You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સતલજ : એ નદી, જે હજારો વર્ષોના ઇતિહાસને પેટાળમાં છુપાવીને બેઠી છે
- લેેખક, ત્રિભુવન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 10 મિનિટ
"સતલજની હવા,
જે મારા ગામનાં ખેતરોમાંથી વહે છે,
અને મને એ તમામની યાદ અપાવે છે,
જેઓ આ ધરતી માટે લડ્યા અને માટીમાં સમાઈ ગયા."
ક્રાંતિકારી કવિ લાલસિંહ દિલે લખેલા પ્રસિદ્ધ પંજાબી કાવ્ય "સતલજ દી હવા"માંથી લેવાયેલો આ અંશ સૂચવે છે કે સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પરથી ફિલ્મ ઉતારી દેવા માત્રથી આ નદી તરફથી લોકોનું ધ્યાન ખસેડી શકાતું નથી. હિમાલય કરતાં પણ જૂની ભૌગોલિક યાદો, વિલુપ્ત થઈ ગયેલાં નદી-માર્ગો, સભ્યતાઓ, સામ્રાજ્યો, યુદ્ધો તથા વિભાજિત દેશોની કહાણીઓને પોતાની સાથે વહાવતી આવેલી આ નદી અગાઉથી જ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચતી આવી છે.
એક ફિલ્મનું પોસ્ટર ડિજિટલ કેટેલૉગમાંથી જરૂર દૂર કરી શકાય છે, પણ એક નદીને ક્યારેય ઇતિહાસના કેટેલૉગમાંથી ભૂંસી શકાતી નથી.
"સતલજ" ફિલ્મમાં દિલજિત દોસાંઝ માનવ અધિકાર કાર્યકર જસવંતસિંહ ખાલડાની ભૂમિકા ભજવે છે, જેમણે સરકારી દસ્તાવેજો, સ્મશાનગૃહોનાં રજિસ્ટરો, નગરપાલિકાની રસીદો તેમજ બિનવારસી મૃતદેહોની યાદીઓનો ઉપયોગ કરીને ભારતના નજીકના ભૂતકાળનાં અત્યંત વિચલિત કરી મૂકનારાં પ્રકરણોમાંના એક પ્રકરણ પરથી પડદો ઉઠાવ્યો હતો.
પણ ફિલ્મનું નામ જેના પરથી રાખવામાં આવ્યું છે, એ "સતલજ" તિબેટના ઉજ્જડ અને અફાટ પ્રદેશમાંથી હિમાલયના ખડકોને ચીરતી પંજાબનાં મેદાનોમાંથી થઈને પાકિસ્તાનમાં પ્રવેશે છે અને સિંધુની વિશાળ જળપ્રણાલીમાં સમાઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાની લેખક શાહબાઝ બહાવલપુરીએ લખ્યું હતું, "સતલજ પંજાબના ઐતિહાસિક ચોક પરથી વહેતી પાંચ નદીઓ પૈકીની સૌથી લાંબી અને સૌથી સહિયારી ધરોહર છે."
તો, જાણીતા પંજાબી સાહિત્યકાર દેવેન્દ્ર સત્યાર્થીએ લખ્યું હતું, "સતલજની એક ઝલક માણસના અહંકારને હીન કરી નાખે છે. તે પૃથ્વીની પોતાની સપાટી ઉપર લખાયેલી એક ગતિશીલ હસ્તપ્રત છે, જેના અક્ષરો અમુક વખત ગ્લેશિયર છે, તો અમુક વખત ખીણો છે, કોઈક વખત સૂકાભઠ થઈ ગયેલા પ્રાચીન નદીના પટ છે, તો વળી કોક વખત તેના કિનારાઓ પર વિકસેલાં અને અદૃશ્ય થઈ ગયેલાં નગરો છે."
નદી એક, નામ અનેક
સતલજ નદીનું ઉદ્ગમસ્થાન કૈલાસ-માનસરોવર પાસે પથરાયેલા ઊંચા, શુષ્ક અને અદભુત પ્રદેશમાં આવેલું છે.
તિબેટમાં આ નદી "લોંગચેન ઝાંગ્બો"ના નામથી ઓળખાય છે. તે પશ્ચિમ તરફ વહે છે અને શિપકી લા પાસે ભારતમાં પ્રવેશ કરીને કિન્નૌરની ઊંડી ખીણોમાં ખાબકે છે.
ત્યાં આ નદી મેદાનના શાંત જળપ્રવાહ જેવી નથી દેખાતી, બલકે પથ્થરોની વચ્ચેથી પસાર થતી કોઈ પ્રાચીન શક્તિ જેવી દેખાય છે.
ભૂસ્તરશાસ્ત્રીઓ સતલજને હિમાલયની પુરોગામી નદીઓમાંની એક ગણે છે, જેમનાં જળતંત્રો હાલની પર્વતમાળાની ભૂગોળ પૂર્ણપણે રચાઈ, તે પહેલાં જ બનવા માંડી હતી. આથી, એવો પણ દાવો કરવામાં આવે છે કે સતલજ અને હિમાલયનો વિકાસ એકસાથે જ થયો હતો.
જેમ-જેમ પૃથ્વીનો પોપડો ઊંચો ઊઠતો ગયો, તેમ-તેમ નદીનો પ્રવાહ પાછળ ન ધકેલાયો. બલકે તેણે વધી રહેલી પર્વતમાળાઓમાંથી માર્ગ કાઢીને પોતાના માટે ઊંડી કોતરો બનાવી. અમુક જગ્યાએ તો તે પર્વતના સૌથી ઊંચા અને સીધા ભાગોને અતિશય મુશ્કેલ ખૂણામાંથી ચીરીને પસાર થાય છે - જાણે કે, પાણીએ પથ્થરોને કહ્યું હોય, "તમારી ઊંચાઈ મારી દિશા બદલી નહીં શકે."
પશ્ચિમી હિમાલયના પ્રાચીન જળતંત્ર તેમજ સતલજના સિંધુ પ્રણાલી સાથે જોડાણની પ્રક્રિયા પરનો અત્યંત મહત્ત્વનો અભ્યાસ એ પીટર ડોમિનિક ક્લિફ્ટ અને જ્યૉર્જી એસ. બ્લૂશ્ટાઇનનો સંશોધનપત્ર છે. 2005માં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ 'નેચર'માં પ્રકાશિત થયેલા તે સંશોધન પત્રનું શીર્ષક છેઃ 'રિઑર્ગેનાઇઝેશન ઑફ ધ વેસ્ટર્ન હિમાલયન રિવર સિસ્ટમ આફ્ટર ફાઇવ મિલિયન યર્સ અગો'.
અરબી સમુદ્રના કાંપ તથા આઇસોટોપના ડેટા પર આધારિત આ અભ્યાસ સૂચવે છે કે, આશરે પચાસ લાખ વર્ષો પહેલાં, પશ્ચિમ હિમાલયની નદીઓ સઘન પુનર્ગઠનની પ્રક્રિયામાંથી પસાર થઈ હતી અને આદિમ સતલજ પશ્ચિમ તરફ વળીને સિંધુ જળપ્રણાલીનો ભાગ બની ગઈ હતી.
લીલા મારિયા વેસ્પોલી દ કાર્વાલ્હો અને ચાર્લ્સ જોન્સ દ્વારા લિખિત 'ધ મૉન્સૂન્સ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જઃ ઑબ્ઝર્વેશન્સ ઍન્ડ મૉડેલિંગ' તથા પીટર ડોમિનિક ક્લિફ્ટ અને તારા એન. જોનેલનાં ભૂસ્તરીય સંશોધનો દર્શાવે છે કે, આજે આપણે જે સતલજને જાણીએ છીએ, તે કેવળ એક વહેતી નદી નથી, બલકે લાખો વર્ષો પહેલાં થયેલી નદીના ભૂસ્તરશાસ્ત્રીય અપહરણનું જીવંત પરિણામ છે.
એક નદી, જેણે માનવ સભ્યતાઓની ભૂગોળ બદલી નાખી
અને અહીંથી જ નદીની કહાણી વધુ વિસ્મયકારક બને છે, કારણ કે સતલજે માત્ર પર્વતો નથી કાપ્યા, બલકે તેણે પોતાનું વહેણ બદલીને માનવ સભ્યતાઓની ભૂગોળ પણ ફેરવી નાખી છે.
ભૂતકાળમાં તેનો એક મોટો પ્રવાહ તેના હાલના વહેણ કરતાં ઘણે દૂર, દક્ષિણ-પૂર્વ તરફ વહેતો હતો અને ઘગ્ગર-હાકરા રિવર સિસ્ટમ (નદીના જળતંત્ર)માં ભળી જતો હતો.
અર્થાત્, જે નદી આજે પંજાબ અને પાકિસ્તાનમાં થઈને વહે છે, એક સમયે તેની વિશાળ જળરાશિ હરિયાણા, રાજસ્થાન અને ચોલિસ્તાનમાંથી વહેતી હતી. પછીથી તેણે તેનો જૂનો પટ છોડી દીધો અને પશ્ચિમ તરફનું વલણ અપનાવ્યું.
સમાંતર ભારતીય સાહિત્યમાં આ નદીની ચંચળતાને આગવી રીતે યાદ કરવામાં આવી છે.
વેદિક સાહિત્યમાં તેનું નામ શુતુદ્રી હતું. મહાભારતમાં તેનું નામ શતુદ્રુ છે - "સેંકડો ધારા ધરાવતી નદી."
એક પ્રાચીન કથા પ્રમાણે, શોકમગ્ન વશિષ્ઠ ઋષિએ આ નદીમાં ઝંપલાવ્યું હતું, પણ નદી તેમને આગ જેવા પ્રખર સમજીને નદી સેંકડો ધારાઓમાં વિભાજિત થઈ ગઈ અને આ રીતે તેણે ઋષિને જીવન ટૂંકાવવા ન દીધું.
એવું કહી શકાય કે સતલજ એ એકસાથે બે ભાષામાં લખાયેલી નદી છે.
ખડકો, શિલાઓની ભાષામાં તે વહેણ બદલવાની અને ભૂસ્તરીય ફેરફારોની વાર્તા છે, જ્યારે મહાકાવ્યની ભાષામાં તે એક હતાશ માણસને ઉગારી લેવા માટે સેંકડો હાથ ફેલાવતી નદી છે.
કૈલાસની પશ્ચિમે આવેલી અપર (ઉપરની) સતલજ વેલી (ખીણ) પ્રાચીન ઝાંગઝુંગ સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે.
તિબેટન બોન પરંપરામાં, ઝાંગઝુંગ એક શક્તિશાળી સાંસ્કૃતિક કેન્દ્ર હતું, જેની યાદો પશ્ચિમી તિબેટ, લદ્દાખ અને હિમાલયના ઘાટો સુધી વિસ્તરિત છે.
સતલજ નજીક આવેલું ક્યુંગલુંગ "ગરુડના ચાંદીના મહેલ" તરીકે ઓળખાતું હતું. તેના અવશેષો આ રહસ્યમય સભ્યતા સાથે જોડાયેલા છે.
ભારતમાં પ્રવેશ્યા પછી પણ સતલજ નદીએ એક સરહદ તરીકે નહીં, બલકે કોતરો વચ્ચેથી પસાર થતા માર્ગ તરીકે કામ કર્યું છે.
સૈકાઓ સુધી વેપારીઓ, ગોવાળો અને પ્રવાસીઓ શિપકી લાના કઠિન માર્ગથી અવરજવર કરતા રહ્યા.
ઊન અને મીઠું તિબેટથી આવતું, જ્યારે અનાજ, ગોળ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ભારતીય પ્રદેશમાંથી ઉપર તરફ પહોંચાડવામાં આવતી.
મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન આ માર્ગો પરથી જ હજ્જારો તિબેટી બૌદ્ધગ્રંથોની હસ્તપ્રતોને ખચ્ચરો પર લાદીને બિહાર લઈ આવ્યા હતા.
1962ના ભારત-ચીન યુદ્ધ પછી આ પરંપરાગત માર્ગો પર ચુસ્ત નિયંત્રણો લાદી દેવામાં આવ્યાં.
એક સમયે જે રસ્તો ઢોર-ઢાંખરના ગળાની ઘંટડીઓના ધ્વનિથી ગૂંજતો હતો, તે લશ્કરી ચેકપોઇન્ટ અને પરમિટની જગ્યામાં ફેરવાઈ ગયો.
1990ના દાયકામાં મર્યાદિત પ્રમાણમાં વેપાર શરૂ થયો ખરો, પણ એ જૂની દુનિયા કદી પાછી ન ફરી શકી.
અહીં પણ સતલજ ઇતિહાસનો એ જ નિયમ રજૂ કરે છેઃ જ્યારે પણ માણસ સરહદ ઊભી કરે છે, ત્યારે નદી સંબંધનો જૂનો પુરાવો પાછળ છોડી જાય છે.
પર્વતીય વિસ્તારોમાંથી મેદાનોમાં ઊતરતાં જ સતલજની પ્રકૃતિ સાવ બદલાઈ જાય છે.
સતલજની બદલાતી પ્રકૃતિ
સતલજ ફક્ત એક જીવન પ્રદાન કરનારી ધારા નહોતી, તે ઘણી વખત એ પણ નક્કી કરતી હતી કે કોઈ સામ્રાજ્યનો અંત ક્યારે આવશે અને બીજા સામ્રાજ્યનો ઉદય ક્યારે થશે.
મહારાજા રણજિતસિંહ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે 1809માં થયેલી અમૃતસર સંધિએ સતલજને એક મહત્ત્વની રાજકીય સરહદ બનાવી દીધી હતી.
25મી એપ્રિલ, 1809ના રોજ અમૃતસર ખાતે બ્રિટિશ પ્રતિનિધિ ચાર્લ્સ ટી. મેટકાફ અને મહારાજા રણજિતસિંહ વચ્ચે સહી કરાયેલા સંધિના દસ્તાવેજો પરથી આ વાતની પુષ્ટિ થાય છે.
જોસેફ ડેવી કનિંગહામના પુસ્તક "હિસ્ટ્રી ઑફ શીખ્સ" અને શીખ ઇતિહાસના નિષ્ણાત, રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ તેમજ લઘુમતી પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ તરલોચનસિંહ પણ એવી દલીલ કરે છે કે, કેવી રીતે એક શીખ શાસકના શાસન હેઠળ મોટા ભાગની ઇસ્લામિક પ્રજા શાંતિપૂર્વક અને ખુશીથી રહેતી હતી, કારણ કે માનવતા એ સતલજનાં પાણીનું મુખ્ય હાર્દ છે.
નદીના પશ્ચિમ તરફના પ્રદેશોમાં રણજિતસિંહની સત્તા સ્વીકારવામાં આવી હતી, જ્યારે પૂર્વ તરફનાં રાજ્યોમાં બ્રિટિશ સુરક્ષા વધતી ગઈ.
તે એક અસાધારણ ક્ષણ હતીઃ લાખો વર્ષોની ભૌગોલિક યાત્રા થકી તૈયાર કરવામાં આવેલો જળપ્રવાહ કેટલીક કલમોની સંધિને પગલે સામ્રાજ્યની સરહદમાં ફેરવાઈ ગયો હતો.
પરંતુ નદી દ્વારા ઊભું કરવામાં આવેલું આ અંતર કાયમી ન હતું. ડિસેમ્બર, 1845માં ખાલસા સૈન્ય સતલજ પાર કરી ગયું.
બ્રિટિશ સત્તાધિકારીઓએ નદી પાર કરવાની આ ઘટનાનું અર્થઘટન યુદ્ધની ઘોષણા તરીકે કર્યું અને આ સાથે પ્રથમ એંગ્લો-શીખ યુદ્ધનાં મંડાણ થયાં.
આ યુદ્ધનો નિર્ણાયક જંગ ફેબ્રુઆરી, 1846માં સોબરાઓન નજીક સતલજના કિનારે લડવામાં આવ્યો હતો.
શીખોની સેનાએ સતલજની આસપાસ મજબૂત કબજો જમાવી દીધો હતો અને પીછેહઠ કરવા માટે હોડીઓ જોડીને એક કામચલાઉ પુલ તૈયાર કર્યો હતો.
ઘણાં સ્થળોએ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અવિરત વરસાદ પડી રહ્યો હોવાને લીધે સતલજ નદી બે કાંઠે વહી રહી હતી. લડાઈ દરમિયાન, પુલ તૂટી પડ્યો. પરિણામે, પીછેહઠ કરી રહેલા ઘણા સૈનિકો નદી અને દુશ્મન સેનાની વચ્ચે સપડાઈ ગયા. હજી હમણાં સુધી રક્ષણાત્મક દીવાલ બનીને ઊભેલું પાણી એકાએક મોતની દીવાલ બની ગયું.
સોબરાઓન ખાતે થયેલી હારે લાહોર દરબારની શક્તિ તોડી નાખી અને પ્રથમ એંગ્લો-શીખ યુદ્ધની સમાપ્તિ માટેનો માર્ગ મોકળો કર્યો.
આ યુદ્ધનાં બ્રિટિશ ચિત્રોની સતલજ પૃષ્ઠભૂમિમાં દેખાય છે, પણ વાસ્તવિક ઇતિહાસમાં નદી કેવળ પૃષ્ઠભૂમિ નહોતી.
તે યુદ્ધનું એક સક્રિય બળ હતી - સરહદ, ખાઈ, પીછેહઠનો રસ્તો અને છેવટમાં એક છટકું.
પંજાબ કબજે કરી લીધા પછી બ્રિટિશરોએ સતલજને ફક્ત એક નદી તરીકે ન જોતાં, તેને ધરખમ આવક, નિયંત્રિત શ્રમ તથા તેને નવી ખેતીકીય ભૂગોળમાં પરિવર્તિત કરવાની સંભવિતતાના સ્રોત તરીકે જોઈ.
નદીના પાણીને કૅનાલ, હેડવર્ક્સ અને મહેસૂલ રેકૉર્ડમાં વાળવામાં આવ્યું. કૅનાલનું નેટવર્ક ગ્રેટર પંજાબ, બહાવલપુર અને બિકાનેરના રજવાડા સુધી ફેલાઈ ગયું.
20મી સદીના પ્રારંભમાં સતલજ વેલી પ્રોજેક્ટ બ્રિટિશ શાસન હેઠળના ભારતની સૌથી મહત્ત્વાકાંક્ષી સિંચાઈ યોજના પૈકીનો એક બન્યો.
તે બ્રિટિશ પંજાબ, બહાવલપુર અને બિકાનેરને આવરી લેતો એક વિશાળ સ્તરનો પ્રોજેક્ટ હતો.
આ પ્લાનમાં ચાર મુખ્ય હેડવર્ક્સ અને 11 કૅનાલો મારફત લાખો એકર સૂકીભઠ જમીન સુધી પાણી પહોંચાડવાની સંકલ્પના કરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટ માત્ર સિંચાઈ વિશે નહોતો, બલકે તે સમાજ નિર્માણનો એક વસાહતી પ્રયોગ હતો.
કૅનાલ સાથે નવી વસાહતો ઊભી થઈ, ખેતરોની નવી સીમાઓ બની, જમીનના ભાવ બદલાઈ ગયા, સ્થળાંતરો થવા માંડ્યાં અને નવી મહેસૂલ વ્યવસ્થાની સ્થાપના થઈ.
બિકાનેરના મહારાજા ગંગાસિંહ માટે, સતલજનું પાણી તેમના દુકાળગ્રસ્ત રજવાડાને બચાવવા માટેનું સાધન હતું.
તો, બહાવલપુરમાં આ પાણી રણની જમીનને ખેતીની જમીનમાં ફેરવી નાખનારું બળ બન્યું.
બ્રિટિશ શાસન માટે તે આવક, કપાસ, ઘઉં અને રાજકીય નિયંત્રણનો સ્રોત હતો.
આ જ પાણી ત્રણ જુદી-જુદી સંકલ્પનાઓ - અસ્તિત્વ ટકાવી રાખવું, રાજ્ય નિર્માણ અને સામ્રાજ્યવાદી લાભ - મારફત વહેતું હતું.
કૅનાલોને કારણે સમૃદ્ધિ તો આવી જ, પણ તેની સાથે તે એક નવી સામાજિક શિસ્ત પણ લાવી.
કોને પાણી મળશે, કેટલા સમય સુધી મળશે, કઈ જમીન "કમાન્ડ એરિયા" (સિંચાઈ વિસ્તાર) હેઠળ આવશે અને કઈ જમીન તેની બહાર રહેશે - આ બધા નિર્ણયોને કારણે ખેડૂતો, જમીન માલિકો અને રાજ્ય વચ્ચે સત્તાના નવા સંબંધો વિકાસ પામ્યા.
1947માં જ્યારે પંજાબના ભાગલા પડ્યા, ત્યારે લોકો, જમીન અને શહેરોની સાથે જળપ્રણાલી પણ છિન્ન-ભિન્ન થઈ ગઈ.
પણ કૅનાલની ભૂગોળ ધર્મના આધારે વિભાજિત વસ્તી પ્રમાણેની નહોતી. કેટલીક કૅનાલોનાં હેડવર્ક્સ ભારતમાં રહી ગયાં, જ્યારે તેમના દ્વારા સિંચાઈ મેળવનારાં ખેતરો પાકિસ્તાન જતાં રહ્યાં.
સરહદને કારણે એક તરફ નિયંત્રણ અને બીજી તરફ નિર્ભરતાની સ્થિતિ સર્જાઈ. ફિરોઝપુર હેડવર્ક્સ તેનું સૌથી નાટ્યાત્મક ઉદાહરણ બન્યું.
સિંધુ જળ સંધિ શું છે?
હંગામી ગોઠવણ એપ્રિલ, 1948ના રોજ સમાપ્ત થઈ ગયા પછી પૂર્વ પંજાબે દીપાલપુર કૅનાલમાંથી તથા અપર બારી દોઆબ સિસ્ટમની કેટલીક પાકિસ્તાની શાખાઓમાંથી પાણીનો પુરવઠો અટકાવી દીધો.
ભાગલાની હિંસાના માત્ર આઠ જ મહિના પછી નદીએ બંને દેશોને જણાવી દીધું કે, રાજકીય સ્વતંત્રતા પાણી પરની નિર્ભરતાનો અંત લાવતી નથી.
1960માં થયેલી સિંધુ જળ સંધિએ એક અસાધારણ પણ કઠોર ઉકેલ આપ્યો.
ભારતને મુખ્યત્વે પૂર્વની નદીઓ રાવી, બિયાસ અને સતલજ મળી, જ્યારે પાકિસ્તાનને મુખ્યત્વે પશ્ચિમની નદીઓ સિંધુ, જેલમ અને ચિનાબ મળી.
આઝાદ ભારતે સતલજને સામ્રાજ્યવાદી આવકના સ્રોત તરીકે જોવાને બદલે અલગ દૃષ્ટિકોણથી જોઈ. ભાખરા-નાંગલ પ્રોજેક્ટે આ નદીને રાષ્ટ્રીય પુનઃનિર્માણ, શક્તિ, સિંચાઈ અને ખાદ્યાન્ન સુરક્ષા માટેની તાકાત બનાવી દીધી.
હિમાલયના ઘાટમાં ઊભેલી કૉંક્રિટની મહાકાય દીવાલ એ યુગની શ્રદ્ધાનું પ્રતીક હતી, જ્યારે એવું લાગતું હતું કે, વૈજ્ઞાનિક પ્લાનિંગ ભારતને ભૂખમરા, દુકાળ અને પછાતપણામાંથી મુક્ત કરી શકે છે.
ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ભાખરાને નવા ભારતનું નવું મંદિર ગણાવ્યું. આ શબ્દો ડૅમનું ઘણું ઊંચું મહત્ત્વ આંકતા હતા.
તે આધુનિકતાની નવી ધાર્મિક ભાષા હતીઃ હવે ચમત્કાર ભગવાન દ્વારા નહીં, પણ એન્જિનિયરો દ્વારા કરવામાં આવશે, પવિત્રતા હવે પ્રાચીન અવશેષોમાં નહીં, પણ પાવર પ્લાન્ટ્સ અને સિંચાઈની કૅનાલોમાં વસશે.
ભાખરાએ સાચે જ ઉત્તર ભારતની કાયાપલટ કરી દીધી. વીજળી ઉત્પન્ન કરવામાં આવી. કૅનાલો લંબાવવામાં આવી. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનનાં ખેતરોને પાણી મળ્યું. પછીથી, સતલજે હરિયાળી ક્રાંતિની વધુ ઊપજ આપતી ખેતી માટે જરૂરી નિયંત્રિત સિંચાઈ પૂરી પાડવામાં અગત્યની ભૂમિકા ભજવી. ભારતની ખાદ્યાન્ન અસુરક્ષિતતા ઘટી ગઈ અને પંજાબ રાષ્ટ્રીય અન્નભંડાર બન્યું.
પણ સતલજ જેવી નદીઓ પર આ મંદિરોનું નિર્માણ કરવાની આકરી કિંમત પણ ચૂકવવી પડી.
જૂનું બિલાસપુર નગર, ગામડાં, માર્ગો, ખેતરો અને યાદો જળાશયની નીચે ગરકાવ થઈ ગયાં. વિસ્થાપિત લોકો માટે ડૅમની ઊંચાઈ એ રાષ્ટ્રીય વિકાસ નહોતો, બલકે તે પાણીની નીચે ડૂબી ગયેલું તેમનું ઘર હતું.
આધુનિક ભારતે સતલજ પાસેથી ખોરાક અને વીજળી મેળવ્યાં, પણ તેના બદલામાં નદીએ ઋતુઓનો તેનો સ્વતંત્ર ક્રમ ગુમાવવો પડ્યો.
ડૅમની નીચે આ નદી હવે બરફ ઓગળવો, વરસાદ પડવો અને હવામાનના ક્રમ અનુસાર નથી વહેતી, બલકે ટર્બાઇન્સ, જળાશયો અને સિંચાઈના નિર્દેશો પ્રમાણે વહે છે.
સતલજના ઇતિહાસની આ સૌથી ઘેરી વિડંબના છે. પર્વતોમાંથી પોતાનો રસ્તો બનાવનારી નદીને આધુનિક માનવીએ કૉંક્રિટની દીવાલથી રોકી દીધી છે.
આજે, સતલજના ઉપલા પ્રવાહો પર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ, ટનલ અને રસ્તાઓની હારમાળા આવેલી છે. મેદાનોમાં તેના પાણીને નહેરો દૂર-દૂર સુધી લઈ જાય છે.
ઔદ્યોગિક શહેરો નજીકનો પ્રદૂષિત પ્રવાહ તેમાં જોડાય છે.
વૈજ્ઞાનિક અભ્યાસો સતલજ ખીણને એવી જગ્યા તરીકે જુએ છે, જ્યાં હવામાન, ધોવાણ અને સક્રિય ભૂગર્ભ એકબીજાને સતત પ્રભાવિત કરતાં રહે છે.
ઇતિહાસનો વિચિત્ર પડઘો
આથી જ 'સતલજ' ફિલ્મનું અચાનક અદૃશ્ય થઈ જવું ઇતિહાસનો વિચિત્ર પડઘો પાડે છે.
સતલજના સમગ્ર અસ્તિત્વ દરમિયાન, માનવીએ વારંવાર તેને નામ આપવાનો, તેનું વિભાજન કરવાનો અને તેના પર કબજો જમાવવાનો પ્રયત્ન કર્યો છે.
પણ સતલજે માનવ સભ્યતાઓને સ્થાયી થતી અને નદીના પટને રણમાં ફેરવાતા જોયા છે. તેણે તેના પાણીમાં કાફલા, સામ્રાજ્યો અને સૈનિકોને તણાતા જોયા છે.
તેણે ભાગલાના શરણાર્થીઓ જોયા છે, કૅનાલના બંધ થઈ ગયેલા દરવાજા જોયા છે, ડૅમની કૉંક્રિટ જોઈ છે અને ભૂખ્યા દેશનું ભવિષ્ય બદલી નાખનારાં ખેતરોમાં ઊગતું અનાજ પણ જોયું છે.
હવે તેણે પોતાના નામની એક ફિલ્મ પડદા પર આવતી અને પછી હઠી જતી જોઈ છે.
પણ એક ફિલ્મને હઠાવવા અને ઇતિહાસને ભૂંસી નાખવા વચ્ચે એટલો જ તફાવત છે, જેટલો એક નદી પર બાંધવામાં આવતા બંધ અને નદીની સમગ્ર સફર વચ્ચે હોય છે.
બંધ થોડા સમય સુધી પાણીને અટકાવી શકે છે, પણ તે નદીના ઉદ્ગમસ્થાનની સ્મૃતિ, તેના ભૂતકાળના ક્રમ, પાછળ છોડી દેવાયેલા કાંપની યાદો અને સમુદ્ર તરફની તેની સફરને કદીયે ભૂંસી શકતો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન