ICCએ બદલી નાખ્યા વન-ડે, ટી20 વિશ્વકપના નિયમો, કયા-કયા ફેરફારો થયા?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મૅન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027 તથા મૅન્સ ટી20 વિશ્વકપ 2028ના ફૉર્મેટમાં મોટા ફેરફારોને મંજૂરી આપી દીધી છે.

આ નિર્ણય સ્કૉટલૅન્ડના એડિનબરામાં થયેલી આઈસીસીની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં લેવામાં આવ્યો. આઈસીસીનું કહેવું છે કે આ નવા ફૉર્મેટનો ઉદ્દેશ મુકાબલાને વધારે રોમાંચક બનાવવાનો, પ્રતિયોગિતાના સ્તરને વધારવાનો અને ખેલાડીઓની સાથે-સાથે ક્રિકેટ પ્રશંસકોના અનુભવને બહેતર કરવાનો છે.

આઈસીસીએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ નવા ફૉર્મેટની જાણકારી આપી.

2027 વર્લ્ડકપમાં શું થશે?

આઈસીસી મૅન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2027ની યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા સંયુક્ત રૂપે કરી રહ્યાં છે. ટુર્નામેન્ટમાં પહેલાંની માફક 14 ટીમો ભાગ લેશે પરંતુ આ વખતે મુકાબલા ત્રણ ચરણમાં રહેશે.

પહેલા ચરણમાં ક્વૉલિફાઈ કરનારી 14 ટીમોમાં સૌથી નીચલા સ્થાને ટીમો રાઉન્ટ-રૉબિન ફૉર્મેટમાં સુપર સિરીઝ રમશે. આ સિરીઝમાં જે વિજેતા ટીમ હશે તે બીજા ચરણમાં પ્રવેશ કરશે.

બીજા ચરણમાં 12 ટીમોને છ-છી ટીમોના બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રૂપમાં તમામ ટીમો એકબીજાંની સામે મુકાબલો રમશે. તમામ ગ્રૂપની ટોચ પર રહેનારી ત્રણ ટીમો અને બંને ગ્રૂપમાં ચોથા સ્થાન પર રહેનારી ટીમો પૈકી બહેતર રેકૉર્ડ ધરાવતી એક ટીમ સુપર-7 રાઉન્ડમાં પહોંચશે.

ત્રીજું ચરણ સુપર-7 રાઉન્ડ રહેશે. સુપર-7 ચરણમાં સાતેય ટીમો રાઉન્ટ રૉબિન ફૉર્મેટ રમશે. પૉઇન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલમાં પહેલા સ્થાને રહેનારી ટીમનો મુકાબલો ચોથા સ્થાને રહેનારી ટીમ સાથે થશે જ્યારે કે બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમો પરસ્પર સેમિફાઇનલમાં ટકરાશે.

2028 ટી20 વિશ્વકપમાં પણ ફેરફાર

ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની સંયુક્ત યજમાનીમાં થનારા આઈસીસી મૅન્સ ટી20 વિશ્વકપ 2028માં પણ 20 ટીમો ભાગ લેશે.

જોકે, ટુર્નામેન્ટનું ફૉર્મેટ પહેલાંથી અલગ રહેશે. જેથી વધારે ટીમોને બીજા ચરણ સુધી પહોંચવાની તક મળે.

ગ્રૂપ સ્ટેજમાં 20 ટીમોને ચાર-ચાર ટીમો ધરાવતા પાંચ ગ્રૂપોમાં વહેંચવામાં આવશે. તમામ ગ્રૂપની ટોચ પર રહેલી બે ટીમ સુપર-10 રાઉન્ડમાં પહોંચશે.

સુપર-10માં 10 ટીમોને પાંચ-પાંચ ટીમોનાં બે ગ્રૂપોમાં વહેંચવામાં આવશે. બંને ગ્રૂપની ટોચની ટીમ સીધી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.

બાકી બે સેમિફાઇનલિસ્ટનો નિર્ણય નવા ઍલિમિનેટર ચરણ મારફતે થશે. જેમાં બંને ગ્રૂપની બીજા સ્થાન પર રહેનારી ટીમો બીજા ગ્રૂપની ત્રીજા સ્થાન પર રહેનારી ટીમ સાથે ટકરાશે.

બંને મુકાબલામાં જે વિજેતા થશે તે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ સેમિફાઇનલ અને ફાઇનલ હાલના ફૉર્મેટ પ્રમાણે રમાશે.

આઈસીસીનું માનવું છે કે આ ફેરફારોને કારણે ટુર્નામેન્ટમાં પ્રતિસ્પર્ધા અને રોમાંચ વધશે અને સાથે ઉભરતી ટીમોને મોટા મંચ પર પોતાની ક્ષમતા દેખાડવાની તક મળશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન