ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય પરંતુ ભારેથી અતિભારે વરસાદ ક્યારે પડશે અને ક્યા જિલ્લાઓમાં હવે વરસાદ વધશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હાલની સ્થિતિ પ્રમાણે રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં બનેલો લો-પ્રેશર એરિયા થોડો આગળ વધીને પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર ઓડિશા પર આવી ગયો છે અને હજી થોડો આગળ વધશે તેવી શક્યતા છે.

આ ઉપરાંત ગુજરાત પર અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે, જે આગામી દિવસોમાં વરસાદ લાવવામાં મદદરૂપ થાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં વધારે વરસાદ પડે છે પરંતુ આ વખતે રાજ્યના અડધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો તો અડધા ગુજરાતમાં વરસાદની ભારે કમી છે.

રાજ્યમાં હજી ઘણા એવા વિસ્તારો છે જ્યાં ચોમાસાનો દોઢ મહિનો પૂરો થયો હોવા છતાં પણ હજી વાવણી થઈ શકી નથી અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.

જોકે, હવે ફરીથી ચોમાસું ધીરે-ધીરે સક્રિય થઈ રહ્યું છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થયો છે. કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યાં છે અને સાથે હજી ગરમી પણ છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વધશે?

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં હજી વરસાદનું પ્રમાણે વધવાની શક્યતા છે અને લગભગ જુલાઈ મહિનો પૂરો થાય ત્યાં સુધી વરસાદ પડવાની શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે આગામી પાંચ દિવસો સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. એનો અર્થ એ થયો કે સાર્વત્રિક વરસાદની શક્યતા નથી અને ભારે વરસાદની શક્યતા પણ નથી. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાશે, હવામાન પલટાશે પરંતુ વરસાદ ના પડે તેવી પણ શક્યતા છે.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે આગામી 19-20 જુલાઈની આસપાસ હજી પણ વરસાદનું થોડું જોર વધે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, પૂર્વ ગુજરાતના જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના જિલ્લાઓમાં વરસાદ વધે તેવા સંભાવના છે.

ઉત્તર ગુજરાત, કચ્છ તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડશે પરંતુ ખૂબ વધારે વરસાદ પડે તેવી શક્યતા નથી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે રાજ્યમાં 17થી 23 જુલાઈ સુધી વરસાદ પડશે.

17 જુલાઈ સુધીની સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં માત્ર 6 જિલ્લાઓમાં જ અત્યાર સુધી સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે અને એક જિલ્લામાં સરેરાશ જેટલો વરસાદ થયો છે. બાકીના તમામ જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે.

1 જૂનથી 17 જુલાઈ સુધીમાં દેવભૂમિ દ્વારકા 96 ટકા, કચ્છ 85 ટકા, જામનગર 70 ટકા, બનાસકાંઠા અને વાવ-થરાદ 66 ટકા, પોરબંદર 65 ટકા, મોરબી 64, આણંદ 63 ટકા ઘટ સાથે સૌથી ઓછો વરસાદ ધરાવતા જિલ્લાઓ છે.

માત્ર જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, સુરત, ડાંગ અને નવસારી જિલ્લામાં જ સરેરાશ કરતાં વધારે અને ભાવનગર જિલ્લામાં સરેરાશ જેટલો જ વરસાદ પડ્યો છે. 17 જુલાઈ સુધી રાજ્યમાં સરેરાશ 31 ટકા જેટલી વરસાદની ઘટ છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે?

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને આગામી દિવસોમાં થોડો વરસાદ વધવાની શક્યતા છે. પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી પાંચ દિવસોમાં જોવા મળતી નથી.

હાલ પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર રહેલો લો-પ્રેશર એરિયા આગળ વધે અને ગુજરાતની નજીક આવે તો આપણે વધારે વરસાદ થવાની શક્યતા છે.

સામાન્ય રીતે અતિભારે વરસાદ માટે રાજ્યની આસપાસ કોઈ એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય હોવી જરૂરી છે, તેના સિવાય રાજ્યમાં વરસાદ વધે તેવી સંભાવનાઓ ખૂબ ઓછી હોય છે.

હવામાન વિભાગ અને હવામાનની બીજી એજન્સીઓનાં મૉડલ પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાઈને આગળ વધેલો લૉ-પ્રેશર એરિયા 25 તારીખની આસપાસ મધ્ય ભારત પર આવી શકે છે.

હાલની સ્થિતિ પ્રમાણે કેટલાંક મૉડલો દર્શાવે છે કે આ સિસ્ટમ ગુજરાત પર આવી શકે છે અને જ્યારે સિસ્ટમ આવે ત્યારે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પરંતુ આ હજી લાંબાગાળાનું પૂર્વાનુમાન છે અને તેમાં ફેરફાર થવાની શક્યતા છે.

હવામાન વિભાગે જારી કરેલા લાંબાગાળાના પૂર્વાનુમાન પ્રમાણે જુલાઈ મહિનાના છેલ્લા દિવસોમાં વરસાદ વધે તેવી શક્યતા છે અને ઑગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વરસાદ ઘટે તેવી સંભાવના છે.

આ ઉપરાંત 19 જુલાઈની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ભારત તરફ આવવાની શક્યતા છે અને તેની સાથે જો કોઈ સાયક્લૉનિક સર્ક્યુલેશન બને તો પણ ગુજરાતમાં કદાચ વરસાદમાં થોડો ફાયદો થઈ શકે છે.

જ્યાં વરસાદ નથી તે જિલ્લાઓમાં હવે શું થશે?

ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના અડધા જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં હજી પૂરતો વરસાદ પડ્યો નથી અને તેની અસર ખેતી પર જોવા મળી રહી છે.

ખેડૂતો વાવણી કરી શક્યા નથી અને ધીરે-ધીરે કેટલાક પાકની વાવણી કરવાનો સમય હવે પસાર થઈ રહ્યો છે. જો થોડા દિવસ હજી પણ મોડો વરસાદ થાય તો કેટલાક પાકની વાવણીનો સમય જતો રહેશે અને તેની અસર ખરીફ પાકના ઉત્પાદન પર પડશે.

અત્યારની સ્થિતિ પ્રમાણે ઉપરોક્ત વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની શક્યતા છે અને આગામી પાંચ દિવસમાં ત્યાં સાર્વત્રિક કે ભારે વરસાદની શક્યતા નથી.

ઉપરોક્ત જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે હજી પણ ઘણા વિસ્તારોમાં આગામી પાંચથી સાત દિવસ સુધી વાવણીલાયક વરસાદ ન થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ ઉપરાંત જે ખેડૂતોએ આગોતરી વાવણી કરી દીધી છે અને પિયતની પૂરતી સગવડ નથી તેમના પર પણ અસર થાય તેવી શક્યતા છે. જો, બંગાળની ખાડીમાં સર્જાયેલો અને હાલ ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર રહેલો લો-પ્રેશર એરિયા ગુજરાત પર આવે તો 25 જુલાઈ બાદ આ જિલ્લાઓમાં વરસાદ વધી શકે છે અને વાવણીલાયક વરસાદ થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન