અમદાવાદના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફૅક્ટરીમાં વિસ્ફોટ, આઠનાં મોત

ઇમેજ સ્રોત, Ahmedabad fire department
અમદાવાદના રામોલ-ગતરાડ રોડ પર એક ફટાકડાની ફૅક્ટરીમાં વિસ્ફોટ થયો છે અને આ દુર્ઘટનામાં આઠ લોકોનાં મોત થયાં છે.
ઍડિશનલ ફાયર ઑફિસર મિથુન મિસ્ત્રીએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં આ આગની પુષ્ટિ કરી છે.
ઍડિશનલ ફાયર ઑફિસર મિથુન મિસ્ત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં આ આગને કારણે આઠ લોકોનાં મોત થયાં છે. તેમજ 10 લોકોને એલજી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અધિકારીઓના કહેવા પ્રમાણે સ્થળ પર બચાવ કામગીરી ચાલુ છે અને મૃતાંક વધી પણ શકે છે.
આ આગના વીડિયો પણ કેટલાક મીડિયામાં ફરતા થયા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે લોકોને બળેલી હાલતમાં ફાયરના કર્મીઓ લઈ જઈ રહ્યા છે.
ફાયરના વિભાગના જણાવ્યા અનુસાર, અંદાજે સાડા ત્રણ વાગ્યે ફાયરનો કૉલ મળ્યો હતો. કૉલ મળતાં ફાયરના જવાનની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
'લાઇસન્સ વિના ફૅક્ટરી ચાલતી હતી'
ઘટનાસ્થળે પહોંચેલા અમદાવાદના જેસીપી શરદ સિંઘલે કહ્યું કે બચાવ કામગીરી ચાલુ છે. આ વિસ્તાર રામોલ પોલીસ સ્ટેશનમાં આવે છે તો એફઆઇઆર પણ દાખલ કરાઈ રહી છે.
તેમણે કહ્યું કે આરોપીનું નામ મેહુલ ડોડિયા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ સંચાલન કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસના જણાવ્યા પ્રમાણે, યુનિટનું લાઇસન્સ પહેલેથી રદ કરી દેવાયું હતું, પરંતુ લાઇસન્સ રદ કર્યું હોવા છતાં ઉત્પાદન ચાલતું હતું.
આરએએફ સ્ટેશનની બાજુમાં એક ખુલ્લી જગ્યામાં ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું. આરએએફના જવાનોએ સમાચાર એજન્સી એનએનઆઇને જણાવ્યું કે તેમણે સૌથી પહેલા ધડાકો સાંભળ્યો હતો અને ત્યાં પહોંચી ગયા હતા. તેમણે જોયું કે ત્યાં કેટલાક લોકો દાઝેલી હાલતમાં પડ્યા હતા અને કેટલાક મૃત્યુ પામેલા હતા.
ત્યાર બાદ ફાયરની ટીમ અને અમદાવાદ પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું

ઇમેજ સ્રોત, UGC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદની આ આગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે.
પીએમઓના સત્તાવાર ઍક્સ હેન્ડલથી લખાયું કે "ગુજરાતના અમદાવાદમાં ફટાકડાની ફૅક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવવાના સમાચાર સાંભળીને ખૂબ દુખ થયું. દુખની આ ઘડીમાં મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટી તંત્ર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે."
તો દરેક મૃતકના નજીકના સંબંધીઓને પીએમએનઆરએફ તરફથી બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત પણ કરાઈ છે.
તો દુર્ઘટના પર ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દુખ વ્યક્ત કર્યું છે.
તેમણે ઍક્સ પોસ્ટમાં લખ્યું કે "અમદાવાદમાં ફટાકડાની ફૅક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. તેમના પરિવારજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું."
"સ્થાનિક તંત્ર દ્વારા પ્રભાવિતોને તમામ જરૂરી મદદ અને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય કરશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























