You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લિબરલૅન્ડ : ક્રિપ્ટોકરન્સીથી ચાલતો એ દેશ જ્યાં 'ગરીબોની સરખામણી પશુઓ' સાથે થાય છે, કોણે બનાવ્યો આ દેશ, કેવી રીતે ચાલે છે?
- લેેખક, મેટ શી
- પદ, લિબરલૅન્ડથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
હોડીમાંથી જોતાં ફ્રી રિપબ્લિક ઑફ લિબરલૅન્ડ કંઈ એવું ખાસ દેખાતું નથી.
તમે કલ્પ્યું પણ નહીં હોય કે, આ સપાટ, ડેન્યુબ નદીના કિનારે એલ્ડરનાં વૃક્ષો, તંબુઓ અને ટ્રીહાઉસથી ઘેરાયેલું પૂરનું મેદાન વિશ્વના કેટલાક ધનકુબેરો સાથે સંબંધ ધરાવે છે, જેમાં ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો વ્યવસાયના સૌથી મોટા પ્રારંભિક રોકાણકારનો પણ સમાવેશ થાય છે.
તેનાથી સાવ ઊલટું, ઝાહા હદીદની ઝેડએચએ આર્કિટેક્ચર ફર્મ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું લિબરલૅન્ડનું જે વર્ચ્યુઅલ રિયાલિટી વર્ઝન અત્યારે મને બતાવવામાં આવી રહ્યું છે, તેમાં ચળકતા ટાવર, તરતા પબ્લિક પાર્ક અને ગુરુત્વાકર્ષણને પડકારતા વૉટર ફીચર્સ દેખાય છે.
આ વર્ઝન મને બતાવનારી વ્યક્તિ છે વિટ જેડલિકા, જેઓ લિબરલૅન્ડના રાષ્ટ્રપતિ છે. તેમણે ક્રિપ્ટોકરન્સી જેવી જ ટેકનૉલૉજી પર ચાલતા ખરા અર્થમાં મુક્તતાવાદી, ડિજિટલ દેશ બનાવવાના આશય સાથે સર્બિયા અને ક્રોએશિયા વચ્ચેના વિવાદાસ્પદ પ્રદેશ પર આ નાના દેશ (માઇક્રોનેશન)ની સ્થાપના કરી હતી.
બીબીસી ટુની ડૉક્યુમેન્ટ્રી 'ધ ટૅક બિલિયનેર ટેકઓવર'ના ભાગરૂપે મેં ગયા વર્ષે લિબરલૅન્ડની મુલાકાત લીધી હતી.
લિબરલૅન્ડ સાંભળવામાં અને જોવામાં મજાક જેવું લાગે, પણ ક્રિપ્ટોની દુનિયાના કેટલાક ધનકુબેરો દ્વારા તેને આર્થિક ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તે એક એવા વિચાર પર ચાલે છે, જેનો તેઓ બહાર પ્રસાર કરવા માગે છે. તે વિચાર એ છે કે, સરકાર પોતે જ બદલી શકાય છે.
અમે હોડી દ્વારા આ દેશમાં પહોંચ્યા, કારણ કે, ક્રોએશિયાના સત્તાધિકારીઓ લોકોને જમીન માર્ગે અહીં આવતા રોકે છે. જૅકેટ પહેરેલા કેટલાક રહેવાસીઓ કિનારેથી હાથ હલાવીને અમારું અભિવાદન કરવા માટે બહાર આવ્યા અને રાષ્ટ્રપતિ જેડલિકાએ મેગાફોન પર વાતચીત કરીને તે પૈકીના એક રહેવાસીને સત્તાવાર મેડલ એનાયત કર્યો.
મોટાભાગની આધુનિક લોકશાહીઓમાં તમામ લોકો સમાન મતનો અધિકાર ધરાવે છે. પણ લિબરલૅન્ડમાં લિબરલૅન્ડ મેરિટ્સ તરીકે ઓળખાતા ખરીદી શકાય તેવા ક્રિપ્ટો ટોકનને કારણે જુદી સ્થિતિ પ્રવર્તે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રપતિ જેડલિકાએ મને કહ્યું કે, અહીં મેરિટ્સ દ્વારા વ્યક્તિ ચૂંટાઈ આવે છે.
તેઓ કહે છે, "આમ, જે લોકો પાસે વધુ મેરિટ્સ હોય, તે લોકો દેશનું નેતૃત્વ કોણ કરશે, તે નક્કી કરવામાં વધુ ભાગ ભજવે છે." તેનો અર્થ એ થયો કે, તમે તમારા પૈસાથી સીધો જ મત આપી શકો છો.
ષડયંત્રની થિયરી ફેલાવવા બદલ સંસદમાંથી હાંકી કાઢવામાં આવેલા ક્રોએશિયાના ભૂતપૂર્વ સાંસદ અને હાલમાં લિબરલૅન્ડના આંતરિક મંત્રી ઈવાન પર્નારે મને જણાવ્યું હતું કે, લિબરલૅન્ડ સંપૂર્ણપણે કરમુક્ત પણ છે.
પર્નારે મને જણાવ્યા પ્રમાણે, "સામાન્યપણે આઝાદી, વિકેન્દ્રિત આર્થિક વ્યવસ્થા, વગેરે બાબતોમાં વિશ્વાસ ધરાવનારા લોકો સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવતા હોય છે. જો તમે પસંદગી કર્યા વગર કહો કે, હોડીમાં આવનારી દરેક વ્યક્તિનું સ્વાગત છે, તો અહીં બ્રિટન જેવી જ સ્થિતિનું નિર્માણ થશે. અમે એવું નથી ઇચ્છતા."
"તો, આ સ્વતંત્રતા તો છે, પણ... કેટલાક લોકો બીજા કરતાં વધુ સ્વતંત્રતા ધરાવે છે?" મેં તેમને સવાલ પૂછ્યો અને એવો સંકેત આપ્યો કે, લિબરલૅન્ડમાં સત્તા અને પ્રભાવ મેળવવાનો એક મુખ્ય માર્ગ પૈસા હોય, એવું લાગે છે.
"હા, બિલકુલ," એમ પાર્નરે જણાવ્યું.
તેઓ કહે છે કે, જો તમારા દેશમાં જેમની પાસે કશું ન હોય, એવા બેઘર લોકોનું ટોળું હોય, તો બાકીના લોકોએ તેમની મદદ કરવી પડે છે.
તેઓ ગરીબ લોકોની સરખામણી પ્રાણીઓ સાથે કરતાં કહે છે, "પ્રાણીઓને ખોરાક ન આપશો, કારણ કે, જો તમે તેમને ખવડાવશો, તો તેમને તેની ટેવ પડી જશે અને તેઓ પોતાના ખોરાકની વ્યવસ્થા જાતે કરવાની તેમની ક્ષમતા ગુમાવી દેશે. લોકોનું પણ કંઈક આવું જ છે."
લિબરલૅન્ડના ધનપતિ સમર્થકો માટે ગરીબને મદદ કરવી અથવા તો સંપત્તિનું કેન્દ્રીકૃત પુનઃ વિતરણ અથવા તો કરવ્યવસ્થાનું કોઈપણ સ્વરૂપ એ તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનું અપમાન છે.
તેમાં કોઈ નવાઈ નથી કે, આ વિશ્વમાં પર્નાર કરતાં ઘણો વધુ ધનવૈભવ અને પ્રભાવ ધરાવનારા લોકો પણ આ જ વિચારધારા ધરાવે છે.
બનાના બિલિયોનેર
છેલ્લા એક વર્ષથી હું લિબરલૅન્ડના વડા પ્રધાન, ચાઇનિઝ ક્રિપ્ટો માંધાતા જસ્ટિન સનના સંપર્કમાં છું.
સનના સમર્થન સાથે અને તેમના દાવા પ્રમાણે આ પ્રકારના બીજા 30 જેટલા અન્ય ટૅક અબજોપતિઓના સમર્થનથી લિબરલૅન્ડવાસીઓ પાસે હવે તેમના લઘુ રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે ભવ્ય ઇમારતોનું બાંધકામ કરવા આવશ્યક નાણાંની ઉપલબ્ધતા હોઈ શકે છે.
સનની નેટવર્થ લગભગ 8.5 અબજ ડૉલર (6.4 અબજ પાઉન્ડ) છે.
કદાચ તેઓ દીવાલ ઉપર સેલોટેપ વડે ચોંટાડેલા કેળાની કલા કૃતિ 6.2 મિલિયન ડૉલરમાં ખરીદવા અને પછી તેને ખાઈ જવા બદલ પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા છે.
આ ઉપરાંત અમેરિકન નિયમનકારો તેમના પર છેતરપિંડી આચરવાનો અને બજારમાં હેરાફેરીના આરોપો પણ લગાવી ચૂક્યા છે.
સન તેમની સામેના આ આરોપોને ફગાવે છે અને તાજેતરમાં જ તેમણે આ વિવાદનું નિવારણ લાવવા માટે 10 મિલિયન ડૉલરની સમજૂતી કરી છે.
તેમની કંપની ટ્રોન એક બ્લૉકચેઇન છે, તે એક એવું વૈશ્વિક સૉફ્ટવેર નેટવર્ક છે, જેના પર તમે ક્રિપ્ટો કરન્સીનું ખરીદ-વેચાણ કરી શકો છો. એક બૅંકથી અલગ, તે નેટવર્ક કોઈ એક ઑથોરિટી દ્વારા ચલાવવામાં આવતું નથી - તે વિકેન્દ્રીકૃત છે અને વિશ્વભરનાં ઘણાં કમ્પ્યુટરોમાં હાજરી ધરાવે છે, જેને પગલે તેના પર ટૅક્સ લગાવવો અને તેનું નિયમન કરવું મુશ્કેલ બને છે.
આ સમાન બ્લૉકચેઇન ટેકનૉલૉજી લિબરલૅન્ડની સરકાર ચલાવવા માટે પણ વપરાઈ રહી છે અને જો સનની યોજના પાર પડી, તો એક દિવસ તે આપણી સરકાર પણ ચલાવી શકે છે.
નાગરિકો ડિજિટલ ટોકનનો ઉપયોગ કરીને કાયદા અને જનમત અંગે મતદાન કરે છે અને મતોની ગણતરી અધિકારીઓ દ્વારા નહીં, બલ્કે કોડ દ્વારા આપોઆપ થાય છે.
જોકે, વાસ્તવમાં, આ ટેકનૉલૉજી હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે અને કાયદાનો અમલ કરવા માટે હજુ માનવ અધિકારીઓની જરૂર વર્તાય છે.
બ્લૉકચેઇન ઍનાલિટિક્સ ફર્મ ટીઆરએમ લૅબ્ઝના જણાવ્યા પ્રમાણે, ટ્રોન ક્રિપ્ટોની ગેરકાયદે હેરફેર માટેનાં સૌથી મોટાં પ્લૅટફૉર્મ્સમાંનું એક છે - કથિત રીતે તેમાં ડ્રગ કાર્ટેલ્સ અને માફિયા નેટવર્ક્સની સાથે-સાથે હમાસ અને હિઝબુલ્લાહ સાથે સંકળાયેલા ભંડોળનો પણ સમાવેશ થાય છે.
સન કહે છે કે, ટ્રોને બ્લૉકચેઇન પરના ગેરકાયદે વ્યવહારો અટકાવવા માટે કાનૂન અમલકર્તા એજન્સીઓ સાથે નવાં જોડાણો કર્યાં છે, જેના કારણે પ્લૅટફૉર્મ પર ગેરકાયદે વ્યવહારોનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે.
ટ્રમ્પ પરિવારે તેમના પોતાના ક્રિપ્ટો વ્યવસાય - વર્લ્ડ લિબર્ટી ફાયનાન્શિયલમાં અગ્રણી ટોકન રોકાણકાર તરીકે તેમને આવકાર્યા હતા.
સને તે કંપનીમાં 75 મિલિયન ડૉલર કરતાં વધુનું રોકાણ કર્યું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પના મેમેકૉઇનમાં પણ બીજા લાખો ડૉલરનું રોકાણ કર્યું હતું, જેનાથી તેમને અમેરિકન પ્રમુખ સાથે ડિનર લેવાનો મોકો મળ્યો હતો.
પ્રમુખ ટ્રમ્પે હોદ્દો સંભાળ્યો, એ પછી તેમણે સત્તાવાર રીતે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું, પણ તેમનું ફેમિલી ટ્રસ્ટ હજુ પણ તે કંપનીની માલિકી ધરાવે છે અને તેમાંથી નફો પણ રળે છે, જે યુએસડી1 (USD1) નામના ક્રિપ્ટોકરન્સી કોઇનનું વેચાણ કરે છે. ગયા વર્ષે તેમણે ક્રિપ્ટોમાંથી 1.4 અબજ ડૉલર કરતાં વધુની કમાણી કરી છે અને હજુયે કમાણી ચાલુ જ છે.
સરહદો વિનાનો ગ્રહ?
એમ કહેવું સલામત છે કે, સન સાથેના તેમના સંબંધોથી ટ્રમ્પે ભારે નફો રળ્યો છે. પણ સન અને ટ્રમ્પ પરિવારની નિકટ ગયેલા અન્ય ક્રિપ્ટો ઉદ્યોગસાહસિકો બદલામાં શું ઈચ્છે છે? કદાચ લિબરલૅન્ડ તેની આંશિક ઝલક આપી શકે છે.
વ્યક્તિગત રીતે સન મૈત્રીપૂર્ણ અને વિનમ્ર વ્યક્તિત્વ ધરાવે છે. હું જે પણ અબજોપતિઓને મળ્યો છું, તેમની માફક જ સનને મળીને પણ મને એવું લાગ્યું કે, સનને તેમના કર્મચારીઓ ન હોય કે લાલચુ ન હોય તેવા લોકો સાથે મળવાની ભાગ્યે જ તક મળતી હતી. અમારી મોટાભાગની વાતચીત સાઇ-ફાઇ અને વીડિયો ગેમ્સને લગતી હતી.
ગયા ઉનાળામાં જ્યારે સન જેફ બેઝોસની બ્લૂ ઓરિજિન કંપની સાથે અવકાશયાત્રા કરવા માટે 29 મિલિયન ડૉલર ચૂકવીને પરત ફર્યા, તે પછી તેમણે તેમનો અનુભવ જણાવવા માટે મને ફોન કર્યો હતો.
તેઓ એ વિચારથી મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે, "ગ્રહ પોતે સરહદો વિનાનો છે અને પહેલું તો એ કે, ત્યાં દેશની કોઈ સંકલ્પના જ નથી."
દેશ-રાજ્યનો ખ્યાલ હવે જરીપુરાણો થઈ ગયો છે અને આથી તેને બ્લૉકચેઇન ટેકનૉલૉજીથી બદલી શકાય છે અને તેમણે લિબરલૅન્ડના વડા પ્રધાન બનવા ચૂંટણી લડવાનું નક્કી કર્યું, એ પાછળ આ એક કારણ પણ જવાબદાર હતું.
લિબરલૅન્ડ કોઈ અપવાદ નથી, બલ્કે તે આવાં લઘુરાષ્ટ્રોના ઘણા નમૂનાઓમાંથી એક છે, જે પ્રદેશો સ્વતંત્ર દેશો હોવાનો દાવો કરવામાં આવે છે, પણ કાયદેસર રીતે તે માન્યતા ધરાવતા નથી.
હૉન્ડુરાસમાં પ્રોસ્પેરા, પીટર થિએલની સિસ્ટેડિંગ ઇન્સ્ટિટ્યૂટ અને ટિમ ડ્રેપરનું ડ્રેપર નૅશન (બિટકૉઇનને ચલણ તરીકે ધરાવતું એક સંપૂર્ણ ડિજિટલ રાષ્ટ્ર) - આ તમામ સમાન વિચારધારાને અનુસરી રહ્યા છે.
હું સિલીકૉન વૅલીની ડ્રેપર યુનિવર્સિટીમાં ડ્રેપરને મળ્યો, જેઓ ખુદ એક અબજોપતિ ટૅક ઇન્વેસ્ટર છે. આ યુનિવર્સિટી યુવા ટૅક સ્થાપકો માટે તેમનું તાલીમ કેન્દ્ર છે, જ્યાં વિદ્યાર્થીઓ "કોઈપણ ભોગે સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાના" શપથ લે છે.
ડ્રેપરે મને કહ્યું હતું કે, તેમનું માનવું છે કે સરકાર "ઊંચી કિંમત પર ખરાબ સેવા પૂરી પાડે છે અને બ્લૉકચેઇન તેનું સ્થાન લઈ લેશેઃ તે બસ સમયની વાત છે."
આમાંના ઘણા વિચારોનાં મૂળ વિવાદાસ્પદ વિચારક અને ટૅક સ્થાપક કર્ટિસ યાર્વિન સુધી જાય છે, જેમને "ડાર્ક એનલાઇનમેન્ટના સ્થાપક" ગણવામાં આવે છે.
તેમણે અમેરિકાની જમણેરી હસ્તીઓની પ્રશંસા મેળવી છે, જેમાં ટૅક અબજોપતિ પીટર થિએલ અને હાલના ઉપ-પ્રમુખ જેડી વેન્સ સહિતના હાલના ટ્રમ્પ વહીવટી તંત્રના કેટલાક આગેવાનોનો સમાવેશ થાય છે.
તેમની ફિલોસૉફી અત્યંત ગૂંચવણ ભરેલી છે, પણ મૂળ તે લોકશાહીની આલોચના છે (તેમના દાવા પ્રમાણે લોકશાહી નિષ્ફળ ગઈ છે, કારણ કે, ઇમિગ્રેશનનું પ્રમાણ હજુ પણ ઘણું જ ઊંચું છે) અને તેઓ એવા નિષ્કર્ષ પર આવે છે કે, આપણે લોકશાહીના સ્થાને એક એવી સરમુખત્યાર વ્યવસ્થા લાવવી જોઈએ, જે કોર્પોરેશન, રાજાશાહી અને બ્લૉકચેઇન દ્વારા ચાલતા લઘુરાષ્ટ્રની વચ્ચે ક્યાંક આવેલી હોય.
તેઓ મીડિયાને "ધ કૅથેડ્રલ"નો અડધો હિસ્સો માનતા હોવા છતાં (તેમના મતે તે પત્રકારો અને શિક્ષણવિદોથી બનેલી દમનકારી વૈચારિક શક્તિ છે, જે ગુપ્ત રીતે પશ્ચિમી સમાજને ચલાવે છે) તેઓ કેલિફોર્નિયાના બર્કલેમાં મને (એક મીડિયાકર્મીને) મળવા માટે સંમત થાય છે.
અમે પગપાળા ચાલીએ છીએ, તે દરમિયાન એક મોટી વયના પંક રોકર જેવા દેખાતા યાર્વિન તેમના મુદ્દાઓ પુરવાર કરવા માટે ઇતિહાસના સમયગાળા તથા લખાણોને ટાંકીને લાંબીલચક ગોળ-ગોળ વાતો કરે છે.
અમારી વાતચીતમાં તેમણે તેમની "પૅચવર્ક" સંકલ્પનાની રૂપરેખા આપી, જેમાં પરંપરાગત રાષ્ટ્ર-રાજ્યોને સ્થાને શેરધારકોની માલિકીના સાર્વભૌમ લઘુ-રાષ્ટ્રોનું એક વૈશ્વિક નેટવર્ક હોય અને જે રીતે વ્યવસાયો ગ્રાહકો મેળવવા માટે હરીફાઈ કરે, એ રીતે તે દેશો નાગરિકો મેળવવા માટે હોડમાં ઉતરે.
તેઓ માને છે કે, તેવા વિશ્વનું સપનું સાકાર કરવા માટે બ્લૉકચેઇનનો ઉપયોગ કરી શકાય છે અને તેનું પરિણામ "સીઇઓ-સમ્રાટો" દ્વારા શાસિત "કૉર્પોરેટ રાજાશાહી" હશે.
આ કૉર્પોરેટ સમ્રાટો શેરધારકોના એક ગુપ્ત બોર્ડને જવાબદેહ હશે, જે સંભવતઃ લશ્કર અને પોલીસને પણ નિયંત્રિત કરી શકે છે. નિયંત્રણના આ સાધનને તેઓ "ક્રિપ્ટો ડિંગસ" કહે છે, જે તેમને તમામ બંદૂકોને નિષ્ક્રિય કરવાની છૂટ આપશે.
આ પૈકીના ઘણા ટૅક અબજોપતિઓ ટ્રમ્પ અને તેમની ઑફિસને જરીપુરાણા માને છે, જેને તેમની ચઢિયાતી ટેકનૉલૉજીથી બદલી નાખવામાં આવશે.
ટૅક અબજોપતિઓ સાથેની આ મુલાકાતો દરમિયાન, મારી એ માન્યતા પ્રબળ બનતી ગઈ કે, તે બધા સ્વયંને સત્તાના અસલી હકદાર માનતા હતા.
ક્રિપ્ટો લૉબી હવે અશ્મિગત ઈંધણના ઉદ્યોગને પાછળ છોડીને અમેરિકાની સૌથી શક્તિશાળી લૉબી બની ગઈ છે અને ફોક્સ બિઝનેસના એક વિશ્લેષણ પ્રમાણે, તાજેતરની ચૂંટણીમાં તેણે 238 મિલિયન ડૉલરનું યોગદાન આપ્યું હતું.
યાર્વિન, સન, ડ્રેપર અને લિબરલૅન્ડ... આ તમામ તેમણે આપણા માટે કરેલા ભવિષ્યની કલ્પનાની ઝાંખી કરાવે છે.
જસ્ટિન સનથી લઈને લિબરલૅન્ડ અને ટિમ ડ્રેપર સુધી, દરેકે મને કહ્યું કે, બ્લૉકચેઇન ટેકનૉલૉજી અને ક્રિપ્ટોકરન્સી કેવી રીતે આપણને અને આપણા નાણાંને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરી શકે છે.
પણ આપણે આ નિયંત્રણ તેના બદલે કોને સોંપીશું?
મેં જોયેલું દરેક ઉદાહરણ એ વાત પર જઈને પૂરું થાય છે કે, સત્તા અને સંપત્તિ એ તરફ જ વહે છે, જે ટૅકનોલોજીને નિયંત્રિત કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન