દક્ષિણ ગુજરાતમાં વરસાદના રેકૉર્ડ તૂટ્યા : 12 તાલુકામાં 10 ઇંચથી વધુ, ઉમરગામમાં 36 ઇંચ, હવે કયા જિલ્લામાં વરસાદ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

સાઉથ ગુજરાતમાં પાંચ દિવસથી સતત ચાલતા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા પણ રેકૉર્ડ તોડી નાખે તેવા છે.

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 22 જુલાઈની સવારના 6 વાગ્યાથી 23 જુલાઈની સવાર સુધીના 24 કલાકમાં 35.67 ઇંચ વરસાદ પડ્યો છે. તેવી જ રીતે વલસાડના કપરાડામાં 28.78 ઇંચ, નાના પોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ વરસાદ નોંધાયો છે.

નવસારીના વાંસદામાં ચોવીસ કલાકમાં 17 ઇંચ, વલસાડના વાપીમાં 16.26 ઇંચ, વલસાડ શહેરમાં 16 ઇંચ, તાપીના ડોલવણમાં 15 ઇંચ અને ડાંગના વઘઈમાં 14.53 ઇંચ વરસાદ નોંધાયો છે.

નવસારીના ખેરગામમાં ચોવીસ કલાકમાં 14 ઇંચ અને વાલોડમાં 10 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.

હવે દક્ષિણ ગુજરાતની સાથે-સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વધવાની સંભાવના છે.

આજથી દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

હાલ એક સિસ્ટમ જે ગુજરાતની નજીકથી પસાર થઈ રહી છે અને તેની અસર રાજ્ય પર ત્રણેક દિવસ સુધી રહેવાની શક્યતા છે.

સુરતના ઉમરપાડામાં લગભગ પોણા દસ ઇંચ, વ્યારામાં 9.5 ઇંચ, અંબિકામાં 8.75 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં દિવસ દરમિયાન પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. નવસારી શહેરમાં લગભગ સાત ઇંચ વરસાદ નોંધાયો છે અને ઓલપાડમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ છે.

ગુજરાતના વરસાદનો ડેટા દર્શાવે છે કે 29 તાલુકાઓમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ અથવા વધારે વરસાદ પડ્યો છે જેમાં 12 તાલુકામાં 10 ઇંચ કરતા વધુ વરસાદ છે. આ તમામ તાલુકા દક્ષિણ ગુજરાતના છે.

વલસાડથી બીબીસીના સહયોગી અપૂર્વ પારેખના અહેવાલ મુજબ 1962 સુધી પહેલી વખત આ જિલ્લામાં આટલો ભારે વરસાદ નોંધાયો છે. તેમાં પણ છેલ્લા 48 કલાકથી નિરંતર વરસાદ ચાલુ છે જેના કારણે તાન, માન, પાર, ઔરંગા, કોલક અને દમણગંગામાં પૂરની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે.

વલસાડ, વાપી અને ઉમરગામ અત્યારે જળબંબાકાર હોવાના કારણે દેશમાં સૌથી વ્યસ્ત ગણાતા નૅશનલ હાઇવે પર ટ્રાફિક ઠપ થઈ ગયો છે. ઔદ્યોગિક હબ ગણાતા વાપીમાં ફૅક્ટરીઓ અને રહેણાક સોસાયટીઓમાં સાતથી 10 ફૂટ સુધી પાણી ભરાયાં છે.

ધરમપુર અને કપરાડા તાલુકાની નદીઓમાં આવેલા ઘોડાપૂરે તારાજી સર્જી છે. પુલ અને કોઝ-વે પાણીમાં ગરકાવ થયા હોવાથી ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે.

જિલ્લા વહીવટીતંત્રે એનડીઆરએફની ટીમ તૈયાર રાખી હોવાની જાહેરાત કરી હતી, પરંતુ તેનું સંખ્યાબળ મર્યાદિત હોવાથી દરેક જગ્યાએ પહોંચી શકાતું નથી.

વલસાડ શહેરના સિપાઈવાડામાં બુધવારે 20થી વધુ લોકો પાણીમાં ફસાયા હતા જેને ફાયર બ્રિગેડ દ્વારા બચાવવામાં આવ્યા હતા.

વલસાડની ઔરંગા નદીમાં જોરદાર પૂર આવ્યું છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે.

નવસારીથી બીબીસી સહયોગી સ્નેહલ પટેલના અહેવાલ મુજબ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને જિલ્લાની તમામ શાળા-કૉલેજોમાં રજાનું ઍલાન કરવામાં આવ્યું છે. અહીં અનેક કોઝ-વે અને પુલ પરથી પાણી ફરી વળ્યાં છે, જૂજ ડૅમ ઓવરફ્લૉ થવાથી 17થી વધુ ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં છે.

કાવેરી અને અંબિકા નદીનું જળસ્તર વધતું જાય છે. 170થી વધુ રસ્તા પર પાણી ફરી વળવાથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

ડાંગ જિલ્લામાં ધમાકેદાર વરસાદ ચાલુ હોવાથી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે. અંબિકા નદી પરના ગીરા ધોધ આસપાસ પ્રકૃતિ ખીલી ઉઠી છે અને ધોધ પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ પડી રહ્યો છે. જોકે, પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રે ગીરા ધોધ નજીક જવાની મનાઈ ફરમાવી છે.

નવસારી નજીક બીલીમોરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે જેમાં વખારિયા બંદર,શિપ યાર્ડ, દેસરા સહિતના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. બીલીમોરા પોલીસે 15 લોકોને બોટ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડ્યા હોવાનું બીબીસી સહયોગી સ્નેહલ પટેલે જણાવ્યું છે.

તાપીથી મળતા અહેવાલ મુજબ વ્યારાની સિવિલ હૉસ્પિટલમાં વરસાદના પાણી ભરાયાં છે. ઇમરજન્સી વૉર્ડ અને બીજા વૉર્ડમાં પણ પાણી ઘૂસી ગયાં છે જેના કારણે તબીબો અને દર્દીઓ મુશ્કેલીમાં છે.

તાપીના ડોલવણ તાલુકા તથા ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે વાંકલા ગામેથી પસાર થતી પૂર્ણા નદી તોફાની બની છે. અહીં કાંઠાનાં ગામોને ઍલર્ટ કરવામાં આવ્યાં છે.

ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ વરસાદ નોંધાયો છે જેમાં પંચમહાલ સામેલ છે. વરસાદના કારણે હાલોલ-શામળાજી હાઈવે પર કેટલીક જગ્યાએ પાણી ભરાયાંના અહેવાલ છે.

બીબીસીના સહયોગી દક્ષેશ શાહના અહેવાલ મુજબ હાઈવે પર અનેક વાહનો બંધ પડી ગયાં છે અને વાહનચાલકો પરેશાન છે.

સમગ્ર ગુજરાતમાં હવે એકમાત્ર લખપત એવો તાલુકો છે જેમાં બિલકુલ વરસાદ નથી પડ્યો. કચ્છમાં અત્યાર સુધી વરસાદ વગર રહેલા અબડાસા, માંડવી અને મુંદ્રા તાલુકામાં પણ સાધારણ વરસાદ નોંધાયો છે.

કચ્છમાં ત્યાર સુધીની સિઝનમાં માત્ર ચાર ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે વલસાડ અને નવસારી જિલ્લામાં સિઝનનો 78 ટકાથી વરસાદ અત્યાર સુધીમાં પડી ગયો છે. સુરત જિલ્લામાં સિઝનનો 68 ટકા વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં સિઝનનો 16 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે પૂર્વ -મધ્ય ગુજરાતમાં 21.34 ટકા, સૌરાષ્ટ્રમાં 32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 62 ટકા વરસાદ પડી ગયો છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં હજુ 36 ટકા વરસાદ જ પડ્યો છે.

આ પ્રકારનો વરસાદ ગુજરાતમાં ખેતીને કેવી અસર કરશે?

ગુજરાતના એક ભાગમાં અતિશય ભારે વરસાદ પડ્યો છે જ્યારે કેટલાક ભાગમાં વરસાદની ભારે અછત છે અને પૂરતું વાવેતર પણ થઈ શક્યું નથી. તેના કારણે આ વર્ષે ખેતીની પૅટર્નને કેવી અસર પડશે આ વિશે આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર મનોજ લુણાગરિયા સાથે વાત કરી હતી.

પ્રો. લુણાગરિયાએ જણાવ્યું કે, "આ કોઈ અસામાન્ય પૅટર્ન નથી. મોટા ભાગે ખેતીમાં ખરીફ વાવેતરનો સમયગાળો પૂરો થવાનો છે. તેથી જ્યાં અતિવૃષ્ટિ નથી થઈ ત્યાં અત્યારનો વરસાદ ફાયદાકારક છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે અત્યારનો વરસાદ લાભદાયક છે. તેમાં ઊભા પાકોમાં ફ્લેશ ડ્રાઉટની સ્થિતિ હતી તેને ફાયદો મળશે."

તેઓ કહે છે કે "પાછલા અઠવાડિયાથી વરસાદના પવનો નબળા હતા તે વધુ સક્રિય થઈને ગુજરાત પર આવ્યા છે. જોકે, પશ્ચિમ ગુજરાતમાં આ પવનો એટલા સક્રિય નથી. બાકીના ગુજરાતમાં ચોમાસું સક્રિય ન હતું, ત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પવનો ફૂંકાતા હતા."

સાઉથ ગુજરાતના ભારે વરસાદ વિશે તેમણે કહ્યું કે "ચોમાસાની શરૂઆતથી જ ત્યાં વરસાદ હતો અને હવે વધુ મજબૂત બન્યો છે. જે ભાગમાં બહુ ઓછો વરસાદ પડતો હતો ત્યાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે જે લગભગ ચાર દિવસ સુધી ચાલશે."

કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ઘણો ઓછો વરસાદ પડ્યો તેના વિશે પ્રો. લુણાગરિયાએ જણાવ્યું કે "હાલમાં ત્રણથી ચાર દિવસનો વરસાદનો સ્પૅલ છે તેના કારણે ખેતીને ફાયદો થશે. ચોમાસાની પૅટર્નમાં કોઈ મોટો ફેરફાર દેખાતો નથી કારણ કે અમુક વિસ્તારો પહેલેથી ઓછા વરસાદ માટે જાણીતા છે. જ્યાં લાંબો ડ્રાય સ્પૅલ રહ્યો ત્યાં ખેતીને નુકસાન થયું છે. કેટલીક વખત એવી સિસ્ટમ રચાય તો ઓછા વરસાદવાળા પ્રદેશમાં પણ ઘણો વધારે વરસાદ પડી શકે. પરંતુ આ વર્ષે એવી કોઈ મજબૂત સિસ્ટમ બની નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન