You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોનમ વાંગચુક : ક્યારેક અંગ્રેજી ન આવડવા બદલ શાળામાં મજાકનું પાત્ર બન્યા, આજે શિક્ષણ માટે જ ઉપવાસ પર બેઠા
શિક્ષણવિદ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્લા 19 દિવસથી દિલ્હીના જંતરમંતર પર ભૂખ હડતાળ કરી રહ્યા છે.
નીટ પરીક્ષાનું પેપર લીક થયા પછી તેઓ કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થનમાં આંદોલન કરી રહ્યા છે અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે.
દેશભરમાં અત્યારે ચર્ચાનું કેન્દ્ર બનેલા સોનમ વાંગચુક આ પહેલાં પણ એક વાર 16 દિવસ સુધી અને બીજી વાર 21 દિવસ સુધી લદ્દાખમાં ભૂખ હડતાળ કરી ચૂક્યા છે. તેમણે લદ્દાખના વિવિધ પ્રશ્નોને લઈને ઉપવાસ કર્યા હતા.
સોનમ વાંગચુકને નૅશનલ સિક્યૉરીટી ઍક્ટ હેઠળ અંદાજે છ મહિના સુધી જેલમાં પણ પૂરવામાં આવ્યા હતા. ત્યારપછી માર્ચ 2026માં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.
સોનમ વાંગચુક એક ઍન્જિનિયર, શિક્ષણવિદ અને ઇનોવેટર તરીકે લાંબી કારકિર્દી ધરાવે છે. તેઓ અહીં સુધી કેવી રીતે પહોંચ્યા? તેમની સફર પર એક નજર...
સોનમ વાંગચુક શાળામાં 'મજાકનું પાત્ર' બની ગયા હતા
2009માં રિલીઝ થયેલી આમિર ખાનની બ્લૉકબસ્ટર ફિલ્મ 'થ્રી ઇડિયટ્સ' પછી 59 વર્ષીય સોનમ વાંગચુક દેશભરમાં જાણીતું નામ બની ગયા હતા.
આ ફિલ્મમાં તેમનું પાત્ર આમિર ખાને ભજવ્યું હતું.
મુખ્યધારાથી હઠીને કંઈક કરવું, સ્થાપિત થઈ ચૂકેલાં ધોરણોને પડકારવા એ સોનમ વાંગચુકના જીવનનો ઇતિહાસ રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સંવાદદાતા નિયાઝ ફારૂકીના એક અહેવાલ અનુસાર, તેઓ શ્રીનગરમાં ત્રણ વર્ષ વિદ્યાર્થી તરીકે ભણ્યા હતા. ત્યાં અંગ્રેજી, ઉર્દૂ અને હિંદીમાં ભણાવવામાં આવતું હતું.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમને વર્ગમાં મજાકનું પાત્ર બનાવી દેવામાં આવ્યા હતા.
તેઓ આ વિશે વાત કરતાં કહે છે કે, "હું શ્રીનગરમાં લદ્દાખના એક મૂર્ખ બાળક તરીકે જોવામાં આવતો હતો, જેને હિંદી કે અંગ્રેજી આવડતું નહોતું."
લદ્દાખમાં અંગ્રેજી અને ઉર્દૂના ઉપયોગનો વિરોધ
1980ના દાયકામાં તેમને થયેલા અનુભવોને કારણે તેમના મનમાં લદ્દાખની શિક્ષણપ્રણાલી સામે પ્રશ્નો ઊભા થયા.
સોનમ વાંગચુકનું માનવું હતું કે આ શિક્ષણપ્રણાલી સ્થાનિક જરૂરિયાતોને પૂરી કરતી નથી.
જે વિસ્તારમાં મોટા ભાગના લોકો લદ્દાખી ભાષા બોલતા હતા ત્યાં શાળામાં અંગ્રેજી અને ઉર્દૂના ઉપયોગ સામે તેમણે વિરોધ કર્યો હતો.
તેમણે લદ્દાખમાં જે શાળાની સ્થાપના કરી હતી તેની વેબસાઇટ પર લખેલું હતું કે, "દરેક પાઠ્યપુસ્તકો, પ્રાથમિક શાળાનાં પાઠ્યપુસ્તકો પણ દિલ્હીથી આવતાં હતાં. તેમાંનાં ઉદાહરણો અલગ પ્રકારની સંસ્કૃતિ અને પર્યાવરણનાં હતાં. તેમાં વહાણો, મહાસાગર, નાળિયેરી અને ચોમાસામાં વરસાદ એવી બધી માહિતી અપાતી હતી. આવા ઍલિયન જેવી ભાષામાં, ઍલિયન જેવાં ઉદાહરણો એ લદ્દાખી બાળકોને કન્ફ્યૂઝ કરતાં હતાં."
ત્યારપછી તેઓ સતત સ્થાનિક સમુદાયો અને અધિકારાઓ સાથે મળીને તેના પર કામ કરતા રહ્યા હતા કે જેનાથી લદ્દાખનાં બાળકોની વિશિષ્ટ શિક્ષણની જરૂરિયાતોને પૂરી કરી શકાય.
સોનમ વાંગચુકે કરેલા આવિષ્કારો, જેણે દુનિયાને ચોંકાવી
સોનમ વાંગચુકે લદ્દાખમાં અનેક પ્રકારના આવિષ્કારો કર્યા છે, જેને સમાચારોમાં સ્થાન મળતું રહ્યું છે.
એક સંબંધીએ તેમને અંતર્ગોળ અરીસાથી અંધારી બિલ્ડિંગોને પ્રકાશિત કરવાના તથા ખાવાનું બનાવવાના પ્રયોગો કરતાં જોઈ લીધા હતા. ત્યારબાદ તેમણે મિકેનિકલ ઍન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.
કેટલાંક વર્ષો પહેલાં તેમણે એક લો-કોસ્ટ મડ હાઉસ બનાવ્યું હતું તેમાં માઇનસ 15 તાપમાનની પરિસ્થિતિમાં પણ અંદર 15 ડિગ્રી જેટલું તાપમાન જળવાઈ રહે એવું શક્ય બન્યું હતું.
તેમણે 'આઇસ સ્તૂપ' ના આકારમાં કૃત્રિમ ઝરણાં બનાવ્યાં હતાં. આઇસ સ્તૂપ એ બૌદ્ધ સ્થાપત્યોમાં સામાન્ય રીતે જોવા મળે છે જેમાં નીચેના ભાગમાં પાણીનો સંગ્રહ થાય છે અને પછી જ્યારે પાણી ન હોય ત્યારે ખેડૂતો તેમાંથી પાણી વાપરી શકે છે.
હિમાલયમાં કરી શિક્ષણસંસ્થાઓની સ્થાપના
1987માં સોનમ વાંગચુક ગ્રૅજ્યુએટ થયા.
'ધી વીક'ના અહેવાલ પ્રમાણે, એ પછીના વર્ષે જ તેમણે તેમના ભાઈ અને અન્ય પાંચ લોકો સાથે મળીને સ્ટુડન્ટ્સ ઍજ્યુકેશનલ ઍન્ડ કલ્ચરલ મૂવમન્ટ ઑફ લદ્દાખ (SECMOL)ની સ્થાપના કરી હતી.
આ માટે ફંડ એકઠું કરવા તેમણે એક સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. તેમને સંસ્થામાં 40 હજારનું રોકાણ કરવાવાળા પાંચ લોકો મળી ગયા. તેમને તેમણે વ્યાજ સાથે રૂપિયા પરત આપવાનું કહ્યું.
'ધ પ્રાઇડ ઑફ લદ્દાખ' નામનો આ શો ખૂબ ચાલ્યો અને તેઓ પૈસા પાછા પણ કરી શક્યા અને તેમની પાસે એક લાખ જેટલું ફંડ પણ ભેગુ થયું.
તેમણે ઘરે ઘરે ફરીને વિલેજ એજ્યુકેશન કમિટી માટે સભ્યો ભેગા કર્યા. તેમણે એવી નીતિનું નિર્માણ કરવાની કોશિશ કરી જેમાં માતાપિતા એ શિક્ષકોનો સહયોગ કરે અને તેના થકી શાળાઓ સારી રીતે ચલાવી શકાય.
તેમની સંસ્થા સેકમોલે શિક્ષકોને અલગ રીતે ટ્રેઇનિંગ આપવાની શરૂ કરી જેમાં બાળકોને રમતગમત, ગીતો અને વાર્તાઓ થકી ભણાવવામાં આવતા.
સોનમ વાંગચુક અને તેમનાં પત્ની ગીતાંજલિ એંગ્મોએ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ અલ્ટરનેટિવ્સની પણ સ્થાપના કરી હતી. જેના થકી તેઓ સસ્ટેનેબલ એજ્યુકેશનની પરિકલ્પનાને સાકાર કરી રહ્યાં છે.
સોનમ વાંગચુકને વિશ્વ પ્રતિષ્ઠિત રેમન મૅગ્સેસે ઍવૉર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. શિક્ષણક્ષેત્રે તેમના કામ માટે પણ તેમને અનેક ઍવૉર્ડ મળેલા છે.
તેઓ 2005માં ભારત સરકારના એચઆરડી મંત્રાલય હેઠળ નૅશનલ ગવર્નિંગ કાઉન્સિલ ફૉર ઍલિમેન્ટરી એજ્યુકેશનના સભ્ય પણ નીમાયા હતા.
લદ્દાખ માટે વારંવાર કર્યાં આંદોલનો
જ્યારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હઠાવવામાં આવી અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો ત્યારે સોનમ વાંગચુકે તેનું સમર્થન કર્યું હતું.
આ મુદ્દે તેમણે મોદી સરકારનું સમર્થન કરતાં કહ્યું હતું કે તેનાથી લદ્દાખની વર્ષો જૂની માગ પૂરી થઈ છે.
જોકે, તેનાં થોડાં વર્ષો પછી જ તેમણે લદ્દાખના પ્રશ્નોનું સમાધાન નહીં થતું હોવાની વાત સાથે વિરોધ શરૂ કર્યો હતો.
તેમણે લદ્દાખની થીજાવી દેનાર ઠંડીમાં લદ્દાખને પૂર્ણ રાજ્ય જાહેર કરવાની તથા છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની માગ, લદ્દાખનું પર્યાવરણ બચાવવાની માગ સાથે તેમણે માર્ચ 2024માં આમરણ ઉપવાસ શરૂ કર્યા હતા.
ત્યારબાદ 2025માં પણ તેમણે ફરી ઉપવાસ શરૂ કર્યા હતા.
સપ્ટેમ્બર 2025માં લદ્દાખમાં થયેલા એક વિરોધપ્રદર્શનમાં પોલીસ અને આંદોલનકર્તાઓ વચ્ચે હિંસા થઈ હતી જેમાં 59 લોકો ઘાયલ થયા હતા અને ચાર લોકોનાં મોત થયાં હતાં.
આ હિંસા પછી સોનમ વાંગચુકે તેમની ભૂખહડતાળ સમેટી લીધી હતી. જોકે, ગૃહ મંત્રાલયે તેમને લદ્દાખમાં હિંસા માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમના પર સરકારે ભડકાવનારાં ભાષણો કરવાનો આરોપ મૂક્યો હતો.
તેમને 26 સપ્ટેમ્બર, 2026ના રોજ નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા અને છ મહિના પછી 14 માર્ચના રોજ તેમને છોડી મુકાયા હતા.
જોકે, ત્યારબાદ કૉક્રોચ જનતા પાર્ટીએ ગત મહિને શરૂ કરેલા આંદોલનમાં તેઓ દિલ્હી આવીને જોડાયા હતા.
તેઓ દિલ્હીના જંતરમંતર પર છેલ્લા 19 દિવસથી ઉપવાસ પર છે. છેલ્લા કેટલાક દિવસથી સેલિબ્રિટીઓ, રાજનેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ તેમને ઉપવાસ તોડવાનું કહી રહ્યા છે.
જોકે, સોનમ વાંગચુક અડગ છે અને હજુ કહી રહ્યા છે છે કે તેઓ ઉપવાસ નહીં તોડે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન