You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બિલાડીની જીભમાં કાંટા કેમ હોય છે ને ગાયની જીભ બીજાં પ્રાણીઓથી કઈ રીતે અલગ પડે?
- લેેખક, કેરોલિન સ્ટીલ અને જો ગ્લૅનવિલ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ, 'ક્રાઉડસાયન્સ' સિરીઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
જિરાફની માફક વાદળી, કીડીખાઉ જેવી લાંબી કે પછી કાચીંડા જેવી ઝડપી જીભ એ પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધુ બહુમુખી અને વૈવિધ્યસભર અંગો પૈકી એક છે...
અને સાથે જ આશ્ચર્યજનક પણ.
ઉદાહરણ તરીકે, તમામ પ્રકારના પોપટની માફક મકાઉ પક્ષીના "ગળાની અંદર એક હાડકું" હોય છે, એમ લંડન ઝૂનાં હૅડ કીપર જેસિકા રેએ બીબીસીને જણાવ્યું હતું.
"તે હાડકું થોડું તમારી પહેલી આંગળી (તર્જની) જેવું, સ્હેજ વળેલું દેખાતું હોય છે, પણ તે ચામડા જેવું અને એકદમ કાળું હોય છે. તે તેમને ખોરાક બરાબર પકડવામાં મદદ કરે છે. તે પક્ષીઓ તેમની ચાંચ વડે અખરોટ કે અન્ય કઠણ ફળને તોડે છે અને પછી તેને ફોલવા માટે જીભનો ઉપયોગ કરે છે, જેમાં તેઓ ખાવાનો ભાગ છૂટો પાડી દે છે અને વણજોઈતો ભાગ થૂંકી કાઢે છે."
આ ખાસિયતને રે "અદ્ભૂત" ગણાવે છે, ખાસ કરીને જો તમે અઢળક બીજ અને નટ્સ ખાતાં હો, તો. લાખો વર્ષોથી આ પ્રકારની જીભ સફળ પુરવાર થઈ છે... પછી ભલે સાંભળવામાં તે કોઈ હોરર ફિલ્મ જેવું લાગતું હોય.
પરંતુ, ઉક્રાન્તિ આપણા ઈતિહાસના અમુક તબક્કે મકાઉ અને માણસો સમાન પૂર્વજો ધરાવતાં હતાં. તો પછી આ પક્ષીઓનાં મોંમાં આંગળી જેવું અંગ કેવી રીતે વિકાસ પામ્યું, જ્યારે માનવી પાસે સપાટ, ગુલાબી સ્નાયુ (જીભ) કેવી રીતે આવ્યો? જીભ (વિકસવા)ની શરૂઆત ક્યારથી થઈ?
"આપણે માછલી જેવા પૂર્વજોમાંથી વિકાસ પામ્યાં છીએ અને તે પૂર્વજો પાણીમાં ખોરાક લેતા હતા, જ્યારે આખરે તેઓ જમીન પર વસવાટ તરફ વળ્યા, તે સમયે તેમને ખોરાક પકડવાનો ઉપાય અને મોંમાં તેને ચાવવાની રીત શોધવાની જરૂર પડી," એમ ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાની કુર્ટ શ્વેન્કે સમજાવ્યું હતું.
શિકાર પાણીમાં તરતો રહેતો હોવાથી ત્યાં તેણે ગુરુત્વાકર્ષણની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. મોટાભાગની માછલીઓ પ્રવાહી ખેંચવાનો ઉપયોગ કરે છેઃ તેઓ ઝડપથી તેમનું મોં તથા ગળું પહોળું કરે છે, જેથી પાણી અંદર ખેંચાય છે. ઝડપાઈ જતો કોઈપણ શિકાર માછલીનાં મોંમાં પ્રવેશે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ, જમીન પર, હવામાં ચીકાશ નથી હોતી, તેનો અર્થ એ કે, તરતા ખોરાકની સંભવિતતાનો છેદ ઉડી જાય છે.
"ગુરુત્વાકર્ષણને કારણે ખોરાક વજન ધરાવતો હોય છે, જેથી તમારે તેને ઉઠાવવો પડે છે અને મોઢામાં મૂકવો પડે છે. હું માનું છું કે, માછલીમાં અગાઉથી જ હાજર સ્નાયુમાંથી જીભનો વિકાસ થયો હતો," એમ અમેરિકાની યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ ખાતે ઇકૉલોજી તથા ઇવોલ્યુશનરી બાયૉલોજીના પ્રોફેસર કહે છે.
"શિકારને અંદર લેવાને બદલે તે તેમની જીભ બહાર નીકાળે છે, તેનાથી શિકારને પકડે છે અને તેને મોં તરફ લઈ જાય છે. અને એક વખત અંદર ગયા પછી તે તેને ઉઠાવી શકે છે, આગળ પાછળ હલાવી શકે છે અને તેને ગળવા માટે ગળાની નીચે ધકેલી શકે છે... આ બધી જ પ્રક્રિયાઓ પૂર્વજોના સમયમાં પાણી દ્વારા કરવામાં આવતી હતી."
પણ, આ તો હજુ શરૂઆત જ હતી.
કાપવા માટે, સૂંઘવા માટે...
જીભ કરોડો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે.
તેની શરૂઆત મોંમાં ખોરાક મૂકવા માટેના એક સરળ માર્ગ તરીકે થઈ હતી, અને સમય વીતવા સાથે તે એક બિલાડી અને કૂતરા વચ્ચેના તફાવત જેટલી અલગ બની ગઈઃ બિલાડીની પ્રજાતિમાં જીભ કાચ પેપર જેવી ખરબચડી હોય છે, જ્યારે શ્વાનની પ્રજાતિમાં તે એકદમ નરમ અને વધુ લવચિક હોય છે.
અમેરિકાની યુનિવર્સિટી ઓફ શિકાગો ખાતે ખોરાક પ્રણાલીના વિશેષજ્ઞ પ્રોફેસર કેલમ રોસ ભારપૂર્વક કહે છે, "પ્રાણીઓમાં જીભના આકારમાં ભિન્નતા પ્રવર્તે છે, તે પાછળનું મુખ્ય કારણ એ છે કે, પ્રાણીઓ શિકારને ઝડપવા માટે અલગ-અલગ રીતે તેનો ઉપયોગ કરે છે."
"શાકાહારી, માંસભક્ષી, અમૃતભક્ષી (નેક્ટરીવોરસ - ફૂલોના રસ ઉપર નભતાં પ્રાણીઓ) - આ તમામ પ્રાણીઓની જીભ જુદા-જુદા પ્રકારની હોય છે," એમ તેઓ ઉમેરે છે.
ઉદાહરણ તરીકે, ગાયના પેપિલી (અંકુરો) "બદલાઈ ગયેલા છે, જે તેમને ઘાસ પકડવામાં અને ઘાસને જીભથી જ કાપવામાં મદદ કરે છે."
સસ્તન વર્ગનાં તમામ પ્રાણીઓની જીભ પેપિલીથી ઢંકાયેલી હોય છે. પેપિલી એ નાનાં અંકુરો અથવા ટેકરીઓ (બમ્પ) હોય છે, જે મોંની અંદર ખોરાકને ફેરવવામાં અને અમુક સ્થિતિમાં સ્વાદ પારખવામાં મદદ પૂરી પાડે છે.
આમ, આપણા પૂર્વજો જમીન પર સરકવા માંડ્યા, તે પછી જીભનો ક્રમિક વિકાસ (ઉત્ક્રાંતિ) થયો અને ચોક્કસ કાર્યોમાં તેની જરૂરિયાત પ્રમાણે તે વિશિષ્ટતા ધારણ કરતી ગઈ.
દેડકાની ચીકણી જીભની માફક અમુક કિસ્સાઓમાં આ વ્યવસ્થા કોઈ અફલાતૂન પ્લાનનું પરિણામ હોય, એવું લાગે છે, પણ ઉત્ક્રાંતિ પાસે કોઈ પ્લાન હોતો નથી, તે માત્ર વસ્તીની અંદર થતા ફેરફારો છે. જેમાં, અમુક ફેરફારો ચોક્કસ જીવોને અસ્તિત્વ ટકાવી રાખવા માટેની તેમજ પોતાનાં જનીન (જીન્સ) આગામી પેઢીઓને પહોંચાડવા માટેની બહેતર તકો પૂરી પાડે છે.
ખાસ કરીને આપણને ખોરાક મેળવવામાં સહાયરૂપ થતા અંગ માટે આ પ્રક્રિયા વધુ મહત્ત્વની છે.
અને અમુક પ્રજાતિઓમાં તો જીભ તેનાથી પણ આગળ વધી હતી.
સૌથી જાણીતી અને સૌથી ડરામણી જીભ દુનિયાના સૌથી મોટા ઝેરી સાપ કિંગ કોબ્રાની છે.
કિંગ કોબ્રાની જીભ લાંબી, કાળી અને ફાંટાવાળી (બે ભાગમાં વહેંચાયેલી) હોય છે.
લંડન ઝૂ ખાતે ઊભયજીવી અને સરીસૃપોના ક્યુરેટર બેન ટેપલી જણાવે છે, "જ્યારે તે (કિંગ કોબ્રા) તેમની જીભ બહાર કાઢે છે, ત્યારે તેઓ આસપાસના વાતાવરણમાં રાસાયણિક સંકેતો શોધતા હોય છે. અને તેમની જીભમાં ફાંટા હોવાને કારણે તે બંને તરફથી વસ્તુને અલગ-અલગ રીતે અનુભવી શકે છેઃ એક રીતે તેઓ સ્ટીરિયોમાં ભાળ મેળવી રહ્યા હોય છે."
"એક વખત જીભ પાછી મોંની અંદર જતી રહે, ત્યારે તાળવામાં રહેલું જેકબસન્સ ઑર્ગન નામનું અંગ જીભને મળેલા સંકેતોનું અર્થઘટન કરે છે."
તેની ફાંટાવાળી જીભના બે છેડાને લીધે તે બંને તરફથી સંકેતો (સિગ્નલ્સ)ની તુલના કરી શકે છે, હવાને 'સૂંઘી' શકે છે અને અસાધારણ ચોકસાઈ સાથે કોઈ ટાર્ગેટ (રસ્તો કે શિકાર)ની દિશા પારખી શકે છે.
એવું લાગે છે કે, આ બધાંની તુલનામાં માનવી નબળો સાબિત થાય છે. આપણી જીભ સ્ટીરિયો સ્નિફિંગ (બંને તરફથી ગંધને પારખવા)નું કામ નથી કરતી, ન તો અસાધારણ ચપળતા માટેનાં હાડકાં છે કે ન તો ખોરાકને પીસવા માટે તીક્ષ્ણ ટેસ્ટ બડ્ઝ છે.
તો પછી શું આપણી જીભ કોઈ ખાસિયત ધરાવે છે ખરી?
મોંની અંદર વૉટર બલૂન (પાણીનો ફુગ્ગો)
રોસ નોંધે છે કે, જીભ સંપૂર્ણપણે સ્નાયુઓની બનેલી હોવાથી સસ્તન વર્ગનાં પ્રાણીઓનાં મોંની અંદર તે અત્યંત કુશળતાપૂર્વક હલન-ચલન કરી શકે છે અને ચાવતી વખતે ખોરાકને ફેરવવા માટે તે મહત્ત્વની ક્રિયા છે.
સામાન્ય રીતે આપણે તેના વિશે વિચારતા નથી, કારણ કે, આ ક્રિયા આપણે લગભગ આપમેળે જ કરી દેતા હોઈએ છીએ, પણ આપણે ખોરાકને આપણા દાંતની વચ્ચે યોગ્ય સ્થિતિમાં મૂકવા માટે જીભનો ઉપયોગ કરતાં હોઈએ છીએ.
જરા જીભ વગર જ ચાવવાનો પ્રયત્ન કરી જુઓ, તો તમને ખબર પડશે કે, આ ક્રિયા કેટલી મુશ્કેલ છે.
અને સાથે જ એ પણ વિચારો કે, હલન-ચલનની આ ક્રિયા કેટલી સુયોજનપૂર્વકની અને તાલબદ્ધ હોય છે. આ ચોકસાઈનું ભાન આપણને ત્યારે પીડા સાથે થાય છે, જ્યારે આપણાથી અજાણતાં જ ખોરાકને બદલે જીભને બચકું ભરી બેસીએ છીએ.
રોજબરોજના જીવનની આ અદૃશ્ય ચોકસાઈનું શ્રેય અત્યંત જટિલ શરીર રચનાને જાય છે.
રોસ સમજાવે છે, "સસ્તન વર્ગનાં પ્રાણીઓની જીભમાં સ્નાયુઓ રહેલા હોય છે અને તે અત્યંત જટિલ રીતે ગોઠવાયેલા હોય છે. તેના ફાઇબર્સ એકબીજાની ઉપર ગોઠવાયેલા હોય છેઃ ઊભા, આડા અને લાંબા - આ તમામ રચના જીભની અંદર જ આવેલી હોય છે."
શ્વેન્ક તેને એક ઉદાહરણ સાથે સમજાવે છે, "ધારો કે, એક લાંબો ફુગ્ગો પાણીથી ભરેલો છે. પાણીને દબાવી શકાતું નથી. જો તમે ફુગ્ગો દબાવશો, તો તેના કદમાં કોઈ ફેરફાર નહીં થાયઃ તે બસ ખેંચાશે અને વધારે લાંબો થશે. જ્યારે તમે તેને સાંકડો કરશો, ત્યારે તે લાંબો થશે. તમે તેને પહોળો કરશો, તો તે ટૂંકો થશે."
આપણી જીભ પણ કંઈક આ જ રીતે કામ કરે છે. જો તમે તેને બહાર કાઢવા માગતા હો, તો તમારે તેને સાંકડી કરવી પડશે. જો તમે તેને સપાટ કરવા માગતા હો, તો તમારે તેને ટૂંકી કરવી પડશે.
હાડકાં કે સાંધા વિના, ફક્ત સ્નાયુના ઉપયોગથી જ હલન-ચલન કરનારાં અંગો મસ્ક્યુલર હાઇડ્રોસ્ટેટ્સ તરીકે ઓળખાય છે. ઓક્ટોપસના હાથ અથવા તો હાથીની સૂંઢ પણ આ રીતે કામ કરે છે.
શ્વેન્ક જણાવે છે, "એ ક્ષમતાને કારણે તમે અત્યંત જટિલ રીતે તમારી જીભનો આકાર બદલી શકો છો. સસ્તન પ્રાણીઓની આ વિશેષતા મોટાભાગનાં અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓમાં નથી."
સસ્તન પ્રાણીઓમાં પણ નોંધપાત્ર લાક્ષણિકતાઓ રહેલી હોય છે.
ઉદાહરણ તરીકે, જિરાફની જીભ લગભગ અડધો મીટર લાંબી હોય છે. તે ભૂખરા વાદળી રંગની હોય છે (આફ્રિકાના બળબળતા તાપ સામે રક્ષણ મેળવવા) અને તેની પકડ અત્યંત મજબૂત હોય છે.
"જિરાફ તેની લાંબી ગરદન વડે એવી જગ્યા સુધી પહોંચી શકે છે, જ્યાં બીજાં પ્રાણીઓ પહોંચી શકતાં નથી. ઉપરાંત, જિરાફની જીભ પણ તેને ઝાડની ડાળીઓ મોંની નજીક સુધી લાવવામાં મદદ કરે છે," એમ લંડન ઝૂના નિક ગેરેટ સમજાવે છે.
તે પછીનું કામ જીભ સંભાળી લે છેઃ તે ડાળીઓ ફરતે વીંટળાઈ જાય છે અને અવિશ્વસનીય ઝડપથી ડાળીઓમાંથી પાંદડાં કાઢી લે છે.
જોકે, આઇસક્રીમની વાત આવે, ત્યારે આપણી જીભ પણ કંઈ કમ નથી.
પણ તેનાં બીજાં પણ ઘણાં કૌશલ્યોનો ઉલ્લેખ કરવો હજુ બાકી છે, જેમકે, તે આપણને કડવાથી લઈને ગળ્યો સ્વાદ પારખવામાં, ગરમ વસ્તુનો અહેસાસ કરાવવામાં, માછલીમાં રહેલું હાડકું શોધવામાં અને આપણે જે ગાઈએ છીએ, તેના દરેક અક્ષરને આકાર આપવામાં મદદ કરે છે.
આટલું જાણે પૂરતું ન હોય, એમ તે એક ઓછી આકર્ષક, છતાં મહત્વની કુશળતા ધરાવે છે.
ગળી જવાનું જોખમ
જ્યારે પણ આપણે ખોરાક ગળીએ, ત્યારે આપણી જીભ આપણને આફતમાંથી બચાવે છે.
"જીભ ખોરાકને ઓરોફેરિન્ક્સ દ્વારા પાછળની તરફ અન્નનળીમાં ધકેલે છે," એમ રોસ સમજાવે છે.
સમસ્યા એ છે કે, ઓરોફેરિન્ક્સ ચાર રસ્તા જેવું છેઃ શ્વસનતંત્ર અને પાચનતંત્રના માર્ગો ત્યાં મળે છે.
આપણે આપણા નાક વાટે શ્વાસ લઈએ છીએ અને હવા શ્વાસનળીમાં જાય છે. પણ ખોરાકે અન્નનળીમાં જવાનું હોય છે, જે તેની પાછળ આવેલી હોય છે.
"તે ઉત્ક્રાંતિની ઉત્કૃષ્ટ ડિઝાઇન નથી," એમ રોસ કબૂલે છે.
આ ક્રિયા બરાબર સંપન્ન થાય, એ માટે જીભ બાજુએથી સાંકડી થાય છે અને આમ કરતી વખતે તેનો એક ભાગ પાછળ તરફ જાય છે, જે ખોરાકને બહાર ધકેલે છે. પણ આ વ્યવસ્થા ત્યારે જ પાર પડે છે, જ્યારે મોં બંધ હોય.
એક વખત મોં ખૂલ્લું રાખીને ખોરાકને ગળવાનો પ્રયત્ન કરી જુઓ. મુશ્કેલ છે, ખરૂંને?
"મુખ્યત્વે ખોરાકને ઝડપથી બહાર ધકેલવા અને તેને ફેફસાંમાં પ્રવેશતા અટકાવવા માટે જીભ અત્યંત આવશ્યક છે."
આ તાલમેળ એટલો ચોક્કસ છે કે, આપણું ભાગ્યે જ એ તરફ ધ્યાન જાય છે... સિવાય કે કશીક ગરબડ ન સર્જાય.
આપણા બધા સાથે આમ થતું હોય છેઃ જો ખોરાક ગળવામાં ભૂલ થઈ જાય, તો આપણને ખાંસી ચઢે છે. તંદુરસ્ત લોકો થોડી વારમાં સ્વસ્થ થઈ જતા હોય છે.
પણ સ્ટ્રોક, પાર્કિન્સન્સની બીમારી, કૅન્સર કે અન્ય સ્થિતિને લીધે તે નિયંત્રણ ગુમાવી ચૂકેલા લોકો માટે ખોરાકનો દરેક કોળિયો ગૂંગળામણ કે ન્યૂમોનિયાનું નિમિત્ત બની શકે છે.
રોસ જણાવે છે, "જીભની કામગીરીની બહેતર સમજૂતી આપણને ડિસ્ફેગિયા (ગળવામાં મુશ્કેલી) ધરાવતા લોકોની સારવાર કરવામાં મદદરૂપ બનશે."
ગળવાથી લઈને ચાવવા સુધી, શિકાર કરવાથી લઈને હવામાં "ગંધ" પારખવા સુધીનાં કાર્યોમાં જીભ ઉત્ક્રાંતિનાં સૌથી બહુમુખી સાધનો પૈકીનું એક છે તથા સાથે જ અસ્તિત્વ ટકાવી રાખવા માટે પાયાનું અંગ છે.
અને આ તમામ વૈવિધ્ય સમાન આદિમ રચનામાંથી ઉદ્ભવ્યું છે, જે એક પ્રાચીન જળચર પૂર્વજમાં મોજૂદ હતું, જેણે એક દિવસ પાણીમાં વસવાટ છોડીને એક અભૂતપૂર્વ પડકારનો સામનો કર્યોઃ કોરી ધરતી ઉપર પેટ કેવી રીતે ભરવું.
* આ લેખ બીબીસીની પોડકાસ્ટ સિરીઝ "ક્રાઉડસાયન્સ"ના ઍપિસોડ "વ્હોટ ઇઝ ધ ડીલ વિથ ટંગ્ઝ?"નું રૂપાંતરણ છે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન