1770નું એ 'લોહિયાળ' ચિત્ર જેણે આખા અમેરિકાને ક્રાંતિના રંગે રંગી નાખ્યું

    • લેેખક, ડેબોરા નિકોલસ-લી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

1770ના બૉસ્ટન હત્યાકાંડ વિશે પૉલ રેવિયર દ્વારા કરવામાં આવેલા લોહિયાળ ચિત્રણથી બ્રિટિશ શાસન સામેનો લોકોનો આક્રોશ ભભૂકી ઊઠ્યો હતો અને આ સાથે તે અમેરિકન ઇતિહાસમાં પ્રચારનું સંભવતઃ સૌથી અસરકારક ઉદાહરણ બની ગયું.

પાંચમી માર્ચ, 1770ની સાંજે મૅસેચ્યુસેટ્સના બૉસ્ટનમાં જમીન ઉપર બરફની ચાદર છવાઈ ગઈ હતી. એક બ્રિટિશ પહેરેગીર કસ્ટમ હાઉસની રક્ષા કરતો ઊભો હતો. તેના બહાર નીકળી રહેલા ઉચ્છવાસ ગાત્રો થીજાવી દેતી ઠંડીમાં સફેદ ધુમ્મસનાં નાનાં વાદળો રચી રહ્યા હતા. તે સમયે અંધારામાંથી બહાર આવીને એક કિશોર તેની મજાક ઉડાવવા માંડ્યો અને બરફના ગોળા બનાવીને તેના પર ફેંકવા માંડ્યો. થોડી જ વારમાં એક મોટું ટોળું ત્યાં આવી પહોંચ્યું અને કિશોર સાથે જોડાયું.

ચેતવણીઃ આ લેખની એક ગ્રાફિક ઇમેજ કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.

જ્યારે તે પહેરેગીરની મદદે અન્ય સૈનિકોને બોલાવાયા, તે પછી તંગદિલી વધી ગઈ. ટોળું સૈનિકો ઉપર છીપલાં, કોલસા અને બરફના ટુકડા ફેંકવા લાગ્યું. આખરે આ મામલાએ ભયાનક વળાંક લીધો. બ્રિટિશ સૈનિકોએ અંધાધૂંધ ગોળીબાર કરવા માંડ્યો, જેના લીધે ત્રણ પુરુષોનાં મોત નીપજ્યાં અને બે જણાનું ગંભીર રીતે ઘાયલ થયા બાદ મોત થયું.

બ્રિટનમાં આ ઘટના શિષ્ટ ભાષામાં "કિંગ સ્ટ્રીટની ઘટના" તરીકે ઓળખાતી હતી, પણ સ્થાનિક રીતે તેને "બૉસ્ટન હત્યાકાંડ" નામ આપવામાં આવ્યું હતું. અમેરિકન આઝાદી માટે આ બનાવ એક મોટો ઉત્પ્રેરક પુરવાર થયો. ગઈ ચોથી જુલાઈના રોજ અમેરિકાની આઝાદીનાં 250 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર અમેરિકાની સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા તેની સ્મૃતિમાં ઉજવણીઓ કરવામાં આવી રહી છે.

આ હત્યાકાંડનાં ત્રણ અઠવાડિયાં પછી એક પ્રસિદ્ધ સોની પૉલ રેવિયર દ્વારા તાંબાની તકતી પર કરવામાં આવેલું કોતરણીકામ બૉસ્ટનનાં અખબારોમાં વેચાણ અર્થે દર્શાવવામાં આવ્યું. તેનું શીર્ષક હતું - 'ધ બ્લડી મેસેકર પર્પેટ્રેટેડ ઇન કિંગ સ્ટ્રીટ, બૉસ્ટન ઑન માર્ચ 5, 1770- બાય અ પાર્ટી ઑફ ધ ટ્વેન્ટી નાઇન્થ રેજીમેન્ટ.'

તેમાં જમીન ઉપર ઢળી પડેલા લોહીમાં લથબથ દેશભક્તો અને સ્મિત ફરકાવી રહેલા સૈનિકોની હરોળના બતાવાયેલા લોહિયાળ દૃશ્યએ બ્રિટિશ વિરોધી જુવાળ ફેલાવવાનું અને વિદ્રોહની આગને હવા આપવાનું કામ કર્યું.

તે પ્રચારનું એક શક્તિશાળી ઉદાહરણ હતું, ખાસ કરીને એવા વિશ્વમાં, જ્યાં જુદા-જુદા પ્રદેશો તથા વસ્તીઓમાં સાક્ષરતાના દરમાં ઘણી ભિન્નતા પ્રવર્તતી હતી.

તે ઐતિહાસિક કોતરણીની 29 મોજૂદ પ્રિન્ટ્સ પૈકીની એક પ્રિન્ટ ટૅક્સાસના વિચિટા ફૉલ્સ મ્યૂઝિયમમાં સંગ્રહાયેલી છે. આ મ્યૂઝિયમ અમેરિકન આઝાદીની ઘોષણા પર હસ્તાક્ષરની જયંતિ નિમિત્તે "પ્રિન્ટિંગ ધ અમેરિકન રિવૉલ્યૂશન" નામના પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે, જે અમેરિકન સ્વતંત્રતામાં પ્રિન્ટ મીડિયાની ભૂમિકા દર્શાવે છે.

મિડવેસ્ટર્ન સ્ટેટ યુનિવર્સિટી ખાતે ઍસોસિએટ પ્રોફેસર તથા પ્રદર્શનનાં કો-ક્યુરેટર મૅરી ડ્રેપર બીબીસીને જણાવે છે, "રેવિયરે બૉસ્ટન હત્યાકાંડનું જે ચિત્રણ કર્યું, તે પ્રચારનો એક શક્તિશાળી નમૂનો હતો, ખાસ કરીને એવી દુનિયામાં, જ્યાં જુદા-જુદા પ્રદેશો અને વસ્તીમાં સાક્ષરતાના દરમાં વ્યાપક સ્તરે ભિન્નતા પ્રવર્તતી હતી. બ્રિટિશ સૈનિકોને ક્રમબદ્ધ ગોઠવીને અને નિઃશસ્ત્ર નાગરિકોમાં ફેલાયેલી અરાજકતાને આબેહૂબ ઝડપીને રેવિયરે એ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, કોનો વાંક હતો અને કોનો ભોગ લેવાયો હતો. આ ચિત્રણે બ્રિટિશ શાસન સામે પ્રતિકાર કરવા માટે નાગરિકોને એકજૂટ કર્યા."

ચિત્રમાં છૂપાયેલા સંદેશાઓ

આ કળા સર્જનમાં કોની ભૂલ હતી, તે વિશેના છૂપા સંદેશા પણ રહેલા છેઃ બ્રિટિશ સૈનિકોની ઉપર "બુચર્સ હૉલ" લખેલું બોર્ડ લટકે છે, જ્યારે નિષ્ઠાનું પ્રતીક ગણાતો શ્વાન નાગરિકોની વચ્ચે ઊભેલો દેખાય છે. "આ ચિત્ર જે ઘટના ઘટી રહી છે, તે પ્રત્યે દર્શકોના મનમાં ક્રોધ ઉત્પન્ન કરવાનો સ્પષ્ટ આશય ધરાવે છે, કારણ કે, તેમાં નિઃસહાય નાગરિકો પર સૈનિકો દ્વારા ગોળીબાર થતો દેખાડવામાં આવ્યો છે," એમ ન્યૂ યૉર્કના ધ મેટ ફિફ્થ ઍવન્યૂ ખાતે રિવૉલ્યૂશન!નાં કો-ક્યુરેટર કોન્સ્ટન્સ મૅકફી બીબીસીને જણાવે છે.

આ કોતરણી આ શોનું મુખ્ય આકર્ષણ છે, જેમાં અમેરિકન ક્રાંતિનો ઉદ્ભવ અને તે પછીની ઘટનાઓની માહિતી આપતી કળાકૃતિઓને એક સાથે પ્રદર્શિત કરવામાં આવી છે. તેઓ આગળ કહે છે, "આ ચિત્ર પરથી સંકેત મળે છે કે, બ્રિટિશરો હવે એક મૈત્રીપૂર્ણ, પિતૃ સમાન શક્તિ નહોતા રહ્યા, બલ્કે દમનકારી શક્તિ બની ગયા હતા. તે સાથે લોકોની વિચારસરણી બદલાવા માંડે છે."

જે લોકો વાંચી શકતા હતા, તેમના માટે રેવિયરે ચિત્રની નીચે લખેલા લાગણીશીલ સંદેશામાં અંગ્રેજોની ક્રૂરતા સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવી છે અને તેમને "ક્રૂર બર્બર" તથા "હિંસક દ્વેષથી ગ્રસિત" ગણાવવામાં આવ્યા છે. તેમાં દેશભક્તોને લખાણ નીચે સૂચિબદ્ધ "પીડિતોના વિલાપ કરતા આત્માઓને શાંત" કરવાની વિનંતી કરવામાં આવી છે. ઇતિહાસકાર સ્ટીવન એલ. ડેનવરે આ કોતરણી પરના 2022ના એક નિબંધમાં નોંધ્યું છે, "આ કૃતિએ બ્રિટિશ શાસન સામેના નાગરિકોના અભિગમને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તેમજ નાગરિકોને સમાન હેતુ માટે એકજૂટ કરવામાં અને સ્વતંત્રતાની ભાવના જગાવવામાં સફળતા મેળવી હતી."

અમેરિકા માટેનો એ મહત્ત્વપૂર્ણ સમય

આ કોતરણીનો સમય ઘણો મહત્ત્વનો બની રહ્યો. અમેરિકન વસાહતીઓમાં તણાવ તેની ચરમસીમાએ હતો. બ્રિટિશ સૈનિકોની વધી રહેલી હાજરી, નાગરિક સ્વતંત્રતા પર લાગુ કરાયેલા અંકુશોથી તેઓ ત્રાસી ગયા હતા અને બિન-ચૂંટાયેલી કર નીતિથી ત્રસ્ત અમેરિકનો બ્રિટનનું રાષ્ટ્રીય દેવું ચૂકવી રહ્યા હતા. કસ્ટમ હાઉસની બહાર બનેલી આ ઘટના અન્યાયી કરવેરાનું પ્રતીક હતી અને આ તક ચૂકવા જેવી નહોતી.

રેવિયર દેશભક્ત પ્રતિકાર જૂથ "ધ સન્સ ઑફ લિબર્ટી"ના સભ્ય હતા. 1775માં તેમની મધરાતની સવારી (મિડનાઇટ રાઇડ) બદલ પછીથી તેમને રાષ્ટ્રીય હીરો તરીકે બિરદાવવામાં આવ્યા હતા, જેમાં તેમણે બ્રિટિશ સૈનિકો આગેકૂચ કરી રહ્યા હોવાની દેશભક્તોને ચેતવણી આપીને અંગ્રેજ સૈનિકોને હરાવવામાં મદદ પૂરી પાડી હતી. આવું કરનારા કેટલાક સવારો પૈકીના તે એક હતા. તેમણે આ જૂથના અભિયાન માટે લોકોનું સમર્થન મેળવવા તથા લોકોના આક્રોશનો લાભ લેવા માટે બૉસ્ટન નરસંહારની ઘટનાનો ઉપયોગ કર્યો હતો. હૅનરી પેલ્હેમ દ્વારા તે ઘટનાનું જે રેખાચિત્ર બનાવવામાં આવ્યું હતું, તેની નકલ કરીને રેવિયરે પોતાની કોતરણી તરત જ બજારમાં લાવી મૂકી. આ બદલ તેમણે ન તો પેલહેમને આનું શ્રેય આપ્યું કે ન તો વળતર આયું. જેથી, પેલ્હેમે એક પત્ર પાઠવીને રેવિયરના આ "ગૌરવહીન પગલાં"ની આકરા શબ્દોમાં નિંદા કરી હતી.

'તેના કારણે લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો'

આ કળાસર્જનની અસરનો એક ભાગ તેની દુર્લભતામાંથી આવ્યો. મૅકફી કહે છે, "તે અમેરિકન પ્રિન્ટમેકર દ્વારા તૈયાર કરવામાં આવેલી ગણી-ગાંઠી પ્રિન્ટ્સ પૈકીની એક છે. અને તેનું વ્યાપક અને ઝડપી વિતરણ દર્શાવે છે કે, લોકોને મન તે કૃતિ કેટલી મહત્ત્વની હતી. તે યુગ દરમિયાન એવી બીજી કોઈ કૃતિ નહોતી કે, જેની આટલી બધી નકલો બની હોય." જેમ-જેમ આ કોતરણી મારફત હત્યાકાંડના સમાચાર ફેલાતા ગયા, તેમ-તેમ લોકોનો રોષ વધતો ગયો.

દુકાનોમાં તેની વિશાળ નકલો દર્શાવવામાં આવતી હતી અથવા તો પ્રિન્ટ સ્વરૂપે વેચવામાં આવતી હતી, જેથી "સન્સ ઑફ લિબર્ટી" માટે ભંડોળ એકઠું કરી શકાય. એક સમયનું આ અન્ડર-ગ્રાઉન્ડ ગ્રૂપ દેશભક્તિના હેતુ માટેનું મુખ્ય માર્ગદર્શક બની જતાં તેના સભ્યોની સંખ્યામાં પણ ભારે ઊછાળો આવ્યો. આ દરમિયાન, આ કોતરણીની નકલ કરેલી અન્ય આવૃત્તિઓ પણ બજારમાં ફરવા માંડી, જેમકે, જોનાથન મલિકેનની, જેના કારણે રેવિયરને પોતાના જ કર્યાનું ફળ મળ્યું, પણ તેના લીધે તેમના આંદોલનની હાકલને વધુ વેગ પણ મળ્યો.

રેવિયરની આ કોતરણી 1770ના ચોપાનિયા 'અ શોર્ટ નેરેટિવ ઑફ ધ હોરિડ મેસેકર ઇન બૉસ્ટન'ના મુખપૃષ્ઠ પર પણ ચમકી. જ્યારે આ ચોપાનિયું અને કોતરણીની આવૃત્તિઓ લંડનમાં છપાઈ, ત્યારે આ પ્રચાર હજ્જારો માઇલોનો પ્રવાસ ખેડીને દરિયાપાર પહોંચી ગયો. બૉસ્ટન હત્યાકાંડની ભયાવહતા અને અન્યાય હવે બ્રિટિશ લોકોની સામે તેમની ધરતી પર પહોંચી ગયાં હતાં.

'આપણા ઉત્સાહની તીવ્રતા'

લોકોના મનમાં એક મજબૂત સંદેશો ઠસાવવાના આશય સાથે બનાવવામાં આવેલી આ તસવીર અતિશયોક્તિ અને અસત્યોથી ભરેલી છે. તેમાં આ ઘટના ધોળા દિવસે બનતી દર્શાવાઈ છે અને દેશભક્તોએ બતાવેલી આક્રમકતાના પુરાવાનો તેમાંથી છેદ ઉડાડી દેવાયો છે. એટલું જ નહીં, સૈનિકોને ઉશ્કેરવા માટે તેમના પર બરફના ગોળાનો જે મારો કરવામાં આવ્યો હતો, તે પણ અહીં કોઈ નિશાની વગર ઓગળી ગયો છે. અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, જે રીતે સાક્ષીઓએ પછીથી અદાલતમાં જુબાનીઓ આપી હતી, તેનાથી વિપરિત, આ ચિત્ર બ્રિટિશ સૈનિકોને સંઘર્ષની શરૂઆત કરનાર તરીકે વર્ણવે છે અને કૅપ્ટન થૉમસ પ્રિસ્ટન (જમણે)ને નિઃશસ્ત્ર ટોળાં સામે ગોળીબાર કરવાનો આદેશ આપતા દર્શાવાયા છે - કૅપ્ટન થૉમસે પોતે આવો આદેશ આપ્યાનો ઇન્કાર કર્યો હતો અને પછીથી આ આરોપમાંથી તેમનો નિર્દોષ છૂટકારો પણ થયો હતો.

"ફાયર" (ગોળીબાર કરો), એવો શબ્દ સાંભળવા મળ્યો હોવાનું કેટલાક લોકોએ જણાવ્યું હતું, પણ વાસ્તવમાં તે શબ્દ દેશભક્તોના મોંમાંથી નીકળ્યા હતા, જેઓ સૈનિકોને ગોળીબાર કરવા માટે પડકાર ફેંકી રહ્યા હતા. બચાવપક્ષના વકીલ જૉસિયા ક્વિન્સીએ તેમના પ્રારંભિક નિવેદનમાં આ કોતરણીની પ્રભાવિત કરવાની અને ગેરમાર્ગે દોરવાની શક્તિ વિશે જ્યૂરીને અગાઉથી સાવચેત કર્યા હોય, એમ લાગતું હતું. "આપણાં ઘરોમાં રાખવામાં આવેલી પ્રિન્ટ્સે કલ્પનાને પાંખો આપી છે અને આપણા આપણા જુસ્સાના આવેગમાં તાર્કિકબુદ્ધિ ગુમાવવાનું જોખમ સર્જાયું છે," એમ તેમણે કહ્યું હતું.

આ કોતરણીનો પ્રચાર તેના નિર્માણના ઘણા સમય પછી પણ લોકમાનસ પર અંકિત રહ્યો હતો. આ હત્યાકાંડની પ્રથમ જયંતિ પર રેવિયરે આ ચિત્રને જ્યારે તેમના ઘરની બારીઓના વિશાળ પ્રદર્શનમાં સામેલ કર્યું, ત્યારે હજ્જારો લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા. એક સૈકો વીત્યા પછી ડબલ્યૂ એલ. ચૅમ્પની તથા અલોન્ઝો ચૅપલ જેવા સર્જકોએ આ ઘટનાના ચિત્રણમાં તથ્યાત્મક સુધારા કર્યા હતા, પણ મુખ્ય વર્ણનને જીવંત રાખવામાં આવ્યું હતું.

ગિલ્ડર લેહરમૅન ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકન હિસ્ટ્રી અનુસાર, "પૉલ રેવિયરની ઐતિહાસિક કોતરણી... કદાચ અમેરિકન ઈતિહાસમાં યુદ્ધ પ્રચારનું સૌથી અસરકારક સાધન હતું." તે ચોક્કસપણે અમેરિકન ક્રાંતિની સૌથી પ્રસિદ્ધ તસવીરો પૈકીની એક છે અને તેની અસર આજે પણ વર્તાય છે. તેનું કદ નાનું હોવા છતાં આ કૃતિ આજે પણ જોનારના મનમાં લાગણીઓ જન્માવે છે," એમ ડ્રેપર કહે છે.

તેઓ આગળ જણાવે છે, "તેની તાકાતનો એક ભાગ તેની સાતત્યપૂર્ણ સુસંગતતામાં રહેલો છે. દરેક પેઢી આ કૃતિનું એ રીતે અર્થઘટન કરી શકે છે કે, જે સત્તા, હિંસા અને વિરોધ વિશેના તેમના પોતાના વિચારોનું પ્રતિબિંબ પાડે. વળી, તે એની પણ યાદ અપાવે છે કે, ભૂતકાળ પણ વર્તમાન જેટલો જ વિવાદિત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન