You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, હવે કઈ જગ્યાએ ભારે વરસાદ પડશે?
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ગુજરાતમાં લગભગ એક અઠવાડિયાના વિરામ પછી ઘણી જગ્યાએ વરસાદ શરૂ થયો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો છે. તેની સાથે સાથે સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં પણ વરસાદના અહેવાલ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં તથા દાદરા નગર હવેલીમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
સામાન્ય રીતે ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં વધારે વરસાદ પડે છે પરંતુ આ વખતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો તો અડધા ગુજરાતમાં વરસાદની ભારે કમી છે. તેમાં પણ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધારે ખરાબ સ્થિતિ જોવા મળે છે.
ગુજરાતમાં વરસાદની નવી આગાહી શું કહે છે?
હાલમાં ભારત પરથી ચોમાસાનો ટ્રફ અમૃતસર, કરનાલ, હરદોઈ, રાંચી પરથી પસાર થાય છે અને ત્યાંથી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી તરફ વળી જાય છે. આ ટ્રફ સમુદ્રની સપાટીથી 0.9 કિલોમીટરની ઉંચાઈએ સ્થિત છે.
ગંગાવર્તી પશ્ચિમ બંગાળ અને નજીકમાં ઉત્તર ઝારખંડ પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 4.5 કિમીની ઉંચાઈ પર આવેલું છે.
તેવી જ રીતે દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને પડોશના વિસ્તારોમાં એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે.
ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ પડશે?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 19 જુલાઈ, રવિવારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયાં સ્થળે વરસાદ પડશે.
આ ઉપરાંત સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી તેમ જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયાં સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાં પણ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
20 જુલાઈ, સોમવારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, વાવ-થરાદ, વડોદરા, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, મોરબી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
મંગળવારે પણ આ તમામ જગ્યાએ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 19 જુલાઈએ અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેશે અને દિવસ દરમિયાન એક કે બે ઝાપટાં પડી શકે છે.
અમદાવાદમાં શનિવારે મોડી રાતે થલતેજ, સિંધુભવન વિસ્તારમાં ઝાપટાં પડ્યા હતા જેના કારણે હવામાનમાં ઠંડક ફેલાઈ હતી.
અમદાવાદમાં આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
અમરેલી જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ છે અને લાઠી શહેરમાં ઝાપટાં પડ્યા છે.
ગઈકાલે મોડી રાતે જૂનાગઢમાં પણ વાતાવરણ બદલાયું હતું અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોને બફારામાં રાહત મળી હતી.
અત્યાર સુધી ગુજરાતમાં કેમ વરસાદ નબળો રહ્યો છે?
દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં કેટલીક જગ્યાએ ઝાપટાં પડ્યા છે. તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાલોડ તાલુકામાં 2.44 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉચ્છલ અને કુકરમુંડા તાલુકામાં નહીંવત વરસાદ પડ્યો છે. વ્યારામાં 2.44 ઇંચ અને ઉકાઈમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
સુરત શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1.93 ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વલસાડના નાનાપોંઢામાં 1.22 ઇંચ, નવસારીના ચીખલીમાં 1.88 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.10 ઇંચ, વલસાડના ધરમપુરમાં એક ઇંચ અને સુરતના મહુવા તાલુકામાં પણ એક ઇંચ વરસાદ પડ્યો છે.
ગુજરાત સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હજુ સુધી વરસાદની ઘટ છે જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતની સ્થિતિ વધારે ખરાબ છે.
કચ્છમાં અત્યાર સુધીમાં સીઝનનો માત્ર 3.42 ટકા વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 14.42 ટકા, પૂર્વ મધ્યમાં 18.68 ટકા, સૌરાષ્ટ્રમાં 29 ટકા, અને સાઉથ ગુજરાતમાં લગભગ 37 ટકા વરસાદ પડ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન