You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

Live, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવની PM નિવાસની બહાર અટકાયત, દિલ્હીમાં કેવો માહોલ?

દિલ્હીના જંતરમંતર પર કૉક્રોચ જનતા પાર્ટીનું વિરોધપ્રદર્શન ચાલી રહ્યું છે. તો કૉંગ્રેસ પીએમ મોદીના નિવાસની બહાર ધરણાં કર્યાં છે. દિલ્હીમાં જંતરમંતર પર હજારો લોકો એકઠા થયા છે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર તેઓ અડગ છે.

લાઇવ કવરેજ

  1. યુપીમાં સોનમ વાંગચુકના સમર્થનમાં માર્ચ નીકાળવા બદલ ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા

    ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં સોનમ વાંગચુકના સમર્થનમાં એકલ કૂચનું નેતૃત્વ કરનાર જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરને મહારાજા સુહેલદેવ ઑટોનોમસ ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજે સસ્પેન્ડ કરી દીધા છે.

    સસ્પેન્ડ કરાયેલા ડૉક્ટર રૂપક ઇખે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના રહેવાસી છે અને બહરાઇચ મેડિકલ કૉલેજમાં જુનિયર રેસિડેન્ટ તરીકે કાર્યરત્ છે.

    સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે ડૉ. રૂપક શહરના ડિગીહા તિરાહાથી એકલા પગપાળા માર્ચ કરીને જિલ્લા મૅજિસ્ટ્રેટના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

    આ દરમિયાન તેમણે સોનમ વાંગચુકના સમર્થનમાં સંદેશ લખેલું બેનર પકડ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તેઓ પોતાને સોનમ વાંગચુકના અભિયાનના સમર્થક ગણાવતા દેખાયા હતા.

    વીડિયો સામે આવ્યા બાદ મેડિકલ કૉલેજ પ્રશાસને આ બાબતની નોંધ લીધી અને ડૉ. રૂપક ઇખેને સસ્પેન્ડ કર્યા.

    કૉલેજના પ્રિન્સિપાલ સંજય ખત્રીએ બીબીસી ન્યૂઝ હિન્દીને જણાવ્યું, "સોનમ વાંગચુકના ફેવરમાં પ્રદર્શન કરતાં રૂપક ઇખે એકલા જિલ્લા મૅજિસ્ટ્રેટની ઓફિસમાં સુધી ગયા હતા."

    તેમણે વધુમાં કહ્યું, "સરકાર વિરોધી કાર્યો કરવા એ બંધારણની વિરુદ્ધ છે, તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."

    સંજય ખત્રીએ બીબીસી હિન્દીને જણાવ્યું, "આ મામલાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. તેમના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવશે ત્યાં સુધી તેઓ (ડૉ. રૂપક ઇખે) દર્દીઓને જોઈ શકશે નહીં કે અંદર જઈ શકશે નહીં."

    ડૉ. રૂપક ઇખેએ બીબીસી હિન્દી સાથે વાત કરતાં કહ્યું કે આ મામલો તપાસ હેઠળ હોવાથી, તેઓ તેના પર કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી.

  2. સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલથી મેદાંતા માટે રવાના

    દિલ્હી હાઈકૉર્ટ તરફથી ખાનગી હૉસ્પિટલમાં ખસેડવાની પરવાનગી મળ્યા બાદ સોનમ વાંગચુકને હરિયાણાના ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, વાંગચુકને લઈ જતી ઍમ્બ્યુલન્સ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલથી રવાના થઈ ગઈ છે. શિક્ષણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક નીટ પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ સામે 28 જૂનથી દિલ્હીના જંતર મંતર ખાતે ભૂખ હડતાળ પર હતા. શનિવારે સવારે પોલીસે તેમને જંતર-મંતર પરથી ઉપાડીને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કર્યા.

    વાંગચુકની પત્ની ગીતાંજલી અંગમોએ રવિવારે દિલ્હી હાઈકૉર્ટમાં આની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જોકે, હાઈકોર્ટે તે દિવસે આ મામલે કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.

    દિલ્હી હાઈકૉર્ટે મંગળવારે સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી ખસેડવાનો આદેશ આપ્યો હતો.

  3. કૉંગ્રેસનો દાવો: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી

    વડા પ્રધાન નિવાસસ્થાનની બહાર વિરોધપ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધીની અટકાયત કરી લેવામાં આવી છે. કૉંગ્રેસે આવો દાવો કર્યો છે.

    સમાચાર એજન્સી એએનઆઈના વીડિયોમાં પણ પ્રિયંકા ગાંધીને પોલીસની બસમાં લઈ જવાતા જોવા મળે છે.

    બીબીસી સંવાદદાતા સુમેધા પાલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની સાથે અખિલેશ યાદવની પણ અટકાયત કરવામાં આવી છે.

    આ પહેલાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ રાહુલ ગાંધીને મળ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેમનો વ્યવહાર લોકશાહી માટે સારો નથી.

    જિતેન્દ્રસિંહે લખ્યું હતું કે, "રાહુલ ગાંધીએ કહ્યું કે જો સરકાર સંસદમાં નીટ પર ચર્ચા કરવા માટે સંમત થાય, તો તેઓ તાત્કાલિક પોતાનો વિરોધ સમાપ્ત કરશે. થોડીવારમાં, સરકારના ટોચના નેતૃત્વ પાસેથી પરવાનગી મેળવ્યા પછી અમે રાહુલ ગાંધીને ખાતરી આપી કે તેમની માગ સ્વીકારવામાં આવી છે અને સરકાર નીટ તથા સંબંધિત આંદોલનને લગતા તમામ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર છે. પરંતુ પછી તેમણે બે વધુ શરતો ઉમેરી દીધી."

  4. તસવીરોમાં જુઓ : વડા પ્રધાન નિવાસસ્થાનની બહાર કેવો માહોલ છે?

    રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તથા મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા પર બેસી ગયા છે.

    તેમની માગ છે કે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તથા વિદ્યાર્થીઓને ન્યાય મળે.

    એ પહેલાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

  5. વડા પ્રધાન નિવાસસ્થાનની બહાર રાહુલ ગાંધી ધરણા પર, કૉંગ્રેસે શું એલાન કર્યું?

    દિલ્હીમાં ચાલી રહેલા કૉક્રોચ જનતા પાર્ટીના વિરોધપ્રદર્શનની સમાનાંતરે હવે એક નવું વિરોધપ્રદર્શન શરૂ થયું છે.

    રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કૉંગ્રેસના મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓએ વડા પ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કર્યો છે અને ત્યાં ધરણા પર બેસી ગયા છે.

    ત્યાં હાજર કૉંગ્રેસ નેતા પવન ખેડાએ એલાન કર્યું છે કે, “જ્યાં સુધી વિદ્યાર્થીઓ અને યુવાનોને ન્યાય ન મળી જાય, ત્યાં સુધી કૉંગ્રેસ પાર્ટી, અમારા નેતા અને અમે લોકો પીએમ નિવાસસ્થાનની બહારથી હઠવાના નથી.”

    તેમણે કહ્યું હતું કે, “દિવસ થશે કે રાત, નરેન્દ્ર મોદીને બહાર નીકળવું પડશે. અમારી સૌને અપીલ છે કે જે લોકો જ્યાં પણ છે ત્યાંથી અહીં આવે અને ધરણા પર બેસી જાય.”

    તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમે અહીંથી હઠીશું નહીં.

    અહીં ઉલ્લેખનીય છે કે થોડીવાર પહેલાં જ રાહુલ ગાંધીને મળવા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ આવ્યા હતા.

  6. “મોદીજી, આ વખતે તો બિલકુલ નહીં...” – રાહુલ ગાંધીએ શું કહ્યું?

    વડા પ્રધાન નિવાસસ્થાનની બહાર કૉંગ્રેસ નેતાઓ સાથે ધરણા પર બેસેલા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.

    તેમણે ઍક્સ પર લખ્યું હતું કે, “વિદ્યાર્થીઓ પર હુમલો એ દરેક ભારતીય પરિવાર પર હુમલો છે.”

    “વડા પ્રધાન મોદીને લાગે છે કે તેઓ જવાબ આપ્યા વગર, કોઈ પરિણામનો સામનો કર્યા વગર બચીને નીકળી જશે. નહીં નીકળી શકો, આ વખતે તો બિલકુલ નહીં.”

    રાહુલ ગાંધીએ લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, “જે દેશભક્ત ભારતીયો એવું માનતા હોય કે આપણા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ તે વડા પ્રધાન નિવાસસ્થાનની બહાર અમારા પ્રદર્શનમાં સામેલ થાય.”

    તેમણે કહ્યું હતું કે ભારતના વિદ્યાર્થીઓના અવાજને નજરઅંદાજ નહીં કરી શકાય.

  7. દિલજીત દોસાંઝે કહ્યું, "હવે મને પણ રાષ્ટ્રવિરોધી કહેવામાં આવશે"

    સોમવારે કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થનમાં આંદોલન કરી રહેલા લોકો સામે પોલીસની કાર્યવાહી અંગે પંજાબી ગાયક દિલજીત દોસાંઝે પ્રતિક્રિયા આપી છે.

    દિલજીત દોસાંઝે કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે આવો વ્યવહાર ન થવો જોઈતો હતો. વહીવટીતંત્રે તેમની માંગણીઓ સાંભળવી જોઈએ.

    તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, "આજે (સોમવારે) જે બન્યું તે ખૂબ જ ખોટું હતું. વિદ્યાર્થીઓ સાથે આવો વ્યવહાર ન થવો જોઈતો હતો. હું વહીવટીતંત્રને વિદ્યાર્થીઓની માંગણીઓ સાંભળવા અપીલ કરું છું. લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે."

    તેમણે આગળ લખ્યું, "મને પહેલાં પણ ઘણી વખત રાષ્ટ્રવિરોધી કહેવામાં આવ્યો છે. હવે પણ મને રાષ્ટ્રવિરોધી કહેવામાં આવશે. ખેડૂત આંદોલન પછી પણ મારે ઘણા વિરોધ અને કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હું તેના વિશે વાત પણ કરવા માંગતો નથી."

    અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં અભિનેતા સોનુ સૂદ, રિતેશ દેશમુખ, રણવીર શૌરી, અભિનેત્રીઓ જેનેલિયા અને ભૂમિ પેડણેકર સહિત ઘણા સેલેબ્સે વિદ્યાર્થીઓના સમર્થનમાં નિવેદનો જાહેર કર્યા છે.

  8. પીએમ નિવાસસ્થાનની બહાર બેસેલા રાહુલ ગાંધીને મળવા કેન્દ્રીય મંત્રી પહોંચ્યા

    દિલ્હીમાં વડા પ્રધાનના નિવાસસ્થાનની બહાર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કૉંગ્રેસના અન્ય સાંસદો અને નેતાઓ ધરણા પર બેસેલા છે.

    હવે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ લોકકલ્યાણ માર્ગ પહોંચ્યા છે અને રાહુલ ગાંધીને મળી રહ્યા છે.

    સમાચાર એજન્સી એએનઆઈએ તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.

    એએનઆઈનું કહેવું છે કે તેમની સાથે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન પણ હાજર હતા.

    વીડિયોમાં રાહુલ ગાંધી અને જિતેન્દ્રસિંહ વાત કરવા નજરે પડે છે.

  9. કૉક્રોચ જનતા પાર્ટી દ્વારા વિજેતા દહિયાને પ્રવક્તા પદ પરથી દૂર કરવામાં આવ્યા

    કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ ઍક્સ પરની એક પોસ્ટમાં કહ્યું છે કે વિજેતા દહિયાને પ્રવક્તા પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.

    સીજેપીએ લખ્યું, "અમે અમારા પ્રવક્તા, વિજેતા દહિયાના અત્યંત અસંવેદનશીલ વર્તનની સખત નિંદા કરીએ છીએ, જેમણે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ અને અમારી ટીમ ક્રૂર પોલીસ હિંસાનો સામનો કરી રહી હતી ત્યારે વીડિયો રિલીઝ કર્યો હતો."

    "આવું વર્તન અસ્વીકાર્ય છે, તે સમજણનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે અને આ અમારા આંદોલનના મૂલ્યો અને સિદ્ધાંતોની સંપૂર્ણપણે વિરુદ્ધ છે."

    સીજેપીએ કહ્યું છે કે વિજેતા દહિયાને પ્રવક્તા પદ તેમજ અન્ય તમામ સત્તાવાર જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

  10. રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના સાંસદોએ પીએમ નરેન્દ્ર મોદીના નિવાસ બહાર ધરણાપ્રદર્શન શરૂ કર્યું

    શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે કૉક્રોચ જનતા પાર્ટી(સીજેપી)નું જંતર-મંતર પર વિરોધપ્રદર્શન ચાલુ છે.

    આ દરમિયાન, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસના સાંસદોએ 7 લોક કલ્યાણ માર્ગ ખાતે વડા પ્રધાનના સરકારી નિવાસની બહાર વિરોધપ્રદર્શન શરૂ કર્યું છે.

    સોમવારે સંસદ ચલો કૂચ દરમિયાન વિરોધીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં ઘણા યુવાનો ઘાયલ થયા હતા.

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને પીએમ આવાસની બહાર કૉંગ્રેસના સાંસદો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનની જાણકારી આપી.

    તેમણે એક્સ પર લખ્યું, "અમે ગઈકાલે યુવા સ્ટુડન્ટ્સ પર થયેલી ક્રૂરતાને લઈને પીએમ મોદી પાસેથી જવાબ લેવા માટે તેમના ઘર સુધી માર્ચ કરી છે."

    "સરકાર કોઈ જવાબદારી લેવા માંગતી નથી કે સંસદમાં આ અંગે ચર્ચા કરવા માંગતી નથી. ભારતના યુવાનોના ભવિષ્યને બરબાદ કરવા બદલ વડા પ્રધાન અને ગૃહ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ."

  11. કૉક્રોચ પાર્ટીના અભિજિત દીપકેએ સમર્થકોની માફી કેમ માગી?

    કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સંસ્થાપક અભિજિત દીપકેએ પોતાના સમર્થકોની માફી માગી છે.

    તેમણે કહ્યું કે "દિલ્હીમાં પોલીસની કાર્યવાહીથી પ્રદર્શનકારીઓને બચાવવા માટે તેઓ વધુ સારા પ્રયાસ કરી શકે તેમ હતા."

    અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ લખીને જણાવ્યું કે, "હું મારા તમામ સમર્થકો, ખાસ કરીને એ છોકરીઓની માફી માગું છું જેમને પુરુષ પોલીસ અધિકારીઓએ નિર્દયતાથી માર માર્યો હતો. અમે આનાથી સારું કરી શકતા હતા. દિલ્હી પોલીસની અમાનવીય કાર્યવાહીથી તમને બચાવવા માટે વધુ સારું કરી શકતો હતો."

    તેમણે લખ્યું છે કે "20થી વધુ વિદ્યાર્થીઓનાં મોત માટે જવાબદાર છે, તે ધર્મેન્દ્ર પ્રધાનને બચાવવા માટે સરકાર અનેક યુવાન વિદ્યાર્થીઓનું લોહી વહાવવા માટે તૈયાર હતી. જો તમે ઘાયલ હોવ અને આને જોતા હોવ તો મને ડીએમ કરો. હું તમારી સાથે વ્યક્તિગત રીતે વાત કરવા માગું છું અને માફી માગવા ઇચ્છું છું."

    દીપકેએ કહ્યું કે તેમનો પક્ષ આગળ પણ સમર્થકો માટે લડાઈ ચાલુ રાખશે.

    સોમવારે સીજેપી દ્વારા આયોજિત 'સંસદકૂચ' દરમિયાન અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. અભિજિત દીપકેએ તેમાંથી ઘણા ઘાયલો સાથે મુલાકાત પણ કરી છે.

  12. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર તમારું સ્વાગત છે, આ પેજ પર તમને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શનની મહત્ત્વની અપડેટ્સ મળતી રહેશે.

    દિલ્હીના જંતરમતર પર કૉક્રોચ જનતા પાર્ટીનું વિરોધપ્રદર્શન છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે. ગઈકાલે તેમણે સંસદ તરફ કૂચ કરવાની કોશિશ કરી હતી. આજે પણ તેઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.

    તમામ મહત્ત્વના સમાચારો મેળવવા બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.