બાળકોના જન્મ પછી હૉસ્પિટલમાં એવું શું બન્યું કે પાંચ માતાએ ઇચ્છામૃત્યુની માગ કરી

    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, બીબીસી હિંદી માટે, જયપુરથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

"અમને નવું જીવન આપો અથવા ઇચ્છામૃત્યુની મંજૂરી આપો."

રાજસ્થાનની સરકારી હૉસ્પિટલમાં ડાયાલિસીસના સહારે જીવન ગુજારતી પાંચ મહિલાએ આવી અપીલ કરી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પત્ર લખીને ઇચ્છામૃત્યુની માગણી કરી છે.

આ મહિલાઓનું કહેવું છે કે તેઓ પ્રસૂતિ માટે સરકારી હૉસ્પિટલમાં આવી હતી, પરંતુ હવે તેમણે અઠવાડિયામાં બે વખત ડાયાલિસીસ કરાવવું પડે છે.

તે પૈકી એક મહિલા ધન્લી સુમન કહે છે કે "ડાયાલિસીસથી તો અમે પાંચ-છ મહિના જીવી શકીશું. અમને ઇચ્છામૃત્યુ આપો અથવા અમારું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો."

જોકે, આ મહિલાઓ સાથે વાસ્તવમાં શું થયું છે તેના વિશે જે તપાસ થઈ, તેનો રિપોર્ટ હજુ સુધી જાહેર નથી થયો.

રાજસ્થાનના અલગ-અલગ જિલ્લામાં ઑપરેશનથી બાળકોને જન્મ આપ્યાં પછી મહિલાઓની તબિયત બગડવાના અને મૃત્યુ થવાના કેસ સતત આવી રહ્યા છે.

આ મામલે સરકાર પોતાના તર્ક આપે છે, જ્યારે વિપક્ષે સરકાર પર મામલો દબાવવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતનું કહેવું છે કે "સત્તાના અહંકારમાં ડૂબેલી ભાજપ સરકારે સમયસર વિપક્ષ અને પીડિતોનો અવાજ સાંભળ્યો હોત તો આજે આ શરમજનક નોબત આવી ન હોત. આજે એવી સ્થિતિ છે કે લાચાર પીડિતાઓએ રાષ્ટ્રપતિ સમક્ષ ઇચ્છામૃત્યુની માગણી કરવી પડી છે."

આ મામલે બીબીસીએ સરકારનો પક્ષ જાણવા રાજ્યના મુખ્ય સચિવ વી શ્રીનિવાસ, આરોગ્ય મંત્રી ગજેન્દ્રસિંહ ખીંવસર અને આરોગ્ય વિભાગના સચિવ ગાયત્રી રાઠોડનો સંપર્ક કરવા વારંવાર પ્રયાસ કર્યો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

'પાંચ મહિલાનાં મોત થયાં, પાંચ મહિલા ડાયાલિસીસ પર'

છેલ્લા અઢી મહિના દરમિયાન રાજસ્થાનના કોટા, બિકાનેર, જોધપુર, ભીલવાડા અને બાંસવાડા જિલ્લામાં પ્રસૂતિ પછી મહિલાઓનાં મોત નીપજ્યાં હોય તેવી ઘણી ઘટનાઓ બની છે.

તેની શરૂઆત 4થી 7 મે દરમિયાન કોટામાં થઈ હતી. સરકારી હૉસ્પિટલમાં 18 મહિલાઓને પ્રસવપીડા પછી દાખલ કરાયાં હતાં. તેમણે ઑપરેશન દ્વારા બાળકોને જન્મ આપ્યો હતો.

કોટાની સરકારી સુપર સ્પેશિયાલિટી ન્યૂ મેડિકલ કૉલેજ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર નીલેશ જૈને બીબીસી ન્યૂઝ હિંદીને કહ્યું કે "પાંચ મહિલાના મોત થયાં હતાં. હજુ પાંચ મહિલાના ડાયાલિસીસ ચાલુ છે."

કોટાની આ પાંચ મહિલાઓની કિડનીઓ ફેલ થઈ ગઈ છે અને છેલ્લા 72 દિવસથી અઠવાડિયામાં બે વખત ડાયાલિસીસ કરાવવું પડે છે.

કોટા પછી બિકાનેરમાં પણ આવા કેસ નોંધાયા જેમાં પાંચ મહિલાઓનાં મોત થયાં છે. જોધપુરમાં પણ આવા મીડિયા રિપોર્ટ્સ છે. જોકે, કોઈ મૃત્યુના અહેવાલ નથી.

ત્યાર પછી ભીલવાડામાં પાંચ અને બાંસવાડામાં પણ ચાર મહિલાઓનાં મોતના સમાચાર આવ્યા હતા.

બે મહિના પછી પણ સરકારને ખબર નથી કે શું થયું

આ મામલે લોકોએ વિરોધપ્રદર્શનો કર્યાં, તપાસ સમિતિઓ રચવામાં આવી. હૉસ્પિટલના ઑપરેશન થિયેટર બંધ કરી દેવાયાં અને સૅમ્પલને તપાસ માટે મોકલાયા.

દિલ્હીસ્થિત એઇમ્સ અને જયપુરની ટીમો દ્વારા હૉસ્પિટલની તપાસ કરાવવામાં આવી. છતાં બે મહિના પછી પણ સરકાર એ જણાવવાની સ્થિતિમાં નથી કે આખરે તપાસ અહેવાલમાં શું આવ્યું છે.

ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ગેહલોતે તાજેતરમાં કોટામાં આ મહિલાઓ સાથે મુલાકાત પછી સરકાર પર રિપોર્ટની હકીકત છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.

પ્રસૂતિઓના ઑપરેશનમાં ઉપયોગ થતી કેટલીક દવાઓ પર પણ પ્રતિબંધ મુકાયો હતો. આરોગ્ય વિભાગે તરત મામલો શાંત કરવા બે આરોગ્ય કર્મચારીને સસ્પેન્ડ કરવાનાં પગલાં લીધાં હતા.

રાજ્યના આરોગ્યમંત્રી ગજેન્દ્રસિંહ ખીંવસારે આ મામલે મીડિયાને કહ્યું કે, "તમામ ઘટનાઓને એક જ કારણ સાથે જોડવી યોગ્ય નહીં ગણાય."

તેમણે કહ્યું કે, "નિષ્ણાતોના અભિપ્રાય મુજબ કેટલાય મામલામાં હાઈ બ્લડપ્રેશર, વધારે પડતું બ્લીડિંગ, ઇન્ફેક્શન અને બીજી હેલ્થ સમસ્યા ધ્યાનમાં આવી છે, જે લીવર અને કિડની ફેલ કરવા સુધીની સ્થિતિ પેદા કરી શકે છે."

કિડની ફેલ્યર પછી રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

ન્યૂ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર નિલેશ જૈને બીબીસી સાથે વાતચીતમાં સ્વીકાર્યું છે કે 11માંથી પાંચ પ્રસૂતાનાં મોત થયા છે અને પાંચની કિડની ફેલ થયા પછી તેમનું સતત ડાયાલિસીસ ચાલુ છે.

તેમણે જણાવ્યું કે પાંચ મહિલાઓ છેલ્લા 72 દિવસથી હૉસ્પિટલમાં દાખલ છે, જેમનું અઠવાડિયામાં બે વખત ડાયાલિસીસ કરવામાં આવે છે.

આ મહિલાઓ પોતાના નવજાત શિશુઓને પણ જોઈ શકી નથી. પાંચેય મહિલા કોટાના બહુ સાધારણ પરિવારમાંથી આવે છે.

રાગિણી મીણા, ધન્લી સુમન, પિંકી એરવાલ, આરતી ચોબદાર અને સુશીલા મહાવર નામનાં મહિલાઓએ રાષ્ટ્રપતિને પત્રર લખીને જણાવ્યું છે કે પ્રસૂતિ દરમિયાન ડૉક્ટરોની બેદરકારી અને તંત્ર તરફથી ધ્યાન ન આપવાના કારણે તેઓ કંટાળીને ઇચ્છામૃત્યુ માગે છે.

આ મહિલાઓએ સંયુક્ત રીતે એક પત્ર લખીને રાષ્ટ્રપતિને સ્પીડ પોસ્ટથી મોકલ્યો છે.

મહિલાઓએ રાષ્ટ્રપતિને લખ્યું છે કે "અમારે શારીરિક, માનસિક અને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. કિડની ફેલ થવાના કારણે અમે બે મહિનાથી ચોવીસ કલાકમાં માત્ર 500 મિલી પાણી પર જીવિત છીએ. અમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. દર 48 કલાકે ડાયાલિસીસ કરવું પડે છે. અમારા પતિઓના પ્રાઇવેટ કામધંધા છૂટી ગયા છે. અસહાય અને લાચાર સ્થિતિમાં ગરિમાપૂર્વક જીવવાનો કોઈ માર્ગ રહ્યો નથી."

મહિલાઓએ રાષ્ટ્રપતિને અંતિમ પ્રાર્થના કરતા લખ્યું છે કે, "તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીનો દોષિતોને આકરી સજા કરવામાં આવે તથા વળતર આપવામાં આવે. જો પ્રશાસન અમને ન્યાય આપવામાં અસમર્થ હોય તો અમારું જીવન સમાપ્ત કરવા માટે ઇચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે."

બીજી તરફ ન્યૂ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ, કોટાના સુપરિન્ટેન્ડેન્ટ નીલેશ જૈને બીબીસીને કહ્યું કે, "પાંચ મહિલાઓનું ડાયાલિસીસ ચાલુ છે. તેઓ ઇચ્છે છે કે તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ નિઃશુલ્ક અને ઝડપથી થવું જોઈએ. ત્યાર પછીનો ઇલાજ પણ મફત થવો જોઈએ."

બીમાર ધન્લી સુમને મીડિયાને કહ્યું કે "અમે ડાયાલિસીસના ભરોસે ક્યાં સુધી જીવીશું, વધુમાં વધુ છ મહિના."

અન્ય એક મહિલા રાગિણીએ બીબીસીને ફોન પર કહ્યું કે "ડાયાલિસીસ કરતા તો સારું છે કે અમને મોત આપવામાં આવે. ડાયાલિસીસથી ઊલટી, તાવ, માથા અને હાથપગમાં અસહ્ય પીડા થાય છે. અમારી કિડનીઓ ખરાબ થઈ ગઈ છે. અમારા પર શું વીતે છે તે અમે જ જાણીએ છીએ. તેથી અમે ઇચ્છામૃત્યુની માગણી કરી છે."

ડાયાલિસીસથી ઇનકાર કર્યો ત્યારે આશ્વાસન મળ્યું

મહિલાઓએ 13 જુલાઈએ ડાયાલિસીસ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર પછી તેમણે 15 જુલાઈએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, ત્યારે પ્રશાસને તેમની નોંધ લીધી હતી.

16 જુલાઈએ કોટાના અધિક જિલ્લા કલેક્ટર વિનોદ મલ્હોત્રા, સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલના અધીક્ષક ડૉ. નીલેશકુમાર જૈન અને નેફ્રોલૉજી વિભાગના એચઓડી ડૉક્ટર વિકાસ ખંડેલિયાએ આ મહિલાઓ અને તેમના સ્વજનો સાથે વાત કરી હતી.

આ વાતચીત પછી રાગિણી મીણાના પતિ લોકેશ મીણાએ બીબીસીને જણાવ્યું કે, "હૉસ્પિટલ અને જિલ્લા પ્રશાસન સાથે અમારી વાત થઈ છે. લેખિત આશ્વાસન પછી મહિલાઓનું ડાયાલિસીસ કરવામાં આવ્યું હતું."

આશ્વાસનપત્રમાં લખ્યું છે કે "પ્રસૂતાઓને હૉસ્પિટલમાં ડાયાલિસીસ અને બીજી તબીબી સુવિધાઓ સંપૂર્ણ મફત આપવામાં આવશે, કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટ્રેશન અને મફત કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવશે."

આ ઉપરાંત જણાવાયું છે કે, "સ્વજનોની સુવિધાના હિસાબે જોધપુર એઇમ્સ સહિત રાજ્યની કોઈ પણ હૉસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ત્યાર પછીનો બધો ઇલાજ મફત રહેશે."

બીજી તરફ ધન્લીએ રડતાં રડતાં મીડિયા સમક્ષ પોતાની પીડા જાહેર કરી હતી. તેમણે કહ્યું કે, "ડાયાલિસીસથી શરીર ઠંડું પડી જાય છે, ઊલટી થાય છે. અમને ચક્કર આવે છે અને શરીર બેજાન બની જાય છે."

કોટાના જિલ્લા કલેક્ટર પીયૂષ સામરિયાએ બીબીસીને ફોન પર જણાવ્યું કે, "કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એક મેડિકલ બોર્ડ હોય છે. અમને આરોગ્ય વિભાગને રિફર કર્યું છે. પરંતુ ડાયાલિસીસ જ્યારે ફેલ થાય અને શરીર રિસ્પોન્ડ ન કરે ત્યારે ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે."

નવજાત શિશુથી દૂર રહેવા માતાઓ લાચાર

રાગિણી મીણાને પહેલેથી બે દીકરી હતી અને હવે ત્રીજા બાળકને જન્મ આપ્યો છે, પરંતુ ત્યાર પછી તેઓ નવજાત શિશુનો ચહેરો પણ જોઈ શક્યા નથી. તેમના ભાઈ વિકાસ હૉસ્પિટલમાં જ હાજર છે.

વિકાસે બીબીસીને કહ્યું કે, "ચોથી મેએ બહેને બાળકને જન્મ આપ્યો હતો. પછી થોડા કલાકોમાં તબિયત બગડી અને સાતમી મેએ ડાયાલિસીસ શરૂ કરવામાં આવ્યું."

વિકાસ જણાવે છે, "મારી બહેન જ્યારે હૉસ્પિટલે આવી ત્યારે તેનું વજન 63 કિલો હતું, જે હવે ઘટીને 41 કિલો રહી ગયું છે. નવજાત બાળકની સંભાળ સાસરિયા રાખે છે."

રાગિણીના પતિ લોકેશે કહ્યું કે, "હું ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. શરૂઆતમાં મેડિકલ લીવ પર હતો. થોડા દિવસ રજા પર રહેવાના કારણે પગાર કપાઈ ગયો અને હવે નોકરી જ છૂટી ગઈ. પરિવારનું ગુજરાન મારી નોકરીથી ચાલતું હતું."

માત્ર રાગિણીના પરિવારની જ નહીં, પરંતુ પાંચેય પરિવારોની આવી સ્થિતિ છે.

ધન્લી સુમનના પતિ મોહનલાલ સુમન કહે છે, "અમારે પહેલેથી બે બાળકો હતાં. બંને સિઝેરિયનથી જન્મ્યાં હતાં. બાળકના જન્મ પછી થોડી જ વારમાં તેમને માતાથી દૂર કરવા પડ્યા. ધન્લી સુમનની આ પીડા હું પણ સમજી નથી શકતો."

તેઓ કહે છે, "ચોથી મેએ સાંજે ધન્લીએ બાળકને જન્મ આપ્યો. તે વખતે બંને બરાબર હતા અને રાત પણ ઠીક રહી. પાંચમી જુલાઈએ સવારે લગભગ પાંચ વાગ્યે બ્લીડિંગ શરૂ થયું. ફરી એક વાર ધન્લી સુમનનું ઑપરેશન થયું. ત્યાર પછી તેમને ગાયનેક વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં અને સાંજે કમળો થઈ ગયો."

મોહન કહે છે, "પાંચ જુલાઈની રાતે નેફ્રોલૉજીમાં સીધા વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યાં. ચાર દિવસ પર વૅન્ટિલેટર પર રહ્યાં. તેમણે બાળકને આઇસીયુમાં જોયું ત્યાર પછી જોયું જ નથી. બાળકને તેનાં ફોઈ સંભાળે છે."

સુશીલાના પતિ ઓમપ્રકાશે બીબીસીને ફોન પર જણાવ્યું કે, "આ અમારું પહેલું બાળક છે. સુશીલા હૉસ્પિટલમાં જિંદગી સામે લડી રહી છે અને હવે બાળકને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. માતાનું દૂધ ન મળવાના કારણે તેને પાઉડરનું દૂધ પીવડાવવું પડ્યું, જેના કારણે પેટમાં ગાંઠ થઈ ગઈ છે."

આરોગ્યની પ્રાથમિક સુવિધાઓનો સવાલ

રાજસ્થાનમાં મહિલા આરોગ્ય માટે કામ કરતી સંસ્થા 'જન સ્વાસ્થ્ય અભિયાન રાજસ્થાન'ના કો-ઑર્ડિનેટર છાયા પચૌલીએ બીબીસી સાથે વાતચીતમાં આ મામલાને બહુ ગંભીર ગણાવ્યો હતો.

તેમણે કહ્યું કે, "કોટા અને અન્ય જગ્યાએ પ્રસૂતાઓના મોતને માત્ર હૉસ્પિટલની બેદરકારી ગણાવીને ટાળી ન શકાય. તે માતાના આરોગ્યની વ્યવસ્થામાં જમીની સ્તરે ખામીથી લઈને મેડિકલ કૉલેજો સુધીની ખામીઓ દર્શાવે છે."

તેમના કહેવા પ્રમાણે "સવાલ એ છે કે જોખમી ગર્ભાવસ્થાની ઓળખ, દેખરેખ અને સમયસર મોટી હૉસ્પિટલોમાં રિફર કરવાની વ્યવસ્થા અસરકારક કેમ નથી."

છાયા પચૌલીએ કહ્યું કે, "જે હૉસ્પિટલોમાં આ મહિલાઓનો ઇલાજ થયો ત્યાં બધી નિર્ધારિત પ્રક્રિયા અને નિયમોનું પાલન થાય છે કે નહીં તે જોવું જરૂરી છે. આ ઉપરાંત પૂરતા નિષ્ણાત ડૉક્ટરો, નર્સ અને બીજા આરોગ્ય કર્મચારી હાજર હતા કે નહીં, દર્દીઓને ગુણવત્તાયુક્ત દવાઓ મળી કે નહીં તે જોવું પડે."

તેઓ કહે છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને મોટી હૉસ્પિટલો સુધી આરોગ્ય તંત્ર મજબૂત હોત, તો ઘણી મહિલાઓના જીવ બચાવી શકાયા હોત અને આરોગ્યની ગંભીર સમસ્યાઓને પણ રોકી શકાઈ હોત.

તેમણે કહ્યું, "સૌથી ચિંતાજનક વાત એ છે કે આ ઘટનાઓની તપાસ માટે રચાયેલી નિષ્ણાત સમિતિઓ, જેમાં એઇમ્સ દિલ્હીની ટીમ પણ સામેલ હતી, તેના રિપોર્ટ હજુ સુધી જાહેર કરાયા નથી."

પચૌલીએ માગણી કરી કે સરકાર પારદર્શિતા દેખાડે અને આ અહેવાલોને જાહેર કરે, જેથી કરીને મોતના અસલી કારણો જાણી શકાય, જવાબદારી નક્કી થઈ શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને બનતી રોકી શકાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન