You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'અમને થયેલા નુકસાન સામે આટલી સહાય તણખલું ગણાય' : સુરતમાં અચાનક આવેલા પૂર બાદ સરકારી સહાયની જાહેરાત પર વેપારીઓ શું કહે છે?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
"એ દિવસે ઓચિંતો ભારે વરસાદ આવ્યો અને મારી દુકાન પાણીમાં ડૂબી ગઈ, તેમાં રહેલો મોટા ભાગનો માલ બગડી ગયો અને લાખો રૂપિયાનું નુકસાન થયું. હવે સરકાર 25 કે 50 હજાર રૂપિયાની સહાય કરે તો પણ અમને થયેલા નુકસાન સામે આ તણખલું જ કહેવાય."
આ શબ્દો છે સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા દુકાનદાર રામલાલ જૈનના.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગયા અઠવાડિયે ભારે વરસાદમાં નાના-મોટા વેપારીઓ અને ઉદ્યોગોને ભારે નુકસાન ગયું છે, જેમાં સાડીની દુકાન ધરાવતા રામલાલ જૈન પણ સામેલ છે.
તેમની દુકાન એક કૉમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી હતી અને વરસાદનું પાણી ઝડપથી ભરાવા લાગ્યું ત્યારે કોઈને માલ બહાર કાઢવાનો સમય મળ્યો ન હતો.
ભારે વરસાદ પછી શહેરમાં વ્યાપારી વર્ગને જે નુકસાન થયું તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાજેતરમાં એક સહાય પૅકેજની જાહેરાત કરી છે જેમાં 7500 રૂપિયાની ઉચ્ચક સહાયથી લઈને મોટી લોન પર વ્યાજમાં રાહત સામેલ છે.
જોકે, મોટા ભાગના લોકો માને છે કે તેમને જે નુકસાન થયું તેની સામે આ સહાયની કોઈ વિસાત નથી.
નુકસાન સામે કેટલી સહાય મળશે?
તાજેતરમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ આર્થિક સહાયની જાહેરાત કરતા કહ્યું કે સરકાર નાના રેંકડી ધારકોથી લઈને વેપારીઓને મદદ કરશે.
પુનઃવસન પૅકેજમાં થયેલી જાહેરાત પ્રમાણે લારી કે રેંકડી ધારકોને 7500 રૂપિયાની ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે 40 ચોરસ ફૂટ સુધીની નાની ફિક્સ કૅબિન ધરાવનારને 25 હજાર રૂપિયાની રોકડ સહાય મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅબિનનો વિસ્તાર 40 ચોરસ ફૂટથી વધારે હોય તો 50 હજારની રોકડ સહાય મળવાપાત્ર રહેશે. જ્યારે પાકી દુકાન હોય અને છેલ્લા ત્રિમાસિક ગાળાનું જીએસટી રિટર્ન ભરેલું હોય તેમને એક લાખ રૂપિયાની રોકડ સહાય મળશે.
સરકારની જાહેરાત પ્રમાણે પાકા બાંધકામ સાથે સ્થાયી દુકાન હોય અને છેલ્લા ક્વાર્ટરના જીએસટી રિટર્ન મુજબ 7.5 લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર હોય, તેમને 20 લાખ રૂપિયા સુધીની ટર્મ લોન મળશે જેમાં ત્રણ વર્ષ સુધી સાત ટકાના દરે વ્યાજ સહાય મળશે. આ સહાયમાં પાંચ લાખ રૂપિયાની મહત્તમ મર્યાદા રહેશે.
જેમનું છેલ્લા ક્વાર્ટરનું જીએસટી રિટર્ન મુજબ માસિક ટર્નઓવર 7.5 લાખથી 15 લાખ વચ્ચે હોય તેમને 25 લાખની ટર્મ લોન મળી શકશે અને વધુમાં વધુ આઠ લાખની મર્યાદામાં વ્યાજ સહાય મળશે.
જ્યારે 15 લાખથી વધારે માસિક ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ટર્મ લોનની રકમ 30 લાખ સુધીની રહેશે અને વધુમાં વધુ 10 લાખની વ્યાજ સહાય (સાત ટકાના દરે) મળવાપાત્ર રહેશે.
સહાય પૅકેજ મુજબ અગાઉના ક્વાર્ટરમાં જેમણે જીએસટી રિટર્ન ફાઇલ કર્યા હોય તેવી મોટી દુકાનો, ટ્રેડર્સ અને કાયમી કૉમર્શિયલ ઍસ્ટાબ્લિશમેન્ટને બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ તરફથી લોન આપવામાં આવશે.
નુકસાનીના પુરાવા આપવા પડશે
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પાત્રતા ધરાવતા જે લાભાર્થીઓ ઉચ્ચક સહાય મેળવવા ઇચ્છતા હોય, તેમણે સુરતના મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર અથવા મ્યુનિસિપલ ચીફ ઑફિસરને 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
અરજીની સાથે નુકસાનીના પુરાવા તરીકે ફોટા અને વીડિયો પણ રજૂ કરવાના રહેશે. ત્યાર પછી નુકસાનીની આકારણી કરવામાં આવશે અને પછી વળતર અપાશે.
જે વેપારીઓ લોન પર વ્યાજમાં સબસિડી ઇચ્છતા હોય તેમણે પૅકેજના નોટિફિકેશનથી છ મહિનાની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરવાની રહેશે જેની સાથે બૅન્ક પાસેથી મેળવેલા ફાઇનાન્સના પુરાવા આપવા પડશે.
રાજ્ય સરકારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં એક વર્ષ માટે રહેણાક અને કૉમર્શિયલ પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવાની પણ જાહેરાત કરી છે.
સરકારે એવી સ્પષ્ટતા પણ કરી કે જે યુનિટને પહેલેથી એપીએમસી રિલિફ સ્કીમ હેઠળ સહાયતા મળી છે, તેઓ નવી સહાય માટે પાત્ર નહીં ગણાય.
દુકાનદારોએ શું કહ્યું?
બીબીસીએ કેટલાક વેપારીઓ અને ઉદ્યોગના અગ્રણીઓ સાથે વાત કરીને તેમનો મત જાણ્યો હતો.
સુરતમાં મીઠી ખાડી નજીક આવેલા ગરીબ નવાઝ નગરમાં પૂર પછી સૌથી ખરાબ સ્થિતિ હતી. વરસાદ બંધ થયાના ત્રણ-ચાર દિવસ પછી પણ આ વિસ્તારમાં પાણી ભરાયેલા હતા અને જમીનથી લગભગ પાંચ ફૂટની ઊંચાઈએ આવેલી દુકાનમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં.
આ વિસ્તારમાં કેક શૉપ ધરાવતા જયસુખ લાખાણીએ બીબીસીને જણાવ્યું કે, "મને ઓછામાં ઓછું સાડા સાત લાખ રૂપિયાનું નુકસાન ગયું છે. તેની સામે સરકાર જે સહાય જાહેર કરી છે તે બહુ ઓછી છે."
"આ ઉપરાંત સહાય લેવા માટે ઘણા બધા કાગળો દેખાડવા પડશે, જે પૂરનાં પાણીમાં નાશ પામ્યા છે."
"સરકારે પૂર પછી સહાયની જાહેરાત તો ઝડપથી કરી છે, પરંતુ અસલમાં સહાય મળવામાં કેટલો સમય લાગે છે તે જોવાનું રહેશે."
તેઓ કહે છે કે, "સહાયની પ્રક્રિયા ઝડપી હોય અને વેપારીઓએ ધક્કા ખાવા ન પડે તો સારું રહેશે."
સુરતમાં તાજેતરના પૂર વખતે મહેશભાઈ ગઢિયા નામના એક વેપારી ચર્ચામાં આવ્યા હતા, જેઓ એક કમ્પ્યુટર શૉપ ધરાવે છે.
તેમણે પૂર વખતે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની આકરી ટીકા કરતા વીડિયો બનાવ્યો હતા જે વાઇરલ થયો હતો.
ત્યાર પછી નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ શહેરની મુલાકાત લીધી ત્યારે તેમની સાથે ચા પણ પીધી હતી અને તે સમયે તેમના સૂર બદલાઈ ગયા હતા.
મહેશભાઈ ગઢિયાએ કહ્યું કે "આ સમય એવો છે કે સરકાર જે સહાય કરે એટલી ઓછી છે. અમારા કૉમ્પલેક્સમાં સાતથી આઠ કરોડ રૂપિયાનું નુકસાન છે. અમારા પડોશના એક કૉમ્પ્લેક્સમાં 30 કરોડથી વધારે નુકસાન થયું છે."
સહાય પૅકેજ વિશે તેમણે કહ્યું કે, "સરકારે જે દુકાનદારોને નુકસાન ગયું છે તેમને 10 વર્ષ માટે વેરામાં મુક્તિ આપવી જોઈએ. આ હાલત એવી છે જેમાંથી બહાર આવતા ચારથી છ મહિના નીકળી જશે."
"આ ઉપરાંત ફરીથી વરસાદ આવશે તો શું થશે તેની પણ ચિંતા છે. અત્યારે તો અમે માનસિક રીતે ભાંગી પડ્યા છીએ એવી હાલત છે. "
'80 ટકા નુકસાને માલ કાઢવો પડશે'
આવી જ ચિંતા ટેક્સ્ટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા લલિત શર્મા પણ વ્યક્ત કરે છે.
સુરતની જાપાન ટેક્સ્ટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા શર્માએ કહ્યું કે આ વખતે સરકારે બહુ ઝડપથી સહાયતાની જાહેરાત કરી તે બહુ સારી વાત છે, પરંતુ લોકોને સહાયતા પણ ઝડપથી મળે તે જરૂરી છે.
તેમણે કહ્યું કે હજુ કેટલાય માર્કેટ એવા છે જેમાં બેથી ત્રણ ફ્લોર સુધી પાણી ભરાયેલું છે. તેમાં જે નુકસાન થયું તેનો અંદાજ કાઢવામાં વાર લાગશે. તેની સામે જે સહાય મળી તે બહુ ઓછી છે, છતાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમજીને અમે આવકારીએ છીએ. બાકી આ રકમ અપૂરતી છે તે નક્કી છે.
લલિત શર્મા જણાવે છે કે, "અત્યાર સુધી કાપડ ઉદ્યોગમાં મંદી હતી પરંતુ જુલાઈ પછી અલગ અલગ તહેવારોની સીઝન થાય છે. તેના કારણે વેપારીઓએ બહુ માલ ખરીદીને બેઝમેન્ટની દુકાનોમાં રાખ્યો હતો."
"હવે બધો માલ પલળી ગયો છે જેના કારણે 80 ટકા કરતા વધારે નુકસાન સાથે વેચવો પડે તેમ છે."
"અમારા અંદાજ પ્રમાણે આ વખતના વરસાદમાં માત્ર બે દિવસમાં સુરતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગને 200 કરોડનું નુકસાન ગયું હશે."
વીમો મંજૂર થશે કે નહીં તે સવાલ
સુરતસ્થિત સાઉથ ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (એસજીસીસીઆઈ)એ સરકારના પુનઃવસન પૅકેજને આવકાર્યું છે અને કહ્યું છે કે તેનાથી આર્થિક રિકવરી ઝડપી બનશે.
SGCCIના પ્રમુખ અશોક ઝીરાવાલાએ કહ્યું હતું કે આ વખતના વરસાદે 2006ના વિનાશક પૂરની યાદ અપાવી દીધી હતી. વ્યાપાર સંગઠનોએ નુકસાન અંગે સરકારને જે આંકડા આપ્યા હતા તેને ધ્યાને લેવામાં આવ્યા છે.
બીજી તરફ SGCCIના ભૂતપૂર્વ પ્રમુખ નિખિલ મદ્રાસીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે, "નાના દુકાનદારો માટે આ સહાય બહુ સારી છે. પરંતુ મોટા વેપારીઓ કે ઉદ્યોગો માટે જે લોનની વાત કરવામાં આવી છે તેમાં સમસ્યા આવશે."
તેમણે કહ્યું કે "પહેલેથી કોઈ વેપારીની લોન ચાલુ હોય ત્યારે બૅન્કો નવી લોન કેવી રીતે સહાય આપશે તે કહેવું મુશ્કેલ છે. કારણ કે તેનાથી સિબિલ સ્કોરને અસર થશે."
આ ઉપરાંત તેમને બીક છે કે લાંબા સમય સુધી કાગળોની પ્રક્રિયા કરવામાં આવશે તો વેપારીઓને ફાયદો નહીં થાય.
તેઓ કહે છે કે "ધારો કે નુકસાનીના આકલન માટે ગયા વર્ષનું રિટર્ન માંગવામાં આવે તો ક્યાંથી કાઢવા? હજુ તો ઑડિટ પણ બાકી છે."
"સહકારી બૅન્કો કહે છે કે અમે એમ જ લોન આપી દઈએ અને તે એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ) થઈ જાય તો આરબીઆઈ અમારી સામે પગલાં લેશે. તેથી આ પણ એક મુદ્દો છે."
આ ઉપરાંત વેપારીઓને તેમના માલ સામે વીમો મળશે કે નહીં તે પણ સવાલ છે.
જાપાન ટેક્સ્ટાઇલ માર્કેટના લલિત શર્માએ જણાવ્યું કે, "ગ્રાઉન્ડ ફ્લોર કે તેનાથી ઉપરની દુકાનોમાં માલ રાખ્યો હોય અને નુકસાન થાય તો વીમા કંપની વળતર આપી શકે."
"પરંતુ તેમણે બેઝમેન્ટમાં માલ રાખ્યો હશે અને પાણીમાં ખરાબ થઈ ગયો હશે, તેમને કદાચ વીમો પણ નહીં મળે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન