સોનમ વાંગચુકને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા મુદ્દે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી, આપ્યા આ નિર્દેશ - ન્યૂઝ અપડેટ

સોનમ વાંગચુક

ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty Images

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે સોનમ વાંગચુકને સફદરજંગ હૉસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય મેડિકલ બોર્ડના રિપોર્ટના આધારે લેવાશે. ઉચ્ચ ન્યાયાલયે ત્રણ દિવસમાં સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે.

આગામી સુનાવણી 24 જુલાઈએ થશે, એટલે કે વાંગચુકને હજુ ત્રણ દિવસ સુધી સફદરજંગ હૉસ્પિટલમાં રહેવું પડશે. કોર્ટે કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.

લાઇવ લૉ અનુસાર, કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું, "એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ ચિકિત્સીય સ્થિતિ સંબંધિત અંતિમ નિર્ણય મેડિકલ ટીમ કરશે, જે નિર્ધારિત ચિકિત્સા પ્રોટોકૉલ અનુસાર નિર્ણય લેશે."

કોર્ટે એ પણ નોંધ્યું કે વાંગચુકના શરીરમાં પોટેશિયલનું સ્તર જોખમી રીતે ઓછું છે. કોર્ટ સામે એ પણ બતાવાયું કે તેમને આઇવી ફ્લૂઇડ્સ (નસો મારફતે તરલ પદાર્થ) નથી અપાયા, કેમ કે તેમણે સહમતિ આપી નથી.

હાઇકોર્ટે કહ્યું- દરેક જીવન મૂલ્યવાન

લાઇવ લૉ અનુસાર, કોર્ટે એ પણ કહ્યું કે "દરેક જીવન મૂલ્યવાન છે."

કોર્ટે ઍડિશનલ સોલિસિટર જનરલ અને ડૉક્ટરોની એ દલીલોની પણ નોંધ લીધી કે વાંગચુકનાં પત્ની અને ભાઈને હૉસ્પિટલમાં 24 કલાક પ્રવેશ આપવામાં આવ્યો છે અને તેમને એક અલગ રૂમ આપવામાં આવ્યો છે, જેથી તેઓ તેમના પરિવાર સાથે સમય વિતાવી શકે.

કોર્ટે કહ્યું, "આ સંજોગોને જોતાં હાલમાં કોઈ વચગાળાના આદેશની જરૂર નથી."

ત્યાર બાદ કોર્ટે આ મામલે નોટિસ પણ પાઠવી છે.

સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિ જે અંગમો તરફથી આ અરજી રવિવારે સવારે ચાર વાગ્યે દાખલ કરાઈ હતી, રવિવાર હોવા છતાં હાઇકોર્ટે તરત સુનાવણી માટે સ્વીકારી લીધી હતી.

સાવરકરની બાયોપિક અને 'આર્ટિકલ 370'ને નૅશનલ ઍવૉર્ડ, ગુજરાતી ફિલ્મ 'મારણ'ને પણ પુરસ્કાર મળ્યો

બીબીસી ગુજરાતી યામી ગૌતમ સાવરકર નૅશનલ એવૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આર્ટિકલ 370 ફિલ્મની અભિનેત્રી યામી ગૌતમને નૅશનલ ઍવૉર્ડ મળ્યો છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

72મા નૅશનલ ફિલ્મ ઍવૉર્ડની જાહેરાત થઈ ચુકી છે, જેમાં રણદીપ હુડા દ્વારા અભિનીત ફિલ્મ 'સ્વાતંત્ર્યવીર સાવરકર'ને સર્વશ્રેષ્ઠ નવોદિત નિર્દેશકની ફિલ્મનો નૅશનલ ઍવૉર્ડ મળ્યો છે.

આ ફિલ્મ એક બાયોપિક છે જે હિંદુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત છે.

રણદીપ હુડાએ પહેલી વખત આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને તેમાં તેમણે સાવરકરની મુખ્ય ભૂમિકા ભજવી છે.

ફિલ્મ 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ 2024ની કૅટેગરીમાં નૅશનલ ઍવૉર્ડ મળ્યો છે. સર્વશ્રેષ્ઠ હિંદી ફિલ્મનો પુરસ્કાર રાજકુમાર રાવ દ્વારા અભિનિત 'શ્રીકાંત' ફિલ્મને મળ્યો છે.

મામૂટી અને કાર્તિક આર્યને 'બ્રહ્માયુગમ' અને 'ચંદુ ચૅમ્પિયન' ફિલ્મો માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર શૅર કર્યો છે. મામૂટીને ચોથી વખત નૅશનલ ફિલ્મ પુરસ્કાર મળ્યો છે.

યામી ગૌતમે ફિલ્મ 'આર્ટિકલ 370' માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી (મુખ્ય ભૂમિકા)નો પુરસ્કાર જીત્યો છે. જ્યારે સંજય મિશ્રાને 'ભક્ષક' માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવૉર્ડ મળ્યો છે.

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે અભિષેક જૈનની 'મારણ'ને પુરસ્કાર મળ્યો છે, જેમણે અગાઉ 'કેવી રીતે જઈશ' અને 'બેયાર' જેવી ફિલ્મો આપી છે.

બીબીસી ગુજરાતી નૅશનલ ફિલ્મ એવૉર્ડ સાવરકર આર્ટિકલ 370

ઇમેજ સ્રોત, Press Eye

સોનમ વાંગચુકનાં પત્નીએ સફદરજંગ હૉસ્પિટલ પર આક્ષેપ કર્યા, હાઇકોર્ટમાં શું અપીલ કરી

સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિ આંગમે

ઇમેજ સ્રોત, ANI/Reuters

ઇમેજ કૅપ્શન, સોનમ વાંગચુક અને તેમનાં પત્ની ગીતાંજલિ આંગમે

સામાજિક કાર્યકર સોનમ વાંગચુકનાં પત્ની ગીતાંજલિ આંગમેએ ટ્વીટ કરીને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલ પર આક્ષેપો કર્યા છે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, "મને સફદરજંગ હૉસ્પિટલ પર ભરોસો રહ્યો નથી. હૉસ્પિટલે અમને કહ્યું હતું કે તેમનું પોટેશિયમનું સ્તર ઘટીને 2.9 થઈ ગયું હતું, અને આ સ્થિતિ તેમના જીવ માટે ખતરનાક છે. છતાં, પબ્લિક હેલ્થ બુલેટિનમાંથી તેમણે સાચો આંકડો કાઢી નાખ્યો અને લખ્યું કે પોટેશિયમનું સ્તર ઘટી રહ્યું છે. એક સ્વતંત્ર લૅબોરેટરીના ટેસ્ટ રિપોર્ટમાં પોટેશિયમનું સ્તર 3.5 છે જે સામાન્ય રેન્જમાં છે."

"અનેક વખત વિનંતી કર્યા છતાં હૉસ્પિટલે તેમને ડિસ્ચાર્જ કરવા અથવા અમારી પસંદની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવાની પરવાનગી નથી આપી. અમારા ફ્લોર પર 30 પોલીસકર્મીઓ તહેનાત છે અને હૉસ્પિટલમાં લગભગ 100 જેટલા પોલીસકર્મીઓ તહેનાત છે, અમારી અવરજવર બાધિત છે. આ મેડિકલ દેખરેખ નથી, આ ગેરકાયદેસર અટકાયત છે."

"જો સોનમને કંઈ થશે તો સંપૂર્ણ જવાબદારી સરકાર અને હૉસ્પિટલની રહેશે."

"મેં હાઇકોર્ટને તાત્કાલિક સુનાવણીની અપીલ કરી છે, જેમાં મેં સોનમની તબિયત વધારી લથડે તે પહેલાં તેમને શિફ્ટ કરવાની પરવાનગી માગી છે. કોઈ પરિવારે તેમના સ્વજનને ક્યાં મેડિકલ દેખરેેખ મળે તેના માટે સિસ્ટમ સામે લડવું ન પડવું જોઈએ."

અભિજિત દીપકેના અનશનનો બીજો દિવસ, કહ્યું- હવે ખબર પડી કેટલું મુશ્કેલ છે

અભિજિત દીપકે, દિલ્હી, જંતર-મંતર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેનું અનશન રવિવાર (19 જુલાઈ)ના બીજા દિવસે પણ ચાલી રહ્યું છે.

આ દરમિયાન તેમણે કહ્યું કે હવે તેમને સમજાયું કે ભૂખ હડતાળ કરવી કેટલી મુશ્કેલ છે. તેમણે અનશન પર બેસેલા અન્ય લોકો પ્રત્યે સન્માન પણ વ્યક્ત કર્યું.

અભિજિત દીપકેએ કહ્યું કે, "મારી ભૂખ હડતાળનો આજે બીજો દિવસ છે. હવે મને ખબર પડી કે કેટલું મુશ્કેલ છે. હું સોનમસર અને અહીં ભૂખ હડતાળ કરી રહેલા વિદ્યાર્થીઓને સલામ કરું છું. હું કાલે યોજાનાર માર્ચ માટે પોતાની ઊર્જા બચાવી રહ્યો છું."

આની પહેલાં સોનમ વાંગચુક દિલ્હી સ્થિત જંતર-મંતર પર અનશન કરી રહ્યા હતા પરંતુ શનિવાર સવારે પોલીસ તેમને ઉપાડીને હૉસ્પિટલ લઈ ગઈ ત્યાર બાદ અભિજિત દીપકે પોતાની માંગો સાથે ભૂખ હડતાળ પર બેઠા છે.

ત્યારે સોમવારે કૉક્રોચ જનતા પાર્ટીના પ્રસ્તાવિત સંસદ માર્ચ છે, જેમાં મોટી સંખ્યામાં સામેલ થવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે.

ફૂટબૉલ વર્લ્ડકપ 2026: ફ્રાન્સને હરાવીને ઇંગ્લૅન્ડે કાંસ્ય પદક જીત્યો

ફીફા ફૂટબૉલ વર્લ્ડ કપ ઇંગ્લૅન્ડ ફ્રાન્સ કાંસ્ય પદક

ઇમેજ સ્રોત, Jamie Squire/Getty Images

ઇમેજ કૅપ્શન, સેમિફાઇનલમાં આર્જેન્ટિના સામે હારી ગયા પછી ઇંગ્લૅન્ડે ત્રીજા સ્થાન માટે જોરદાર પ્રદર્શન કર્યું છે.

અમેરિકામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપ 2026માં ત્રીજા સ્થાન માટે ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચે મુકાબલો થયો હતો.

તેમાં ઇંગ્લૅન્ડના ખેલાડી સાકાએ હેટ્રિક લગાવીને ફ્રાન્સ સામે 6-4થી રોમાંચક વિજય અપાવ્યો હતો. આ શાનદાર મુકાબલા સાથે ઇંગ્લૅન્ડે ફૂટબૉલ વર્લ્ડકપમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.

સેમિફાઇનલમાં આર્જેન્ટિના સામે પરાજય પછી ઇંગ્લૅન્ડે કાંસ્ય પદક માટે મુકાબલામાં શાનદાર વાપસી કરી હતી. એ મૅચમાં ઇંગ્લૅન્ડે અત્યંત આક્રમક રમતનું પ્રદર્શન કર્યું અને પહેલા હાફમાં જ ચાર ગોલ કરીને મૅચને પોતાની તરફેણમાં કરી દીધી હતી.

શરૂઆતની 20 મિનિટમાં ઇંગ્લૅન્ડને લીડ મળી ગઈ હતી. ત્યાર પછી સાકાએ બે ગોલ ફટકારીને ટીમને 2-0થી આગળ કરી દીધી. તેનાથી ફ્રાન્સ ભારે દબાણમાં આવી ગયું હતું.

જોકે, બીજા હાફમાં ફ્રાન્સે ત્રણ ગોલ કરીને વાપસી કરી, પરંતુ તેઓ જીતી ન શક્યા.

વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડનું છેલ્લાં 60 વર્ષમાં આ સૌથી સારું પ્રદર્શન છે. છેલ્લે 1966માં ઇંગ્લૅન્ડ ફૂટબૉલ વર્લ્ડકપ જીત્યો હતો.

જૉર્ડન પર ઈરાનના હુમલામાં બે અમેરિકન સૈનિકોનાં મોત

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન યુદ્ધ

ઇમેજ સ્રોત, Wisam Hashlamoun/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા અને ઈરાન એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

ઈરાનના બૅલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલામાં શુક્રવારે જૉર્ડનમાં બે અમેરિકન સૈનિકોનાં મોત થયાં હતાં, જ્યારે એક સૈનિક હજુ લાપતા છે. અમેરિકન સૈન્ય અધિકારીઓએ આ વાતની માહિતી આપી હતી.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) મુજબ ચાર અમેરિકન સૈનિકોને સારવાર માટે જૉર્ડનની હૉસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યા હતા. સારવાર પછી તેમને રજા આપી દેવાઈ છે. જ્યારે જે સૈનિકોને સામાન્ય ઈજા થઈ હતી, તેઓ ફરી ફરજ પર આવી ગયા છે.

અમેરિકન સૈન્ય અધિકારીઓએ માર્યા ગયેલા સૈનિકોની ઓળખ, ઘટનાની જગ્યા અને હુમલા વિશે વધુ માહિતી જાહેર નથી કરી.

દરમિયાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર અમેરિકાએ શનિવારે રાતે ઈરાન પર વધુ એક વખત હવાઈ હુમલા કર્યા હતા.

સેન્ટકોમ મુજબ સળંગ આઠ રાતથી ઈરાન પર હુમલા કરવામાં આવ્યા છે જેનો હેતુ ઈરાનની સૈન્ય ક્ષમતાને વધુ નબળી પાડવાનો છે.

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ

બીબીસી ગુજરાતી અમરનાથ યાત્રા હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હવામાનને લગતી ચેતવણીના કારણે અમરનાથ યાત્રા રોકવી પડી છે.

હવામાન વિભાગે ખરાબ હવામાનની આગાહી કરતા રવિવારથી અમરનાથ યાત્રા અચોક્કસ મુદ્દત માટે અટકાવી દેવાઈ છે.

જમ્મુ-કાશ્મીરના માહિતી અને જનસંપર્ક વિભાગે ઍક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે.

વિભાગે જણાવ્યા પ્રમાણે આ નિર્ણય પહલગામ અને બાલટાલ- બંને રસ્તા પર લાગુ થશે.

જમ્મુના ડિવિઝનલ કમિશનર રમેશ કુમારે જણાવ્યું કે "ખરાબ હવામાનની ચેતવણીના કારણે 19 જુલાઈથી જમ્મુથી કાશ્મીર તરફ શ્રદ્ધાળુઓના કોઈ પણ જૂથને રવાના થવાની મંજૂરી આપવામાં નહીં આવે."

"શ્રદ્ધાળુઓને આગ્રહ છે કે તેઓ જમ્મુ, ઉધમપુર અને રામબન ખાતે પોતાની રોકાવાની જગ્યાએ જ રહે અને વહીવટીતંત્રની આગળની સૂચનાની રાહ જુએ."

જનસંપર્ક વિભાગ મુજબ અત્યાર સુધીમાં 3.7 લાખથી વધારે શ્રદ્ધાળુઓ ગુફાના દર્શન કરી ચુક્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન