ચાંદીપુરા વાઇરસ : આ બીમારી માત્ર બાળકોને જ કેમ થાય છે અને મોટેરાંને કેમ થતી નથી?

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાતમાં ફરી ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાતા ભયનો માહોલ ફેલાયો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચાંદીપુરા વાઇરસના કારણે સરકારી આંકડા પ્રમાણે કુલ ત્રણ બાળકોનાં મોત થયાં છે.

અત્યાર સુધીમાં વડોદરાની એક હૉસ્પિટલમાં બે બાળકો અને હિંમતનગરની હૉસ્પિટલમાં એક બાળકનું મોત થયું છે.

બાળકોમાં આવી જીવલેણ બીમારીના ફેલાવા માટે માટીની માખી તરીકે ઓળખાતી સૅન્ડ ફ્લાયનો ઉપદ્રવ કારણભૂત મનાય છે.

આ વાઇરસના શંકાસ્પદ કેસ મળી આવતા રાજ્યનો આરોગ્ય વિભાગ પણ સતર્ક થયો છે અને સંબંધિત કેસોમાં આરોગ્યમંત્રી દ્વારા સમીક્ષા અને સાવધાનીરૂપ પગલાં લેવાના નિર્દેશ પણ અપાયા છે.

ચાંદીપુરા વાઇરસના નિયંત્રણ માટે અગાઉ ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક થઈ હતી.

ચાંદીપુરા વાઇરસ મામલે ગુજરાત સરકાર પણ સતર્ક

ચાંદીપુરા વાઇરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે ગાંધીનગરના સચિવાલયમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મંત્રીએ આ વાઇરસનાં નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

આરોગ્યમંત્રી પાનશેરીયાએ વધુમાં કહ્યું હતું કે, ચાંદીપુરા વાઇરસના સચોટ નિદાન માટે લૅબોરેટરી ટેસ્ટિંગની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે.

તેમણે કહ્યું કે કુલ 27 શંકાસ્પદ કેસોના નમૂનામાંથી 19 નમૂનાનાં પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યાં છે. જેમાંથી 7 પૉઝિટિવ અને 12 નૅગેટિવ આવ્યાં છે. જ્યારે બાકી રહેલા 8 નમૂનાઓનું પરીક્ષણ પરિણામ આવવાનું બાકી છે.

ચાંદીપુરા વાઇરસને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનની મદદ લઈને રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાઇડલાઇન જાહેર કરીને ગાંધીનગર સાથે સંકલનમાં રહેવા જણાવાયું છે.

તેમજ નાનાં કેન્દ્રો અને ખાનગી ક્લિનિક ચલાવતા ડૉક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે કે જો આવો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો પ્રાથમિક સારવાર બાદ સમય બગાડ્યા વિના બાળકને ઑક્સિજન અને વૅન્ટિલેટરની સુવિધા ધરાવતી મોટી હૉસ્પિટલોમાં તુરંત જ દાખલ કરવામાં આવે.

ચાંદીપુરા વાઇરસનો ચેપ કોને લાગી શકે?

નિષ્ણાતોનું કહેવું છે કે ઘરની માખી કરડતી ન હોવા છતાં તે ગંભીર માંદગી ફેલાવી શકવા સક્ષમ છે. ઘરની માખી ગંદકીમાં ઈંડાં મૂકે છે. તે મળ, ઊલટી, ગળફા જેવાં ગંદા દ્રવ્યો પર બેસતી હોવાથી ચેપી અને બિનચેપી રોગ ફેલાવતાં બૅક્ટેરિયા અને વાઇરસ તેના શરીર પર ચોંટી જાય છે.

નિષ્ણાત ડૉક્ટરોના મત અનુસાર, જે બાળકોમાં પૂરતા પોષણની ઊણપ હોય તેવાં બાળકોમાં સામાન્ય રીતે કોઇ પણ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. આથી આ વાઇરસનો ચેપ પણ અપૂરતું પોષણ ધરાવતાં બાળકોમાં વધારે લાગવાની શક્યતા રહેલી છે.

આ અંગે અગાઉ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અમદાવાદની સોલા હૉસ્પિટલના કૉમ્યુનિટી મેડિસિન વિભાગમાંથી સેવાનિવૃત્ત ડૉ. પ્રદીપકુમારે જણાવ્યું હતું કે "સામાન્ય રીતે જરૂરી પોષણની ઊણપ ધરાવતાં બાળકોમાં કોઈ પણ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે. તેમનામાં માત્ર ચેપ લાગવાની જ નહીં પરંતુ વાઇરસના લક્ષણો ગંભીર થવાની પણ શક્યતાઓ વધારે રહેલી હોય છે."

તેમના કહેવા પ્રમાણે, વાઇરસ ચાંદીપુરા હોય કે પછી ઓરી કે અન્ય કોઈ વાઇરસ. તમામ વાઇરસમાં જરૂરી પોષણની ઊણપ ધરાવતાં બાળકોમાં ચેપ લાગવાની અને ગંભીર લક્ષણો થવાની શક્યતા વધી જાય છે. બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને લાગવાની શક્યતા વધુ રહે છે. આથી બાળકોને પૌષ્ટિક ખોરાક આપવાની ડૉક્ટરો ભલામણ કરે છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ચાંદીપુરા વાઇરસની માખી કાચાં મકાનોમાં જ રહેતી હોય છે અને ત્યાં રહેતા પરિવારનાં બાળકોને આ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધુ રહેતી હોય છે.

આ વાઇરસનાં લક્ષણોમાં અતિશય તાવ આવે, ઝાડા-ઊલટી, અનિદ્રા, ખેંચ, અર્ધબેભાન અવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. ડૉક્ટરો સલાહ આપે છે કે આ વાઇરસથી બચવા માટે ઘર અને તેની આસપાસની જગ્યા ચોખ્ખી રાખવી જોઈએ, ઉકરડા ગામથી દૂર હોવા જોઈએ, મચ્છર ન કરડે એ માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ, જેથી માખીનો ઉપદ્રવ ટાળી શકાય.

સૅન્ડ ફ્લાય કેવી રીતે ઉદ્ભવે છે અને કેટલી ખતરનાક છે?

ડૉક્ટરોના મતે આ બીમારીનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુનું પ્રમાણ 85 ટકા જેટલું હોય છે, જે આ બીમારીની તીવ્ર ગંભીરતા અને જોખમનો નિર્દેશ કરે છે.

સૅન્ડ ફ્લાયને કારણે ફેલાતી બીમારીનો ભોગ બનનાર બાળક 24થી 48 કલાકમાં જ જીવ ગુમાવી દે છે.

આછા ભૂરા રંગની સૅન્ડ ફ્લાય અંધારી અને ભેજવાળી જગ્યામાં જ જોવા મળતી હોય છે. લીંપણવાળા ઘરના દીવાલની તિરાડો ઉપરાંત ખોખલાં વૃક્ષો અને સૂકાયેલાં પાદડાં ઉપર ઈંડાં મૂકતી હોય છે. સામાન્ય રીતે પોતાનાં પ્રજનન વિસ્તારથી 107 મીટર સુધી સૅન્ડ ફ્લાય ઊડતી હોય છે અને તેનાથી વધુ દૂર જતી નથી.

આ માખીઓ ભેજયુક્ત અને ભીનાશવાળી જગ્યામાં જ રહેવાનું પસંદ કરે છે. આ જ કારણ છે કે ઝાડી ઝાંખર અને પાણી હોય તેવા વિસ્તારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે.

ભારતમાં 1965ની સાલમાં સૌપ્રથમ ચાંદીપુરા વાઇરસની ઓળખ થઈ હતી. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં તાવ અને અન્ય શારીરિક તકલીફની ફરીયાદ કરતાં બે બાળકોની લોહીની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં નવા વાઇરસના કારણે બીમારી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

ચાંદીપુરા ગામમાં નવા વાઇરસની ઓળખ થઈ હોવાથી તેને ચાંદીપુરા વાઇરસ નામ આપવામાં આવ્યું હતું.

સાલ 2003માં આંધ્ર પ્રદેશમાં ચાંદીપુરમ વાઇરસ કેર વર્તાવ્યો હતો. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યમાં 329 બાળકોને વાઇરસનો ચેપ લાગ્યો હતો જેમાંથી 183 બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

ડૉક્ટરોનું કહેવું છે કે, 9 થી 14 વર્ષની વયનાં બાળકો જે માટીનાં ઘરો અથવા ગંદા વિસ્તારોમાં રહે છે તેમની રોગપ્રતિકારક શક્તિ અન્ય બાળકો કરતાં ઓછી હોય છે, જેના કારણે તેઓ રોગ સામે લડવામાં ઓછા સક્ષમ બને છે.

નિષ્ણાતોના મતે, બાળકોની રોગપ્રતિકારકતા મોટેરાંની સરખામણીએ ઓછી હોય છે તેથી તેમને આ વાઇરસની સૌથી વધુ અસર થાય છે.

ડૉક્ટર ઉન્મેષ ઉપાધ્યાય બાળરોગના નિષ્ણાત છે. બાળનિષ્ણાત ઉન્મેશ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, "ચાંદીપુરા વાઇરસના ચેપ અંગે વર્ષ 2014માં થયેલો એક અભ્યાસ થયો હતો. તે પ્રમાણે પોષણની ઊણપ ધરાવતાં બાળકોમાં એન્કેફેલાઇટીસ વાઇરલના કેસો ગંભીર થઈ જતાં હોવાનું સામે આવ્યું હતું."

'ધ અમેરિકન જર્નલ ઑફ ટ્રૉપિકલ મેડિસિન ઍન્ડ હાઇજિન'માં પ્રકાશિત થયેલા સંશોધનપત્ર 'એન આઉટબ્રેક ઑફ ચાંદીપુરા વાઇરસ ઍન્કેફેલાઇટીસ ઇન ધ ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા' શિર્ષક હેઠળ ગુજરાતમાં વર્ષ 2004માં નોંધાયેલા ચાંદીપુરા વાઇરસનાં 26 બાળકો અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ 26 બાળકોમાં પણ પોષણ સરેરાશ જોવા મળ્યું હતું. તેમજ અભ્યાસપત્ર અનુસાર ગુજરાતમાં વર્ષ 2004માં ચાંદીપુરાનો મોર્ટાલિટી રેટ 78.3 હતો.

ગુજરાતમાં 2024માં પણ ચાંદીપુરા વાઇરસ ફેલાયો હતો

ગુજરાતમાં પણ સાલ 2005, 2009 અને 2019માં ચાંદીપુરા વાઇરસના કેસ નોંધાયા હતા. પાંચ વર્ષ પછી આ વાઇરસથી થનારાં મોતનું પ્રમાણ વધ્યું હતું.

2024માં ગુજરાતમાં 40થી વધુ બાળકોનાં મોત આ કથિત ચાંદીપુરા વાઇરસની બીમારીને કારણે થયાં હતાં.

તાજેતરમાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે, વર્ષ 2024માં રાજ્યનાં જે 61 સ્થળો પરથી ચાંદીપુરા વાઇરસના કેસ નોંધાયા હતા, તે તમામ સ્થળો પર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દવાનો છંટકાવ અને લોકજાગૃતિના કાર્યક્રમો યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવાયા છે.

તેમના કહેવા પ્રમાણે, અગાઉનાં આ 61 સ્થળોમાંથી એક પણ જગ્યાએ નવો કેસ રિપીટ થયો નથી. જે નવા વિસ્તારોમાં દર્દીઓ મળી આવ્યા છે, ત્યાં પણ પ્રશાસન દ્વારા તુરંત જ ફોગિંગ, સેન્ડફ્લાય માખીના નાશ માટે સ્પ્રે અને સેનિટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર તરફથી સલાહ અપાઈ છે કે જો કોઈ બાળકમાં તાવ, ઊલટી કે બેભાન થવાં જેવાં લક્ષણો દેખાય, તો તરત નજીકનાં સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન