મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપો, સાદાં કપડાંવાળા કરે છે લાઠીચાર્જ: CJP પ્રદર્શનમાં પોલીસ કાર્યવાહી સામે ઊઠતા સવાલો

    • લેેખક, બીબીસી હિન્દી ટીમ
    • દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

દિવસ: સોમવાર

સ્થળ: જંતર-મંતર, જનપથ, કનૉટ પ્લેસ

જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલી 'કૉક્રોચ જનતા પાર્ટી' એ 20મી જુલાઈએ સંસદ સુધી કૂચ કરવાની જાહેરાત કરી હતી. સીજેપીએ આ વિરોધ પ્રદર્શનમાં નીટ-યુજી (NEET-UG) પેપર લીક અને અન્ય પરીક્ષાઓમાં ગેરરીતિના આક્ષેપો સાથે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે.

આ કૂચ પહેલાં દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 63 હેઠળ નવી દિલ્હી ડિસ્ટ્રિક્ટમાં મનાઈહુકમ (નિષેધાત્મક આદેશ) લાગુ કર્યો હતો. દિલ્હી પોલીસે એમ પણ કહ્યું હતું કે આ માર્ચ કરવા માટે કોઈ મંજૂરી માંગવામાં આવી નથી કે આવી કોઈ મંજૂરી અપાઈ પણ નથી.

પરંતુ બીજી તરફ 20 જુલાઈની સવારથી જ જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થવા લાગ્યા હતા. જોતજોતામાં લોકોનું મોટું ટોળું નજરે પડવા લાગ્યું.

પ્રદર્શનકારીઓનો રસ્તો રોકવા માટે મોટાં-મોટાં બૅરિકૅડ લગાવવામાં આવ્યાં હતાં. બીજી તરફ વિરોધ કરી રહેલા યુવાનો સેંકડોની સંખ્યામાં હતા અને આગળ વધવા માગતા હતા.

પોલીસ કાર્યવાહીના વાઇરલ વીડિયો

આવા જ એક વીડિયોમાં કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકે ટૅમ્પો જેવા એક વાહન પર બેઠેલા નજરે પડે છે અને પોલીસ પાસે બૅરિકૅડ હઠાવવાની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન પોલીસકર્મીઓ તેમને નીચે આવવા માટે કહી રહ્યા છે, જ્યારે નીચે રહેલી ભીડ એમને એવું કરવાની ના પાડી રહી છે.

વિરોધ-પ્રદર્શન દરમિયાન ત્યાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ તે દિવસે જંતર-મંતર, જનપથ, કનૉટ પ્લેસ અને આસપાસના અન્ય વિસ્તારોમાં જે કંઈ પણ બન્યું, તેનાથી સોશિયલ મીડિયા વીડિયો અને ફોટાઓથી ભરાઈ ગયું. અને આ વીડિયો-ફોટોમાં જે કંઈ દેખાઈ રહ્યું છે, તે મામલે પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

પ્રદર્શનકારીઓને વિખેરવા માત્ર અશ્રુવાયુ (ટીયરગૅસ) ના શેલ જ નહોતા છોડાયા, પરંતુ સુરક્ષાકર્મીઓ તેમના પર લાઠીઓ વીંઝતા પણ દેખાયા. ઘણા વીડિયોમાં પોલીસકર્મીઓ અને રેપિડ ઍક્શન ફોર્સની વાદળી વર્દી પહેરેલા સુરક્ષાકર્મીઓ લોકોને લાઠીઓ મારીને ભગાડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.

ઘણા એવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં પોલીસની સાથે કેટલાક લોકો સાદાં કપડાંમાં લાઠીઓ ચલાવતા દેખાય છે. જ્યારે તેમને આ અંગે સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ આક્રમક રીતે લોકોને મારતા નજરે પડે છે.

દિલ્હી પોલીસે એ જ દિવસે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, "પ્રદર્શનકારીઓએ નવી દિલ્હી વિસ્તારમાં આક્રમક અને હિંસક વર્તન કર્યું."

"પોલીસ દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં તેમણે ત્યાંથી ખસવાનો ઇનકાર કર્યો."

"તેમણે પોલીસકર્મીઓ પર પથ્થરો અને અન્ય વસ્તુઓથી હુમલો કર્યો, પોલીસ બૅરિકૅડ તોડવાનો પ્રયાસ કર્યો, પોલીસ અને સરકારી વાહનો પર હુમલો કર્યો અને મોટા પાયે હિંસા કરી."

પોલીસે વધુમાં કહ્યું, "આ ઘટનામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત 118 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે."

"આ દરમિયાન થયેલી અથડામણમાં લગભગ 60 પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયાના અહેવાલ છે."

"લગભગ 70 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે."

બીજી તરફ કૉક્રોચ જનતા પાર્ટીનું કહેવું છે કે પોલીસે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા યુવાનો પર નિર્દયતાથી લાઠીઓ વીંઝી. અભિજિત દીપકેએ કહ્યું કે તેઓ તેમના સમર્થકો, ખાસ કરીને એ છોકરીઓની માફી માંગે છે જેમને પુરુષ પોલીસ અધિકારીઓએ બર્બરતાથી ફટકારી છે.

બીએનએસ હેન્ડબુક દિલ્હી પોલીસ ઍકેડૅમીની કલમ 195 (2) માં જણાવવામાં આવ્યું છે કે, જે કોઈ પણ જાહેર સેવક (પબ્લિક સર્વન્ટ) પર હુમલો કરે છે, અથવા તેની કામગીરીમાં અવરોધ ઊભો કરે છે, અથવા ગેરકાયદેસર ભીડને વિખેરવા, રમખાણો કે લડાઈ-ઝઘડા રોકવાનો પ્રયાસ કરવા દરમિયાન પોતાની ફરજ બજાવી રહેલા જાહેર સેવક પર ગુનાહિત બળનો ઉપયોગ કરે છે, તેને ત્રણ વર્ષ સુધીની કેદ, અથવા ઓછામાં ઓછો પચીસ હજાર રૂપિયાનો દંડ, અથવા બંને સજા થઈ શકે છે.

પરંતુ સોમવારે મધ્ય દિલ્હીમાં જે બન્યું, જે પ્રકારની કાર્યવાહી થઈ, તે વિશે ગંભીર સવાલો થઈ રહ્યા છે.

પહેલો મુદ્દો: સાદાં કપડાંમાં લાઠી વીંઝતા લોકો

જંતર-મંતરથી આવેલા ઘણા વીડિયોમાં દેખાય છે કે સિવિલ ડ્રેસમાં કથિત પોલીસકર્મીઓ હતા, અને તેમના હાથમાં લાઠીઓ હતી. તેઓ ભીડને નિયંત્રિત કરવા માટે બળપ્રયોગ કરી રહ્યા હતા. તેવી જ રીતે જ્યારે કેટલાક લોકોને સિવિલ ડ્રેસમાં હોવા અને મોં ઢાંકેલું રાખવા અંગે પૂછવામાં આવ્યું તો તેઓ આક્રમક વર્તન કરતા નજરે પડ્યા.

બીજો મુદ્દો: બર્બર લાઠીચાર્જ

જંતર-મંતર પર થયેલી પોલીસ કાર્યવાહીમાં ભારે બળપ્રયોગના આરોપો પણ લાગી રહ્યા છે. પોલીસકર્મીઓ પર આરોપ છે કે તેમણે માત્ર પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવા માટે જ લાઠીઓ નહોતી ચલાવી, પરંતુ ભાગતા પ્રદર્શનકારીઓ પર પણ બળપ્રયોગ કર્યો.

આ ઉપરાંત ઘણા લોકોને માથા, આંખો અને છાતી પર ઈજાઓ પહોંચી છે, જ્યારે માર્ગદર્શિકા (ગાઇડલાઇન્સ) કહે છે કે લાઠીચાર્જ કરતી વખતે કમરથી નીચેના ભાગે પ્રહાર કરવામાં આવે છે જેથી નુકસાન ઓછામાં ઓછું થાય.

21 વર્ષની એક યુવતી દિલ્હીની રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં દાખલ છે, તે ગંભીર રીતે ઘાયલ છે. ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુવતીની હાલત એટલી ગંભીર હતી કે તેને વેન્ટિલેટર પર રાખવી પડી હતી.

ત્રીજો મુદ્દો: મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપો

કેટલાક એવા વીડિયો સામે આવ્યા છે, જેમાં મહિલાઓ સાથે દુર્વ્યવહાર થતો હોવાનું દેખાય છે. એક વીડિયોમાં એક પોલીસ અધિકારી એક યુવતીને થપ્પડ મારતા નજરે પડે છે.

બીજા એક વીડિયોમાં ઇન્સ્પેક્ટર રૅન્કના એક પોલીસકર્મી ત્યાંથી ભાગતી યુવતીને પાછળથી લાકડી મારતા દેખાય છે.

આ ઉપરાંત દિલ્હી પોલીસ પર પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આરોપ પણ લાગી રહ્યો છે. જોકે દિલ્હી પોલીસનું કહેવું છે કે આ આરોપો પાયાવિહોણા છે.

પોલીસે આ આરોપો પર કહ્યું, "દિલ્હી પોલીસે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર પૅલેટ ગનનો ઉપયોગ કર્યો હોવાના દાવા સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક છે. દિલ્હી પોલીસ પાસે ના તો પૅલેટ ગન છે અને ના આ પ્રદર્શન દરમિયાન તેનો ઉપયોગ થયો છે."

બીબીસી (BBC) એ દિલ્હી પોલીસના ઘણા અધિકારીઓ સાથે આ વાઇરલ વીડિયો અને પોલીસ પર બર્બર કાર્યવાહીના આરોપો અંગે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

તેમનો જવાબ આવતાની સાથે જ રિપોર્ટમાં સામેલ કરવામાં આવશે.

નિષ્ણાતોનું શું કહેવું છે?

ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પણ દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર થયેલા આ 'ક્રૅકડાઉન' ની ટીકા કરતા તેને માનવાધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ ઇન્ડિયાના ચૅર ઑફ બોર્ડ આકાર પટેલે કહ્યું, "જંતર-મંતર પર થયેલાં પ્રદર્શનની સામે આવેલી તસવીરો અને અહેવાલોએ દર્શાવ્યું કે એક શાંતિપૂર્ણ વિરોધને કેવી રીતે દબાવવામાં આવે છે."

તેમણે વધુમાં કહ્યું, "દિલ્હી પોલીસની કાર્યવાહીથી ગંભીર સવાલો ઉભા થાય છે કે શું તેમનું વલણ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ધોરણો હેઠળ કાયદેસર, જરૂરી અને યોગ્ય હતું? અમે દિલ્હી પોલીસને સંયમ જાળવવા અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ સામે ગેરકાયદેસર બળનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા અપીલ કરીએ છીએ."

"અધિકારીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ગેરકાયદેસર વર્તનના તમામ આરોપોની તાત્કાલિક, સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થાય. આ આરોપોમાં પોલીસકર્મીઓ દ્વારા લાઠી, અશ્રુવાયુ અને પથ્થર ફેંકવાનો અતિશય ઉપયોગ સામેલ છે."

આવા કોઈ પ્રદર્શન સમયે મેદાન પર હાજર પોલીસકર્મીઓએ શું-શું કરવાનું હોય છે, પરિસ્થિતિ નિયંત્રિત કરવાના નિયમો શું કહે છે, કેવી રીતે ઓછામાં ઓછું બળ વાપરવું જોઈએ, તે અંગે બીબીસીએ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પોલીસ ડાયરેક્ટર જનરલ (DGP) ઓ. પી. સિંહ સાથે વાતચીત કરી.

તેમણે કહ્યું કે, "ભારતમાં લોકોને વિરોધ-પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ ભારતીય બંધારણ એવું પણ કહે છે કે આ વિરોધ-પ્રદર્શન કેટલાંક નિયંત્રણો સાથે થાય, કારણ કે દેશની સુરક્ષા પણ જોવાની હોય છે. આવી સ્થિતિમાં કોઈને પણ 'ઍબ્સોલ્યુટ પાવર' (અનિયંત્રિત સત્તા) મળી નથી. વિરોધ પ્રદર્શનને કેવી રીતે નિયંત્રિત કરવું એ જવાબદારી શાસન દ્વારા પોલીસની હોય છે."

ઓ.પી. સિંહે કહ્યું, "સૌથી પહેલા વિરોધ-પ્રદર્શન માટેનો રૂટ નક્કી કરવામાં આવે છે કે ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી જઈ શકે છે અને તેની બહાર જવાની પરવાનગી હોતી નથી."

"પરિસ્થિતિ વણસે ત્યારે ભીડને વિખેરવા માટે અશ્રુવાયુ (ટીયરગૅસ) નો ઉપયોગ કરવામાં આવે છે. અને જો ભીડ ત્યાર પછી પણ નજીક આવે છે, તો લાઠીચાર્જ કરવામાં આવે છે, પરંતુ આ પહેલા ચેતવણી આપવી પડે છે."

એ પૂછવા પર કે શું સાદા કપડાંમાં પોલીસને ભીડને નિયંત્રિત કરવાનો અધિકાર હોય છે, આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ઇન્ટેલિજન્સ વિંગના લોકો સાદા કપડાંમાં રહે છે, કારણ કે તેમનું કામ માહિતી એકઠી કરવાનું હોય છે.

સાદાં કપડાં અંગેના નિયમો શું છે?

શું પોલીસકર્મીઓ સાદાં કપડાંમાં પણ લાઠીચાર્જ કરી શકે છે?

આ અંગે ઓ.પી. સિંહે કહ્યું, "ના, એવું નથી. સાદાં કપડાંમાં તહેનાત લોકોને પોલીસિંગની પરવાનગી હોતી નથી. તેઓ લાઠી ન ચલાવી શકે, ગોળી ન ચલાવી શકે."

જોકે, તેઓ અપવાદોનો પણ ઉલ્લેખ કરે છે.

તેમણે કહ્યું, "ક્યારેક એવું બને છે કે સ્થિતિ અચાનક બદલાતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાદા કપડાંમાં પહોંચી શકે છે. તેમને ઓળખી શકાય છે."

"ક્રાઉડ કંટ્રોલ માટે પોલીસ પણ વિડીયોગ્રાફી કરે છે, જેથી આરોપો લાગે ત્યારે તે ઉપયોગી થઈ શકે."

લાઠીચાર્જ કરવા અંગે પોલીસકર્મીઓને શું સૂચનાઓ હોય છે?

આ અંગે ઓ.પી. સિંહે કહ્યું, "એવું નથી જણાવવામાં આવતું કે લાઠી ક્યાં મારવી, પરંતુ જે કાયદાકીય શબ્દ વાપરવામાં આવે છે, તે 'મિનિમમ ફોર્સ' (ઓછામાં ઓછું બળ) નો ઉપયોગ કરવાનો હોય છે. આનો અર્થ એ છે કે તમે શરીરના એવા ભાગ પર મારો કે જે બિલકુલ જીવલેણ ન હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન