You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સીજેપીનું આંદોલન : દિલ્હીમાં હજારો લોકો રસ્તા પર ઊતર્યા, શું મોદી સરકાર મુશ્કેલીમાં મુકાશે?
- લેેખક, પ્રવીણ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
સોમવારે દેશની રાજધાની દિલ્હીના હૃદય સમાન સેન્ટ્રલ દિલ્હીમાં આખો દિવસ હંગામો રહ્યો. કૉનૉટ પ્લેસ (સીપી) હોય, જનપથ હોય કે પછી જંતર-મંતર હોય, દરેક જગ્યાએ હજારો યુવાનોની ભીડ જોવા મળતી હતી.
ઘણી જગ્યાએ મેટ્રો સ્ટેશનો અને રસ્તા બંધ હોવા છતાં યુવાનો દરેક મુશ્કેલીને પાર કરીને સોમવાર સવારથી જ જંતર-મંતર પહોંચવાની કોશિશ કરતા હતા.
લાઠીચાર્જ અને આંસુ ગૅસના ગોળા વચ્ચે યુવાનો સવારથી લઈને મોડી સાંજ સુધી જંતર-મંતર પર ટકી રહ્યા હતા.
શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર પર એક મહિનાથી કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની આગેવાનીમાં આંદોલન ચાલે છે.
એક સવાલ વારંવાર ઊઠતો રહ્યો છે કે જે કૉક્રોચ જનતા પાર્ટીને સોશિયલ મીડિયા પર થોડા જ દિવસોમાં કરોડો ફૉલોઅર્સ મળી ગયા હતા, તે ખરેખર જમીન પર કેટલી મજબૂત છે.
પરંતુ સોમવારે તેનો જવાબ મળી ગયો. કૉલેજમાં ભણતા અને પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા અને દેખાડી દીધું કે સરકાર માટે તેમના સવાલો પર લાંબો સમય સુધી મૌન રાખવું શક્ય નથી.
યુવાનોના આ આંદોલનને છેલ્લા એક મહિનાથી કવર કરતા સ્વતંત્ર પત્રકાર સ્મિતા શર્માનું માનવું છે કે આ બાળકોએ કેન્દ્ર સરકારને સંદેશ આપ્યો છે કે પરેશાની માત્ર શિક્ષણ વ્યવસ્થાની નથી. પરંતુ મોંઘવારી, બેરોજગારી જેવા બીજા મુદ્દાને પણ તેઓ અવગણી શકે નહીં.
'યુવાનો માત્ર પોતાના માટે નથી લડી રહ્યા'
વાસ્તવમાં કૉક્રોચ જનતા પાર્ટી તરફથી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે સોમવારે સંસદકૂચની જાહેરાત કરવામાં આવી હતી. આ હાકલના કારણે મોટી સંખ્યામાં યુવાનો દિલ્હીની સડકો પર ઊતરી આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શરૂઆતના હંગામા વચ્ચે સીજેપીએ દાવો કર્યો કે સરકારે તેમને વાતચીત માટે બોલાવ્યા હતા.
જ્યારે કેન્દ્રીય મંત્રી જે પી નદ્દાનું કહેવું છે કે પ્રદર્શનકારીઓ તરફથી વાતચીતનો પ્રસ્તાવ આવ્યો હતો.
આરોગ્ય મંત્રી નદ્દાએ ઍક્સ પર આ મુલાકાતની તસવીરે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, "આજે સવારે પહેલી વખત પ્રદર્શનકારીઓ તરફથી સરકાર સાથે વાતચીત કરવાનો પ્રસ્તાવ આવ્યો અને સવારે 11.50 વાગ્યાથી જ અમારી વાતચીત ચાલુ છે."
તેમણે લખ્યું કે, "સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મુલાકાત થઈ. તેમના ડેલિગેશન સાથે પહેલાં મૌખિક ચર્ચા થઈ. ત્યાર પછી તેમણે લગભગ ચાર વાગ્યે મને લેખિત અરજી આપી. મેં તમામ પ્રદર્શનકારીઓને અનુરોધ કર્યો કે તેઓ પોતાના ધરણા સમાપ્ત કરે અને સામાન્ય સ્થિતિ જાળવવામાં તંત્રને મદદ કરે."
જોકે, યુવાનોનાં આટલાં મોટાં પ્રદર્શન છતાં સીજેપીની મુખ્ય માગણીને સરકારે હજુ સ્વીકારી નથી. દરમિયાન એવો સવાલ થાય છે કે યુવાનો રસ્તા પર ઊતરી આવ્યા તેનું શું પરિણામ મળ્યું?
અમે આંદોલન પર નજર રાખતા પત્રકારો અને નિષ્ણાતો પાસેથી આ સવાલનો જવાબ મેળવવા પ્રયાસ કર્યો.
આંદોલનને સમર્થન આપનારા સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવે સોમવારે જંતર-મંતર પર કહ્યું કે, "આજે જંતર-મંતર પર જે નવી પેઢીને જોઉં છું, તેનાથી મારો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. આ યુવાનો માત્ર પોતાના માટે નથી લડ્યા. તેઓ એવી શિક્ષણ વ્યવસ્થા માટે લડ્યા છે જે ન્યાયપૂર્ણ હોય, એવી અર્થવ્યવસ્થા જે રોજગારી આપે, અને એવી રાજનીતિ જે જનતા પ્રત્યે ઉત્તરદાયી હોય."
'આગામી દિવસોમાં ફરીથી ફૂટી શકે છે'
આ વાતને આગળ વધારતા સ્મિતા શર્માએ કહ્યું કે સોમવારના પ્રદર્શનની સૌથી મોટી વાત એ હતી કે કોઈને એ વાતનો અંદાજ ન હતો કે આટલી મોટી સંખ્યામાં યુવાનો સડક પર ઊતરી આવશે.
સ્મિતા શર્મા સોમવારના પ્રદર્શનને લીડલલેસ આંદોલન તરીકે પણ જુએ છે.
તેમણે કહ્યું કે, "ઇન્ટરનેટ બંધ હતું. સીજેપીના નેતાઓ પોતાની વાતને આગળ પહોંચાડી શકતા ન હતા. મેટ્રો સ્ટેશન બંધ હતાં. મૅસેજ પહોંચાડવાનું આસાન ન હતું. આંદોલન શિક્ષણ માટે હતું પરંતુ મોંઘવારી, બેરોજગારી અને વોટ ચોરીની વાત થઈ. આ વાતો 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીથી લઈને કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓએ કરી. આ પોતાની રીતે બહુ યુનિક વાત હતી."
આ આંદોલનથી સરકાર માટે આગામી દિવસોમાં કેટલો પડકાર વધશે? આ સવાલ પર સ્મિતા શર્માએ કહ્યું કે, "જો સરકાર આ આંદોલનમાંથી કોઈ મૅસેજ નહીં લે તો તે તેની મોટી ભૂલ હશે. કારણ કે યુવાનોએ સ્પષ્ટ કર્યું કે તેઓ સંસદકૂચ માટે ઉત્સાહિત હતા. સીજેપી તેમને સંસદકૂચ કરતા અટકાવત તો પણ જંતર-મંતર પર હજારોની ભીડે સંસદકૂચ કરી હોત."
"તેમને લાકડીઓથી મારવામાં આવ્યા છતાં તેઓ પરત આવતા હતા અને તેમનો સામનો કરતા હતા. સરકાર માટે એક ગંભીર મૅસેજ છે કે એક નિરાશા છે જેને સાંભળવામાં નહીં આવે તો આજે જે રીતે ફુગ્ગો ફૂટ્યો છે, તે આગામી દિવસોમાં ફરીથી ફૂટી શકે છે."
'સરકાર જનતાની ઉપેક્ષા ન કરી શકે'
વરિષ્ઠ પત્રકાર હેમંત અત્રી પણ સ્મિતા શર્માની વાતને આગળ વધારતા કહે છે કે યુવાનોનું આ પ્રદર્શન આગામી દિવસોમાં મોદી સરકાર માટે પરેશાનીનું કારણ બની શકે છે.
તેમણે કહ્યું કે, "મોદી સરકાર અત્યાર સુધી દેશના લોકોને ફૉર ગ્રાન્ટેડ માનીને ચાલતી હતી. તેનો એ ભ્રમ તૂટી ગયો છે. એવું નથી કે લોકો આવ્યા અને ચુપચાપ ચાલ્યા ગયા. તેમણે દેખાડ્યું કે દેશમાં જનતંત્ર મજબૂત છે, તેનાં મૂળિયાં મજબૂત છે. સરકાર તેને નબળાં ન કરી શકે."
"કોઈ પણ દેશના વર્તમાન જ નહીં પણ ભવિષ્યમાં પણ યુવાનોની બહુ મહત્ત્વની અને નિર્ણાયક ભૂમિકા હોય છે. પછી સરકારોને પસંદ કરવાની હોય કે બદલવાની હોય."
"સરકાર માટે આ ખતરાની ઘંટી છે. તે લાંબા સમય સુધી જનતાની ઉપેક્ષા નહીં કરી શકે. સરકારે જવાબદારી નક્કી કરવી પડશે નહીંતર જનતા સડકો પર આવવાનું ભૂલી નથી. તેની અસર લાંબા ગાળે જોવા મળશે. આપણને લોકશાહી ભીખમાં નથી મળી, આપણે તે પ્રાપ્ત કરી છે. દિલ્હીના રસ્તા પર જે જોવા મળ્યું, તે જ આપણા લોકતંત્રની શક્તિ છે."
હેમંત અત્રી કહે છે, "સરકારને લાગે છે કે હિંદુ-મુસલમાનના નામે તેનું રાજકારણ ચાલી શકે છે. તો એવું થવાનું નથી. જનતા મૂળ મુદ્દા પર પાછી આવી રહી છે અને યુવાનો આ રીતે આગળ આવ્યા તે સરકાર માટે ખતરાની ઘંટી છે. તેણે પોતાનું કામકાજ સુધારવું પડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન