You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇતિહાસનો એ ભીષણ જ્વાળામુખી વિસ્ફોટ, જેમાં બે દિવસ સુધી અંધારપટ છવાઈ ગયો, ઇન્ડોનેશિયામાં વિસ્ફોટનો અવાજ ઓસ્ટ્રેલિયા સુધી સંભળાયો
- લેેખક, ડેઇઝી સ્ટીફન્સ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ઇન્ડોનેશિયાનો જ્વાળામુખી ટાપુ અનાક ક્રાકાટાઉ (ક્રાકાટોઆ) આ અઠવાડિયે ઘણી વખત ફાટ્યો હતો. સ્થાનિક માધ્યમોના જણાવ્યા પ્રમાણે, આ વિસ્ફોટને લીધે આકાશમાં 250 મીટર ઊંચે સુધી રાખના ગોટા ઊડ્યા હતા.
અહેવાલો પ્રમાણે, ઇન્ડોનેશિયાની જીઓલૉજિકલ એજન્સીએ જણાવ્યું હતું કે, અનાક ક્રાકાટાઉ મંગળવારે એક વખત અને બુધવારે બે વખત ફાટ્યો હતો.
અલબત્ત, આ વિસ્તારમાં જ્વાળામુખીની ગતિવિધિ પર નજર રાખનારા એક મોનિટરિંગ ગ્રૂપનું કહેવું છે કે, હાલમાં નજીકમાં રહેનારા લોકો ઉપર કોઈ સંકટ નથી.
આ જ્વાળામુખી 1927માં સમદ્રની અંદર રચાયેલા એક વિશાળ ખાડા અર્થાત્ કાલ્ડેરામાંથી નિર્માણ પામ્યો હતો.
1883માં ક્રાકાટોઆ જ્વાળામુખી પ્રચંડ વિસ્ફોટ બાદ નિર્માણ પામ્યો હતો, જે ઇતિહાસની બીજી સૌથી ઘાતક જ્વાળામુખી હોનારત ગણાય છે.
1883ના વર્ષમાં થયેલા આ પ્રચંડ વિસ્ફોટે માત્ર 48 કલાકની અંદર 36 હજાર લોકોનો ભોગ લીધો હતો અને 165 ગામડાં સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થઈ ગયાં હતાં.
વધુમાં, આ વિસ્ફોટ થવાથી ઉત્પન્ન થયેલો અવાજ આજે પણ વિશ્વમાં નોંધાયેલો સૌથી તીવ્ર અવાજ માનવામાં આવે છે. તેનો પડઘો હજ્જારો માઇલો દૂર સુધી સંભળાયો હતો.
તે સાથે જ, વાતાવરણમાં એટલી બધી રાખ ફેલાઈ ગઈ હતી કે, તેણે ઘણાં વર્ષો સુધી સમગ્ર વિશ્વના તાપમાન પર વિપરીત અસર ઉપજાવી હતી અને વૈશ્વિક તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીનો આ અહેવાલમાં વાંચો ઇતિહાસની સૌથી ભયંકર કુદરતી હોનારતોમાંની કહાણી.
બે દિવસ સુધી અંધકાર છવાયેલો રહ્યો હતો
આ આફતના શરૂઆતના સંકેતો મે, 1883થી જ દેખાવા માંડ્યા હતા. અમેરિકન નૅશનલ સેન્ટર્સ ફૉર ઍન્વાયરમેન્ટલ ઇન્ફર્મેશન (એનસીઇઆઇ)ના જણાવ્યા પ્રમાણે, એક જર્મન યુદ્ધજહાજ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેના કપ્તાને ક્રાકાટોઆમાંથી રાખ અને ધૂળના ગોટેગોટા નીકળતા જોયા હતા.
ત્યાં સુધી, આ જ્વાળામુખી ટાપુ આશરે 200 વર્ષ સુધી સુષુપ્ત રહ્યો હતો.
તે પછીના આગામી થોડા મહિનાઓ સુધી વેપારી અને અન્ય જહાજો પરના ક્રૂએ પણ આવાં જ દૃશ્યો જોયાંનો અહેવાલ આપ્યો હતો.
એ પછી 26મી ઑગસ્ટના રોજ તે વિનાશક સિલસિલો શરૂ થયો, જેણે ઇતિહાસની સૌથી ભયાનક કુદરતી હોનારતમાં સ્થાન મેળવ્યું.
ક્રાકાટોઆના પ્રથમ ભીષણ ધડાકાએ લાવા, પ્યુમિસ અને રાખનો શક્તિશાળી પ્રવાહ સમુદ્રમાં ફેંક્યો, જેના લીધે આવેની વિશાળ સુનામી ઉત્તર તરફ આગળ વધી અને તેણે હજ્જારો લોકોનો જીવ લીધો.
વિસ્ફોટ થયાના માત્ર એક જ કલાકની અંદર રાખનાં વાદળો આશરે 48 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી ગયાં અને તમામ દિશાઓમાં પ્રસરવા માંડ્યાં હતાં.
રાખનાં આ વાદળો આકાશમાં લગભગ 80 કિલોમીટર સુધી પથરાયાં હતાં. એનસીઇઆઇના જણાવ્યા પ્રમાણે, તેણે અંદાજે 3,00,000 ચોરસ માઇલના વિસ્તારને આવરી લીધો હતો અને આ સમગ્ર પ્રદેશને બે દિવસ કરતાં વધુ સમય સુધી અંધારપટમાં ફેરવી નાખ્યો હતો.
વિસ્ફોટનો અવાજ ઑસ્ટ્રેલિયા સુધી સંભળાયો હતો
જ્યારે સિડની બેકર નાના હતા, ત્યારે તેમણે ક્રાકાટોઆનો તે ભયાનક વિસ્ફોટ તેમના પિતાના જહાજમાંથી નજરે જોયો હતો.
તેમના જીવનના છેલ્લા દિવસોમાં, તેમણે એ દૃશ્ય યાદ કરીને તેનું વર્ણન કર્યું હતું.
તેમણે 1946માં બીબીસીને જણાવ્યું હતું, "હવામાં એટલી રાખ અને ધૂળ ભરી હતી કે, અમને લાગ્યું કે, અમે ગૂંગળાઈને મરી જઈશું."
આગળ તેમણે કહ્યું હતું, "એટલું બધું અંધારું છવાઈ ગયું હતું કે, અમને અમારા હાથ પણ દેખાતા નહોતા. જહાજ ઉપર, દરિયામાં અને અમારા ઉપર સતત રાખ પડી રહી હતી. આખા જહાજ ઉપર રાખનું લગભગ છથી સાત ઇંચ જાડું પડ જામી ગયું હતું."
બેકરે કહ્યું હતું કે, વિસ્ફોટનો અવાજ એટલો પ્રચંડ હતો કે, તેની કલ્પના પણ ન થઈ શકે.
તેમણે કહ્યું હતું, "તે ઘોંઘાટ અને વિનાશનું વર્ણન કરવા માટે શબ્દો ટૂંકા પડે છે."
'ક્રાકાટોઆઃ ધ ડે ધ વર્લ્ડ ઍક્સપ્લોડેડ' પુસ્તકના લેખક સાયમન વિન્ચેસ્ટરના જણાવ્યા મુજબ, 27મી ઑગસ્ટના રોજ સવારે 10.02 વાગ્યે થયેલા 'ટાઇટેનિક બ્લાસ્ટ' (મહા-વિસ્ફોટ) પહેલાં ઘણા મોટા વિસ્ફોટો થયા હતા.
અમેરિકન એનસીઇઆઇના જણાવ્યા પ્રમાણે, ધડાકાનો અવાજ ત્યાંથી છેક 4,600 કિલોમીટરના અંતરે આવેલા ઓસ્ટ્રેલિયા અને મોરિશિયસ સુધી સંભળાયો હતો.
2010માં સાયમન વિન્ચેસ્ટરે બીબીસીના 'વિટનેસ હિસ્ટ્રી' પૉડકાસ્ટમાં કહ્યું હતું, "આખા ટાપુ પરના કેટલાય કિલોમીટર સુધી પથરાયેલા ખડકો આ વિસ્ફોટને કારણે જાણે હવામાં ઊડી ગયા હતા."
"પ્યુમિસ (છિદ્રાળુ પથ્થર) અને રાખ આકાશમાં 17થી 18 માઇલ ઊંચે સુધી ફંગોળાયા હતા... એવું લાગતું હતું કે, જાણે આખેઆખો ટાપુ જ અદૃશ્ય થઈ ગયો હતો."
વધુમાં તેમણે કહ્યું હતું, "થોડી સેકન્ડો સુધી તો સમુદ્રની વચ્ચોવચ એક વિશાળ ખાડો બની ગયો હતો. એ પછી તેમાં અબજો ટન પાણી ભરાઈ ગયું."
"નીચેનો ભાગ એટલો ગરમ હતો કે, પાણી ક્ષણભરમાં વરાળ બનીને ઊડી જતું હતું અને તેના લીધે સુનામીની એક પછી એક ઘણી લહેરો બની હતી."
આ કરુણાંતિકામાં 36 હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો
આ સમગ્ર હોનારતમાં સૌથી વધુ તબાહી સુનામીએ સર્જી હતી. 36,000 લોકો માર્યા ગયા હતા, જેમાંથી આશરે 34,000 લોકોનાં મોત તો એકલા સુનામીને કારણે જ થયાં હતાં.
સિડની બેકરે કહ્યું હતું કે, તેઓ અને તેમના પિતા ઇન્ડોનેશિયાના બાન્ટેન પ્રાંતના પશ્ચિમ કાંઠે આવેલા અંજાર શહેરમાં ગયા હતા.
તેમણે કહ્યું હતું કે, "આખું શહેર દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું."
બેકરે તેમના પિતાને ટાંકીને કહ્યું હતું, "તેઓ કહેતા હતા કે, તેઓ જે હોટેલમાં રોકાયા હતા, એના પર એટલું પાણી ફરી વળ્યું હતું કે, તેના પરથી એક આખું જહાજ પસાર થઈ શકે અને તેની ચીમની પર લંગર નાખી શકે."
અમુક લોકો જેમ-તેમ કરીને સુનામીથી બચી નીકળવામાં સફળ રહ્યા હતા અને તેઓ ટેકરીઓ તરફ દોડી ગયા હતા.
પણ ત્યાં પણ તેઓ સંપૂર્ણપણે સલામત નહોતા. એ પછી પાયરોક્લાસ્ટિક ફ્લો - અર્થાત્ તીવ્ર ઝડપે જમીન પર વહેતા ગરમ વાયુઓ, રાખ અને ખડકોનાં ઘાતક મોજાં તેમની તરફ ધસી આવ્યાં - જેમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા.
ક્રાકાટોઆની અસર માત્ર તે 48 કલાક પૂરતી સીમિત નહોતી.
વિસ્ફોટમાંથી નીકળેલી રાખ આખી દુનિયામાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે સૂર્ય અને ચંદ્રની ફરતે એક તેજસ્વી પ્રભામંડળ રચાયું અને વાતાવરણમાં રહેલી રાખે સૂર્યપ્રકાશને અવરોધવાનું શરૂ કર્યું.
અમેરિકન નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍન્વારમેન્ટલ હેલ્થ (એનસીઇઆઇ)ના જણાવ્યા મુજબ, તેના લીધે વિશ્વના સરેરાશ તાપમાનમાં આશરે 0.5 ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો. પરિસ્થિતિ સામાન્ય થતાં પાંચેક વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
વાતાવરણમાં પ્રસરેલા આ સૂક્ષ્મ કણોને લીધે આખી દુનિયામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત અસાધારણ રીતે ઘેરા લાલ રંગના દેખાતા હતા, કારણ કે, આ બારીક કણો પ્રકાશને સામાન્ય કરતાં અલગ રીતે વિખેરતા હતા.
આ રાતું આકાશ તે ગાળાનાં ઘણાં ચિત્રોમાં સ્પષ્ટપણે જોવા મળે છે.
કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે, ઍડવર્ડ મન્ચના પ્રસિદ્ધ ચિત્ર "ધ સ્ક્રીમ"માં દર્શાવાયેલું લાલ આકાશ આ ક્રાકાટોઆ વિસ્ફોટથી પ્રેરિત હતું.
આ વિસ્ફોટે વિજ્ઞાનીઓને નવી બાબત શીખવી
આટલો વિશાળ વિનાશ વેરનારા ક્રાકાટોઆના આ વિસ્ફોટે વિજ્ઞાનીઓને પૃથ્વી વિશે ઘણી મહત્ત્વની બાબત પણ શીખવી.
આ ધડાકા પહેલાં, વિશ્વને જેટ સ્ટ્રીમ વિશે જાણકારી નહોતી. જેટ સ્ટ્રીમ્સ એ વાતાવરણના ઊપલા સ્તરમાં વહેતા પવનના અતિ ઝડપી અને અદૃશ્ય પ્રવાહો છે, જે વિશ્વની આબોહવા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
પરંતુ, ક્રાકાટોઆનો ધડાકો થયા પછી જ્યારે તેની રાખ તથા તેની અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળી, ત્યારે વિજ્ઞાનીઓને સમજાયું કે, વાતાવરણમાં પવનના આવા શક્તિશાળી કરન્ટ (પ્રવાહો) મોજૂદ છે, જે આ કણોને હજ્જારો કિલોમીટર દૂર પહોંચાડી શકે છે.
"ક્રાકાટોઆઃ ધ ડે ધ વર્લ્ડ ઍક્સ્પ્લોડેડ"ના લેખક સાયમન વિન્ચેસ્ટર કહે છે, "આ પ્રથમ ઘટના હતી, જેણે વૈજ્ઞાનિક માનસિકતા ધરાવતા વિશ્વને સમજાવ્યું કે, આની અસર સમગ્ર પૃથ્વી ઉપર પડી છે."
તેઓ ઉમેરે છે, "આ જ એ સમય હતો, જ્યારથી લોકો સમજવા લાગ્યા કે, સમગ્ર વિશ્વ એકબીજા સાથે જોડાયેલું છે. આજે આપણે જે રીતે ગ્લોબલ વૉર્મિંગ વિશે, સમુદ્રની વધતી સપાટી વિશે અને સમગ્ર ગ્રહ પર પર્યાવરણીય અસરો વિશે વાત કરીએ છીએ, તે વિચારધારાની ખરી શરૂઆત પણ ક્રાકાટોઆના વિસ્ફોટથી જ થઈ હતી."
"આ ઘટનાએ આપણને આખી દુનિયાને એકબીજા સાથે જોડાયેલા અસ્તિત્વ તરીકે જોવાનો દૃષ્ટિકોણ આપ્યો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન