ્તારોમાં ઓછી હોય છે. તેના પર જીએસટી પણ વસૂલવામાં આવે છે."

તેમના જણાવ્યા પ્રમાણે, લૉકરની ફી ચૂકવવામાં મોડું થાય, તો વિલંબના દરેક ત્રિમાસિક ગાળા બદલ 10 ટકાનો સરચાર્જ લાગુ પડે છે અને દર વર્ષે 40 ટકા સુધીનો સરચાર્જ લાગે છે.

ઘરેણાં લૉકરમાં રાખનારી વ્યક્તિ મૃત્યુ પામે, તો તે ઘરેણાં કોને મળે?

સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાના કિસ્સામાં, બૅન્ક લૉકર વ્યક્તિગત નામે કે પછી પતિ અને પત્ની, બંને દ્વારા અથવા તો બંને દ્વારા જોઇન્ટ એકાઉન્ટમાં રાખી શકાય છે.

બૅન્ક અધિકારીઓએ એમ પણ નોંધ્યું હતું કે, "બંને પક્ષો જોઇન્ટ એકાઉન્ટ લૉકરમાં રહેલી વસ્તુ લેવા માટે સાથે કે અલગ-અલગ આવી શકે છે. અલબત્ત, જો લૉકર કોઈ એક વ્યક્તિના નામે હોય, તો તેણે પોતાની જગ્યાએ અન્ય વ્યક્તિને નોમિની તરીકે નીમવાની રહે છે."

"જો કોઈ વ્યક્તિ લૉકર પોતાના નામે રાખવા માગતી હોય, તો તેણે એક નોમિની નિયુક્ત કરવી અનિવાર્ય છે. તે વ્યક્તિ પતિ હોય કે પત્ની હોય અથવા તો લોહીનો સંબંધ ધરાવતી હોય, તે જરૂરી નથી. તે લૉકર ધારકનો કોઈ વિશ્વાસપાત્ર માણસ પણ હોઈ શકે છે. પણ લૉકર ધરાવનારી વ્યક્તિના મોત પછી જ તેમાં રહેલા દાગીના કે અન્ય ચીજો નોમિનીને સોંપવામાં આવશે."

સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાના અધિકારીએ સમજાવ્યું હતું, "સામાન્યપણે, લૉકર ધારક પાસે એક ચાવી હોય છે અને તે લૉકરની જાળવણી કરનારા બૅન્ક અધિકારી પાસે એક ચાવી હોય છે. લૉકર ફક્ત ત્યારે જ ખોલી શકાય છે, જ્યારે બંને ચાવીઓનો એક સાથે ઉપયોગ કરવામાં આવે. આ બે પૈકીની ફક્ત એક ચાવીથી લૉકર ખૂલી શકતું નથી."

મુરુગેસનની પોલીસ ફરિયાદમાં મુખ્ય આરોપ એ કરાયો હતો કે, તેમની પત્નીના અવસાન પછી બૅન્કના અધિકારીઓએ કોઈમ્બતૂરમાં ચાંદનીના નામના લૉકરમાં રાખેલા દાગીના તેમના વારસદાર એવા મુરુગેસનની સલાહ લીધા વિના જ અન્ય લોકોને આપી દીધા હતા. જોકે, બૅન્કની શાખાના સંબંધિત સંચાલકોએ આ આરોપો નકારી કાઢ્યા હતા.

બીબીસી સમક્ષ આ વિશે સ્પષ્ટતા કરતાં સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાની પોદાનુર શાખાના મૅનેજર મહેશ્વરને કહ્યું હતું, "મેં હજુ ગયા મે મહિનામાં જ અહીં ચાર્જ સંભાળ્યો છે. પોલીસ ભૂતપૂર્વ શાખા મૅનેજરની અને અહીંના અધિકારીઓની આ વિશે પૂછપરછ કરી ચૂકી છે. એ નક્કી છે કે, ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલી વ્યક્તિના નામે અહીં કદીયે કોઈ લૉકર હતું નહીં."

"જો તે કોઈ વ્યક્તિ દ્વારા વાપરવામાં આવતું લૉકર હોય, તો તેના માટે નોમિનીની નિયુક્તિ થવી અનિવાર્ય છે. જો તે વ્યક્તિનું મૃત્યુ થાય, તો પણ લૉકરની ચીજો તેના નોમિનીને સોંપવામાં આવશે. બૅન્કનું મૅનેજમેન્ટ બૅન્કના દસ્તાવેજમાં નોમિની તરીકે નામાંકિત હોય, માત્ર તે વ્યક્તિને જ લૉકરની ચીજો સોંપશે. બૅન્કના નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે, તે ચીજો કાયદેસરના વારસદારને જ સોંપવી જોઈએ," એમ બૅન્કના શાખા મૅનેજર મહેશ્વરને કહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.