ગૅરી સોબર્સ: 12 આંગળી, એક ઓવરમાં છ છગ્ગા, ભારતીય અભિનેત્રી સાથે સગાઈ અને મિત્રના મોતના માતમની કહાણી

    • લેેખક, અબ્દુલ રશીદ શકૂર
    • પદ, બીબીસી ઉર્દૂ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ
  • સારાંશ
  • વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે નિધન થયું છે.
  • સોબર્સ 1954 અન 1974ની વચ્ચેના ગાળામાં 93 ટેસ્ટ મૅચો રમ્યા હતા. આ ગાળા દરમિયાન તેમણે 8,032 રન નોંધાવ્યા હતા અને 235 વિકેટો ઝડપી હતી.
  • 1968માં સોબર્સ પ્રથમ શ્રેણીના ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકારનારા પ્રથમ ખેલાડી બન્યા હતા.
  • બીબીસી ન્યૂઝ દ્વારા 29મી જુલાઈ, 2022માં પ્રકાશિત કરવામાં આવેલો તેમના વિશેનો આ લેખ વાંચો.

આખરે જ્યારે ક્રિકેટની દુનિયાના સૌથી મહાન ઑલરાઉન્ડર એવા સર ગૅરી સોબર્સ આ તોફાની ઇનિંગ્સ રમ્યા પછી શાંત થયા, ત્યારે તેઓ તેમના બંને હાથમાં પાંચ-પાંચ આંગળીઓ અને એક-એક અંગૂઠો જોઈને બિલકુલ ચિંતિત નહોતા થયા.

સોબર્સ આ કિસ્સો તેમની આત્મકથાના પ્રથમ પ્રકરણમાં વિગતવાર વર્ણવે છે.

તેઓ લખે છે, "હા, ઘણા લોકો એવો દાવો કરે છે કે હું ભાગ્યશાળી હતો કારણ કે મારા હાથમાં બે વધારાની આંગળીઓ હતી."

"આ કદાચ તે લોકોની પોતાની માન્યતા હોઈ શકે છે, પણ મેં તે બાબત પર કદી ખાસ ધ્યાન આપ્યું ન હતું."

"દરેક હાથમાં છ આંગળીઓ હોવાના લીધે મને કદી કોઈ સમસ્યા પણ નહોતી નડી કે કોઈ કામ કરવામાં અવરોધ પણ નહોતો સર્જાયો."

તેઓ કહે છે, "વેસ્ટ ઇન્ડીઝમાં હજુયે એવા ઘણા લોકો છે, જેઓ અસાધારણ શારીરિક લાક્ષણિકતાઓ ધરાવતા હોય છે."

"હું સ્વયં વેસ્ટ ઇન્ડીઝના એક એવા નાગરિકને મળી ચૂક્યો છું, જેમને મારી માફક, બંને હાથમાં વધારાની એક-એક આંગળી હતી."

જોકે, ગૅરી સોબર્સે તેમની બે વધારાની આંગળીઓને હંમેશ માટે રાખી નહોતી.

જ્યારે તેઓ નવ કે દસ વર્ષના હતા, તે સમયે તેમણે એક હાથની વધારાની આંગળી ધારદાર વસ્તુથી કાપી નાખી હતી.

એ પછી જ્યારે તેઓ પંદર વર્ષના થયા, ત્યારે બીજા હાથની વધારાની આંગળીને પણ તેમણે તીક્ષ્ણ ચાકુ વડે કાપી નાખી હતી.

સર ગૅરી સોબર્સનો જન્મ 28મી જુલાઈ, 1936ના રોજ બ્રિજટાઉનમાં થયો હતો.

તેમના પિતા કૅનેડિયન મર્ચન્ટ્સ નેવીમાં હતા. જ્યારે જર્મનોએ તેમના પિતાની હોડી ડુબાડી દીધી, એ સમયે સોબર્સ ફક્ત પાંચ વર્ષના હતા.

એક ઓવરમાં છ છગ્ગા અને બૉલ ગાયબ

ક્રિકેટ સોબર્સનો પ્રથમ શોખ હતો, જે પછીથી તેમનું ઝનૂન બની ગયું. જ્યારે તેઓ આઠ વર્ષના હતા, ત્યારે બાર્બાડોસના વોન્ડરર્સ ગ્રાઉન્ડ પર સ્કોરબોર્ડ સંભાળવાનું કામ કરતા હતા.

આ કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ હતો કે તેમણે તે યુગના તમામ મહાન ક્રિકેટરોને પોતાની નજર સામે રમતા જોયા, જેમાં ફ્રૅન્ક વોરેલ, ક્લાઇડ વોલકોટ અને એવર્ટન વીક્સનો સમાવેશ થતો હતો.

તેમની કારકિર્દી પર વોન્ડરર્સના મેદાનમાં ફ્રૅન્ક ગ્રાન્ટ તથા બર્જેસ ગ્રાન્ડિસનનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેઓ તેમને પિચ તૈયાર કરવામાં મદદ કરતા અને બદલામાં મેદાનમાં રમવાની પરવાનગી મેળવતા હતા.

બર્જેસે ગૅરી સોબર્સમાં રહેલી ક્ષમતાને પારખી અને વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન ડેનિસ એટકિન્સનને તે વિશે વાત કરી. તેને પગલે એટકિન્સને સોબર્સને પોતાની સાથે પ્રેક્ટિસ કરવાની તક આપી.

જ્યારે ઇંગ્લિશ કાઉન્ટીની ટીમ નોટિંગહામશાયરે ગૅરી સોબર્સને કરારબદ્ધ કર્યા, ત્યારે સોબર્સની ખુશીનો પાર ન રહ્યો. તેમણે કદી વિચાર્યું પણ નહોતું કે તેમને દરેક સિઝનદીઠ પાંચ હજાર પાઉન્ડ્સ ઉપરાંત રહેવાની અને કારની સુવિધા તેમજ બાર્બાડોસ આવવા-જવાની ટિકિટ મળશે.

તેમણે જણાવ્યું હતું કે તેઓ 1968 પહેલાં કાઉન્ટી ક્રિકેટ રમી શક્યા હોત, પરંતુ કાઉન્ટી ક્રિકેટ રમવાની યોગ્યતા મેળવવા માટે બે વર્ષ સુધી ઇંગ્લૅન્ડમાં જ રહેવાની અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ ન કરવાની શરત સ્વીકારવા તેઓ બિલકુલ તૈયાર નહોતા.

સર ગૅરી સોબર્સ કાઉન્ટી ક્રિકેટમાં ઘણી ઉજ્જ્વળ ઇનિંગ્સ રમી ચૂક્યા હોવા છતાં તેમની પહેલી જ સિઝનમાં સ્વાનસી ખાતે ગ્લૅમોર્ગન સામે તેમણે રમેલી અણનમ 76 રનની ઇનિંગ્સને એક ખાસ કારણસર હંમેશ યાદ રાખવામાં આવશે.

આ એ જ ઇનિંગ્સ હતી, જેમાં સોબર્સે એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આની પહેલાં કદી કોઈપણ બૅટ્સમૅને એક ઓવરના દરેકે દરેક બૉલ પર સિક્સર ફટકારી નહોતી.

સોબર્સની આ ઝંઝાવાતી બેટિંગનો ભોગ બનનારા કમનસીબ બૉલર માલ્કમ નૅશ હતા. મુખ્યત્વે તેઓ ડાબોડી મીડિયમ પેસર હતા, પણ કૅપ્ટન ટોની લુઇસે તે મૅચમાં તેમને સ્પિન બૉલિંગ કરવાની સૂચના આપી હતી.

સોબર્સની પહેલી સિક્સ ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી તરફ ગઈ હતી. બીજી સિક્સર ડીપ સ્ક્વેર લેગ તરફ ફટકારવામાં આવી હતી. ત્રીજા બૉલ પર સોબર્સે સ્ટ્રેટ સિક્સ મારી હતી. ચોથા બૉલે ડીપ ફાઇન લેગ તરફ સિક્સ ગઈ હતી. પાંચમા બૉલ પર રોજર ડેવિસે લોંગ ઑફ બાઉન્ડ્રી પર કૅચ ઝીલી લીધો, પણ તેમણે સંતુલન ગુમાવ્યું અને બાઉન્ડ્રીની બહાર પડી ગયા. એ પછી સોબર્સે છેલ્લો બૉલ ડીપ સ્ક્વેર લેગની પાર જવા દઈને ઇતિહાસ રચી દીધો.

છેલ્લી સિક્સ પર બૉલ બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો. તે સમયે અગિયાર વર્ષના રિચાર્ડ લુઇસને નજીકના બગીચામાંથી તે બૉલ મળ્યો હતો અને તેમણે તે ક્રિકેટ કોમેન્ટેટર વૂલ્ફ વૂલરને પાસ કર્યો હતો, જે વૂલરે નોટિંગહામશાયર કાઉન્ટી કાઉન્સિલને સોંપી દીધો. પછી આ બૉલ નોટિંગહામશાયર કાઉન્ટી મ્યુઝિયમનો ભાગ બન્યો.

સર ગૅરી સોબર્સ કહે છે, "મારી છ સિક્સર્સના વીડિયો રેકોર્ડિંગ વિશે પણ એક રસપ્રદ વાર્તા છે. વૂલ્ફ વૂલર બીબીસી ટીવી માટે કૉમેન્ટ્રી કરી રહ્યા હતા. જ્યારે મેં પહેલો છગ્ગો ફટકાર્યો, ત્યારે પ્રોડ્યુસરે તેમને જણાવ્યું કે મૅચનું આગળ રેકોર્ડિંગ કરવાને બદલે તેમણે સ્ટુડિયો પરત ફરવાની જાહેરાત કરવી પડશે. ત્યારે વૂલરે પ્રોડ્યુસર પાસે થોડો વધુ સમય માગ્યો. જ્યારે મેં સળંગ ત્રીજી સિક્સ મારી, ત્યારે વૂલરે તેમના પ્રોડ્યુસરને કહી દીધું કે ચાહે ગમે તે થઈ જાય, પણ આ મૅચનું રેકોર્ડિંગ કરવામાં આવશે જ, હવે સ્ટુડિયો પાછા ન ફરી શકાય."

સોબર્સે જણાવ્યું હતું કે, "જો ઇનિંગ્સનું રેકોર્ડિંગ ન કરવામાં આવ્યું હોત, તો દુનિયા પર તેનો આવો પ્રભાવ ન પડ્યો હોત, ખાસ કરીને એ કૅચ, જેમાં ફિલ્ડર રોજર ડેવિસને બાઉન્ડ્રી લાઇનની બહાર પડતાં સ્પષ્ટપણે જોઈ શકાય છે."

365 રનની વર્લ્ડ ઇનિંગ્ઝ

સોબર્સે ટેસ્ટ ક્રિકેટમાં 1954માં પદાર્પણ કર્યું હોવા છતાં તેમણે તેમની પહેલી ટેસ્ટ સદી માટે ચાર વર્ષ રાહ જોવી પડી હતી. આખરે આ ઇન્તેજારનો એક સદી સાથે નહીં, બલ્કે તેમની સત્તરમી ટેસ્ટમાં ત્રેવડી સદી સાથે અંત આવ્યો.

લોકો પહેલી સદી ફટકારવામાં આટલો લાંબો સમય લગાડવા બદલ સર ગૅરી સોબર્સની ટીકા કરતા હતા, પણ તેઓ એ ભૂલી ગયા હતા કે સોબર્સે તેમની ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ એક બૉલર તરીકે કર્યો હતો.

ટીમ મૅનેજર બર્કલે ગૅસ્કીન અને ક્રિકેટ કૉમેન્ટેટર રોય લૉરેન્સે એક વખત ગૅરી સોબર્સ વિશે કહ્યું હતું કે, જ્યારે પણ સોબર્સ તેમની પહેલી સદી ફટકારશે, એ પછી તેઓ ત્યાંથી અટકશે નહીં, બલ્કે તે ઇનિંગ્સને બેવડી કે ત્રેવડી સદીમાં ફેરવી નાખશે અને બરાબર આવું જ થયું.

1958માં પાકિસ્તાન સામેની કિંગ્સ્ટન ટેસ્ટમાં તેમણે 365 રને નોટઆઉટની યાદગાર ઇનિંગ્સ રમીને 364 રનનો સર લેન હટનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઊંચી વ્યક્તિગત ઇનિંગ્સનો સોબર્સનો આ રેકોર્ડ 36 વર્ષ સુધી અકબંધ રહ્યો, જે બ્રાયન લારાએ 375 રનના સ્કોર સાથે તોડ્યો.

તે પછી ઑસ્ટ્રેલિયાના મેથ્યૂ હેડને 380 રનની ઇનિંગ્સ રમી, પણ બ્રાયન લારાએ ફરી વખત 400 રન બનાવીને તે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો અને તે આજદિન સુધી અકબંધ છે.

સોબર્સ તેમના પુસ્તકમાં લખે છે, "તે ઇનિંગ્સ દરમિયાનની તે રાતે મને ઘણી ઓછી ઊંઘ આવી હતી. મને યાદ છે કે જ્યારે હું ત્રેવડી સદી સુધી પહોંચ્યો, ત્યારે ક્લાઇડ વોલકોટે મને કહ્યું કે મારે વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે બીજા 65 રન કરવા જોઈએ. વોલકોટે એમ પણ કહ્યું હતું કે હું મારી કારકિર્દીમાં ફરી વખત કદાચ 300 રનનો સ્કોર કરી શકીશ નહીં, આથી મારે કોઈપણ ભોગે વર્લ્ડ રેકોર્ડ બનાવવો જ જોઈએ."

સોબર્સની ઇનિંગ્સને લઈને વિરોધાભાસી અહેવાલો રહ્યા છે, જેમાં એવું કહેવાય છે કે તેઓ એકાદ-બે વખત ડિસમિસ (આઉટ) થયા હતા, પણ અમ્પાયરે તેમને આઉટ નહોતા આપ્યા. ઉદાહરણ તરીકે, અબ્દુલ હાફીઝ કારદારના પુસ્તક "ગ્રીન શૅડોઝ"માં લખ્યું છે કે સોબર્સે જ્યારે 334 રન કર્યા, ત્યારે વિકેટકીપર ઇમ્તિયાઝ અહમદે ફઝલ મહમૂદના બૉલ પર તેમનો કૅચ કર્યો હતો, પણ અમ્પાયરે તેમને આઉટ આપ્યો નહોતો.

તેનાથી ઊલટું, હનીફ મહમ્મદે તેમની આત્મકથામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે સોબર્સે તેમની ઇનિંગ્સમાં આઉટ થવાની એક પણ તક આપી ન હતી. સોબર્સ સ્વયં કહે છે કે તે ઇનિંગ્સમાં તેમના આઉટ થવાનો એક જ મોકો ઊભો થયો હતો, જ્યારે તેમણે ખાન મહમ્મદનો બૉલ મિડવિકેટ તરફ રમીને રન લેવા માટે દોડ લગાવી હતી, પણ તેમના સદ્ભાગ્યે વકાર હસનનો થ્રો ખોટી દિશામાં ગયો હતો.

'હનીફ મહમ્મદ ભલે બંને હાથ વડે બૉલિંગ કરે'

આ ઇનિંગ્સ દરમિયાન જ્યારે ગૅરી સોબર્સનો સ્કોર 363 પર પહોંચ્યો, ત્યારે પાકિસ્તાનના કૅપ્ટન અબ્દુલ હાફીઝ કારદારે બૉલ હનીફ મહમ્મદને સોંપ્યો. સોબર્સે પહેલા બૉલે એક રન લીધો અને બીજા બૉલ પર વોલકોટે એક રન કર્યો.

આ પ્રસંગે હનીફ મહમ્મદે અમ્પાયરને પૂછ્યું કે શું તેઓ તેમના ડાબા હાથથી બૉલિંગ કરી શકે? જ્યારે અમ્પાયરે સોબર્સને પૂછ્યું, ત્યારે સોબર્સનો જવાબ હતો, "મને શું વાંધો હોઈ શકે? જો હનીફ મહમ્મદ ઇચ્છે, તો તેઓ બંને હાથથી પણ બૉલિંગ કરી શકે છે."

એ પછી સોબર્સે કવર પોઝિશન તરફ રમીને એક રન લીધો અને આ રીતે સર લેન હટનનો 364 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો.

સોબર્સને અભિનંદન પાઠવવા માટે હજારો પ્રેક્ષકો મેદાનમાં ધસી આવ્યા અને લગભગ 20 મિનિટ સુધી રમતને થોભાવી દેવી પડી હતી. પ્રેક્ષકો ધસી આવવાથી પિચના એક ભાગને નુકસાન પણ પહોંચ્યું હતું અને પાકિસ્તાનની ટીમે જ્યાં સુધી પિચ સરખી ન થઈ જાય, ત્યાં સુધી રમવાનો ઇનકાર કરી દીધો હતો.

પાકિસ્તાની અમ્પાયરોના ટાર્ગેટ

સર ગૅરી સોબર્સે તેમની આત્મકથામાં એવો આક્ષેપ કર્યો છે કે 365 રનની યાદગાર સિરીઝ પછી જ્યારે તેઓ પાકિસ્તાન ગયા, ત્યારે તેમણે નબળા અમ્પાયરિંગનો સામનો કરવો પડ્યો હતો.

સોબર્સ કહે છે, "કરાચી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ફઝલ મહમૂદનો બૉલ લેગ સ્ટમ્પની બહાર પેડ ઉપર વાગ્યો હતો, પણ અમ્પાયરે મને એલબીડબલ્યુ (આઉટ) આપી દીધો."

"મને આશ્ચર્ય તો થયું પણ હું કંઈ બોલ્યો નહીં. એ પછી બીજી ઇનિંગ્સમાં ફઝલ મહમૂદનો બૉલ બેટની ધાર પર વાગીને લેગ સ્લિપમાં એજાઝ બટ પાસે ગયો અને બૉલ હાથમાં જવાને બદલે તેમની સામે જ જમીન પર પડી ગયો. અને એ પછી જ્યારે અમ્પાયરે ફઝલ મહમૂદની અપીલ પર પોતાની આંગળી ઊંચી કરી, ત્યારે મારી નવાઈનો પાર ન રહ્યો. મેં એજાઝ બટ તરફ જોયું અને તેમણે મને પૂછ્યું કે શું થયું? અમે બંને જાણતા હતા કે મને કૅચ આઉટ નથી આપવામાં આવ્યો. આ નિર્ણય એલબીડબલ્યુ જ હોઈ શકે છે."

સોબર્સ આગળ કહે છે, "મને યાદ છે કે હું આ રીતે આઉટ થયો, એ પછી નોન-સ્ટ્રાઇક છેડા પર ઊભેલા કોલી સ્મિથે ગુસ્સે થઈને ફઝલ મહમૂદને કશુંક કહ્યું હતું. હું ડ્રેસિંગરૂમમાં ગયો અને મારી બૅગ તૈયાર કરવા માંડ્યો, કારણ કે હું વેસ્ટ ઇન્ડીઝ પાછો જવા માગતો હતો."

સોબર્સ આગળ કહે છે, "પાકિસ્તાન ટીમના કેટલાક ખેલાડીઓએ મને પહેલેથી જ કહી દીધું હતું કે તેઓ જાણતા હતા કે મારી સાથે આવું થવાનું છે. હકીકતમાં, તે મારી કારકિર્દીનું મેં જોયેલું સૌથી ખરાબ અમ્પાયરિંગ હતું."

આ સિરીઝની ઢાકા ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં પણ સોબર્સને ફઝલ મહમૂદના બૉલ પર એલબીડબલ્યુ આઉટ આપવામાં આવ્યા હતા.

કોલી સ્મિથના અવસાનની અસર

સર ગૅરી સોબર્સ અને તેમના સાથી ક્રિકેટર કોલી સ્મિથ એક આત્મા, બે શરીર જેવા હતા. તેમની મિત્રતા દ્રષ્ટાંતરૂપ હતી.

આથી જ એક માર્ગ અકસ્માતમાં કોલી સ્મિથના કરુણ મોતની ઘટનાએ સર ગૅરી સોબર્સની માનસિક સ્થિતિ પર ઘેરી અસર ઉપજાવી હતી. તેનું કારણ એ હતું કે જે કાર અકસ્માતમાં કોલી સ્મિથનું મોત નીપજ્યું, તે કાર સોબર્સ ચલાવી રહ્યા હતા.

એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છઠ્ઠી સપ્ટેમ્બર, 1959ના રોજ બની હતી, જ્યારે ગૅરી સોબર્સ, કોલી સ્મિથ અને અન્ય એક ક્રિકેટર, ટોમ ડ્યુડની લેન્કેશાયર લીગની એક મૅચ બાદ લંડન જવા રવાના થયા હતા. ત્યાં તેમણે એક ચેરિટી મૅચ રમવાની હતી. કોલી સ્મિથે શરૂઆતમાં કાર ચલાવી અને પછીથી સોબર્સ ડ્રાઇવરની સીટ પર બેઠા અને સ્ટીઅરિંગ સંભાળ્યું.

મળસ્કે પોણા પાંચ વાગ્યે સામેથી આવી રહેલા ઢોર ભરેલા એક ટ્રકની તેજ લાઇટથી સોબર્સની આંખો અંજાઈ ગઈ. જ્યારે સોબર્સ ભાનમાં આવ્યા, ત્યારે તેમણે તેમના બંને સાથીઓને કારની બહાર પડેલા જોયા. સોબર્સે કોલી સ્મિથને પૂછ્યું, "તું કેમ છે, લિટલ મૅન?" ત્યારે કોલી સ્મિથે જવાબ આપ્યો, "હું સ્વસ્થ છું, તું બિગ મૅન ડ્યુડનીનું ધ્યાન રાખ."

એ પછી એ ત્રણેય ખેલાડીઓને ઍમ્બ્યુલન્સમાં હૉસ્પિટલ લઈ જવાયા. સોબર્સે કહ્યું હતું કે જ્યારે તેમને ખબર પડી કે કોલી સ્મિથની કરોડરજ્જુને ગંભીર ઈજા પહોંચી હતી અને ત્રણ દિવસ પછી તેમનું નિધન થયું, ત્યારે તેમને ભારે આઘાત લાગ્યો હતો.

આ અકસ્માતથી સોબર્સ અંદરથી એટલા હચમચી ગયા હતા કે આ આઘાતમાંથી કળ વળતાં તેમને ઘણો લાંબો સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન, તેમને શરાબની લત લાગી ગઈ હતી અને પોતાના ખાસ મિત્રના મોત બદલ તેઓ પોતાને જ જવાબદાર ઠેરવતા હતા.

ભારતીય અભિનેત્રી સાથે સગાઈ

1966માં વેસ્ટ ઇન્ડીઝની ટીમના ભારત પ્રવાસ દરમિયાન ગૅરી સોબર્સ અભિનેત્રી અંજુ મહેન્દ્રુને મળ્યા હતા અને તેમના પ્રેમમાં પડ્યા હતા. બંનેએ સગાઈ પણ કરી લીધી હતી.

આ સગાઈ સમારોહમાં પાંચસો કરતાં વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તે સમયે માધ્યમોમાં આ સમાચાર ખૂબ ચમક્યા હતા.

સોબર્સ કહે છે, "હું મારી કારકિર્દીની ટોચ પર હતો અને આ બધું એ સમયે થઈ રહ્યું હતું, જ્યારે ભારતમાં ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી અને અભિનેત્રી શર્મિલા ટાગોરનાં લગ્નનું ઉદાહરણ નજર સામે હતું."

"હું લગ્ન સમારોહ માટે અંજુને લંડન લઈ જવા માગતો હતો, પણ થોડી સમસ્યા સર્જાઈ. અમારી વચ્ચેનું ભૌગોલિક અંતર સૌથી મોટા અવરોધરૂપ બન્યું."

"અંજુ મારી સાથે ઇંગ્લૅન્ડ નહોતી જઈ શકતી અને પછી મને સમજાયું કે આ લગ્ન સફળ નહીં રહે. અને પછી જ્યારે થોડાં વર્ષો પછી હું ઑસ્ટ્રેલિયન છોકરી પ્રુડેન્સ કિર્બી સાથે સગાઈના બંધનથી જોડાયો, ત્યારે મેં અંજુ મહેન્દ્રુને ફોન કર્યો હતો અને તેની પરવાનગી લીધી હતી."

સોબર્સ કહે છે, "અંજુએ મને પરવાનગી તો આપી દીધી, પણ મને જાણ થઈ કે તે ખૂબ દુઃખી હતી કે હું તેના પરિવારનો ભાગ ન બની શક્યો."

નોંધઃ આ લેખ સૌપ્રથમ 29મી જુલાઈ, 2022ના રોજ બીબીસી હિંદીમાં પ્રકાશિત થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન