You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : 'ભાજપનો ગઢ' ગણાતી માંજલપુર બેઠકની પેટાચૂંટણી કેમ બંને પક્ષ માટે મહત્ત્વની છે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ કરતાં વધુ સમય બાકી છે ત્યારે વડોદરામાં ટૂંક સમયમાં માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવી રહી છે, જેમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે.
ભાજપના પીઢ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી યોગેશ પટેલનું બીજી જૂને લાંબી બીમારીના કારણે અવસાન થયા બાદ આ બેઠક ખાલી પડી હતી. ચૂંટણીપંચે બીજી જુલાઈએ પેટાચૂંટણીની જાહેરાત કરી હતી, જે મુજબ માંજલપુર બેઠક માટે 30 જુલાઈએ મતદાન થશે અને ત્રીજી ઑગસ્ટે મતગણતરી થશે.
આ ચૂંટણી માટે ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો સિવાય બીજા ત્રણ ઉમેદવારો પણ હતા, પરંતુ તેમનાં નૉમિનેશન નામંજૂર કરાયાં છે. પરિણામે હવે ભાજપના સતીષ પટેલ અને કૉંગ્રેસના ભીખા રબારી વચ્ચે સીધો મુકાબલો થશે.
ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો કોણ છે?
માંજલપુરની પેટાચૂંટણી માટે કૉંગ્રેસે પોતાના જૂના ઓબીસી નેતા ભીખા રબારીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન સતીષ પટેલને ટિકિટ આપી છે.
ગુજરાત કૉંગ્રેસના ઉપાધ્યક્ષ ભીખા રબારી એક સમયે માધવસિંહ સોલંકીની સરકારમાં ઊર્જા અને ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા છે. જ્યારે સતીષ પટેલ ભાજપમાં સંગઠનની કામગીરી સંભાળે છે અને સહકારી તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ છાણી કો-ઑપરેટિવ બૅન્ક અને અર્બન બૅન્ક ફેડરેશનના ચૅરમૅન પણ છે.
રાજકીય નિષ્ણાતોનો શું મત છે?
ગુજરાતમાં આવતા વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે લોકોનો મૂડ કેવો છે તે જાણવા માટે માંજલપુરની ચૂંટણીનાં પરિણામો મહત્ત્વનાં બની રહેશે તેવો નિષ્ણાતોનો મત છે.
વડોદરાના રાજકારણને સમજનારા રાજકીય વિશ્લેષક વિનોદ ભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "માંજલપુર વિધાનસભા બેઠક નવા સીમાંકન પછી બની હતી અને યોગેશ પટેલ પોતાની પરંપરાગત રાવપુરા બેઠક છોડી માંજલપુરથી ચૂંટણી લડતા હતા."
તેમના મતે, માંજલપુર બેઠકમાં યોગેશ પટેલના પ્રભુત્વવાળા કેટલાક વૉર્ડ સામેલ હતા. તેમને અહીંથી ચૂંટણી લડાવવા પાછળ ગણિત એવું હતું કે યોગેશ પટેલની લોકપ્રિયતાની અસર રાવપુરા બેઠક પર પણ જોવા મળે. ઘણા મતદારો રાવપુરાથી માંજલપુરમાં આવ્યા હતા, તેથી બંને બેઠક પર ભાજપ જીતે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે જણાવ્યું કે, "યોગેશ પટેલ 1990થી 2007 સુધી સતત રાવપુરા બેઠક પર જીતતા હતા. નવા સીમાંકન પછી તેમને માંજલપુરમાં 2012માં ઉતારવામાં આવ્યા અને ત્યાં પણ તેઓ જીતતા રહ્યા."
ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "ભીખાભાઈ એ માધવસિંહ સોલંકીના નજીકના સાથીદાર હતા અને તેમની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ઓબીસીમાં આવે છે, પરંતુ આ શહેરી વિસ્તાર છે જ્યાં જ્ઞાતિનું કાર્ડ એટલું પ્રભાવશાળી નથી રહેતું."
તેઓ માને છે કે આવી ચૂંટણીઓમાં એન્ટિ ઇન્કમ્બન્સીનું પરિબળ કેટલું સક્રિય છે તેનો અંદાજ આવતો હોય છે. પેટાચૂંટણીના પરિણામ પરથી બંને પક્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડી શકે છે.
માંજલપુરમાં જ્ઞાતિનાં સમીકરણ કોની તરફ છે?
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી પણ માને છે કે શહેરી વિસ્તારોમાં સ્થાનિક સમસ્યાઓ ભૂમિકા ભજવતી હોય છે. જ્ઞાતિનાં સમીકરણો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "માંજલપુરમાં પટેલ મતદાતા 11.4 ટકાની આસપાસ છે, જ્યારે એસસી અને એસટી મતદાતાનું પ્રમાણ 5.7 ટકા છે. વાણિયા, બ્રાહ્મણ, લોહાણા મતદારોની ટકાવારી લગભગ 2.7 ટકા છે, જ્યારે લઘુમતી મતદારો અહીં નિર્ણાયક સ્થિતિમાં નથી."
તેઓ કહે છે કે "17 મ્યુનિસિપલ કૉર્પોરેશન બનવાના કારણે હવે અડધોઅડધ ગુજરાતનું શહેરીકરણ થઈ ગયું છે. આ વખતે સુરતમાં વરસાદ પડ્યો ત્યારે સરકારે વેપારીઓ અને સ્થાનિક લોકો માટે સહાય પૅકેજ જાહેર કર્યું છે, પરંતુ વડોદરામાં નાના વેપારીઓ અને રહેવાસીઓને જે નુકસાન થયું તેની સામે કોઈ પૅકેજ આપ્યું નથી."
તો રાજકીય વિશ્લેષક વિનોદ ભટ્ટ માને છે કે એક રીતે આ પેટાચૂંટણી 2027ની વિધાનસભા ચૂંટણી અગાઉના માહોલનો લિટમસ ટેસ્ટ બની શકે છે.
જ્યારે વિદ્યુત જોશીએ જણાવ્યું કે "વડોદરામાં એન્ટિ-ઇન્કમ્બન્સી છે, પરંતુ કૉંગ્રેસ તેને વોટમાં કેવી રીતે રૂપાંતરિત કરે છે તે જોવાનું રહેશે. બીજી તરફ કૉંગ્રેસ પટેલ વિરુદ્ધ ઓબીસી કાર્ડ રમીને સરકી ગયેલા મતોને અંકે કરવા માગે છે, કારણ કે પટેલ એ ગુજરાતમાં સૌથી પ્રભાવશાળી જ્ઞાતિ છે. તેમનું એક સોશિયલ કેપિટલિઝમ છે. ભાજપના ઉમેદવાર છાણી નાગરિક બૅન્કના ચૅરમૅન અને એક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ છે. તેઓ ગુજરાત અર્બન બૅન્ક ફેડરેશનના ડિરેક્ટર છે, તેથી તેમણે સહકારી બૅન્ક અને શૈક્ષણિક સંસ્થા મારફતે પોતાનું આગવું સોશિયલ કેપિટલિઝમ ઊભું કર્યું હોય તે તેમના તરફ કેટલું ઝૂકે છે એ આ પેટાચૂંટણીમાં નક્કી થશે."
બંને પક્ષો કેવા દાવા કરે છે?
માંજલપુર પેટાચૂંટણીને હવે બે અઠવાડિયાંથી પણ ઓછો સમય બાકી છે ત્યારે બંને પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે.
ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ પંચાલે માંજલપુરમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતું કે, "આ બેઠક ભાજપનો ગઢ છે એટલા માટે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જવાના બદલે દરેક પેજ પ્રમુખ મતદારના ઘરે જઈને સંપર્ક કરે, પેટાચૂંટણીમાં વધુ મતદાન થાય અને આપણા ઉમેદવાર જીતે તે માટે કામ કરવાનું છે."
બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અહીંના લોકો ગેરકાયદે બાંધકામોના કારણે દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવે છે, અમે આ સમસ્યાને વાચા આપીશું."
તેમણે દાવો કર્યો કે, "કૉંગ્રેસ કોઈ પટેલ વિરુદ્ધ ઓબીસી કાર્ડ રમતી નથી અને દરેક જ્ઞાતિને સરખું માન આપે છે." તેમણે કહ્યું કે, ભીખાભાઈ એ કૉંગ્રેસના જૂના કાર્યકર, ભૂતપૂર્વ મંત્રી અને પ્રદેશ કૉંગ્રેસના ઉપપ્રમુખ છે તેથી તેમને યોગ્યતાના આધારે ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે.
ચૂંટણી સમયે વિવિધ પક્ષના નેતાઓ સુવિધાઓ આપવાના અનેક વાયદાઓ પણ કરતા હોય છે. માંજલપુરમાં સમસ્યાની વાત કરીએ તો તેમાં નાગરિક સુવિધાઓનો અભાવ એ લોકોમાં ચર્ચાનો મુદ્દો રહેતો હોય છે.
વડોદરાના સ્થાનિક પત્રકાર રૂપેશ ચોક્સીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "લોકો મોંઘવારી અને બેરોજગારીથી તો પરેશાન છે જ, સાથે સાથે સ્થાનિક સુવિધાઓનો અભાવ પણ પરેશાન કરે છે. ચોમાસામાં ઘણી જગ્યાએ પાણી ભરાય છે, જેના કારણે રહેવાસીઓને તથા દુકાનદારોને નુકસાન થાય છે. પ્રાથમિક સુવિધાઓ અંગે લોકો ઘણા સમયથી ફરિયાદો કરે છે, પણ નિકાલ થતો નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન