અમદાવાદ ફૅક્ટરીમાં બ્લાસ્ટ : 'પાંચ-પાંચ છોકરા મૃત્યુ પામ્યા... હવે મારે શું કરવાનું?'

અમદાવાદ, રામોલ, ફટાકડાની ફૅક્ટરીમાં બ્લાસ્ટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/Ahmedabad fire department

    • લેેખક, શ્યામ બક્ષી
    • પદ, બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

અમદાવાદના રામોલ-ગતરાડ રોડ પર શનિવારે એક ફટાકડાની ફૅક્ટરીમાં વિસ્ફોટ થયો અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોનાં મૃત્યુ થયાં હોવાની પુષ્ટિ થઈ છે.

આ ફટાકડા બનાવવાનું કામ રામોલ પાસે પસાર થઈ રહેલાં કાસની બાજુમાં પતરાંના શૅડ બનાવીને કરવામાં આવતું હતું

પોલીસના જણાવ્યા પ્રમાણે લાઇસન્સ ન હોવા છતાં ત્યાં ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું.

બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા મોટા ભાગના લોકો પંચમહાલ અને દાહોદ જિલ્લાના છે. એમાં પણ એક જ પરિવારના પાંચ સભ્યનાં મૃત્યુ થયાં છે. જ્યારે ખેડાના કપડવંજના એક યુવાનનું પણ મૃત્યુ થયું છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે હાલમાં તમામ મૃતકોના મૃતદેહોને તેમના વતનમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે કારખાનાનાં સંચાલકોની પણ ધરપકડ કરી લીધી છે.

હૉસ્પિટલ બહાર શબવાહિનીઓની લાઇન

અમદાવાદ, શબવાહિનીઓ, મણિનગર, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, અમદાવાદની એલજી હૉસ્પિટલ

સત્તાવાર માહિતી પ્રમાણે ઘાયલોને મણિનગર એલજી અને અસારવા સિવિલ એમ બન્ને હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હું શનિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ એલજી હૉસ્પિટલની જૂની ઇમારતે પહોંચ્યો તો શબવાહિનીઓની લાઇન લાગી હતી.

ત્રણ શબવાહિની હૉસ્પિટલ બહાર ઊભી હતી. જેમાં સફેદ કપડાંમાં લપેટાયેલા મૃતદેહો હતા. જ્યારે અન્ય બે શબવાહિની હૉસ્પિટલના પ્રાંગણમાં ઊભી હતી. જેમાં મૃતદેહ લવાઈ રહ્યા હતા.

અહીં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે અહીં કુલ નવ લોકોને ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી રાત સુધીમાં આઠ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં હતાં.

તેમાંથી એક વ્યક્તિની સારવાર ચાલી રહી હતી. જ્યારે અહીં લોકોને સારવાર માટે ખસેડાઈ રહ્યા હતા ત્યારે હૉસ્પિટલ પહોંચેલી ત્રણ વ્યક્તિનું પહેલેથી જ મૃત્યુ થઈ ચૂક્યું હતું.

જ્યારે અન્ય લોકોનાં મૃત્યુ સારવાર દરમિયાન થયાં હતાં. મોઢા પર માસ્ક અને હાથ પર ગ્લૉવ્ઝ બાંધીને કેટલાક કર્મચારીઓ મૃતદેહને શબવાહિનીમાં ખસેડવાની કામગીરી કરી રહ્યા હતા. તેમની સાથેની વાતચીતથી જાણવા મળ્યું કે મૃતદેહને અસારવા સિવિલના પોસ્ટમૉટર્મ રૂમમાં પીએમ માટે ખસેડાઈ રહ્યા છે.

મૃતદેહની ઓળખવિધિ અને પરિવારનું આક્રંદ

અમદાવાદ, રામોલ,બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, હૉસ્પિટલની બહાર દુર્ઘટનામાં દાઝેલા સુરેશભાઈનો પરિવાર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અંદાજે રાતના 11.30 વાગ્યા બાદ દાહોદ અને પંચમહાલથી બે ગાડીઓ પીએમ રૂમ ખાતે પહોંચી. અમે તેમની સાથે સામાન્ય વાત કરી ત્યાં સુધીમાં પોલીસ કર્મચારીઓ આવ્યા અને તેમને પીએમ રૂમમાં લઈ ગયા, કારણ કે મૃતદેહની ઓળખ કરવાની હતી અને પીએમની કામગીરી પણ કરવાની હતી. રાત્રે સાડા બાર વાગ્યા સુધીમાં માત્ર એક જ મૃતદેહની ઓળખ થઈ શકી હતી અને તેનું પીએમ કરાયું હતું. નીચે જ મૃતદેહો રાખવામાં આવ્યા હતા. પરિવારજનો આવે એટલે તેમને બતાવીને ઓળખ કરાતી હતી.

રામોલની દુર્ઘટનામાં પાંચ લોકો સારવાર હેઠળ હતા. તેમને ટ્રોમા સેન્ટરની બાજુમાં આવેલા બર્ન વૉર્ડમાં રખાયા હતા. રાત્રે સવા વાગ્યે વૉર્ડની બહાર અમને આ દુર્ઘટનામાં દાઝી ગયેલા સુરેશભાઈ ડામોરના પરિવારજનો મળ્યા. જેઓ સુરેશભાઈને મળવા જવા માટે ગેટ પર સિક્યૉરિટી ગાર્ડ સાથે રકઝક કરી રહ્યા હતા. તેમની પાસે ગેટ પાસ ન હોવાથી તેઓ અંદર નહોતા જઈ શકતા. અમને અહીં સુરેશભાઈના પિતરાઈ શાંતિલાલ મળ્યા.

તેમણે જણાવ્યું કે "સુરેશભાઈનાં પત્ની સવિતાબહેનનું મૃત્યુ થઈ ચૂક્યું છે." જોકે, તેમણે પોતાના ભાઈને પણ નહોતા જોયા અને ભાભી સવિતાબહેનનો મૃતદેહ પણ નહોતો જોયો, તેથી વધુ કહેવાનો ઇનકાર કર્યો.

અમે ટ્રોમા સેન્ટરથી પીએમ રૂમ પરત આવ્યા ત્યારે લગભગ રાતના બે વાગી ચૂક્યા હતા. અને તે જ સમયે પહેલો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ મૃતદેહ પરિવારના સભ્યો લઈને ગયા હતા. બાદમાં પૂછપરછ કરતા ખબર પડી કે અમદાવાદના રામોલની વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તેનો પરિવાર રાતના સમયે મૃતદેહ લઈ ગયો હતો.

બહેનનાં મૃત્યુની વાત સાંભળી ભાઈ રડી પડ્યો

અમદાવાદ, બીબીસી ગુજરાતી, રામોલ, ફટાકડાની ફૅક્ટરીમાં બ્લાસ્ટ
ઇમેજ કૅપ્શન, મૃતક સવિતાબહેનના ભાઈ અનિલભાઈ

પીએમ રૂમની બહાર બેઠેલા અનિલભાઈનાં બહેનનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેઓ અમદાવાદમાં રહીને કડિયાકામ કરતા હતા. તેમણે જણાવ્યું કે "મારી બહેન જ્યાં કામ કરતાં હતાં તેની બાજુના અન્ય એક કારખાનામાં મારા કાકાના છોકરા કામ કરતા હતા. તેમને ફોન આવ્યો કે બહેન જ્યાં કામ કરતાં હતાં તે કારખાનું સળગી ગયું છે. જે મૅડમ મારી બહેનને કામ કરવા લઈ ગયાં હતાં તેમને મેં ફોન લગાવ્યો તે બંધ આવ્યો. ત્યાર બાદ તેમના છોકરાને ફોન લગાવ્યો તે પણ બંધ આવ્યો. તો હું ઘટનાસ્થળે ગયો ત્યાં માત્ર પોલીસવાળા હતા. ત્યાં કોઈ જોવા ન મળ્યું."

તેમને પૂછ્યું કે છેલ્લે બહેન સાથે ક્યારે વાત થઈ હતી?

તેમણે જવાબ આપ્યો કે "છેલ્લે ચાર પાંચ દિવસ પહેલાં વાત થઈ હતી..." આટલું બોલતામાં અનિલભાઈને ડુમો ભરાઈ આવ્યો અને આંખમાં આંસુ આવી ગયાં. સવિતાબહેનને એક પુત્ર છે જે સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે.

અનિલભાઈનાં બહેન સવિતાબહેન જ સુરેશભાઈનાં પત્ની હતા. બન્ને પતિપત્ની સાથે કામ કરી રહ્યાં હતાં, જ્યાં આ દુર્ઘટના ઘટી હતી.

એક જ પરિવારના પાંચ લોકોનાં મૃત્યુ, ભાઈએ બહેન અને ભાણેજ ગુમાવ્યાં

અમદાવાદ ફટાકડાની ફૅક્ટરીમાં બ્લાસ્ટ થતા નવ લોકોનાં મૃત્યુ થયા છે. જેમના મૃત્યુ થયા છે તેમનો પરિવાર આક્રંદ કરી રહ્યો છે.
ઇમેજ કૅપ્શન, દીકરી અને ચાર ભાણેજ સહિત પોતાના પરિવારના પાંચ સભ્યો ગુમાવનારા શકુરભાઈ

દાહોદના સંજેલીના એક ગામથી પરિવારના કેટલાક લોકો સાથે શકુરભાઈ અને તેમના પુત્ર અરવિંદભાઈ કેટલાક લોકો સાથે પીએમ રૂમ ખાતે પહોંચ્યા હતા. આ દુર્ઘટનામાં તેમના પરિવારના પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.

પોતાનાં દીકરી અને ચાર ભાણેજ ગુમાવનારા શકુરભાઈએ વાત કરતા જણાવ્યું કે "અમને ફૅક્ટરીવાળાએ ફોન કર્યો એટલે ખબર પડી કે આમ થયું છે."

ત્યાર બાદ તેઓ આંખમાં આંસુ સાથે રડતાં અવાજે માત્ર એટલું બોલી શક્યા કે "પાંચ-પાંચ છોકરા મૃત્યુ પામ્યા... હવે મારે શું કરવાનું?" ગળે નાખેલો રૂમાલ મોઢા પર નાખી તેમણે પોતાનાં આંસુ લૂછવાનો પ્રયત્ન કર્યો હતો.

શકુરભાઈના પુત્ર અરવિંદભાઈએ જણાવ્યું કે "મારા પરિવારના પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને એક વ્યક્તિ દાઝી ગઈ છે. મૃતકોમાં મારી બહેન, ત્રણ છોકરીઓ અને એક છોકરાનો સમાવેશ થાય છે. જ્યારે મૃતક બહેનના પતિ એટલે કે જમાઈ દાઝી ગયા હોવાથી તેમને સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે."

અરવિંદભાઈએ ઉમેર્યું કે "તેઓ એક મહિનાથી જ અહીં આવ્યા હતા. અને ઉચ્ચક રોજના 400-500 રૂપિયાની હાજરી પડતી હતી."

વીડિયો કૅપ્શન, આગમાં પરિવારના પાંચ લોકોને ગુમાવનાર વ્યક્તિએ શું આપવીતી કહી?

આ દરમિયાન શાંતિલાલે પોતાના ભાઈ સુરેશભાઈ સાથે મુલાકાત કરી લીધી અને તેમના ભાભીના મૃતદેહની ઓળખ પણ કરી લીધી. તેમણે જણાવ્યું કે "સાંજના સમયે હું ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે ફોન આવ્યો કે ફટાકડાની ફૅક્ટરીમાં આગ લાગી છે તેમાં ભાઈ અને ભાભી દાઝી ગયાં છે. અમે તાત્કાલિક અહીં હૉસ્પિટલ પર આવ્યા. ભાભીનું મૃત્યુ થઈ ગયું હોવાના અમને સમાચાર મળી ગયા હતા. તેમના મૃતદેહની ઓળખ અમે કરી લીધી છે."

તેમણે ઉમેર્યું કે તેમના ભાઈએ કહ્યું "આગ લાગી ત્યારે અચાનક તેઓ ભાગ્યા, જેથી થોડા દાઝી ગયા છે અને પગે વાગ્યું છે. સારવાર મળ્યા બાદ થોડું સારું લાગી રહ્યું છે." શાંતિલાલનાં ભાઈ-ભાભી છેલ્લાં બે વર્ષથી અમદાવાદ રહેતાં હતાં.

રાતના અઢી વાગ્યા સુધીમાં મોટા ભાગના મૃતદેહોનું પીએમ થઈ ચૂક્યું હતું. મૃતકના પરિવારજનોએ તેમના સ્વજનોના મૃતદેહની ઓળખ પણ કરી લીધી હતી. અને ત્રણ વાગ્યા સુધીમાં લગભગ ત્રણ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા. જેઓ લઈને પોતાના વતન રવાના પણ થઈ ગયા હતા. તકેદારીના ભાગરૂપે જે પરિવાર મૃતદેહ લઈને જતો તેમની સાથે પોલીસકર્મીઓ પણ મોકલવામાં આવતા હતા.

પોલીસનું શું કહેવું છે?

અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોતે આ અંગે પત્રકારપરિષદ કરીને માહિતી આપી હતી

ઇમેજ સ્રોત, ahmedabad police

ઇમેજ કૅપ્શન, અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોતે આ અંગે પત્રકારપરિષદ કરીને માહિતી આપી હતી

પોલીસના જણાવ્યા પ્રમાણે આ કારખાનાનું લાઇસન્સ રદ કરી દેવાયું હતું, છતાં તેઓ ફટાકડા બનાવવાનું કામ કરતા હતા.

અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગોહલોતે આ અંગે પત્રકારપરિષદ કરીને માહિતી આપી હતી.

ફૅક્ટરીના સંચાલન અંગે તેમણે કહ્યું કે "મેહુલ ડોડિયા, તેમનાં માતા રમિલાબહેન ડોડિયા અને એક ભાગીદાર સાદિક સૈયદ તેનું સંચાલન કરતાં હતાં."

ગેહલોતે કહ્યું કે "આ આગ લાગી ત્યારે મેહુલ અને તેમનાં માતા બંને ત્યાં હાજર હતા. રમિલાબહેનને પણ થોડી ઈજા થઈ છે. હાલમાં પોલીસે તમામ ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે."

પોલીસ કમિશનરે જણાવ્યું કે "રમિલાબહેન 2014માં પણ આ જગ્યાએ ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવતાં હતાં. એ સમયે પણ આગ લાગી હતી અને એક વ્યક્તિનું મોત થયું હતું. બાદમાં તેમનું લાઇસન્સ રદ કરી દેવાયું હતું. પછી એમના દીકરા મેહુલના નામે લાઇસન્સ લીધું હતું. જોકે 4 માર્ચ, 2026માં ફૅક્ટરીનું લાઇસન્સ રદ કરી દેવાયું હતું. તેમ છતાં તેઓ આ કામ કરતાં હતાં."

પોલીસે કહ્યું કે ઘટનાસ્થળેથી 15 કિલોથી વધુ એક્સપોઝિવનો જથ્થો પોલીસને મળી આવ્યો છે.

તેમણે કહ્યું કે "જે નવ લોકોનાં મોત થયાં છે એમના મૃતદેહો તેમના વતન મોકલી આપવામાં આવ્યા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન