73ની ઉંમરે 21 દિવસના ઉપવાસ : અંગ્રેજોએ પણ 'ગાંધીજીના મૃત્યુની તૈયારી કરી લીધી', જ્યારે લાગ્યું હવે ગાંધી નહીં બચે

ગાંધીજી, બીબીસી ગુજરાતી, સોનમ વાંગચુક

ઇમેજ સ્રોત, Hulton-Deutsch Collection/CORBIS/Corbis via Getty Images

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

દિલ્હીમાં ચાલી રહેલા ઉપવાસ-આંદોલન નિમિત્તે ગાંધીજીના ઉપવાસ પણ ફરી એક વાર ચર્ચામાં છે.

સોનમ વાંગચુકના ઉપવાસની ટીકા કરનારા લોકોમાંથી કેટલાકે ગાંધીજીના ઉપવાસને પણ ત્રાગું કે બ્લૅકમેઇલ ગણાવી દીધા, તો કેટલાકે ઐતિહાસિક તથ્યોને તડકે મૂકીને એવો અભિપ્રાય વ્યક્ત કર્યો કે સામે અંગ્રેજ સરકાર હતી, એટલે ગાંધીજીનું ઉપવાસનું શસ્ત્ર સફળ નીવડ્યું.

ઐતિહાસિક હકીકત સાવ જુદી છે. વર્ષ 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા, ત્યારથી 30 જાન્યુઆરી 1948ના રોજ થયેલી તેમની હત્યા સુધીના જીવનકાળમાં તેમણે આશરે ત્રીસેક વાર ઉપવાસ કર્યા.

'ગાંધીજીની દિનવારી' જેવા માતબર સંદર્ભગ્રંથના સંપાદક ચંદુલાલ દલાલે, ગાંધીજીના 'બધા ઉપવાસની જાહેરાત ન પણ થઈ હોય'—એવી નોંધ સાથે તેમના ઉપવાસની વિગત નોંધી છે.

તેમાં એક દિવસથી માંડીને એકવીસ દિવસની મુદતના ઉપવાસનો સમાવેશ થાય છે.

આ યાદીમાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ગાંધીજીના ચાર જ ઉપવાસ અંગ્રેજ સરકારની સામે હતા.

તંત્ર સામેના ઉપવાસને ગાંધીજી સત્યાગ્રહનું છેવટનું પગલું ગણતા હતા.

બાકીના તેમના ઉપવાસમાંથી ઘણા તો પોતાના જ સાથીદારો અને નિકટના લોકોથી થયેલી કોઈ ને કોઈ ચૂક માટે હતા.

કેમ કે, સાથીદારોના એવા વર્તન બદલ તે પોતાને દોષી ગણતા હતા. તેમના ઉપવાસનો બીજો મુખ્ય હેતુ કોમી એકતાનો અને લોકો દ્વારા થયેલી હિંસાના વિરોધનો હતો.

હિંદુ-મુસ્લિમ એકતા માટે પહેલી વાર તેમણે 1924માં 21 દિવસના ઉપવાસ કર્યા હતા.

હત્યાનાં બે અઠવાડિયાં પહેલાં પણ તેમણે એ જ હેતુ માટે આમરણ ઉપવાસ આદર્યા હતા.

ઉપવાસ અને પૂના કરાર

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યરવડા જેલમાં રહેલા ગાંધીજીએ 1932માં કરેલા ઉપવાસ સૌથી વિવાદાસ્પદ રહ્યા.

કેમ કે, અંગ્રેજ વડાપ્રધાને દલિતો માટે જાહેર કરેલાં અલગ મતદારમંડળની વિરોધમાં તે ઉપવાસ હતા. તેમનો જીવ બચાવવા ખાતર ડૉ. આંબેડકરે નમતું આપીને હિંદુ નેતાઓ સાથે પૂના કરાર કર્યા.

તેના કારણે દલિતોને અલગ મતદાર મંડળ (દલિત મતદારો જ દલિત પ્રતિનિધિ ચૂંટી શકે એવી વ્યવસ્થા)ને બદલે સહિયારાં મતદારમંડળમાં અનામત બેઠકો મળી.

આ ઉપવાસ અંગ્રેજ વડા પ્રધાનની જાહેરાત સામે હોવા છતાં, વાસ્તવમાં તેનો હેતુ દલિતોના હિત અને હકને સ્પર્શતો હોવાથી, તેને અંગ્રેજ સરકાર સામેના ઉપવાસ તરીકે જોવામાં આવતા નથી.

છ દિવસના આ ઉપવાસ પછી એ જ વર્ષના ડિસેમ્બરમાં સત્યાગ્રહી-સુધારક અપ્પાસાહેબ પટવર્ધને જેલમાં સફાઈકામ કરતી ટુકડીમાં જોડાવાની મંજૂરી માગી.

સરકારે એવી મંજૂરી ન આપતાં અપ્પાસાહેબે ખોરાક સાવ ઓછો કરી નાખ્યો. અપ્પાસાહેબની માગણીના સમર્થનમાં, અને બિનદલિત એવા અપ્પાસાહેબની સફાઈકામની માગણીને અસ્પૃશ્યતાનિવારણની ઝુંબેશનો હિસ્સો ગણીને, ગાંધીજીએ પણ 3 ડિસેમ્બર 1932ના રોજ ઉપવાસ શરૂ કર્યા, પણ એક જ દિવસમાં સરકારે તપાસ કરીને ઘટતું કરવાની બાંહેધરી આપતાં ગાંધીજીએ તે ઉપવાસ મોકૂફ રાખ્યા.

ત્યાર પછીના વર્ષે કરેલા ઉપવાસ પણ અસ્પૃશ્યતાનિવારણ અને દલિત સમુદાયની સેવાને લગતા હતા.

અગાઉના જેલવાસમાં તેમને એ મુદ્દાનું કામ કરવાની છૂટ સરકારે આપી હતી. કેમ કે, ત્યારે એ રાજદ્વારી કેદી હતા.

વર્ષ 1933ના જેલવાસ વખતે સરકારે એવી પરવાનગી ન આપી.

એટલે, ગાંધીજીએ મુંબઈ સરકારના ગૃહસચિવને લખ્યું કે "યરવડા કરાર [પૂના કરાર]ના મુખ્ય અંગ તરીકે મારા મન સાથે ... જે પ્રતિજ્ઞા મેં લીધેલી છે તેના પાલન માટે હું જે અસ્પૃશ્યતાનિવારણનું કામ કરું છું તેનું આ માત્ર એક અંગ છે."

"મારા જીવનનો ભોગ આપ્યા વિના એ કામ અટકાવી શકાય નહીં..." (4 ઑગસ્ટ 1933) તેમની વારંવારની વિનંતીઓને સરકારે દાદ ન દેતાં તેમણે 16 ઑગસ્ટથી ઉપવાસ શરૂ કર્યા.

આ ઉપવાસમાં તેમની તબિયત કથળવા લાગી અને 20 ઑગસ્ટે તેમને પૂનાની સાસૂન હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા.

ત્યાર પછી પણ સ્થિતિ બગડતી રહી. ખુદ ગાંધીજીએ જીવવાની આશા છોડી દીધી હતી.

21 ઑગસ્ટના રોજ કસ્તુરબા પણ આવી ગયાં. મૃત્યુ નજીક લાગતાં ગાંધીજીના અંગત વપરાશની ચીજવસ્તુઓ હૉસ્પિટલમાં તેમની સારવાર કરનારા લોકોને વહેંચી દેવામાં આવી, પણ ગાંધીજી ઊગરી ગયા.

23મી ઑગસ્ટે સરકારે તેમને છોડ્યા, ત્યાર પછી તેમણે હૉસ્પિટલમાં નારંગીનો રસ લઈને ઉપવાસ છોડ્યા.

ખોટા આરોપ અને જાનની બાજી

ગાંધીજી, બીબીસી ગુજરાતી, સોનમ વાંગચુક

ઇમેજ સ્રોત, Getty Images

ડિસેમ્બર 1933ના ઉપવાસ પછી ગાંધીજીએ લખ્યું હતું, "ઉપવાસ એ મારે સારુ, હું ઇચ્છું કે ન ઇચ્છું રોજની જેવી વસ્તુ થઈ પડી છે. એનું દુઃખ શું? ઉપવાસ તો મારા જીવન સાથે જડાઈ ગયેલી વસ્તુ સમજી લેવી જોઈએ, અને તેથી મારા દેહનો મોહ છોડવો ઘટે છે..."(ગાંધીજીનો અક્ષરદેહ-55-પૃ.393) આ લખ્યાનાં દસ વર્ષ પછી, ફરી એક વાર ઉપવાસ દરમિયાન ગાંધીજી મૃત્યુના દ્વારે પહોંચી ગયા.

ઑગસ્ટ 1942ની 'હિંદ છોડો' ચળવળના પગલે સરકારે કૉંગ્રેસના તમામ નેતાઓની ધરપકડ કરી અને આંદોલનને કચડી નાખવા કોશિશ કરી. એ આંદોલનમાં હિંસા પણ થઈ.

એટલે સરકારે અરાજકતા અને હિંસાનો દોષ ગાંધીજી અને કૉંગ્રેસના માથે નાખ્યો.

વાઇસરૉય લિનલિથગોને બ્રિટનના વડા પ્રધાન ચર્ચિલની જેમ જ ગાંધીજી પ્રત્યે ભયંકર દુર્ભાવ હતો.

તે દૃઢપણે માનતા હતા કે અશાંતિ માટે ગાંધીજી જવાબદાર છે. ગાંધીજી અને વાઇસરૉય વચ્ચે લાંબો પત્રવ્યવહાર થયો.

ગાંધીજીએ તેમને લખ્યું કે જો તે (વાઇસરોય) આરોપ સાબિત કરી આપે તો ગાંધીજી વિના સંકોચે તેમની ભૂલ કબૂલશે. અન્યથા તેમણે આરોપ પાછા ખેંચવા જોઈએ.

વાઇસરૉયે મચક ન આપતાં, 73 વર્ષની ઉંમરે ગાંધીજીએ આગાખાન મહેલ-જેલમાં 21 દિવસના ઉપવાસ શરૂ કર્યા.

તેમની ત્યારની તબિયત જોતાં તે 21 દિવસના ઉપવાસ હેમખેમ પૂરા કરી શકે એવી બિલકુલ શક્યતા ન હતી.

બીજી જેલમાં રહેલા કૉંગ્રેસી ડૉ. ગિલ્ડરને ગાંધીજીની દેખરેખ માટે મૂકવામાં આવ્યા.

ડૉ. સુશીલા નાયર તો સાથે હતાં જ. અંગ્રેજ ડૉક્ટર મેજર જનરલ કેન્ડી પણ ગાંધીજીની તબિયત ભારે ચિંતાથી જોતા હતા.

10 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઉપવાસમાં ગાંધીજીની સ્થિતિ સતત બગડતી રહી. મેજર જનરલ કેન્ડી સુદ્ધાં ગાંધીજીનાં સાથીદારોને આગ્રહ કરતા હતા કે ગાંધીજીને અપાતા પાણીમાં જ્યૂસ ભેળવવો જોઈએ. નહીં તો એ નહીં બચે.

પરંતુ ગાંધીજીની સ્પષ્ટ સૂચના ન મળે ત્યાં સુધી એ પગલાં માટે કોઈ તૈયાર ન હતું. પાણી લેતાં તેમને તકલીફ પડતી હતી.

શ્વાસમાં એસિટોનની અને કીડનીનું નુકસાન સૂચવતી યુરેમિયાની વાસ આવતી હતી. છેવટે 21 ફેબ્રુઆરી સાંજે તેમણે ડૉ. સુશીલા નાયરના સૂચનનો સ્વીકાર કર્યો.

એ વિશે ડૉ. સુશીલા નાયરે નોંધ્યું હતું,"એમણે પહેલેથી કહ્યું છે કે, પોતે પાણી ન પી શકે તો તેને પીવાલાયક બનાવવાને ઓછામાં ઓછા પ્રમાણમાં મોસંબીના રસનો ઉપયોગ કરશે..." (બાપુના કારાવાસની કહાણી, પૃ.278-9) ત્યાર પછી તેમની તબિયત સુધરતાં, ડૉક્ટરોની સલાહ અવગણીને, ફરી તેમણે જ્યુસનું પ્રમાણ ઘટાડી નાખ્યું.

એટલે તબિયત કથળેલી જ રહી અને ડૉક્ટરો સતત ચિંતામાં રહ્યા, પણ ફરી કટોકટીભરી સ્થિતિ સર્જાઈ નહીં.

અંગ્રેજ સરકારે પણ ગાંધીજીના મૃત્યુની તૈયારી કરી લીધી

ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

આ ઉપવાસ વખતે વાઇસરૉયે જ નહીં, બ્રિટનની અંગ્રેજ સરકારે પણ ગાંધીજીના મૃત્યુની તૈયારી કરી લીધી હતી.

ગાંધીજીનાં નિકટનાં સાથી મીરાબહેને તેમનાં સંભારણાંમાં નોંધ્યા પ્રમાણે, "પાછળથી ખબર પડી કે સરકારે તો અગ્નિસંસ્કાર માટે સુખડનાં અને બીજાં લાકડાં પણ મંગાવી રાખ્યાં હતાં તેમ જ કયે રસ્તેથી સ્મશાનયાત્રા લઈ જવી તે પણ ગોઠવી રાખ્યું હતું."

"સાથે સાથે દેશભરના સરકારી અધિકારીઓને અત્યંત સાવધાન રહેવાની તેમ જ બાપુના મૃત્યુના સમાચાર પછી તોફાન થાય તો તરત જ દબાવી દેવાની સૂચનાઓ પણ આપી રાખી હતી." ('એક સાધિકાની જીવનયાત્રા', પૃ. 234-5)

તંત્ર સામેના ઉપવાસ વિશે ગાંધીજીએ લખ્યું હતું, "સત્યાગ્રહી પરાધીન સ્થિતિમાં હોય અને સત્યાગ્રહના બીજા કોઈ પણ ઉપાય લેવા એને શક્ય ન હોય, તથા તંત્ર દ્વારા થતો અધર્મ એને એટલો સાલે એવો હોય કે, એ અધર્મ કે અન્યાયને સહન કરતાં જીવવું એ કેવળ સત્ત્વહીન દશાનું જીવતર બને, ત્યારે જીવન છોડવાની તૈયારીએ જ એ અનશન શરૂ કરે."

ઉપવાસના શાસ્ત્ર વિશે ગાંધીજીએ લેખ અને પત્રોમાં ઘણી ચર્ચા કરી છે, પરંતુ તેમાંના કોઈ પણ લખાણનો ઉપયોગ વર્તમાન સમયમાં થતા ઉપવાસને બિરદાવવા કે વખોડવા માટે કરવા જતાં, અન્યાય થવાનો પૂરો સંભવ રહે છે.

એ લખાણોનો ઉપયોગ ગાંધીજીના વિચારો અને નિર્ણયોને સમજવા માટે જ કરી શકાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન