ગુજરાત : 'મારી એકની એક દીકરી હતી, ખબર ન પડી કે શું થયું અને મોત થઈ ગયું', ચાંદીપુરા વાઇરસથી ગામોમાં ફફડાટ

રાજકુમાર ડામોરનાં માતા પારુલબહેન ડામોર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, રાજકુમાર ડામોરનાં માતા પારુલબહેન ડામોર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

હિંમતનગરના પીઆઇસીયુ વિભાગમાં શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લઈ રહેલી બે વર્ષની ઈશા અસારીનાં વૃદ્ધ દાદા-દાદી હૉસ્પિટલની બહાર રાહ જોઈને બેઠાં છે. છેલ્લા 24 કલાકથી આંખો બંધ કરીને ઈશાએ કોઈની સાથે વાત કરી નથી.

હૉસ્પિટલના ખાટલા પર એક તરફ તેમના દાદા કલજીભાઈ બેઠા છે, જેમની નજર ઈશા પરથી ખસતી નથી. ગળામાં રહેલા લાલ ગમછાથી તેઓ વારેઘડીએ આંખોમાંથી નીકળતાં આંસુઓને લૂછી રહ્યા છે.

કલજીભાઈના કપડા પર હજી સુધી ખેતરની માટી બાઝેલી છે, તો દાદીનાં આંસુ પણ રોકાતાં નથી. દાદા એક નજર ઈશાને જોઈ રહ્યા છે, તો બીજી નજર તેમની ખાટલાની બાજુમાં રાખેલા મૉનિટર પર છે.

આ બધાની વચ્ચે હૃદય કંપાવી નાખે તેવા સન્નાટા વચ્ચે વૅન્ટિલેટર મશીનનો 'પીપ-પીપ'નો અવાજ સંભળાય છે. જાણે દરેક 'પીપ-પીપ'ના અવાજ બાદ દાદા-દાદીને આશા હોય કે હમણાં ઈશા બોલશે.

હૉસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી છે, પરંતુ જે ખાટલા પર બાળકો છે, તેમને વૅન્ટિલેશનની જરૂર છે. બાજુના જ બીજા ખાટલા પર ત્રણ વર્ષની જાનકી પરમારની પણ આવી જ કંઈ દશા હતી. તેના પરિવારજનો પણ તેની આસપાસ બેસીને આશા રાખી રહ્યા છે કે કદાચ તે બોલવા માંડે. આ પરિવારજનોના ચહેરા પર થાક છે, આંખોમાં આંસુ છે અને દિલમાં જાણે એક આશા છે કે તેમનું બાળક ફરીથી જલદીથી રમતું-બોલતું થઈ જશે.

આ બન્ને બાળકો એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (એઇએસ)થી પીડિત છે અને તેમાંના કેટલાક કેસોમાં ચાંદીપુરા વાઇરસની પુષ્ટિ થઈ છે. આ વાઇરસ સેન્ડ ફ્લાય નામની એક માખીના ડંખથી શરીરમાં પ્રવેશે છે.

ગુજરાતનાં આ ગામડાંમાં શું થઈ રહ્યું છે?

ગોવિંદભાઈ પરમાર પોતાની ભત્રીજી પરીની તસવીર સાથે

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, ગોવિંદભાઈ પરમાર પોતાની ભત્રીજી પરીની તસવીર સાથે

હાલમાં ગુજરાતના ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાંથી આ વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે.

સેન્ડ ફ્લાયના ડંખથી આ વાઇરસ 15 વર્ષથી નીચેનાં બાળકોમાં જોવા મળે છે. આ વાઇરસ શરીરમાં પ્રવેશે ત્યાર બાદ બાળકને તાવ આવે, ઊલટી આવે, ઝાડા થાય, ઠંડી લાગે અને ખેંચ આવે છે. નિષ્ણાતો પ્રમાણે આવાં બાળકને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ આપવી જોઈએ અને જો તેમાં મોડું થાય તો બાળકની તબિયત ખરાબ થઈ શકે છે.

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં ગુજરાતમાં સાત બાળકોમાં ચાંદીપુરા વાઇરસની પુષ્ટિ થઈ છે. તેમાંથી ત્રણ બાળકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે ચાર બાળકો હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે."

'24 કલાકની અંદર તેની તબિયત ખરાબ થઈ અને મૃત્યુ થઈ ગયું'

હૉસ્પિટલની બહાર કલજીભાઈ અસારી, જેમની પૌત્રીને હૉસ્પિટલમાં દાખલ કરાઈ છે

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, હૉસ્પિટલની બહાર કલજીભાઈ અસારી, જેમની પૌત્રીને હૉસ્પિટલમાં દાખલ કરાઈ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગામડાંની મુલાકાત સમયે જોવા મળ્યું હતું કે અમુક પરિવારો મેડિકલ સારવાર પહેલાં દેશી ઇલાજો જેમ કે ગામના 'ભૂવા' પાસે પહેલાં બાળકને લઈ જતાં હોય છે, જેના કારણે સારવારમાં મોડું થાય છે અને બાળકની તબિયત ખરાબ થાય છે.

આવા જ કારણથી ઈશા અસારીને ટ્રીટમેન્ટ મળવામાં વાર લાગી ગઈ હતી, કારણ કે તેની તબિયત ખરાબ થયા બાદ તેને પહેલાં ગામના એક પછી એક એમ બે ભૂવા પાસે લઈ જવામાં આવી હતી. તેની તબિયત ખરાબ થતાં તેને છેલ્લે હિંમતનગરની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

કલજીભાઈ જ્યારે ખેતરેથી તેમના બળદ લઈને પાછા આવ્યા, તો તેમણે જોયું હતું કે ઈશા ખાટલા પર ઊંઘી રહી હતી. તેઓ હજી તો બેઠા જ હતા કે ત્યાં ઈશા રાડો પાડવા માંડી, "મમ્મી, મમ્મી, મમ્મી."

"અમને પહેલાં થયું કે તેને કોઈ 'આત્માનો પછડાયો' આવ્યો છે, એટલે અમે તેને એક 'ભૂવા' પાસે લઈ ગયા. જોકે તેની તબિયત વધુ ખરાબ થતાં તેને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેને હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી."

હવે કલજીભાઈ રાહ જોઈ રહ્યા છે કે તેમની પૌત્રી ક્યારે આંખો ખોલે અને તેમની સાથે વાત કરે.

બે વર્ષની આકૃતિની પરિસ્થિતિ પણ કંઈક આવી જ હતી. સાત જુલાઈના રોજ તેની તબિયત ખરાબ થઈ. તેને તાવ આવ્યો, ઊલટી થવા માંડી. તેને સાબરકાંઠાથી હિંમતનગરની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ 24 કલાકની અંદર તેની તબિયત ખૂબ ખરાબ થઈ અને તેનું મૃત્યુ થઈ ગયું.

તેના પિતા ગોહિલ પરમારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "મને તેની ખૂબ યાદ આવે છે. તે મારી એક માત્ર દીકરી હતી. તે મારી પાસે જ રહેતી હતી. અમને કંઈ ખબર પડે કે તેને શું થયું છે, ત્યાં સુધી તો તેની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે તેનું મૃત્યુ થઈ ગયું."

ગોહીલે ચાંદીપુરા વાઇરસ વિશે પહેલી વખત અત્યારે સાંભળ્યું હતું.

ચાંદીપુરા આ ગામમાં કેવી રીતે ફેલાય છે?

સાબરકાંઠાના દેમતીમેરા ગામની એક તસવીર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, સાબરકાંઠાના દેમતીમેરા ગામની એક તસવીર

જોકે માત્ર દવા કે સારવાર જ નહીં, ચાંદીપુરાના નિયંત્રણ માટે પૂરતી જાગૃતિ, સ્વચ્છતા તેમજ વરસાદ પડ્યા બાદ તાત્કાલિક દવાનો છંટકાવ જરૂરી છે.

બીબીસીએ એવાં ચાર અલગ-અલગ ગામડાંની મુલાકાત લીધી હતી, જેમાં સાબરકાંઠાનું દેમતીમેરા, અરવલ્લીનું મેરી ટીંબા અને જાલમપુર તેમજ રાજસ્થાનના ખેરવાડાનું બાબરી સામેલ છે.

ચારેય ગામો આમ તો અલગ-અલગ જિલ્લામાં છે. છતાં તેમાં એક સમાનતા જોવા મળે છે. માટીનાં મકાનો, દીવાલોમાં તિરાડો, ગાય-બકરીના વાડા, નજીકમાં જ માટીના ઓટલા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી ઘણાં દૂર આવેલાં આ ગામોમાં મોટા ભાગના પુરુષો મજૂરી માટે બહારગામ જાય છે.

જ્યારે છ વર્ષીય રાજકુમાર ડામોરની તબિયત ખરાબ થઈ, ત્યારે અડધી રાત્રે તેમનાં મમ્મી પારુલબહેન તેને ખભા પર લઈને અમુક કિલોમીટર સુધી ચાલ્યાં હતાં. ત્યાર બાદ તેઓ ઍમ્બ્યુલન્સ સુધી પહોંચી શક્યાં હતાં. તે સમયે મુકેશભાઈ મજૂરી માટે ઈડરમાં હતા.

પારુલબહેન કહે છે કે, "રાજકુમાર સ્કૂલેથી આવ્યો. ત્યાર બાદ તે ખાટલા પર જ બેઠો હતો. તેણે પોતાનું હોમવર્ક કર્યું, ખાટલા પર જમીને ત્યાં જ ઊંઘી ગયો. અને અચાનક રાત્રે તેને ઊલટી થવા માંડી. મને કંઈ ખબર પડે તે પહેલાં તો તેને ખેંચ આવવા માંડી હતી."

રાજકુમારને પહેલાં ભીલોડાના પીએચસીમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તે બેભાન હોવાથી તેને પછી ત્યાંથી હિંમતનગર લઈ જવાયો હતો. જોકે બપોરના 12 વાગ્યા સુધી આ કમનસીબ બાળકે પોતાનો જીવ ગુમાવી દીધો હતો.

બે વર્ષની આકૃતિને ગુમાવનાર પિતા ગોહીલ પરમાર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, બે વર્ષની આકૃતિને ગુમાવનાર પિતા ગોહીલ પરમાર

આ ગામોમાં ચાંદીપુરા વાઇરસ અંગે જાગૃતિનો અભાવ એ મોટી સમસ્યા જોવા મળી હતી. ઘણા લોકોએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું કે તેમને ખબર જ નથી કે સેન્ડ ફ્લાય શું છે કે આ રોગ કેવી રીતે ફેલાય છે.

આકૃતિના પિતા ગોહીલભાઈ હોય, રાજકુમારના પિતા મુકેશભાઈ હોય કે તેમના પરિવારજનો હોય, મોટા ભાગના લોકોને હજી સુધી ખબર નથી કે સેન્ડ ફ્લાયનું પ્રજનન કેવી રીતે અટકાવી શકાય અથવા તેનાથી બચવા માટે શું કરવું જોઈએ.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ઘણાં ગામડાંમાંથી આ સેન્ડ ફ્લાયને પકડી છે. તેની સાથે સાથે તે વિસ્તારનાં બીજાં જનાવરો જેમ કે ગાય, બિલાડી અને કૂતરાં વગેરેના પણ સૅમ્પલ લીધા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામેલાં અમુક બાળકોના રિપોર્ટમાં ચાંદીપુરા વાઇરસ જોવા મળ્યો ન હતો અને તેમનું મૃત્યુ એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (એઇએસ)ને કારણે પણ હોઈ શકે. એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ એક ક્લિનિકલ સિન્ડ્રોમ છે, એટલે કે મગજમાં તીવ્ર સોજા જેવાં લક્ષણોનું એક સમૂહ. તેનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમાં ચાંદીપુરા વાઇરસ પણ એક છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારના કેસો વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

સાબરકાંઠાના ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર ડૉ. રાજકુમાર સુતરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "આ વિસ્તારનાં ગામડાંમાં માટીનાં મકાનો હોય, જેમાં સ્વાભાવિક રીતે તિરાડ પડે. તે ઉપરાંત ગાયનું વાડું હોય, માટીનો ઓટલો હોય તેવી જગ્યાએ પણ આ માખી પ્રજનન કરી શકે છે."

તેઓ વધુમાં કહે છે કે, "વરસાદ પછી જ્યારે માટીની દીવાલોમાં ભેજ આવે ત્યારે સેન્ડ ફ્લાય તે તિરાડોમાં પ્રજનન કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે. આ માખી ઘરમાં દેખાતી માખી કરતાં નાની હોય છે."

સાવચેતીનાં પગલાં સ્વરૂપે સરકાર દ્વારા રાજ્યના લગભગ 61 વિસ્તારોમાં વાઇરસનો વધુ ફેલાવો અટકાવવા માટે નિયંત્રણની કામગીરી વધારી છે. તેના ભાગરૂપે ઓળખાયેલા હૉટસ્પોટ વિસ્તારોમાં જંતુનાશક દવાનો વધુ પ્રમાણમાં છંટકાવ કરાઈ રહ્યો છે.

ચાંદીપુરા વાઇરસ સામે કેવાં પગલાં લેવાઈ રહ્યાં છે?

હિંમતનગર સિવિલ હૉસ્પિટલના પીઆઇસીયુ વિભાગની એક તસવીર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, હિંમતનગર સિવિલ હૉસ્પિટલના પીઆઇસીયુ વિભાગની એક તસવીર

આ રોગ અંગે જાગૃતિ માટે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનની એક અપીલ પ્રમાણે ચાંદીપુરા વાઇરસનું વાહક મુખ્યત્વે સેન્ડ ફ્લાય છે, પરંતુ અમુક કિસ્સાઓમાં તે મચ્છર જેવા લોહીપીતી જીવાતોના કરડવાથી પણ થઈ શકે છે.

જ્યારે બીજી તરફ સ્વાસ્થ્યમંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરી હતી કે જો કોઈ બાળકને તાવ, ઊલટી અથવા આંચકી જેવાં લક્ષણો જોવા મળે તો તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં તપાસ માટે લઈ જવું.

રાજ્યનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પીએસચી), સામૂહિક આરોગ્ય કેન્દ્રો (સીએચસી), હૉસ્પિટલો અને મેડિકલ કૉલેજોને સૂચના આપવામાં આવી છે કે ચાંદીપુરા વાઇરસની શંકાવાળા કોઈ પણ બાળકનું તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવે.

તેમણે એ પણ જણાવ્યું હતું કે, "જ્યાં જ્યાં દર્દીઓ મળી આવ્યા છે, ત્યાં સ્વચ્છતા જાળવવાની કામગીરી હાથ ધરાઈ છે અને વાઇરસ ફેલાવતી માખીના નાશ માટે જંતુનાશક દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. ઉપરાંત, સારવાર માટે જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે."

2024માં ચાંદીપુરાએ 28 બાળકોના જીવ લીધા હતા

સાબરકાંઠાના દેમતીમેરા ગામમાં દવાનો છંટકાવ કરતા એક કર્મચારી

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ઇમેજ કૅપ્શન, સાબરકાંઠાના દેમતીમેરા ગામમાં દવાનો છંટકાવ કરતા એક કર્મચારી

આ પહેલી વખત નથી કે ચાંદીપુરા વાઇરસને કારણે રાજ્યમાં બાળકોનાં મૃત્યુ થયાં હોય. વર્ષ 2024માં આ વાઇરસે હાહાકાર મચાવ્યો હતો.

ઑગસ્ટ 2024માં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, "ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ સહિત વિવિધ રોગજનકોના કારણે થતા વાઇરલ એન્સેફેલાઇટિસના 164 કેસ નોંધાયા હતા, જેમાં 101 બાળકોનાં મૃત્યુ થયાં હતાં. મૃત્યુ પામનાર બાળકોમાં 28 બાળકો ચાંદીપુરાને કારણે મૃત્યુ પામ્યાં હતાં."

વર્ષ 2024માં સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશનાં ગામડાંમાં પણ આ કેસો નોંધાયા હતા. પ્રેસ બ્યૂરો ઑફ ઇન્ડિયા પ્રમાણે તે સમયે મધ્ય પ્રદેશમાં 4, રાજસ્થાનમાં 3 અને મહારાષ્ટ્રમાં 1 કેસ નોંધાયો હતો. વર્ષ 2024માં ગુજરાતમાં ફેલાયેલા ચાંદીપુરા વાઇરસને હજી સુધી આ વાઇરસના સૌથી મોટા ફેલાવાઓમાંનો એક માનવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન