ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી ત્રણનાં મોત, બાળકોને ચેપ કેવી રીતે લાગે છે અને તે કેટલો જોખમી છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના ફરીથી કેસ સામે આવી રહ્યા છે અને અત્યાર સુધી ત્રણ બાળકોનાં મૃત્યુ થયાં છે. બે બાળકોના વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં મોત થયાં છે અને એક બાળકનું હિંમતનગરની સરકારી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

હિંમતનગર સિવિલ હૉસ્પિટલના રેસીડન્ટ મેડિકલ ઑફિસર (આરએમઓ) ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું કે, અત્યાર સુધી ચાંદીપુરા વાઇરસથી એક દરદીનું મૃત્યુ થયું છે. આ દરદીનો રિપોર્ટ પોઝેટીવ આવ્યો છે. હાલમાં બે દરદી અહીં સારવાર લઈ રહ્યાં છે. હૉસ્પિટલમાં સંભવિત દરદીઓ માટે એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામના બે બાળકોનાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ રિપોર્ટ આવવાથી મૃત્યુ થયાં છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, લૅબોરેટરી રિપોર્ટમાં બે બાળકોના ચાંદીપુરા વાયરસથી દુઃખદ મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. રાજ્ય સરકાર સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.

આ રોગ કેવી રીતે થાય છે?

ચાંદીપુરા વાઇરસ માટે સૅન્ડ ફ્લાય (માટીની માખી) જવાબદાર હોય છે. તે માખી કરડે ત્યારે ચાંદીપુરા વાઇરસનો ચેપ લાગે છે.

માટીની માખી (સેન્ડ ફ્લાય)ને કારણે ફેલાતી આ બીમારીનો ભોગ બનનાર બાળક 24થી 48 કલાકમાં જ જીવ ગુમાવી દે છે. ડૉક્ટરોના મતે આ બીમારીનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુનું પ્રમાણ 85 ટકા જેટલું હોય છે, જે આ બીમારીની તીવ્ર ગંભીરતા અને જોખમનો નિર્દેશ કરે છે.

ચાંદીપુરા વાઇરસ વેક્ટરબૉર્ન રોગ છે, જે માટીની માખી કરડવાથી થાય છે. ચોમાસું વરસાદ અને ઠંડકની સાથે સાથે સંખ્યાબંધ બીમારીઓના ફેલાવાની પણ ઋતુ છે અને ભેજવાળા વાતાવરણમાં માખી, મચ્છર, માંકડ જેવાં કીટકોનો ઉપદ્રવ પણ વધે છે. આ જંતુઓના કરડવાથી ફેલાતાં રોગોને વેક્ટરબૉર્ન ડિસીઝ કહેવામાં આવે છે.

માટીવાળા ઘરોની દીવાલો પર પ્લાસ્ટર નથી હોતું. તેથી તેના છિદ્રોમાં સૅન્ડ ફ્લાય ઈંડાં મૂકે છે અને ચોમાસાની શરૂઆતની સિઝનમાં તેના માટે અનુકૂળ વાતાવરણ બને છે. નાનાં બાળકો તેનો શિકાર બનતાં હોય છે.

આ રોગના ફેલાવા વિશે વધુ જાણવા માટે બીબીસી સંવાદદાતા લક્ષ્મી પટેલે ડૉ. આશિષ જૈન સાથે વાત કરી હતી.

તેઓ કહે છે, "ચાંદીપુરા વાઇરસ એ સામાન્ય રીતે માટીની માખીથી તેમજ ક્યારેક મચ્છરને કારણે પણ ફેલાય છે. આ માટીની માખી લીંપણવાળાં ઘરોમાં કે માટીનાં ઘરોમાં પડતી તિરાડોમાં જોવા મળતી હોય છે."

"જો આસપાસ માટી અને ગંદકીવાળો વિસ્તાર હોય તો સિમેન્ટનાં પાકાં મકાનોની તિરાડોમાં પણ આ માટીની માખીનો ઉપદ્રવ જોવા મળે છે. ઓછા ઉજાસવાળો કે અંધારો કે જ્યાં સૂર્યપ્રકાશ ઓછો હોય તેવા રૂમમાં પણ સેન્ડ ફ્લાયનું બ્રિડિંગ જોવા મળતું હોય છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "આ ચેપી રોગ નથી. એક બાળકને હોય તો બીજા બાળકને થાય તેવું નથી, પરંતુ ચેપગ્રસ્ત બાળકને કરડેલી માખી સ્વસ્થ બાળકને કરડે તો તે સ્વસ્થ બાળકને પણ આ ચેપ લાગી શકે છે."

ડૉ. આશિષ જૈને આ રોગની ગંભીરતા વિશે વાત કરતાં કહ્યું, "આ રોગનો ભોગ બનેલાં બાળકોમાં મૃત્યુ પામવાનું પ્રમાણ લગભગ 85 ટકા જેટલું હોય છે. એટલે કે ચાંદીપુરા વાઇરસનો ભોગ બનેલાં 100 બાળકોમાંથી માત્ર 15 બાળકોને જ બચાવી શકાય છે."

"માટીનાં ઘરો કે ગંદકીવાળા વિસ્તારોમાં રહેતાં નવથી 14 વર્ષ સુધી બાળકોમાં અન્યોની સરખામણીએ રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે, જેને કારણે આ બીમારી સામે લડવાની તેમની ક્ષમતા ઓછી હોય છે."

ડૉક્ટરો શું કહે છે?

નિષ્ણાત ડૉક્ટરોના મત અનુસાર, જે બાળકોમાં પૂરતા પોષણની ઊણપ હોય તેવાં બાળકોમાં સામાન્ય રીતે કોઇ પણ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. જેથી ચાંદીપુરા વાઇરસનો ચેપ પણ અપૂરતું પોષણ ધરાવતાં બાળકોમાં વધારે લાગવાની શક્યતા રહેલી છે.

જોકે, ચાંદીપુરા વાઇરસ અંગે કરવામાં આવેલા રિસર્ચમાં પણ અપૂરતા પોષણ ધરાવતાં બાળકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ અંગે બીબીસી ગુજરાતી સંવાદદાતા લક્ષ્મી પટેલે અમદાવાદની સોલા હૉસ્પિટલના કૉમ્યુનિટી મેડિસિન વિભાગમાંથી સેવાનિવૃત ડૉ. પ્રદિપ કુમાર સાથે વાત કરી હતી.

તેઓ જણાવે છે, "સામાન્ય રીતે જરૂરી પોષણની ઊણપ ધરાવતાં બાળકોમાં કોઈ પણ વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધુ રહેલી હોય છે. તેમનામાં માત્ર ચેપ લાગવાની જ નહીં પરંતુ વાઇરસનાં લક્ષણો ગંભીર થવાની પણ શક્યતાઓ વધારે રહેલી હોય છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "વાઇરસ ચાંદીપુરા હોય કે પછી ઓરી કે અન્ય કોઇ વાઇરસ. તમામ વાઇરસમાં જરૂરી પોષણની ઉણપ ધરાવતાં બાળકોમાં ચેપ લાગવાની અને ગંભીર લક્ષણો થવાની શક્યતા વધી જાય છે. વધુમાં, ચાંદીપુરા વાઇરસની માખી તો કાચાં મકાનોમાં જ રહેતી હોય છે અને કાચા મકાનમાં ગરીબ લોકો રહેતા હોય છે. તથા સામાન્ય રીતે ગરીબ બાળકોમાં જરૂરી પોષણની ઊણપ રહેવાની શક્યતા પણ વધારે હોય છે."

બાળનિષ્ણાત ઉન્મેશ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર, "ચાંદીપુરા વાઇરસના ચેપ અંગે વર્ષ 2014માં થયેલો એક અભ્યાસ થયો હતો. તે પ્રમાણે પોષણની ઊણપ ધરાવતાં બાળકોમાં એન્કેફેલાઇટીસ વાઈરલના કેસો ગંભીર થઈ જતાં હોવાનું સામે આવ્યું હતું."

'ધ અમેરિકન જર્નલ ઑફ ટ્રૉપિકલ મેડિસિન ઍન્ડ હાઇજિન'માં પ્રકાશિત થયેલા સંશોધનપત્ર 'એન આઉટબ્રેક ઑફ ચાંદીપુરા વાઇરસ ઍન્કેફેલાઇટીસ ઇન ધ ઇસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ગુજરાત સ્ટેટ, ઇન્ડિયા' શિર્ષક હેઠળ ગુજરાતમાં વર્ષ 2004માં નોંધાયેલા ચાંદીપુરા વાઇરસનાં 26 બાળકો અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ 26 બાળકોમાં પણ પોષણ સરેરાશ જોવા મળ્યું હતું. તેમજ અભ્યાસપત્ર અનુસાર ગુજરાતમાં વર્ષ 2004માં ચાંદીપુરાનો મોર્ટાલિટી રેટ 78.3 હતો.

વાઇરસ થાય તો બાળકમાં સૌથી પહેલાં ક્યાં લક્ષણો દેખાય?

ડૉક્ટર ઉન્મેષ ઉપાધ્યાય બાળરોગના નિષ્ણાત છે. તે અમદાવાદસ્થિત ઍકેડેમી ઑફ પેડિયાટ્રિક્સના અઘ્યક્ષ છે. તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "આ રોગ ખાસ કરીને 14 વર્ષથી નીચેની વયનાં બાળકોમાં જોવા મળે છે. વાઇરસનો ચેપ લાગ્યાના અમુક સમય પછી બાળકોને હાઈગ્રેડ તાવ આવે છે. આ સમયે બાળકોના શરીરનું તાપમાન 102થી 106 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે."

આ વાઇરસનાં લક્ષણો વિષે વાત કરતા તેઓ કહે છે કે, "બાળકોને જો તાવ આવે, સાથે માથું દુખે, ઝાડા-ઊલટી થાય અને જો ખેંચ આવે તો સમજવું કે ચાંદીપુરા વાઇરસ છે."

તેમના મુજબ, "માદા માખી કરડે તેના અમુક સમય પછી બાળકને સતત તાવ આવે છે. બાળકના શરીરનું તાપમાન પણ ખુબ જ વધુ હોય છે. તેને ઝાડા-ઊલટી પણ થઈ શકે છે, બાળકને ખેંચ પણ આવે છે, બાળક બેભાન પણ થઈ શકે છે અને જ બાળકની સ્થિતિ વધુ ખરાબ થાય તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે."

શું છે વાઇરસનો ઇતિહાસ?

ભારતમાં 1965ની સાલમાં સૌપ્રથમ ચાંદીપુરા વાઇરસની ઓળખ થઈ હતી. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં તાવ અને અન્ય શારીરિક તકલીફની ફરીયાદ કરતાં બે બાળકોની લોહીની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં નવા વાઇરસના કારણે બીમારી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

ચાંદીપુરા ગામમાં નવા વાઇરસની ઓળખ થઈ હોવાથી તેને ચાંદીપુરા વાઇરસ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ આ વાઇરસ એટલી દેખા દીધી નહોતી. મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને રાયપુરમાં એકલદોકલ કેસ સામે આવ્યા હતા.

સાલ 2003માં આંધ્ર પ્રદેશમાં ચાંદીપુરમ વાઇરસ કેર વર્તાવ્યો હતો. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યમાં 329 બાળકોને વાઇરસનો ચેપ લાગ્યો હતો જેમાંથી 183 બાળકો મૃત્યુ પામ્યાં હતાં. વાઇરસના કારણે મૃત્યુ પામનાર બાળકોની અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. સાલ 2005, 2007 અને 2008માં પણ આંધ્ર પ્રદેશમાં ચાંદીપુરાના કેસ સામે આવ્યા હતા પરંતુ સંખ્યા નાની હતી.

સાલ 2007, 2009 અને 2019માં મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આ વાઇરસના કેસ મળી આવ્યા હતા.

ગુજરાતમાં પણ સાલ 2005, 2009, 2019 અને 2024માં ચાંદીપુરા વાઇરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં મોટાભાગે મધ્ય ગુજરાતમાં જ ચાંદીપુરાના કેસ સામે આવ્યા હતા. વાઇરસના કારણે 24 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. પાંચ વર્ષ બાદ ફરીથી ચાંદીપુરાના કેસ ગુજરાતમાં સામે આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન