You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CJPનો દાવો, સરકારે વાતચીત માટે બોલાવ્યા હતા, જેપી નડ્ડાએ ધરણાં સમાપ્ત કરવા કરી અપીલ - ન્યૂઝ અપડેટ
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા 'ચલો સંસદ' ના આહ્વાન વચ્ચે, સીજેપીએ દાવો કર્યો છે કે સરકારે તેમને વાતચીત માટે બોલાવ્યા હતા.
સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે દાવો કર્યો છે કે તેઓ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે અને તેમણે ખાતરી આપી છે કે તેઓ આ વિશે વાત કરશે.
સૌરવ દાસે એક્સ પર જેપી નડ્ડા સાથે પોતાનો અને આશુતોષ રાંકાની તસવીર પોસ્ટ કરી છે.
જેપી નડ્ડાએ એક્સ પર પોસ્ટ કરીને આ મીટિંગની પુષ્ટિ કરી છે અને પ્રદર્શનકારીઓને ધરણાં ખતમ કરવાની માંગ કરી છે.
સીજેપી છેલ્લા મહિનાથી જંતર મંતર પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે વિરોધપ્રદર્શન કરી રહી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુક ભૂખ હડતાળ પર હતા.
અમદાવાદના ઘુમા વિસ્તારમાં એક 'દીપડો દેખાયો' હોવાની ચર્ચા, સર્ચ ઑપરેશન ચાલુ
અમદાવાદના પોશ ગણાતા ઘુમા વિસ્તારમાં એક 'દીપડો દેખાયો' હોવાની વાત સામે આવી છે. ઘુમા વિસ્તારની શરણદીપ સોસાયટીમાં દીપડો જોવા મળ્યાનું કહેવાઈ રહ્યું છે.
હાલમાં વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમો દીપડાને શોધી રહી છે. આ માટે ડ્રોનની પણ મદદ લેવાઈ રહી છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજમાં એક દીપડો દેખાતો હોવાનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વન વિભાગની ટીમની સ્થળ પર પહોંચી ગઈ છે. હાલમાં સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે અને દીપડો મળી જતા તેને સુરક્ષિત જગ્યાએ મોકલી આપવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વન વિભાગ અનુસાર, આજુબાજુના જંગલ વિસ્તારમાં રહેતો હોય એવી શક્યતા લાગી રહી છે. તેમજ એ કોઈ ખોરાકની શોધમાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. એ તેના કુદરતી સ્થળે ચાલ્યો ગયો હોય એવું પણ બની શકે છે.
વન વિભાગ તરફથી સાંજના સમયે બાળકોને બહાર ન નીકળવાની પણ સલાહ અપાઈ છે.
તો અમદાવાદના મેયર હિતેશ બારોટે મીડિયાને જણાવ્યું કે "મને ગઈ કાલે રાતે પોણા ત્રણ વાગ્યે ખબર પડી હતી અને પછી મેં પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ સાહુ સાથે વાત કરી હતી. તેઓ વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ લઈને રાતે આવી પહોંચ્યા હતા. રાતથી સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે. હજુ સુધી સીસીટીવીમાં જે જોવા મળ્યું અને તેનાં (દીપડો) પગલાં મળ્યાં છે એ સિવાયનું કશું જાણવા મળ્યું નથી."
મેયરે એકલદોકલ વ્યક્તિને સ્કૂટર પર ન નીકળવાની અપીલ કરી છે.
સ્થાનિકોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે લોકોમાં ડરનો માહોલ છે. લોકો બહાર નીકળતા પણ ડરે છે.
અભિજિત દીપકેના પિતાએ કહ્યું કે 'હું બહુ ચિંતિત છું... સરકાર આંદોલનકારીઓ સાથે વાત કરે'
કૉક્રોચ જનતા પાર્ટીએ સોમવારે સંસદ ભવન સુધી માર્ચ કરવાની જાહેરાત કરી છે, પરંતુ દિલ્હી પોલીસે કહ્યું કે આવી કૂચને કોઈ મંજૂરી આપવામાં નથી આવી.
કૉક્રોચ જનતા પાર્ટીએ કહ્યું કે તે કોઈ પણ હાલતમાં સંસદ સુધી શાંતિપૂર્વક કૂચ કરશે.
કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે શનિવારથી ભૂખ હડતાળ પર બેસેલા છે. સોમવારે તેમની ભૂખ હડતાળનો ત્રીજો દિવસ છે. તેમણે રવિવારે કહ્યું હતું કે આ ખૂબ મુશ્કેલ કામ છે.
અભિજિત દીપકેના પિતા ભગવાન દીપકેએ બીબીસી મરાઠી સાથે વાતચીતમાં પોતાના દીકરાના આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી અને અપીલ કરી કે સરકાર આંદોલનકારીઓ સાથે વાતચીત કરે.
ભગવાન દીપકેએ કહ્યું કે "અભિજિતે આ પહેલાં ક્યારેય ભૂખ હડતાળ કરી નથી, જો તે લાંબા સમય સુધી ખાવાનું નહીં ખાય, તો તેને ચક્કર આવવા લાગે છે. હું પણ લાંબા સમય સુધી ભૂખ્યો રહું છું તો મને પણ ચક્કર આવે છે. આ અમારામાં વારસાગત છે. તેમણે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. હું ખૂબ ચિંતિત છું કે આજે તેની ભૂખ હડતાળનો ત્રીજો દિવસ છે."
"પોલીસે અવરોધ ઊભો કરવાનું વલણ અપનાવવું જોઈએ નહીં. દરેક વ્યક્તિને પોતાનો હક માગવાનો અધિકાર છે. સરકાર લોકો દ્વારા ચૂંટાઈને આવે છે, તેથી તેણે લોકોની વાત સાંભળવી જોઈએ."
તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય આંદોલન નથી. પહેલાં પણ અનેક મુદ્દાઓ પર મંત્રીઓએ રાજીનામાં આપ્યાં છે. જે લોકો પૂછે છે કે પહેલાં થયેલી પેપરલીકની ઘટનાઓ સમયે પ્રદર્શનકારીઓ ક્યાં હતા, મને તેમના વિચાર પર દુ:ખ થાય છે.
ચોમાસુ સત્ર પહેલાં પીએમ મોદીએ કહ્યું, 'હું કોઈ 56 વર્ષના યુવાનની વાત નથી કરી રહ્યો'
સંસદમાં આજથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદ પહોંચ્યા અને મીડિયાને સંબોધન કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે ગત એક મહિનામાં દેશે અનેક મોટી સિદ્ધિઓ મેળવી છે. તેમણે હૈદરાબાદની સ્પેસ કંપની સ્કાયરૂટ ઍરોસ્પેસના તાજેતરના પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું, "ગત વર્ષે ચોમાસુ સત્ર પહેલાં એક ભારતીય નાગરિક આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન પર હતો. બે દિવસ પહેલાં ભારતીય યુવાઓના નેવૃત્વવાળા એક સ્ટાર્ટઅપે એક મોટી સિદ્ધિ મેળવી છે, જે અત્યાર સુધી બહુ ઓછા દેશ મેળવી શક્યા છે."
પીએમ મોદીએ કહ્યું કે "ભારતના યુવાઓએ અંતરીક્ષમાં નવી ઉડાન ભરી છે. આ યુવા સ્ટાર્ટઅપમાં કામ કરનારા લોકોની વય સરેરાશ 28 વર્ષ છે. એવા નવયુવાનોએ કામ કરી દેખાડ્યું છે. હું કોઈ 56 વર્ષના યુવાનની વાત નથી કરી રહ્યો."
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ચોમાસું હોય કે ચોમાસું સત્ર, જો બંને પ્રો-ઍક્ટિવ હોય તો બહુ પ્રોડક્ટિવ થાય છે. બંને પ્રોડક્ટિવ હોય તો દેશનું કલ્યાણ થાય છે, જીવમાત્રનું કલ્યાણ થાય છે. આથી અમે પ્રાર્થના કરીએ છીએ કે ચોમાસું પણ પ્રો-ઍક્ટિવ રહે, ચોમાસુ સત્ર પણ પ્રોડક્ટિવ રહે."
ઉલ્લેખનીય છે કે ચોમાસુ સત્ર 20 જુલાઈ, 2026થી શરૂ થઈને 13 ઑગસ્ટ, 2026 સુધી ચાલશે.
સોનમ વાંગચુકની તબિયત પર હૉસ્પિટલે શું કહ્યું?
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની તબિયત પર સફદરજંગ હૉસ્પિટલે હેલ્થ અપડેટ આપી છે. હૉસ્પિટલ અનુસાર, વાંગચુકના જરૂરી મેડિકલ રિપોર્ટનાં પરિણામ સામાન્ય આવ્યાં છે.
હૉસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે સોનમ વાંગચુકની સારવાર સારી રીતે સતત થઈ રહી છે અને ડૉક્ટરો તેમની નિયમિત દેખરેખ રાખી રહ્યા છે.
હૉસ્પિટલે જણાવ્યું, "વાંગચુકની સારવાર ચાલુ છે અને નિષ્ણાતોની વિવિધ ટીમો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. વીએમએમસી, સફદરજંગ હૉસ્પિટલ અને એઇમ્સ દિલ્હીની તબીબી ટીમોના મૂલ્યાંકનના આધારે કોઈ પણ સંભવિત સમસ્યાને શોધવા અને સારવાર માટે સતત દેખરેખ રાખવી જરૂરી છે."
હૉસ્પિટલ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે સોનમ વાંગચુકને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પડાઈ રહી છે અને નિષ્ણાતોની ટીમ સતત તેમની તબિયતની સમીક્ષા કરી રહી છે.
નોંધનીય છે કે સોનમ વાંગચુકને શનિવારે (18 જુલાઈ) દિલ્હી પોલીસ જંતર-મંતરથી સફદરજંગ હૉસ્પિટલ લાવી હતી. જોકે, તેમનાં પત્નીએ તેમને બીજી હૉસ્પિટલમાં ખસેડવાની માગ કરી છે.
રોહિત શર્માની નિવૃત્તિ, કોહલી અને રોહિતની બેટિંગ વિશે શુભમન ગિલે શું કહ્યું?
ઇંગ્લૅન્ડ સામે ત્રીજી વનડે મૅચ હારવાની સાથે ભારત સિરીઝ હાર્યું છે. જોકે, આ મૅચમાં રોહિત શર્માએ 110 બૉલમાં 138 રન બનાવ્યા હતા અને વિરાટ કોહલીએ 60 બૉલમાં 74 રન બનાવ્યા હતા.
આ મૅચ બાદ રોહિત શર્માની નિવૃત્તિની ચર્ચાને રદિયો આપતા શુભમન ગિલે કહ્યું કે ટીમમાં આવી કોઈ ચર્ચા થઈ નથી.
ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન શુભમન ગિલે રોહિત શર્માની નિવૃત્તિની ચર્ચા પર કહ્યું કે "તેમણે અમને કંઈ કહ્યું નથી. મને લાગે છે કે માત્ર મીડિયામાં બધું જ બહાર આવ્યું છે, પરંતુ ટીમમાં આવી કોઈ ચર્ચા થઈ નથી."
તેમણે વધુમાં કહ્યું કે "રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વર્ષોથી દુનિયાના વિવિધ ભાગોમાં ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. રોહિતભાઈએ જે રીતે બેટિંગ કરી અને 140 રન બનાવ્યા તેનાથી હું ખુશ છું. મને લાગે છે કે અંતે વિકેટ થોડી ધીમી પડી હતી. તેની પર રન બનાવવા સરળ ન હતા. તેમણે જે રીતે બેટિંગ કરી તે જોવાની ખૂબ મજા આવી."
ઇંગ્લૅન્ડે પહેલી બેટિંગ કરતા ભારત સામે 3 વિકેટે 387 રન બનાવ્યા હતા. બેન ડક્કેટે 135 બૉલમાં 141 રન બનાવ્યા હતા. ભારત સામે 50 ઓવરમાં 7 વિકેટે 360 રન બનાવ્યા હતા. ભારતની 27 રનથી હાર થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન