બંગાળીની ખાડીમાં નવી સિસ્ટમ બની, ગુજરાતમાં હવે આ જિલ્લામાં વરસાદ પડશે

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગની જગ્યાએ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં સૌથી ભારે વરસાદ પડ્યો છે. તેવી જ રીતે સુરત, વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની આગાહી છે. તેની સાથે સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં 26 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગની આગાહી કહે છે.

બંગાળની ખાડીમાં સર્જાઈ સિસ્ટમ

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે અત્યારે શ્રી ગંગાનગર, રોહતક, હરદોઈ, વારાણસી, ડેલ્ટનગંજ, પુરુલિયા અને દીઘા પરથી એક ચોમાસાનો ટ્રફ પસાર થાય છે જે સમુદ્રની સપાટીથી 0.9 કિલોમીટરની ઊંચાઈએ સ્થિત છે.

ગઈ કાલે ઉત્તર ઝારખંડ અને બિહાર પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું હતું જે સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઉંચાઈએ સ્થિત હતું.

પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને નજીક કિનારાવર્તી આંધ્ર પ્રદેશ પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે. તેવી જ રીતે રાજસ્થાન અને પડોશી વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 3.1 અને 4.5 કિમીની ઊંચાઈએ એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં વરસાદ લાવશે.

ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડશે?

ગુજરાતમાં ચોમાસાની નવી સિસ્ટમ સક્રિય થયા પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 165 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના પરડીમાં સૌથી વધુ 8 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ચાલુ છે અને હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ અમુક જગ્યાએ હળવો વરસાદ પડવાની આગાહી છે.

હવામાન વિભાગના બુલેટિન અનુસાર 21 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડી શકે છે. આ તમામ વિસ્તારો માટે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે.

22 જુલાઈ બુધવારે પણ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

23 અને 24 જુલાઈ માટે ક્યાંય ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી, પરંતુ રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

25 અને 26 જુલાઈએ રાજ્યમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળે વરસાદ પડવાની આગાહી છે. સાબરકાંઠા જિલ્લામાં પણ 26 જુલાઈએ વરસાદ પડશે એવું હવામાન વિભાગની આગાહી કહે છે.

દરમિયાન મંગળવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને દિવસ દરમિયાન એકથી બે ઝાપટાં પડી શકે છે.

અત્યાર સુધીના આંકડા દર્શાવે છે કે કચ્છમાં માત્ર 3.42 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ફક્ત 14.66 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 20 ટકાની આસપાસ વરસાદ પડ્યો છે, સૌરાષ્ટ્રમાં 30 ટકાથી થોડો વધારે વરસાદ પડ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 43 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે અને હજુ પણ ચાર-પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી છે.

દેશના અન્ય ભાગોમાં વરસાદની આગાહી

દેશના અનેક ભાગોમાં હવે 26 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે.

રાજધાની નવી દિલ્હીના ઘણા વિસ્તારોમાં મંગળવારની સવારથી વરસાદ ચાલુ છે. હવામાનની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી દિલ્હી-એનસીઆર, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ, વીજળી પડવી અને તેજ પવન ચાલુ રહી શકે છે.

તેવી જ રીતે જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 26 જુલાઈ સુધી વરસાદ પડશે.

પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 23 જુલાઈ સુધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 24 જુલાઈ સુધી સારો વરસાદ પડવાની આગાહી છે.

તેની સાથે સાથે પૂર્વ રાજસ્થાનમાં 23થી 26 જુલાઈ દરમિયાન સારો વરસાદ પડશે. ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ આ વર્ષે વરસાદની ઘટ છે.

જમ્મુ અને કાશ્મીરમાં આગામી પાંચ દિવસ સુધી 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજસ્થાનના અનેક ભાગોમાં પણ પવનની ઝડપ 30થી 50 કિમી પ્રતિ કલાક રહેશે.

છત્તીસગઢ, પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ તથા વિદર્ભમાં 26 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. છત્તીસગઢમાં આખા અઠવાડિયા દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન