You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચામાચીડિયાંનો વાઇરસ ખરેખર માણસનો જીવ લઈ શકે એટલો જોખમી હોય છે, જો કરડી જાય તો શું કરવું જોઈએ?
- લેેખક, કમલાદેવી નલ્લપનેની
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
તાજેતરમાં કૅનેડામાં ચામાચીડિયાથી હડકવા ઉપડ્યા બાદ 11 વર્ષના બાળકનું મૃત્યુ થતાં લોકોમાં ચિંતા ફેલાઈ છે.
આ ઘટના બાદ ચામાચીડિયાંથી થનારાં જોખમો અંગે ફરી એકવાર વ્યાપક ચર્ચા શરૂ થઈ છે.
વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે ભૂતકાળમાં નિપાહ અને ઈબોલા જેવી બીમારીઓ ફેલાવાનું મુખ્ય કારણ ચામાચીડિયાં હતાં.
એવી પણ અફવા ફેલાઈ હતી કે ચામાચીડિયાં મારફતે જ કોરોના વાઇરસ માનવજાતમાં ફેલાયો હતો. જોકે આ અંગે અલગ-અલગ મંતવ્યો છે.
ભારત સહિત ઘણા દેશોમાં ચામાચીડિયાંને અશુભ પ્રતીક માનવામાં આવે છે.
આવી માન્યતાઓ કેમ પ્રચલિત થઈ તે સ્પષ્ટ નથી. પરંતુ જ્યારે એવું જાણવા મળે કે ચામાચીડિયાં દ્વારા અનેક પ્રકારના વાઇરસ ફેલાઈ શકે છે, ત્યારે તેને જોઈને ભય અનુભવાય તે સ્વાભાવિક છે.
હડકવા એ ચામાચીડિયાં દ્વારા ફેલાતો એક ખતરનાક રોગ છે, ઉપરાંત શ્વસનતંત્રને લગતા બીજા વાઇરસો પણ ફેલાય છે.
કૅનેડિયન મેડિકલ ઍસોસિયેશન જર્નલના મત મુજબ, ચામાચીડિયાંથી ફેલાયેલા હડકવાને કારણે એક કૅનેડિયન બાળકનું મૃત્યુ થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, અમેરિકાના અનેક વિસ્તારોમાં લોહી ચૂસતા ચામાચીડિયાંથી હડકવા ફેલાવાનું જોખમ રહેલું છે.
જોકે, યુએસ જીઓલૉજિકલ સર્વે (યુએસજીએસ)એ શોધી કાઢ્યું છે કે ચામાચીડિયાંની કુલ સંખ્યાની સરખામણીમાં એક ટકા કરતા પણ ઓછાં ચામાચીડિયાં હડકવાથી સંક્રમિત હોય છે. છતાં ચામાચીડિયાંથી સાવધાન રહેવું જરૂરી છે.
આ શોધ અનુસાર, દિવસ દરમિયાન અસામાન્ય રીતે ઊડતાં અથવા બીમાર દેખાતાં ચામાચીડિયાંને ક્યારેય પણ અડવું નહીં. તેમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કે નુકસાન પણ પહોંચાડવું નહીં.
ચામાચીડિયાંના સંપર્કમાં આવો તો કઈ સાવચેતી રાખવી?
સ્વસ્થ ચામાચીડિયાં સામાન્ય રીતે માણસોને જોઈને ઊડી જાય છે. તેઓ જાણી જોઈને હુમલો કરતાં નથી.
મોટાભાગના ચામાચીડિયાં કદમાં ખૂબ નાનાં હોય છે. તેમના નાના દાંત અને નબળા જડબા મુખ્યત્વે જંતુઓ ચાવવા અને ખાવામાં વપરાય છે.
જોકે, હોરી બેટ અને બિગ બ્રાઉન બેટ જેવી કેટલીક જાતિનાં ચામાચીડિયાંના દાંત મોટા અને ખૂબ તીક્ષ્ણ હોય છે.
તેમને યોગ્ય રીતે ન પકડવામાં આવે તો તેઓ ચામડીમાં દાંત ઘૂસી જાય એવી રીતે કરડી શકે છે. તેથી ચામાચીડિયાંને ક્યારેય હાથથી પકડવું કે સ્પર્શ કરવો જોઈએ નહીં.
જો તમને ચામાચીડિયું કરડે તો તરત જ ઘાને સાબુ અને સ્વચ્છ પાણીથી ધોઈ નાખવો જોઈએ. પછી તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ.
કૅનેડાના બાળકના કેસમાં ચામાચીડિયું તેના ચહેરા પર બેઠું હતું, છતાં માતા-પિતાને તે બાળકને કરડ્યું હોવાનું સમજાયું નહોતું, કારણ કે કરડ્યાનું કોઈ સ્પષ્ટ નિશાન દેખાતું નહોતું.
ચામાચીડિયું કરડે ત્યારે દુખાવો થઈ શકે છે, પરંતુ લોહી નીકળે અથવા સ્પષ્ટ ઘા દેખાય એવું જરૂરી નથી.
તેથી જો ચામાચીડિયું સીધું શરીરને સ્પર્શે અથવા તેની સાથે કોઈપણ પ્રકારનો સીધો સંપર્ક થયો હોય, તો શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની સલાહ લઈને તપાસ કરાવવી જોઈએ.
જો જરૂરી જણાય તો ડૉક્ટરો હડકવાની રસી આપી શકે છે.
હડકવાનાં લક્ષણો દેખાવામાં ઘણો સમય લાગી શકે છે. તેથી જો થોડા મહિનાઓ પહેલાં ચામાચીડિયાંના સંપર્કમાં આવ્યા હોવ તો પણ તમારે સંપૂર્ણ તપાસ કરાવવી જોઈએ.
કરડ્યાનું નિશાન ન દેખાતું હોય તો પણ હડકવાની પ્રતિરોધક સારવાર લેવાની જરૂર છે કે નહીં, તે અંગે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
જો કરડેલું ચામાચીડિયું પકડાઈ જાય તો તેના પર હડકવાની તપાસ કરાવી શકાય છે. તેનાં પરિણામો 48 કલાકમાં જ મળી જાય છે.
પછી ડૉક્ટરની સલાહ મુજબ હડકવાની સારવાર શરૂ કરતા પહેલાં થોડી રાહ જોઈ શકાય.
કૅનેડિયન છોકરાના કિસ્સામાં, કૅનેડિયન મેડિકલ ઍસોસિયેશન જર્નલે જણાવ્યું હતું કે ચામાચીડિયું બાળકના ચહેરા પર બેઠું હોવા છતાં તેને ડૉક્ટર પાસે ન લઈ જવું એ જાગૃતિના અભાવનું ઉદાહરણ છે.
હડકવાથી સંક્રમિત ચામાચીડિયાં દિવસ દરમિયાન પણ જોવા મળે છે. તેઓ અસામાન્ય વર્તન કરી શકે છે, જેમ કે, જમીન પર પડ્યું રહે, કોઈના ચહેરા પર આવીને બેસી જાય, બરાબર ઊડી ન શકે અથવા સહેલાઈથી માણસોની નજીક આવી જાય વગેરે.
જોકે, આમાંથી કોઈ લક્ષણ ન હોય તો એવું માની લેવું યોગ્ય નથી કે તે ચામાચીડિયાને હડકવા નથી.
શું ચામાચીડિયાં વાઇરસોનો ભંડાર છે?
માણસોમાં જીવલેણ વાઇરસ ફેલાવી શકતાં પ્રાણીઓમાં ચામાચીડિયાંનું સ્થાન અગ્રેસર છે.
હડકવાથી લઈને ઇબોલા સુધીના અનેક વાઇરસ માટે ચામાચીડિયાં કુદરતી આશ્રયસ્થાન છે.
જોકે, ચામાચીડિયાંની વિશિષ્ટ રોગપ્રતિકારક શક્તિને કારણે આ વાઇરસ તેમના શરીર પર ખાસ અસર કરતા નથી.
ટેરોપોડિડે કુળના ફળાહારી ચામાચીડિયાં (ફ્રૂટ બેટ) નિપાહ વાઇરસના કુદરતી આશ્રયસ્થાન છે.
તેઓ એશિયા અને ઑસ્ટ્રેલિયાના ઘણા ભાગોમાં જોવા મળે છે. આફ્રિકામાં ટેરોપોડિડે કુળના ફ્રૂટ બૅટમાં નિપાહ અને હેન્ડ્રા વાઇરસના ઍન્ટીબૉડીઝ જોવા મળ્યા છે.
તેના આધારે વૈજ્ઞાનિકો માને છે કે આ વાઇરસ આફ્રિકાનાં ચામાચીડિયાંમાં પણ હોઈ શકે છે.
નિપાહ વાઇરસનો ચેપ લાગ્યા પછી પણ ચામાચીડિયાંમાં સામાન્ય રીતે કોઈ લક્ષણો દેખાતાં નથી. પરંતુ આવા સંક્રમિત ચામાચીડિયાં, ડુક્કર અથવા ઘોડા જેવાં પ્રાણીઓ મારફતે આ વાઇરસ માણસોમાં ફેલાઈ શકે છે.
ઉપરાંત, સંક્રમિત ચામાચીડિયાંથી દૂષિત થયેલાં ફળો અથવા ફળોથી બનેલી વસ્તુઓ દ્વારા પણ ચેપ ફેલાવાની શક્યતા રહે છે.
ફળાહારી ચામાચીડિયાંને 'મેગા બૅટ્સ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વિશ્વના સૌથી મોટાં ચામાચીડિયાંના સમૂહમાં આવે છે.
આ ચામાચીડિયાં સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય અને ઉપઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે.
સમગ્ર વિશ્વને ઠપ કરી નાખનાર કોરોના વાઇરસના ફેલાવા માટે પણ ચામાચીડિયાંને જવાબદાર ઠેરવતા વ્યાપક દાવા થયા હતા.
જોકે, ઘણા વૈજ્ઞાનિકોએ દલીલ કરી હતી કે કોરોના માટે ચામાચીડિયાંને સીધો દોષ આપવો યોગ્ય નથી.
તેમનું માનવું હતું કે ભલે આ વાઇરસનું મૂળ ચામાચીડિયાંમાં હોય, પરંતુ તે સીધો માણસોમાં ચામાચીડિયાંથી ફેલાયો નહોતો.
માણસોમાં આ વાઇરસ પહોંચાડવામાં કોઈ મધ્યવર્તી પ્રાણીની ભૂમિકા રહી હોઈ શકે, અને તે પ્રાણી પેંગોલિન હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
કેટલાક વૈજ્ઞાનિકોએ તો એવી પણ દલીલ કરી હતી કે કોરોના જેવા વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે ચામાચીડિયાં અંગેનું સંશોધન અને તેમનું અસ્તિત્વ માનવજાત માટે અત્યંત મહત્ત્વનું છે.
ચામાચીડિયાંથી શું ફાયદા થાય છે?
વૈજ્ઞાનિકો કહે છે કે પરાગસંપર્ક, બીજના પ્રસાર અને જીવાતોના નિયંત્રણમાં મહત્ત્વની ભૂમિકા ભજવીને ચામાચીડિયાં પર્યાવરણને અમૂલ્ય સેવાઓ આપે છે.
ખાદ્યપદાર્થોથી લઈને સૌંદર્યપ્રસાધનો સુધી, ઘરવપરાશની અનેક વસ્તુઓથી લઈને કેટલીક ઔષધિઓ સુધી ઘણી બાબતોમાં ચામાચીડિયાંનો ફાળો રહેલો છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચામાચીડિયાં પક્ષીઓ કરતાં બમણાં બીજ ફેલાવે છે.
તેના કારણે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જંગલોનું પુનઃસર્જન અને પુનઃસ્થાપન કરવામાં તેમની ભૂમિકા મહત્ત્વની છે.
ભારતમાં ચામાચીડિયાંની સ્થિતિ કેવી છે?
ભારતના 32.8 લાખ ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારના વિવિધ કુદરતી આવાસોમાં ચામાચીડિયાંની કુલ 135 જાતિઓ વસે છે.
તેમાંથી 16 જાતિઓ એવી છે, જે વિશ્વના અન્ય કોઈ પણ દેશમાં જોવા મળતી નથી.
જોકે, ચામાચીડિયાંની ઘણી જાતિઓની સંખ્યા સતત ઘટી રહી છે. હાલમાં ભારતીય કાયદા હેઠળ માત્ર 12 જાતિઓને જ કાનૂની રક્ષણ મળ્યું છે.
ચામાચીડિયાંની જાતિઓ લુપ્ત ન થાય તે માટે બૅટ કન્ઝર્વેશન ઇન્ટરનૅશનલ અને નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન બંને સાથે મળીને ભારતમાં ચામાચીડિયાંના રક્ષણ માટે કામ કરી રહ્યાં છે.
વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને સરકારી સંસ્થાઓ સાથે મળીને વ્યાપક કાર્યયોજના તૈયાર કરીને, સૌથી વધુ જોખમમાં હોય તેવી ચામાચીડિયાંની જાતિઓનું સંરક્ષણ કરવાનો તેમનો ઉદ્દેશ છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પર્યટનના વધતા દબાણ અને શહેરોના વિસ્તરણને કારણે ગુફાઓ તથા ઐતિહાસિક ઇમારતોમાં આવેલાં ચામાચીડિયાંના કુદરતી રહેઠાણો પર અસર પડી રહી છે. 27 સંસ્થાઓના 34 નિષ્ણાતોએ બે વર્ષ સુધી સંશોધન કરીને 'સ્ટેટ ઑફ ઇન્ડિયા બૅટ્સ' નામનો અહેવાલ તૈયાર કર્યો છે.
વેમ્પાયર ચામાચીડિયાં એટલે શું?
માત્ર લોહી પર જીવતા સસ્તન પ્રાણીઓમાં વેમ્પાયર ચામાચીડિયું એક અનોખું પ્રાણી છે.
રાત્રિના સમયે તે નીચે ઊતરીને ગાય, અન્ય પશુઓ અને ક્યારેક માણસો પર પણ હુમલો કરે છે અને તેમનું લોહી ખોરાક તરીકે લે છે.
વેમ્પાયર ચામાચીડિયાં લોહી ચૂસતાં નથી.
તેઓ પોતાના આગળના તીક્ષ્ણ દાંતથી ચામડી પર નાનો ચીરો પાડે છે અને પછી તે ઘામાંથી નીકળતું લોહી જીભ વડે ચાટી-ચાટીને પીવે છે.
મેક્સિકો અને દક્ષિણ અમેરિકામાં જોવા મળતા વેમ્પાયર ચામાચીડિયાં ગાય, ઘોડા જેવા પશુઓ ઉપરાંત હરણ, જંગલી ડુક્કર અને કેટલાક પ્રસંગોમાં સીલ જેવાં પ્રાણીઓનું લોહી પણ ખોરાક તરીકે લે છે.
કૅનેડિયન મેડિકલ ઍસોસિયેશન જર્નલના જણાવ્યા અનુસાર, કૅનેડિયન બાળકના ચહેરા પર બેઠેલું ચામાચીડિયું પણ આવી જ વેમ્પાયર જાતિનું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન