You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : 'સિંહ ઘાસ થોડી ખાવાના? એ તો માણસો અને માલને જ ખાવાના', એ ગામ જ્યાં સિંહોએ 'અડીંગો' જમાવ્યો
અમરેલી જિલ્લાના રાજુલા શહેરની પશ્ચિમે આવેલા કોવાયા ગામનો રસ્તો પકડીએ તો રસ્તાની બંને બાજુ ગાંડા બાવળની ગીચ ઝાડીઓ નજરે ચડે.
વચ્ચે આવતા લોઠપૂર ગામની સરકારી માધ્યમિક શાળા નજીક આવેલી આવી જ એક ઝાડીમાં નીલગાય એટલે કે રોઝના ટોળા નજરે પડી શકે છે.
લોઠપુરથી કોવાયા તરફ આગળ વધતા જઈએ તેમ તેમ ગાંડા બાવળની સંખ્યા અને ગીચતા પણ વધતી જાય છે.
કોવાયા ગામમાંના પાદરમાં આવેલી અલ્ટ્રાટેક કંપનીના પાવરપ્લાન્ટની ઊંચી ઊંચી ચીમનીઓ તેમ સિમેન્ટ પ્લાન્ટના પ્રિહિટર કૉલમ ખૂબ દૂરથી જ દેખાય છે. પરંતુ દૂરથી જોતાં આ બંને ઊંચા માળખાના નીચેના ભાગો તો ગાંડા બાવળથી ઢંકાયેલા લાગે.
16 જૂન, 2026ના કોવાયા ગામમાં આવેલી ચાહત રેસ્ટોરાંમાં કામ કરતા પ્રકાશચંદ્ર હરગોવિંદ નામના એક યુવક પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે મધરાતે રોડ પર ચાલી નીકળ્યા.
સ્થાનિક પાલીસ કહે છે કે કોઈ વાહન પકડવા માટે રોડ પર ચાલતા ચાલતા તે કોવાયાના પાવર પ્લાન્ટ નજીક પહોંચ્યા ત્યારે તેને સિંહોના એક ટોળાનો ભેટો થઈ ગયો.
પોલીસ કહે છે કે ચાર સિંહોનું ટોળું 29 વરસના પ્રકાશચંદ્રને રોડની નજીક આવેલ ગાંડા બાવળની એક ઝાડીમાં ખેંચી ગયું અને તેને ખાઈ ગયું.
પરંતુ આશરે 4000ની વસ્તી ધરાવતા કોવાયામાં સિંહો આવી ચડ્યાનો તે પહેલો બનાવ ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકો કહે છે તે કોવાયામાં પંદરેક વરસથી સિંહોએ ધામાં નાખ્યા છે અને પરિણામે લોકોએ તેમના જીવનમાં ઘણા ફેરફારો કરવા પડ્યા છે.
સિંહ ઘરમાં કૂદ્યો પછી તેણે શું કર્યું?
કોવાયા ગામના ભૂતપૂર્વ સરપંચ વિકીભાઈ લાખણોત્રા બીબીસીને જણાવે છે, "આશરે પંદરેક વર્ષ અગાઉ એશિયાઈ સિંહો કોવાયામાં દેખાવા લાગ્યા અને ત્યારથી તેમની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો જ થતો રહ્યો છે."
"સિંહોને અમારું ગામ ગમી ગયું છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે સિંહો રોજ રાત્રે અમારા ગામની શેરીઓમાં આવી ચડે છે."
"સ્વાભાવિક છે કે સિંહોના ટોળા બજારોમાં આંટા-ફેરા કરવા માંડે અને માલઢોરને રંજાડવા લાગે તો લોકોમાં ભય ફેલાય."
આવો જ અનુભવ કોવાયાના ભગત ફળિયામાં રહેતાં સોનાબહેન લાખણોત્રાને 3 એપ્રિલ 2025ના રોજ થયો હતો.
સોનાબહેનના પતિ મુળુભાઈ લાખણોત્રા સિમેન્ટ કંપનીમાં ખાણીયા તરીકે નોકરી કરે છે.
મુળુભાઈ તે દિવસે રાતપાળીમાં નોકરી પર હતા અને કોવાયાથી આશરે આઠેક કિલોમીટર દૂર બાબરકોટ ગામમાં કંપનીની ખાણમાં ચૂનાના પથ્થર ખોદી રહ્યા હતા ત્યારે રાત્રે લગભગ સાડા બાર વાગ્યે તેમના ઘરની દીવાલ કૂદીને એક સિંહ આવી ચડ્યો.
તે સમયે તેમનાં પત્ની સોનાબહેન અને દીકરી નેહલ ઘરમાં સૂતાં હતાં અને ફળિયામાં ભેંસો બાંધેલ હતી.
સિંહ ઘરની ઓસરીમાં આંટા મારી બાથરૂમમાં ઘૂસ્યો અને ત્યાંથી પાણીયારા પર ડોકાયો.
આજુબાજુના લોકો જાગી જતા તેમાંથી કોઈએ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. તે વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાઇરલ થયો હતો.
સોનાબહેન કહે છે કે તેમણે અગાઉ સિંહ જોયા હતા પરંતુ તે રાત્રે તેમને ખરા ડરનો અનુભવ થયો.
સોનાબહેને બીબીસીને કહ્યું કે તેમના પતિએ ફોન કરીને જાણ કરી કે ઘરમાં સિંહ આવી ગયો છે અને તે જે રૂમમાં સૂતાં હતાં તેનું બારણું ન ખોલવું.
તેમણ કહ્યું કે,"મને ફોન આવ્યો પછી અમે મા-દીકરીને બહુ બીક લાગી. સાવજની બીક કોને ન લાગે, દીકરીતો રડતી હતી અને કહેતી હતી કે હવે શું થશે? અમને ચિંતા હતી કે માલ(ભેંસો)નું શું થશે?"
"આદમી માણસ ઘરે ન હતા અને અમે કઈ રીતે બહાર પણ નીકળી શકીએ? તેઓ છ વાગ્યે કામેથી પરત આવ્યા ત્યારે જ અમે ઘરનું બારણું ખોલ્યું."
ગામલોકોએ હોંકારા-પજકારા કરતાં સિંહ કોઈને ઈજા પહોંચાડ્યા વગર ત્યાંથી જતો રહ્યો પરંતુ મુળુભાઈ કહે છે કે તે ઘટના દરમિયાન તેમને ખૂબ લાચારી અનુભવી હતી.
મુળુભાઈ કહે છે કે, "અમારા ફળિયાના એક છોકરાએ ફોન કરીને મને જાણ કરી કે મારા ઘરમાં સિંહ કૂદી પડ્યો છે. મારો તો જીવ તાળવે ચોંટી ગયો."
"મારા પત્ની અને દીકરી એકલાં હતાં. મેં ફોન કરીને મારી પત્નીને જાણ કરી કે ઘરમાં સિંહ આવી ગયો છે અને તમે જ્યાં સૂતાં છો તે ઘરની અંદર જ રહેજો."
"બસ હું એટલું જ કહી શક્યો. રાતનો સમય હતો અને હું ઘરથી ઘણો દૂર હતો."
"ઝડપથી ઘરે પહોંચવું શક્ય ન હતું. મને ખરી લાચારીનો અનુભવ થયો."
તેમણે ઉમેર્યું કે તે દિવસથી તેમણે કંપનીને વિનંતી કરી કે તેમને રાતપાળીમાં કામ ન સોંપવામાં આવે.
સિંહણ ડેલીએ આવીને બેસી ગઈ, માતાએ શું ઉપાય કર્યો?
કોવાયાના પાદરમાં ગ્રામ પંચાયતની ઓફિસ નજીક રહેતાં અને વ્યવસાયે શિક્ષિકા રેખાબહેન વાઘ કહે છે કે કોવાયામાં મહિલાઓને સિંહોનો ભેટો અવારનવાર થઈ જાય છે કારણ કે રોજિંદા કામો માટે મહિલાઓએ વહેલી સવારે ઊઠવું પડે છે અને સિંહો પણ તે સમય દરમિયાન પ્રવૃત્ત હોય છે.
બીબીસી સાથે વાત કરતાં રેખાબહેન કહે છે, "સવારમાં બહેનોને છ વાગ્યામાં વાસીદા(કચરો) નાખવા બહાર નીકળવું પડે પણ તે સમયે ગામમાં સિંહો ફરતા રહે છે."
"બે-ત્રણ બહેનોને આ રીતે સિંહોનો ભેટો થઈ ગયો છે અને તેઓ ખુબ ડરી ગયેલ છે."
રેખાબહેન કહે છે કે તેમને પોતાને પણ આ ડરનો અનુભવ 2026ના વર્ષની શરૂઆતમાં થયો હતો.
તેઓ કહે છે કે, "પાંચ-છ મહિના પહેલાં વહેલી સવારે એક સિંહણ મારા ઘરના ગેટ સામે આવીને બેસી ગઈ."
"મારા ઘરની વંડી નીચી હતી અને મને ખૂબ બીક લાગી. સમય વીતતો ગયો પણ સિંહણ ત્યાંથી ખસી નહીં."
"મારી દીકરીને કૉલેજે જવાનો સમય થયો તો પણ સિંહણ ત્યાંજ બેસી રહી. અમે સાત વાગ્યા સુધી રાહ જોઈ. છેવટે અમારા પાડોશીઓ અને સરપંચ મદદે આવ્યા."
રેખાબહેન કહે છે કે સિંહણ તેમના ઘરે આવી ચડી તે ઘટનાના થોડા સમય બાદ સાતથી આઠ સિંહોનું એક ટોળું એક રાત્રે ગ્રામ પંચાયતની ઑફિસ નજીક ધસી આવ્યું.
તેઓ ઉમેરે છે કે, "સિંહના ટોળાએ એક માલ(પાલતુ પશુ)ને વીંખી નાખ્યું. અમે કાંઈ ન કરી શક્યા અને સિંહો તેને ખાઈ ગયા."
રેખાબહેન કહે છે કે સિંહણ તેમના ઘરે આવી ચડી ત્યાર પછી બચાવ માટે તેમણે તેમના ઘરની દીવાલની ઊંચાઈ વધારી દીધી અને તેના કાંટાળા તાર બાંધી દીધા.
તેઓ કહે છે કે, "પરંતુ આવા સંજોગોમાં બાળબચ્ચાં કઈ રીતે ભણવા જઈ શકે? સિંહો ગામમાં રહે તો કઈ રીતે બહાર નીકળવું? રાત્રે કોઈ દવાખાનું આવ્યું કે અન્ય કોઈ મુસીબત પડે તો કઈ રીતે બહાર નીકળવું?"
"સિંહો કંઈ ખડ થોડા ખાશે, માણસ અને જાનવર જ ખાશે ને?"
કોવાયાના ભૂતપૂર્વ સરપંચ અરજણભાઈ લાખણોત્રા કહે છે કે દસ-બાર વર્ષથી સિંહોએ તેમના ગામમાં અડિંગો જમાવ્યો છે.
"સાવજ તો ઓછાંમાં ઓછાં દસ-બાર વર્ષથી છે અમારા ગામમાં. ત્યારથી જીવનમાં તો ઘણી તકલીફ છે. માલઢોર તો ઠીક છે, તેને તો તે મારે કારણ કે તે જાનવર છે, પણ માણસોને ઈજા કરે તે તકલીફ વધારે છે," તેઓ કહે છે.
અરજણભાઈ ઉમેરે છે કે સિંહોના ડરે તેમને પણ પાતાના દૈનિક જીવનમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
તેઓ કહે છે, "હું કાયમ ચાર વાગ્યે સ્વામીનારાયણ મંદિર જતો હતો નાહી-ધોઈને... પણ બે-ત્રણ વાર મને ગામના ગેટ પાસે સિંહો સામા મળી ગયા."
"જો ગામમાં બીજી શેરીઓમાંથી જઈએ તો ત્યાં પણ સામા મળે. પછી બજારમાં આપણે જવું ક્યાં?"
"... અને સિંહ કંઈ ખડ થોડા ખાવાના છે? એ તો માણસો અને માલને જ ખાવાના... એટલે મેં દોઢેક વરસથી વહેલી સવારે મંદિરે જવાનું બંધ કરી દીધું છે."
અરજણભાઈ ખેડૂત પણ છે.
તેઓ કહે છે, "સિંહોની બીકે અત્યારે કોઈ ભાગીયા આવતા નથી. અમારે તેમને રહેવા માટે મકાનની અને લાઇટની સુવિધા કરી દેવી પડે છે..."
"જો સિંહો માણસોને ગામમાં મારી નાખતા હોય તો રાત્રે સીમમાં તો કોણ હોય બચાવવાવાળું? હવે સરકાર આનો કોઈ બંદોબસ્ત કરે તો સારું."
કોવાયા સિંહોનું માનીતું કેમ બની ગયું?
કોવાયા ખંભાતના અખાતના પશ્ચિમ કાંઠે આવેલું ગામ છે.
દરિયા પરથી ફૂંકાતા ખારા પવનો તેમ જ ભૂગર્ભજળ પણ ખરા હોવાને કારણે કોવાયાની સીમમાં ખૂબ જ છૂટાછવાયા લીમડાને બાદ કરતાં વધારે વૃક્ષો દેખાતાં નથી, પરંતુ કોવાયા ઉજ્જડ ગામ પણ નથી.
ચારેય બાજુ ગાંડા બાવળની લીલોતરી છવાયેલી છે. ફૅક્ટરીની નજીક, પાવર પ્લાન્ટની નજીક તેમ જ ટાઉનશિપની નજીક ગાંડા બાવળ દેખાય છે.
વળી, ગામની પૂર્વે ધાતરવડી નદી વહે છે અને તેમાં લગભગ બારેય મહિના પાણી રહે છે.
વન વિભાગના સ્થાનિક અધિકારીઓ કહે છે કે ગાંડા બાવળની ઝાડીઓમાં સિંહોનો શિકાર તેવી નીલગાય અને જંગલી ભુંડોની વસ્તી પણ સારી હોવાથી સિંહોને ખોરાક અને રહેઠાણ બંને મળી રહેતા આ મોટા શિકારી પ્રાણીઓ કોવાયામાં વસી ગયા છે.
ગામના વર્તમાન સરપંચ જીણાભાઈ લાખણોત્રા કહે છે, "અમારા ગામમાં જંગલ જેવો વિસ્તાર બહુ મોટો છે. અમારા ગામમાં 192 હેક્ટર જેટલું મોટું રિઝર્વ્ડ ફૉરેસ્ટ (અનામત વન) આવેલું છે."
"તે ઉપરાંત સરકારી પડતર અને ગૌચર પણ મોટાં છે. તેમાં બધે ગાંડા બાવળની ઝાડીઓ છે જે સિંહોને ગમે છે."
"આ ઉપરાંત કંપનીની માલિકીની મોટી મોટી જમીનો પડતર છે અને તેમાં પણ ગાંડા બાવળ ઊભા છે."
લોકોને જીવનમાં કેવા ફેરફાર કરવા પડ્યા છે?
કોવાયા આમ તો ખેતી સાથે પશુપાલન કરતાં લોકોનું ગામ છે પરંતુ 1990ના દાયકામાં સિમેન્ટ પ્લાન્ટ શરૂ થતાં અને તેમાં ખેતીની જમીનો જતા હવે મોટા ભાગના પરિવારોમાંથી એકાદ બે સભ્યો કંપનીમાં નોકરી કરે છે.
જીણાભાઈ કહે છે, "સિંહો ન હતા ત્યારે અમારા ગામના ખેડૂતો નીડરતાથી રાત-દિવસ ખેતરમાં મહેનત કરતા. પરંતુ હવે ખેડૂત જયારે તેની વાડીએ જાય છે ત્યારે તેને સતત ભય રહે છે કે ક્યાંક દીપડો કે સાવજ લપાઈને બેઠો હશે તો?"
"આ ડરના કારણે ખેડૂતો કરજ કરીને પણ ફૅન્સિંગ કરાવે છે. તેમ છતાં નીલગાય તે કૂદીને ખેડૂતોના પાકને નુકસાન કરે છે."
"આવા સંજોગોમાં પોતાના જીવના જોખમે પણ ખેડૂતો તેમની વાડીએ જાય છે."
સરપંચ ઉમેરે છે, "16 જૂનના હુમલા પછી લોકોમાં ભયનો માહોલ છે. રાત્રે ટુ-વ્હિલર લઈને લોકો આવ-જા કરતા હતા તે હવે બંધ કરવું પડ્યું છે. ખેડૂતોમાં એવી ચિંતા પેઠી છે કે બધાં જાનવર આ રીતે હુમલા કરવા માંડશે તો?"
વન વિભાગ શું કહે છે?
શેત્રુંજી વન વિભાગના મદદનીશ વન સંરક્ષક વિરલસિંહ ચાવડા કહે છે કે વન વિભાગ કોવાયામાં સિંહો અને માણસો વચ્ચે ઘર્ષણ ટાળવા શક્ય તમામ પગલાં લઈ રહ્યું છે.
તેમણે બીબીસીને જણાવ્યું, "2025ની સિંહ વસ્તી ગણતરી દરમિયાન જાફરાબાદથી લઈને પીપાવાવ બંદર સુધીના દરિયાકાંઠાના કૉરિડોરમાં 94 સિંહો નોંધાયા હતા."
"રેઢિયાળ પશુઓ બજારમાં ફરતા હોય છે તેનાથી સિંહો આકર્ષાય છે અને તેનો શિકાર કરવાં માટે સિંહો ઘણી વખત ગામની અંદર આવી જતા હોય છે."
"ઘણી વખત ભુંડને મારવા પણ સિંહો ગામની અંદર આવી જતા હોય છે. આવા સંજોગોમાં વન્યપ્રાણી મિત્રો અમને માહિતી આપે છે અને વન વિભાગ જરૂરી પગલાં લે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન