You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દોઢ કરોડમાં ફક્ત એક વાર થાય એવી પ્રસૂતિ, એક મહિલાને ચાર બાળકીઓ જન્મી
ઑસ્ટ્રેલિયામાં એક મહિલાએ કુદરતી રીતે ગર્ભધારણ કરીને 'અત્યંત જોખમી' પ્રેગનન્સીમાં ચાર જોડિયા બાળકી (ક્વાડ્રુપ્લેટ્સ)ને જન્મ આપ્યો છે.
ઑસ્ટ્રેલિયાની રૉયલ બ્રિસ્બેન એન્ડ વિમેન્સ હૉસ્પિટલે આ ગર્ભાવસ્થાને 'અત્યંત હાઈ રિસ્ક'માં ગણાવી હતી.
28 અઠવાડિયાં અને ચાર દિવસની ગર્ભાવસ્થા બાદ 14 જુલાઈએ સિઝેરિયન દ્વારા આ ચારેય બાળકીઓનો જન્મ થયો હતો.
આ બાળકીઓ 'મોનોઝાયગોટિક' (એક જ ફલિત અંડકોષમાંથી વિકસેલી) હતી, જેમાં એક ફલિત અંડકોષ વિભાજિત થઈને ચાર ભ્રૂણમાં પરિવર્તિત થાય છે.
હૉસ્પિટલે આના વિશે જણાવ્યું હતું કે બાળકીઓનાં માતા 34 વર્ષીય જેનિટર ના'આમોઆના અને તેમના પતિ જોર્થામને પહેલેથી જ ચાર બાળકો હતાં. તેમને જ્યારે જાણ કરવામાં આવી કે તેઓ એકસાથે ચાર જોડિયા બાળકીઓને જન્મ આપવાનાં છે, ત્યારે તેમને ભારે આશ્ચર્ય થયું હતું.
ગર્ભાવસ્થાની શરૂઆતથી જ માતાની સારવાર કરનાર ડૉ. એલેક્સા બેન્ડલે જણાવ્યું કે એકસરખા ચાર બાળકો થવાની ઘટના "દર1.5 કરોડ ગર્ભાવસ્થામાંથી એકમાં" જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે એક જ પ્લેસેન્ટા (ગર્ભનાળ) હોય, એવું તો અગાઉ ક્યારેય સાંભળવા મળ્યું નથી."
માતૃ-ભ્રૂણ ચિકિત્સાના નિષ્ણાત અને પ્રસૂતિશાસ્ત્રી (ઓબ્સ્ટેટ્રિસિયન) બેન્ડલે જણાવ્યું હતું કે આવી ગર્ભાવસ્થા અત્યંત જોખમી હોય છે. તેથી મહિલા પર સતત દેખરેખ રાખી શકાય તે માટે હૉસ્પિટલે તેમને 25મા અઠવાડિયે દાખલ કર્યાં હતાં.
બેન્ડલે કહ્યું, "અમે હંમેશાં એવું કહેતા હતા કે જો અમે તેમને 28 અઠવાડિયાં સુધી પહોંચાડી શકીએ, તો તે ખૂબ સારી બાબત ગણાશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "તેથી 28 અઠવાડિયા અને ચાર દિવસમાં ચાર સુંદર અને તંદુરસ્ત બાળકોનો જન્મ થયો તે વાત અદ્ભુત છે અને અમે તેનો હિસ્સો બનીને ખૂબ ખુશ છીએ."
બેન્ડલે કહ્યું કે "જેનિટરે પહેલા દિવસથી જ દરેક પરિસ્થિતિનો ખૂબ જ સહજતાથી સામનો કર્યો છે... તેણે પોતાના અને પોતાના બાળકો માટેની દરેક જટિલતા અને જોખમને કોઈક રીતે ટાળી દીધા છે."
નવજાત બાળકીઓનાં નામ એમિલી, હેરિયેટ, કેથરિન અને એલેક્સા (એલેક્સા બેન્ડલના નામ પરથી) રાખવામાં આવ્યાં છે. ડૉક્ટર એલેક્સા બેન્ડલે આને "એક સુંદર અંજલિ" ગણાવી હતી.
ચારેય બાળકીઓનો સંપૂર્ણ વિકાસ થાય, ત્યાં સુધી તેઓ હૉસ્પિટલના નવજાત શિશુઓ માટેના NICUમાં રહેશે અને "હાલમાં તેમની તબિયત ઘણી સારી છે", તેમ ડૉક્ટર બેન્ડલે ઉમેર્યું હતું.
આ પરિવારના અન્ય બાળકોની ઉંમર એકથી 10 વર્ષ વચ્ચે છે. માતાએ તાજેતરમાં ઓછામાં ઓછી 10 સીટ ધરાવતી વૅન ખરીદવામાં મદદ મેળવવા માટે ઓનલાઇન ભંડોળ એકઠું કરવાની ઝુંબેશ શરૂ કરી છે.
ફંડ એકત્ર કરવાની આ કામગીરીમાં તેમને અત્યારથી 37 હજાર ઑસ્ટ્રેલિયન ડૉલર (લગભગ 25 લાખ રૂપિયા) મળી ગયા છે. આ માટેના મૅસેજમાં મહિલાએ લખ્યું છે કે, "અમારા ચાર અમૂલ્ય ચમત્કારો સુરક્ષિત રીતે આવી પહોંચ્યા છે. અમારા હૃદય કૃતજ્ઞતાથી છલકાઈ રહ્યા છે, ત્યારે એક સાથે ચાર-ચાર નવજાત શિશુઓની સંભાળ રાખવાની વાસ્તવિકતાએ એવા પડકારો પેદા કર્યા છે જેની અમે ક્યારેય કલ્પના પણ કરી ન હતી."
કુદરતી ગર્ભધારણમાં ચાર જોડિયાં બાળકો થવા એ અત્યંત દુર્લભ ઘટના છે. ડૉક્ટરોના કહેવા મુજબ દર સાત લાખ જન્મ દીઠ આવો એક કિસ્સો બને છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન