You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીના ધરણા મામલે આપ અને કૉંગ્રેસ આમને-સામને, ભાજપે શું કહ્યું?
આમ આદમી પાર્ટી (આપ)ના નેતાઓએ મંગળવારે કૉંગ્રેસ પર ભાજપ સાથે મળીને રમત રમવાનો આરોપ લગાવ્યો હતો.
આપના નેતાઓનું કહેવું છે કે મોદી સરકારે રાહુલ ગાંધીના નેતૃત્વમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન બહાર થયેલા પ્રદર્શન પર તરત પ્રતિક્રિયા આપી, પરંતુ જંતર-મંતર પર સોનમ વાંગચુક અને કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના કેટલાંય અઠવાડિયાંથી ચાલતા આંદોલનની સતત અવગણના કરતી રહી.
કૉંગ્રેસના વિરોધમાંથી જ આમ આદમી પાર્ટીનું સર્જન થયું હતું અને દિલ્હીમાં તેમણે જ કૉંગ્રેસને સત્તા પરથી હટાવી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલ 2013માં કૉંગ્રેસના ટેકાથી જ દિલ્હીના મુખ્ય મંત્રી બન્યા હતા.
2013ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોઈને બહુમતી મળી નહોતી. આપને 28, ભાજપને 31 અને કૉંગ્રેસને આઠ બેઠકો મળી હતી. આપે કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યું અને અરવિંદ કેજરીવાલ મુખ્ય મંત્રી બન્યા હતા.
પરંતુ હવે આપને લાગે છે કે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે કોઈ રમત ચાલે છે.
આપના વિરોધની આલોચના
આપના સાંસદ સંજયસિંહે ઍક્સ પર લખ્યું કે "વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીજેપીના આંદોલનને નબળું પાડવા માટે રાહુલ ગાંધીને ધરણા પર બેસાડ્યા હતા."
સંજયસિંહની આ ટિપ્પણીની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે.
જાણીતા ગીતકાર સ્વાનંદ કિરકિરેએ કહ્યું, "તમે આજે જ કહ્યું હતું કે સંસદ તેમના નામે નથી, તેવી જ રીતે ધરણા પણ કોઈના નામે નથી. આ આંદોલન બાળકોનું છે. તમે પણ ટેકો આપો, તમને કોઈ રોકે છે? અહીં પણ લડો, ત્યાં પણ લડો અને ચિંતા ન કરો. આપણે તે બાળકો માટે નથી લડી રહ્યા, તેઓ આપણા માટે લડી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીએમસીના સાંસદ કીર્તિ આઝાદે તો ત્યાં સુધી કહ્યું કે, "સંજયસિંહ તમારી પાસે આવી અપેક્ષા ન હતી. તમે આપણી દોસ્તીને શરમમાં મુકી દીધી."
દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા અને આપનાં વરિષ્ઠ નેતા આતિશીસિંહે પણ બંને આંદોલનોની તુલના કરતા લખ્યું કે "સરકારે એક મહિના સુધી ચાલેલા સીજેપી અને વાંગચુકના આંદોલન દરમિયાન વાતચીતથી ઇન્કાર કર્યો. પરંતુ રાહુલ ગાંધીના પ્રદર્શનના એક કલાકની અંદર કૉંગ્રેસે સંવાદ શરૂ કરી દીધો."
અન્ય એક પોસ્ટમાં આતિશીએ જણાવ્યું કે "દિલ્હી પોલીસે સોમવારે સંસદ માર્ચ દરમિયાન સીજેપીના પ્રદર્શનકારીઓને 100 મીટર પણ આગળ વધવા ન દીધા, બીજી તરફ રાહુલ ગાંધીને વડા પ્રધાનના નિવાસસ્થાન સુધી પહોંચવા દીધા. તે દર્શાવે છે કે કૉંગ્રેસ અને ભાજપ એ એક જ સિક્કાની બે બાજુ છે."
આમ આદમી પાર્ટીના રાહુલ ગાંધી આ ધરણાનો વિરોધ શા માટે કરે છે, તે વિશે પંજાબ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર આશુતોષકુમાર કહે છે કે "અરવિંદ કેજરીવાલ પોતાને દિલ્હી નહીં પણ દેશના નેતા માને છે. તેમને રાહુલ ગાંધી તરફથી પડકાર મળશે. તેથી રાહુલનો વિરોધ કરવો એ બહુ આશ્ચર્યજનક નથી."
પ્રોફેસર આશુતોષકુમારનું કહેવું છે કે "કેજરીવાલ 2014માં મોદી સામે ચૂંટણી લડવા બનારસ ગયા હતા, ત્યારે તેઓ એવો સંદેશ આપવા માંગતા હતા કે તેઓ મોદીને પડકાર આપી શકે છે. પરંતુ અરવિંદે સમજવું જોઈએ કે વિરોધપક્ષ વિભાજિત થશે તો તેમને પણ ફાયદો નહીં થાય."
આમ આદમી પાર્ટીનો કૉંગ્રેસ પર 'મિલીભગત'નો આરોપ
આતિશીની આ પોસ્ટની કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા સંજય ઝાએ આકરી ટીકા કરી છે.
તેમણે ઍક્સ પર જવાબમાં કહ્યું કે, "આમ આદમી પાર્ટીની આ બહુ હલકી અને છીછરી પોસ્ટ છે. આ પાર્ટી વિશે મારી સૌથી મોટી આશંકાને સાચી સાબિત કરે છે કે તે હંમેશાં એક સ્ટાર્ટ-અપ પાર્ટી બનીને રહી જશે. આ ટિપ્પણી બહુ અનુચિત છે. તેનાથી બહુ નિરાશા થઈ."
કૉંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા શ્રીનિવાસ બી.વી.એ સંજયસિંહના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, "આટલી બેચેની કેમ થાય છે? આ ટ્વિટ માલવિય લખે છે કે ચઢ્ઢા?" તેમનો ઇશારો ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિય અને આપમાંથી ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢ્ઢા તરફ હતો.
ત્યાર પછી અમિત માલવિયએ પ્રતિક્રિયા આપતા લખ્યું, "હવે એકદમ સ્પષ્ટ છે કે પ્રાયોજિત પ્રદર્શન ક્યારેય વિદ્યાર્થીઓ માટે ન હતું. કોઈ પણ અસરગ્રસ્ત વિદ્યાર્થીને મંચ અપાયું નહીં. રાજકીય પ્રાસંગિકતા શોધતા વિપક્ષના નેતાઓ સતત જંતર-મંતર પહોંચતા રહ્યા અને હવે કૉંગ્રેસ અને આપ આ આંદોલનનો શ્રેય લેવા અંદરોઅંદર લડે છે. વિદ્યાર્થીઓની પડખે કોઈ ઊભું હોય તો માત્ર ભાજપ છે."
આતિશીએ એવો આરોપ પણ લગાવ્યો કે મીડિયાએ રાહુલ ગાંધીના ધરણાને બહુ દેખાડ્યા, પરંતુ સીજેપી અને વાંગચુકના ઉપવાસની અવગણના કરી હતી.
આતિશીએ ઍક્સ પર લખ્યું કે, "જે ગોદી મીડિયા એક મહિનાથી ચાલતા સીજેપીના વિરોધપ્રદર્શનને એક મિનિટ માટે પણ ટીવી ચૅનલ પર દેખાડતું ન હતું, તે રાહુલ ગાંધીના એક કલાકના પ્રોટેસ્ટને લાઇવ ચલાવે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીને ટીવી પર દેખાડવાનો નિર્દેશ ભાજપે આપ્યો છે. ગોદી મીડિયાએ ભાજપ-કૉંગ્રેસની મિલીભગતનું રહસ્ય ખોલી નાખ્યું."
પરંતુ આમ આદમી પાર્ટીનું વલણ ઘણા લોકોને પસંદ નથી પડ્યું. વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલેએ આતિશીને જવાબ આપતા લખ્યું છે કે, "મહેરબાની કરીને આ નિરર્થક લડાઈ બંધ કરો. અમને આપ અને કૉંગ્રેસની આંતરિક ખેંચતાણમાં કોઈ રસ નથી. મુદ્દો તેના કરતા ઘણો વધુ મહત્ત્વનો છે. યુવાનોની કોઈ પણ રાજકીય પક્ષને દરકાર નથી. આ પ્રકારનું રાજકારણ કરીને તમે માત્ર મોદી અને ભાજપને મદદ કરી રહ્યા છો."
કૉંગ્રેસ અને આપનો સંબંધ
દિલ્હીમાં 2013ની વિધાનસભા ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલ સોગંદ લેતા હતા કે કોઈને બહમત નહીં મળે તો તેઓ કૉંગ્રેસ કે ભાજપ સાથે ગઠબંધન નહીં કરે. તેમણે પોતાના સંતાનોના કસમ ખાધા હતા.
કેજરીવાલે કહ્યું હતું કે, "હું મારા બાળકોના સોગંદ લઉં છું. હું ન તો ભાજપ સાથે જઈ અને ન કૉંગ્રેસ સાથે, કારણ કે દિલ્હીની જનતા આ બંને વિરુદ્ધ આમ આદમી પાર્ટીને વોટ કરશે. ભાજપ અને કૉંગ્રેસ અંદરોઅંદર ગઠબંધન બનાવી શકે કારણ કે પડદાની પાછળ બંને એક જ છે. હું સત્તાનો ભૂખ્યો નથી. અમે ગઠબંધનની સરકાર નહીં બનાવીએ કારણ કે ભાજપ અને કૉંગ્રેસને સાથે રાખીને આપણે ભ્રષ્ટાચાર ખતમ ન કરી શકીએ. ગઠબંધન સરકાર બનાવવા કરતા અમે વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશું."
2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોઈને બહુમત ન મળ્યો. આપને 28, ભાજપને 31 અને કૉંગ્રેસને આઠ બેઠકો મળી. પછી આપે કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યા અને કેજરીવાલ મુખ્ય મંત્રી બન્યા. કૉંગ્રેસના ટેકાથી બનેલી સરકાર વિશે કેજરીવાલે તે વખતે કહ્યું હતું કે તેઓ દિલ્હીની જનતાને પૂછશે.
આપે તે વખતે કહ્યું હતું કે દિલ્હીની જનતા સાથે 280 બેઠકો કરી હતી અને પહેલાં બે દિવસમાં 128 બેઠકો થઈ હતી. આપે કહ્યું કે તે 128માંથી 110 બેઠકોમાં લોકોએ કૉંગ્રેસ સાથે સરકાર બનાવવા કહ્યું હતું. આપે કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવા અત્યંત અપારદર્શક પદ્ધતિને ઢાલ બનાવી અને 28 બેઠકો સાથે સરકાર બનાવી હતી.
આપના સોશિયલ મીડિયાના ભૂતપૂર્વ સ્ટ્રેટેજિસ્ટ અભિજિત દીપકે જ કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક છે. સીજેપીના આંદોલન પર કૉંગ્રેસ બે સપ્તાહ કરતાં વધુ સમય સુધી મૌન હતી. દીપકે અને સીજેપીના અન્ય નેતાઓેએ અગાઉ પણ કૉંગ્રેસ અને રાહુલ ગાંધીની ટીકા કરી છે અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી બંનેએ કરી હોવા છતાં તેમણે કૉંગ્રેસના સમર્થનનો સ્પષ્ટ રીતે સ્વીકાર નથી કર્યો.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોનમ વાંગચુકના ઉપવાસ દરમિયાન તેમની સાથે મુલાકાત નહોતી કરી. આ મામલે વાંગચુકે તેમની ટીકા કરી હતી, જ્યારે ગુજરાત કૉંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ રાહુલ ગાંધીનો બચાવ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી સમાંતર રીતે પેપર લીક અને નીટ સાથે સંલગ્ન મુદ્દા પર 'છાત્રો કી ગુંજ' અભિયાન ચલાવતા હતા.
અંતે 17 જુલાઈએ કૉંગ્રેસના સાંસદ અને પક્ષના પ્રવક્તા પવન ખેડા જંતર મંતર પહોંચ્યા અને સોનમ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. સીજેપીના આંદોલનમાં આ કૉંગ્રેસની પ્રથમ સત્તાવાર અને જાહેર ભાગીદારી ગણવામાં આવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન