સોનમ વાંગચુક : ભૂખ હડતાળ પર બેઠેલી વ્યક્તિને બળજબરીથી હઠાવી શકાય? અદાલતના અગાઉના નિર્ણયો શું કહે છે?

કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક 18મી જુલાઈ, 2026ના રોજ અભિજિત દીપકે (ડાબે) નીટની પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે નવી દિલ્હીમાં અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેઠા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક 18મી જુલાઈ, 2026ના રોજ અભિજિત દીપકે (ડાબે) નીટની પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે નવી દિલ્હીમાં અનિશ્ચિત ભૂખ હડતાળ પર બેઠા છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને શનિવારે વહેલી સવારે પોલીસ દ્વારા જંતરમંતર પરથી બળજબરીપૂર્વક હટાવીને સફદરજંગ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિએ કહ્યું હતું કે, તેમના પતિને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગીતાંજલિએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની (ગીતાંજલિની), તેમના પરિવારની અને તેમના આરોગ્ય પર દેખરેખ રાખી રહેલા ડૉક્ટરોની સંમતિ વિના સોનમ વાંગચુકને મોં દ્વારા કે નસ દ્વારા કોઈ પણ પ્રકારની દવા કે પ્રવાહી આપવાં જોઈએ નહીં.

સોનમ વાંગચુક નીટની પરીક્ષામાં કથિત ગેરરીતિ સામે વિરોધ નોંધાવવા માટે છેલ્લા 20 દિવસથી દિલ્હીના જંતરમંતર ખાતે ભૂખ હડતાળ પર બેઠા છે. જોકે, શનિવારે સવારે તેમને જંતરમંતર પરથી હટાવવામાં આવ્યા હતા.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, હાઇકોર્ટના આદેશને પગલે સોનમ વાંગચુકને જંતરમંતર પરથી ખસેડવામાં આવી રહ્યા છે.

દિલ્હી હાઇકોર્ટે જે આદેશ આપ્યો હતો, તેનો અર્થ એ હતો હતો કે, જો સોનમ વાંગચુકની તબિયત કથળે, તો તેમને હૉસ્પિટલ લઈ જઈ શકાય છે.

કિસાન નેતા ડલ્લેવાલના કિસ્સામાં સર્વોચ્ચ અદાલતે શું કહ્યું હતું?

કિસાન નેતા જગજિતસિંહ ડલ્લેવાલ કેન્દ્રની મોદી સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ભૂખ હડતાળ પર ઊતર્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કિસાન નેતા જગજિતસિંહ ડલ્લેવાલ કેન્દ્રની મોદી સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ભૂખ હડતાળ પર ઊતર્યા હતા

સર્વોચ્ચ અદાલતના આ પૂર્વેના ઘણા નિર્ણયો તેમજ આદેશોમાં એ વાત પર સ્પષ્ટપણે ભાર મૂકવામાં આવ્યો છે કે, ભૂખ હડતાળ પર બેઠેલી કોઈ વ્યક્તિના જીવનનું રક્ષણ કરવું એ સરકારની જવાબદારી છે.

પરંતુ તેની સાથે જ તેણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે, ભૂખ હડતાળ પર ઊતરેલી વ્યક્તિના વિરોધ વ્યક્ત કરવાના (અસંમતિના) અધિકાર આડે કોઈ અવરોધ ન ઊભો થાય.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સોનમ વાંગચુકના કિસ્સામાં, દિલ્હી હાઇકોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, 'દેશના દરેક નાગરિકનું જીવન અણમોલ છે.'

2024માં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અને પંજાબ સરકારને ખેડૂત નેતા જગજિતસિંહ ડલ્લેવાલને પૂરતી તબીબી સહાય પૂરી પાડવાનો તેમજ આંદોલન ચાલુ રાખવાના તેમના નિર્ણયનું સન્માન કરવાનો હુકમ કર્યો હતો. ડલ્લેવાલ તે સમયે ભૂખ હડતાળ પર ઊતર્યા હતા.

અત્યારે 70 વર્ષ કરતાં વધુ વયના ડલ્લેવાલ 2024ના વર્ષના ઉત્તરાર્ધમાં ખેડૂતોની માગણીઓના સમર્થનમાં પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ તથા ખનૌરી સરહદો પર અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર ઊતરી ગયા હતા. તેમની ભૂખ હડતાળ 20 દિવસ કરતાં વધુ સમય સુધી ચાલી હતી.

આખરે, 26મી નવેમ્બર, 2024ના રોજ પોલીસ ઉપવાસના સ્થળેથી જગજિતસિંહ ડલ્લેવાલને બળજબરીપૂર્વક ઉઠાવી ગઈ હતી અને તેમને લુધિયાણાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ખેડૂતો તરફથી વધતા દબાણને પગલે પોલીસે ડલ્લેવાલને છોડી દેવા પડ્યા હતા.

તે સમયે અદાલતે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તથા પંજાબ સરકારે ડલ્લેવાલની વય, તેમની આરોગ્યને લગતી સમસ્યાઓને તેમજ તેઓ દેશના એક મહત્ત્વના નાગરિક છે, તે હકીકતને ધ્યાન પર લેવી જોઈએ.

બાબા રામદેવના કિસ્સામાં અદાલતનું શું વલણ રહ્યું હતું ?

સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં એમ જણાવ્યું હતું કે, યુપીએ સરકારે બાબા રામદેવને ભ્રષ્ટાચાર સામેની તેમની પ્રસ્તાવિત ભૂખ હડતાળ પર બેસતા અટકાવ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં એમ જણાવ્યું હતું કે, યુપીએ સરકારે બાબા રામદેવને ભ્રષ્ટાચાર સામેની તેમની પ્રસ્તાવિત ભૂખ હડતાળ પર બેસતા અટકાવ્યા હતા

યોગગુરુ બાબા રામદેવના કિસ્સામાં પણ આ પ્રકારનો નિર્ણય આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે તે સમયે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યુપીએ સરકાર સામે ચાલી રહેલા વિરોધપ્રદર્શન અંગે આપેલા 2011ના તેના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

'ધ હિંદુ' અખબારના અહેવાલ પ્રમાણે, તે સમયે સર્વોચ્ચ અદાલતે સ્વતઃ પ્રેરણાના આધારે તેનો (સુઓ મોટો) નિર્ણય લેતાં જણાવ્યું હતું કે, યુપીએ સરકારે બાબા રામદેવને ભ્રષ્ટાચાર સામેની તેમની પ્રસ્તાવિત ભૂખ હડતાળ પર બેસતાં અટકાવવાની કોશીશ કરી હતી.

નિર્ણયમાં જણાવવામાં આવ્યું હતું કે, તત્કાલીન વડા પ્રધાન ડૉક્ટર મનમોહન સિંહે બાબા રામદેવને ઉપવાસ પર ઊતરવાનો તેમનો નિર્ણય છોડી દેવા માટે મજબૂર કરવા 'તમામ શક્ય પ્રયત્નો' કર્યા હતા.

ચુકાદા પ્રમાણે, "ચોથી મે, 2011ના રોજ બાબા રામદેવે વડા પ્રધાનને પત્ર પાઠવીને કાળું નાણું દેશમાં પરત લાવવાના મુદ્દા પર સરકારની કથિત નિષ્ક્રિયતા સામે વિરોધ ઉઠાવવા માટે ભૂખ હડતાળ પર ઊતરવાનો તેમનો આશય વ્યક્ત કર્યો હતો. તેની પ્રતિક્રિયારૂપે, 19મી મે, 2011ના રોજ વડા પ્રધાને તેમને પત્ર લખ્યો હતો અને ખાતરી આપી હતી કે, સરકાર ભ્રષ્ટાચારને નિવારવા માટે કટિબદ્ધ છે. સાથે જ તેમણે બાબા રામદેવને આમરણ ઉપવાસનો વિચાર પડતો મૂકવાની વિનંતી પણ કરી હતી."

આ નિર્ણયમાં એ પણ નોંધવામાં આવ્યું હતું કે, જ્યારે બાબા રામદેવ પહેલી જૂન, 2011ના રોજ દિલ્હી પહોંચ્યા હતા, ત્યારે યુપીએ સરકારના ચાર વરિષ્ઠ મંત્રીઓ ઍરપોર્ટ પર તેમને મળ્યા હતા અને ભૂખ હડતાળ પર ન બેસવા માટે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પછીથી આ મુદ્દા પર મંત્રીઓ અને બાબા રામદેવ વચ્ચે એનસીઆરમાં આવેલી હોટલ ક્લેરિસ ખાતે પણ બેઠક યોજાઈ હતી.

'ભૂખ હડતાળ પર બેસનાર લોકો પ્રત્યે સંઘર્ષપૂર્ણ અભિગમ ન દાખવો'

સોનમ વાંગચુકના સમર્થનમાં થઈ રહેલું પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનમ વાંગચુકના સમર્થનમાં થઈ રહેલું પ્રદર્શન

'ધ હિંદુ' અખબારે તેના એક અહેવાલમાં લખ્યું છે, "સર્વોચ્ચ અદાલતે તેના ઘણા ફેંસલાઓમાં એ સ્પષ્ટ કરી દીધું છે કે, સરકારે પોતાનો મુદ્દો રજૂ કરવા માટે ભૂખ હડતાળનું શરણું લેનારા લોકો તરફ સંઘર્ષનું વલણ ન દાખવવું જોઈએ."

કોર્ટે આગળ જણાવ્યું હતું, "અભિવ્યક્તિની સ્વતંત્રતામાં માત્ર એ સ્થિતિમાં જ હસ્તક્ષેપ થઈ શકે, જ્યારે કોમી એખલાસ ડહોળાવાનાં, સામાજિક અવ્યવસ્થા સર્જાવાનાં કે જાહેર શાંતિનો ભંગ થવાનાં વાજબી અને સાચાં કારણો મોજૂદ હોય."

"ભૂખ હડતાણ ગેરબંધારણીય પણ નથી કે કોઈપણ કાયદા દ્વારા તે પ્રતિબંધિત પણ નથી."

"સરકારના કોઈપણ નિર્ણય કે પગલાં સામે વિરોધ નોંધાવવા માટે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળને જાહેર શાંતિ સામે જોખમરૂપ ગણી શકાય નહીં."

સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું હતું, "આ વિરોધ કરવાની એક એવી પદ્ધતિ છે, જેને ઈતિહાસ અને આપણા બંધારણીય ન્યાયશાસ્ત્ર, બંને દ્વારા માન્યતા મળી છે. તે મહાત્મા ગાંધીના સત્યાગ્રહ પરથી પ્રેરણા મેળવે છે."

અદાલતે સાથે જ ભૂરપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે, આવા કિસ્સામાં એ રાજ્યની જવાબદારી બને છે કે તે આગળ આવે અને વ્યક્તિનું જીવન બચાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરે.

શું પોતાની માગણી પર દબાણ લાવવા માટે ઘણા દિવસો સુધી ભૂખ હડતાળ ઉપર ઊતરી જવું અને તબીબી સારવાર પૂરી પાડવાના સત્તાતંત્રના પ્રયત્નોને સહકાર ન આપવો, એ આઇપીસીની કલમ 09 (આત્મહત્યા કરવાના પ્રયાસ) હેઠળ અપરાધ ગણાય?

ફેબ્રુઆરી, 2021માં મદ્રાસ હાઇકોર્ટે આ કાનૂની પ્રશ્નનો સ્પષ્ટ નકારાત્મક જવાબ આપ્યો હતો.

આવા જ એક કેસને ફગાવી દેતાં જસ્ટિસ એન. આનંદ વેંકટેશે જણાવ્યું હતું, "ભૂખ હડતાળ આઇપીસીની કલમ 309 હેઠળ ગુનો બનતો નથી. ધારો કે રેકોર્ડ પરનાં તમામ તથ્યોને યથાતથ સ્વીકારી લેવામાં આવે, તો પણ આઇપીસીની કલમ 309 હેઠળ કોઈ ગુનો પુરવાર થતો નથી."

ઍડવોકેટ પી. પુગલેન્ધીએ અદાલતને જણાવ્યું હતું કે, અરજકર્તા પી. ચંદ્રકુમાર 2013માં પૂનમલ્લી સબ-જેલના સંકુલમાં કાર્યરત એક સ્પેશિયલ રૅફ્યૂજી કેમ્પ (શરણાર્થી કૅમ્પ)માં કેદ હતા.

સામાન્ય શરણાર્થી કૅમ્પ કરતાં અલગ, વિશેષ કૅમ્પમાં રહેનારા લોકોને હરવા-ફરવાની આઝાદી નહોતી અને તેમને બહાર જવાની છૂટ પણ નહોતી મળતી.

આ નિયમ સામે વિરોધ નોંધાવવા માટે અરજકર્તા 15મી ઑગસ્ટથી લઈને 24મી ઑગસ્ટ, 2013 સુધી આશરે દસ દિવસ માટે ભૂખ હડતાળ પર ઊતર્યા હતા.

આ ઉપરાંત લગભગ દસેક દિવસ સુધી ચાલેલા વિરોધપ્રદર્શનને કારણે તેમનું આરોગ્ય જ્યારે કથળી ગયું, તે સમયે સ્થાનિક તહેસીલદારે તેમને તબીબી સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સહાય મેળવવાનો તેમણે ઈનકાર કરી દેતાં સારવાર મેળવવામાં સહકાર ન આપવાનો પણ તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ન્યાય વ્યવસ્થાએ જીવન જીવવાના અધિકાર (કલમ 21) અને અભિવ્યક્તિની આઝાદી સાથે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવાના અધિકાર (કલમ 19) વચ્ચે સંતુલન જાળવી રાખવાની આવશ્યકતા પર વારંવાર ભાર મૂક્યો છે.

'પોલીસ કાર્યવાહી કરવી એ અદાલતની અવજ્ઞા છે'

પોલીસ સોનમ વાંગચુકને લઈ જઈ રહી છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પોલીસ સોનમ વાંગચુકને લઈ જઈ રહી છે

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ પોલીસની કાર્યવાહીને 'અદાલતની અવજ્ઞા' ગણાવી છે.

કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે આ અંગે જણાવ્યું હતું, "દિલ્હી હાઇકોર્ટના નિર્ણયમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, સોનમ વાંગચુકના આરોગ્યની દેખરેખ થવી જોઈએ. જો તેમની તબિયત લથડે છે અને તેમનો જીવ જોખમમાં મુકાય છે, તો તેવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહનું અનુસરણ કરવું જોઈએ."

"તે દિલ્હી હાઇકોર્ટનો આદેશ હતો, પરંતુ દિલ્હી પોલીસ અમને ગેરમાર્ગે દોરી રહી છે. તેઓ એવો દાવો કરી રહ્યા છે કે, તેઓ કોર્ટના આ આદેશને કારણે જ સોનમ વાંગચુકને લેવા માટે આવ્યા હતા. આ સાવ ખોટી વાત છે અને તે અદાલતની અવજ્ઞા છે. અદાલતના આદેશનું ખોટું અર્થઘટન કરીને તેઓ સોનમ વાંગચુકને લઈ ગયા હતા."

બીજી તરફ, કૉંગ્રેસના મીડિયા એન્ડ પબ્લિસિટી ડિપાર્ડમેન્ટના ચૅરમૅન પવન ખેડાએ સોનમ વાંગચુકને બળજબરીથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, એ વિશે લખ્યું હતું, "આપણું બંધારણ અસંમતિ દર્શાવવાના અધિકારની બાંહેધરી આપે છે. પણ એવું લાગે છે કે, ગૃહ મંત્રાલય આ અધિકારને દબાવી દેવા માટે મક્કમ છે."

"દિલ્હી પોલીસ સીધી જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના હાથ નીચે કામ કરે છે. આ મંત્રાલયે હજુ શુક્રવારે જ નવા દિલ્હી પોલીસ કમિશનરની નિમણૂક કરી છે. જો શનિવારની કાર્યવાહી એ તેમના કાર્યકાળનો પહેલો આદેશ હોય, તો તે એક ઘણો જ ચિંતાજનક સંદેશો આપે છે કે, દેશમાં બંધારણીય કર્તવ્ય કરતાં રાજકીય આદેશોને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે."

પ્રખ્યાત વકીલ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંત ભૂષણે આ વિશે લખ્યું હતું, "સરકારની એવી ધારણા હતી કે, કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું વિરોધપ્રદર્શન અને સોનમ વાંગચુકની ભૂખ હડતાળ થોડો સમય પસાર થયા પછી પોતાને મેળે જ શાંત પડી જશે. આથી, સરકારે તે વિરોધપ્રદર્શનો તથા ઉપવાસ પર ધ્યાન ન આપ્યું. પણ જંતર મંતર ખાતે સતત વધી રહેલા સમર્થન અને લોકોની વધતી જતી ભીડને જોઈને આખરે સરકાર ગભરાઈ ગઈ હતી."

તેમણે સવાલ કર્યો હતો, "20મી જુલાઈના રોજ સંસદ તરફ કૂચ કરવાનું આયોજન ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. શું સરકાર તે કૂચને અટકાવવા માટે આખા શહેરને બંધ કરી દેશે?"

વકીલ આશિષ ગોયલે લખ્યું હતું, "જ્યારે કોઈ વ્યક્તિ શાસક સરકાર પાસેથી જવાબદેહીની માગણી કરવા સાથે ભૂખ હડતાળ પર ઊતરે છે, ત્યારે તે વ્યક્તિને ક્યારે, કેવી રીતે અને ક્યાં દાખલ કરવી, તેનો નિર્ણય કરવાનો અધિકાર સરકારને આપી શકાય નહીં. આમ કરવું એ સરકારને મનસ્વી રીતે દખલ કરવાની સ્વતંત્રતા આપવા સમાન ગણાશે, જે બાબત અત્યંત જોખમી છે અને તે ફાસીવાદી વિચારધારાની નિશાની છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન