You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂતો માટે વાડનો 'થોર' કેવી રીતે લાખો રૂપિયાની કમાણીનું સાધન બન્યો?
- લેેખક, પ્રીતિ ગુપ્તા
- પદ, ટૅક્નૉલૉજી રિપોર્ટર
- દ્વારા રિપોર્ટિંગ, મુંબઈ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
રણમાં ઉગતા એક છોડે મસાપલ્લી વેંકટેશનું જીવન બદલી નાખ્યું.
દક્ષિણ અને મધ્ય ભારતના વિશાળ ભાગને આવરી લેતા દક્ષિણના ઉચ્ચ પ્રદેશ (ડૅક્કન પ્લેટો) પર વસેલા કંદુકુરમાં તેમનું 10 એકરનું ખેતર આવેલું છે. ત્યાં તેઓ ટામેટાં, મગફળી અને મકાઈનું વાવેતર કરે છે.
પણ 2010માં એક અલગ જ પાક શોધી રહેલા વેપારીઓએ તેમનો સંપર્ક કર્યો. આ પાક હતો - અગાવે અમેરિકાના નામનો થોર.
તેમના માટે અને તેમના સાથી ખેડૂતો માટે તો અગાવે થોર બસ એક "નકામું નીંદણ" હતું - જે વન્ય પ્રાણીઓને પાકથી દૂર રાખવા માટે વાડ તરીકે વાવવામાં આવતું હતું.
પણ આ છોડ અગાવે વનસ્પતિના તે પરિવારનો ભાગ પણ છે, જે ટેકિલા અને મેઝકલના 15 અબજ ડૉલર (11 અબજ પાઉન્ડ)ના વૈશ્વિક બજારની જરૂરિયાતો સંતોષે છે.
મૅક્સિકોમાં ટેકિલા ઉદ્યોગને પુરવઠો પૂરો પાડવા માટે 'બ્લૂ અગાવે'ની ખેતી કરવામાં આવે છે. મુખ્યત્વે હલિસ્કો રાજ્યના પસંદગીના વિસ્તારોમાં ઉગતા છોડનો જ ટેકિલા બનાવવા માટે ઉપયોગ થઈ શકે છે.
મૅક્સિકોમાં જ્યાં મોટાભાગની જમીન પર ખેતરોનું જ વર્ચસ્વ છે, તેનાથી અલગ, ભારતમાં કોઈ વ્યાવસાયિક સ્તરે અગાવે ઉગાડતું નથી - એટ લિસ્ટ હજી સુધી તો નહીં.
તેના બદલે, ભારતીય ખેડૂતો તથા ઉદ્યોગ સાહસિકો જંગલમાં કુદરતી રીતે જ ઉગતા અગાવેને એકત્રિત કરીને તેને પ્રોસેસ કરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વેંકટેશ જેવા કેટલાક ખેડૂતો માટે, તે વધારાની આવકનો આવકાર્ય સ્રોત છે - જેના કારણે તેને "બ્લૂ ગોલ્ડ" નામ મળ્યું છે.
વર્તમાન સમયમાં વેંકટેશ 100 કિલોમીટર (60 માઇલ)ના વિસ્તારમાં ફરીને ગામના લોકો અને ખેડૂતો સાથે સંકલન કરી રહ્યા છે.
તેઓ કહે છે, "એક કરતાં વધુ ખેતરોની ઉપજ એકઠી કરીને હું સ્થિર અને ઊંચી માત્રાનો પુરવઠો પૂરો પાડવાનું સુનિશ્ચિત કરું છું, જેના માટે ડિસ્ટિલરીઝ (દારૂ બનાવનારી ફૅક્ટરીઓ) ઊંચી રકમ ચૂકવવા તૈયાર છે."
અગાવે (કેતકી) ના છોડની લણણી કુશળતા માગી લેતું કામ છે.
આ છોડનો સૌથી મહત્ત્વનો ભાગ તેનો વચ્ચેનો ભાગ (હૃદય) છે, જે "પિના" તરીકે ઓળખાય છે, કારણ કે તેનો દેખાવ વિશાળ અનાનસ જેવો હોય છે.
કુશળ કામદારો તેનાં કાંટાળા પાંદડાં કાપીને વચ્ચેનો ભાગ બહાર કાઢે છે. પણ લણણી યોગ્ય સમયે થાય, તે ઘણું જરૂરી છે.
એક વખત છોડ ખીલવા માંડે, તે પછી તે તેની સંગ્રહિત શર્કરા (મીઠા રસ)નો તમામ જથ્થો ગણતરીના દિવસોમાં જ ઉપરની દાંડીમાં ધકેલે છે.
જો ફૂલ ખીલે, તો સુગર સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે, જેના કારણે "પિના" શરાબ બનાવવા માટે કંઈ કામનું રહેતું નથી.
ડિસ્ટિલરી માયા પિસ્ટોલા અગાવેપુરાના સ્થાપક અને મૅનેજિંગ ડિરેક્ટર રક્ષય ધારીવાલ કહે છે, "છોડની શર્કરા ક્ષમતા તેની ચરમસીમાએ હોય, તે સમયે કાપણી કરવા માટે સંગ્રાહકોએ ફૂલ આવતાં પહેલાંના ચોક્કસ સમયગાળાની ઓળખ કરવાની રહે છે, પરિણામે કાપણીનો સમય અત્યંત ટૂંકો હોય છે."
એક વખત લણણી થઈ ગયા પછી ઝડપથી કામ આટોપવું પડે છે. "પિના"ને 24 કલાકની અંદર પ્રેશર કૂકરમાં પહોંચાડવામાં આવે, તે જરૂરી છે, જેથી તેમાંથી શર્કરા કાઢી શકાય.
ધારીવાલ જણાવે છે, "પરિવહનમાં જરા અમથો વિલંબ થવાથી પણ સમગ્ર જથ્થો નકામો થઈ શકે છે. જો 24 કલાક કરતાં વધુ સમય થઈ જાય, તો અંદરની શર્કરા સડવા માંડે છે અને અણધાર્યો આથો આવવા માંડે છે, જેના કારણે પ્રિમીયમ શરાબ માટેનો આવશ્યક નાજુક સ્વાદ નષ્ટ થઈ જાય છે."
અને પરિવહન એટલું સરળ નથી, કારણ કે, અગાવેના સપ્લાયરો કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોમાં દૂર-દૂરના અંતરે છૂટાછવાયા ફેલાયેલા છે.
તેઓ જણાવે છે, "અમારા જેવી બ્રાન્ડ કોઈ કેન્દ્રીકૃત ખેડૂત સહકારી મંડળીમાંથી ઑર્ડર આપી શકતી નથી. અમારે ગ્રામીણ જમીનની સીમા પર કે નકામી જમીનો પર ઉગતા અર્ધ-જંગલી અગાવેના વ્યક્તિગત ટુકડાઓને શોધવા માટે, તેમનો સોદો કરવા અને તેમની કાપણી કરવા માટે સ્થાનિક સંગ્રાહકોના નૅટવર્ક પર આધાર રાખવો પડે છે."
આ બધું અગાવે શરાબની વધી રહેલી માગને સંતોષવા માટે ઉપયોગી બની રહ્યું છે. ધારીવાલના જણાવ્યા મુજબ, અગાવે શરાબ માટે ભારતીય બજાર 31 ટકાના દરે વૃદ્ધિ સાધી રહ્યું છે.
30 બેસ્ટ બાર્સ ઇન્ડિયાના સહ-સ્થાપક વિક્રમ અચંતા કહે છે, "હજુ થોડાં વર્ષોથી જ ભારતમાં ટેકિલાને લોકપ્રિયતા સાંપડી છે."
તેઓ જણાવે છે, "ઉત્પાદકો ગંભીરતાપૂર્વક તેની સાથે પ્રયોગો કરવા માંડ્યા છે અને આજે એવો ગ્રાહક વર્ગ ઊભો થયો છે, જે પહેલાં કરતાં નવા પ્રકારના શરાબને અજમાવવા માટે વધુ મુક્ત છે."
તેઓ કહે છે કે, અગાવે ડ્રિન્ક્સ ભારતના મનપસંદ શરાબ વ્હિસ્કીનું સ્થાન લે, એવી શક્યતા નહિવત્ છે, પણ તેઓ તેનું બજાર ઊભું કરી શકે છે.
તેઓ ઉમેરે છે, "નવી બ્રાન્ડ્ઝ આવા પ્રયોગોનાં રસપ્રદ ઉદાહરણો છે, ખાસ કરીને જે રીતે તેઓ દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં જંગલી અગાવેને ઉપયોગમાં લઈ રહ્યા છે અને ભારતીય અગાવેની ઓળખને આકાર આપી રહ્યા છે. આ હજુ પ્રાથમિક તબક્કો છે, પણ તેઓ આ કૅટેગરીને જિજ્ઞાસામાંથી વિશ્વાસપાત્રના સ્તર સુધી પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે."
ડેસમંડ નાઝરેથ ભારતીય અગાવે શરાબ ઉદ્યોગના પ્રણેતા છે. તેમની કંપની અગાવે ઇન્ડિયાએ 2011માં ભારતનો પ્રથમ સ્થાનિક અગાવે શરાબ લૉન્ચ કર્યો હતો.
તેઓ કહે છે, "રસોડાથી શરૂ થયેલો પ્રયોગ લગભગ 12 વર્ષના સંશોધન અને અખતરા પછી આખરે ભારતની પ્રથમ ક્રાફ્ટ અગાવે ડિસ્ટિલરીમાં પરિણમ્યો."
"જ્યારે બજાર તૈયાર પણ નહોતું, તેના ઘણા સમય પહેલાંથી અમે ભારતીય અગાવે શરાબ બનાવી રહ્યા હતા. આ ક્રાફ્ટ બિઝનેસ તેના સમયથી ઘણો આગળ હતો."
હવે તેઓ આ ઉદ્યોગને વિકસાવવા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી રહ્યા છે.
તેઓ જણાવે છે, "અમે એવા વિસ્તારોની સેટેલાઇટ તસવીરો લીધી છે, જ્યાં અગાવે પહેલેથી જ સફળતાપૂર્વક ઉગતો હોય. પછી તે પર્યાવરણીય પૅટર્નને નજીકના પ્રદેશો સાથે સરખાવી જોઈ છે, જેથી વધુ સાનુકૂળ જમીન શોધી શકાય. આ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે, અગાવેને ઉગતાં નવથી 13 વર્ષ લાગે છે. જો તેને ખોટી જગ્યાએ ઉગાડવામાં આવે, તો એક આખો દસકો નકામો જાય છે."
વધતી માગ સાથે શું ભારતનો જંગલી અગાવેનો પુરવઠો ખતમ થઈ જવાનું જોખમ રહેલું છે? ખેતીકીય નિષ્ણાત મિગુએલ બ્રાગાન્ઝા તેનો જવાબ આપે છે કે, ઓછામાં ઓછાં પાંચ વર્ષ સુધી કે તેનાથી વધુ સમય સુધી તો આવું કોઈ જોખમ નથી.
તેઓ નોંધે છે કે, ભારતનો સ્થાનિક ઉદ્યોગ હજુ નાનું કદ ધરાવે છે, અગાવેના વચ્ચેના ભાગના પ્રોસેસિંગ માટે માત્ર એક જ પ્લાન્ટ નખાયો છે, જે નાઝરેથની અગાવે ઇન્ડિયાનો છે.
વળી, જંગલી અગાવેનો છોડ પોતાની મેળે વંશવૃદ્ધિ કરવા માટે સક્ષમ છે.
બ્રાગાન્ઝા કહે છે, "જ્યારે તમે જંગલી અગાવેને જુઓ છો, ત્યારે તમે કેવળ એક જ છોડને નથી જોતા. માટીની અંદર માતા અગાવે અત્યંત વ્યસ્ત હોય છે. તેનાં 10થી 20 વર્ષના આયુષ્ય દરમિયાન, તે જમીનમાં લાંબાં મૂળિયાં પ્રસરાવે છે."
અને તે મૂળિયાં ભાવિ છોડનો સ્રોત હોય છે.
"પ્રત્યેક અમુક ફૂટના અંતરે તેના જેવો જ એક નાનો ક્લૉન (નાનો છોડ) ફૂટી નીકળે છે. તે નાના છોડ તેમનાં પોતાનાં મૂળ વિકસાવે છે અને સ્વતંત્ર છોડ બને છે અને સમય વીતવા સાથે વિશાળ અગાવે વસાહત ઊભી કરે છે. આમ, એક છોડ સમગ્ર વિસ્તારમાં માનવીય મદદ વિના, કુદરતી રીતે જ ડઝનબંધ છોડમાં ફેરવાઈ શકે છે."
ભારતીય ઉદ્યોગ સાહસિક હર્ષ વડલામુડી નોંધે છે કે, ભારતના જંગલી અગાવે છોડનો જથ્થો આદર્શ સ્થિતિ કરતાં ઘણો દૂર છે.
ખેતરમાં ઉગાડવામાં આવતા છોડ કરતાં અલગ, જંગલી છોડ "આનુવંશિક રીતે અસંગત" હોય છે, એમ તેમણે કહ્યું હતું.
"તેનો અર્થ એ કે, શર્કરાની ઉપજમાં અસ્થિરતા પ્રવર્તે છે... અને તેનો અર્થ એ કે, શરાબના ઉત્પાદનમાં ફેરફાર થાય છે. આથી, ઉત્પાદનનું સ્તરીકરણ કરવું મુશ્કેલ બને છે. મૅક્સિકો દાયકા સુધી પસંદગીયુક્ત સંવર્ધન કરીને આ સમસ્યાનો ઉકેલ લાવ્યું છે, પણ ભારતે હજી સુધી તેમ કર્યું નથી," એમ તેઓ જણાવે છે.
વડલામુડી ટેકિલા બ્રાન્ડ લોકા લોકાના સહ-સ્થાપક છે. આ બ્રાન્ડ ટેકિલાના કેન્દ્ર ગણાતા હલિસ્કોના મૅક્સિકન 'બ્લૂ અગાવે' છોડનો ઉપયોગ કરે છે.
વડલામુડી આગળ કહે છે, "અમે મૅક્સિકોના હલિસ્કોમાં પ્રાચીન જ્વાળામુખી ફાટવાને કારણે આયર્નથી સમૃદ્ધ બનેલી લાલ માટીનો ઉપયોગ કરવા માગતા હતા. આ અનોખી માટી અગાવેને આગવો સ્વાદ બક્ષે છે, જે સમાન બીજને ભારતીય માટીમાં વાવીને ક્યારેય મેળવી શકાતો નથી."
મૅક્સિકોમાં અગાવેનાં વિશાળ, સંગઠિત ખેતરો ભારતની અનૌપચારિક પદ્ધતિ કરતાં સાવ વિરોધાભાસી છે.
તે વિશાળ અને સમૃદ્ધ ખેતરોને હાઇ-ટૅક પરવડી શકે છે. કેટલાંક ખેતરોમાં તો પાક પર દેખરેખ રાખવા માટે ડ્રૉન અને એઆઇ સિસ્ટમ પણ ઉપયોગમાં લેવાય છે.
વડલામુડી જણાવે છે, "ડ્રૉન વ્યક્તિગત પાકોની ચોકસાઈપૂર્ણ ગણતરી કરવા, છોડના આરોગ્યનું મૂલ્યાંકન કરવા, બીમારીના પ્રારંભિક સંકેતો જાણવા અને છોડના વિકાસ પર દેખરેખ રાખીને કાપણી માટેના સચોટ સમયગાળાની આગાહી કરવા માટે હજ્જારો હેક્ટર જમીનનું સ્કૅનિંગ કરે છે."
આવું રોકાણ કરવા ભારતીય ઉત્પાદકોએ હજુ ઘણી લાંબી મજલ કાપવી પડશે.
નાઝરેથ સ્વીકારે છે કે, નોંધપાત્ર સ્તર પર અગાવે શરાબ ઉદ્યોગ ઊભો કરવામાં સમય લાગશે, પણ તેઓ વિશ્વાસ ધરાવે છે.
"ભારત ચોક્કસપણે અગાવેનું મોટું અર્થતંત્ર બની શકે છે. દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ તેના વાવેતર માટેની લાખો એકર સાનુકૂળ જમીન ધરાવે છે. જો લાંબા ગાળાનું વિઝન અને ધૈર્ય હોય, તો આપણે સૈદ્ધાંતિક રીતે મૅક્સિકોને સ્પર્ધા પૂરી પાડી શકીએ તેમ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન