સુરતમાં આરોપીઓને પોલીસ દ્વારા જાહેરમાં ફટકારવાનો મામલોઃ ડીસીપી નકુમ સામે હાઇકોર્ટે સુઓમોટો સ્વીકારી

બીબીસી ગુજરાતી ઉત્કર્ષ દવે રાજદીપસિંહ નકુમ સુરત પોલીસ ગુજરાત હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, સુરત પોલીસના વાઇરલ થયેલા વીડિયોમાં આઇપીએસ અધિકારી કથિત રીતે આરોપીઓને જાહેરમાં મારતા હોય તેવું જોવા મળે છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

સુરતમાં લગભગ એક અઠવાડિયા અગાઉ હત્યાના પ્રયાસના એક ગુનાના પાંચ આરોપીઓને પોલીસ દ્વારા જાહેરમાં કથિત રીતે લાકડીથી ફટકારવામાં આવ્યા હતા, જે અંગે હાઇકોર્ટના ઍડવોકોટ ઉત્કર્ષ દવે દ્વારા પોલીસ અધિકારી સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવતા કોર્ટે સુઓમોટો અરજી સ્વીકારી છે.

ગઈ 13 જુલાઈએ સુરતના ડૅપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) રાજદીપસિંહ નકુમ દ્વારા કથિત રીતે પાંચ આરોપીઓને પકડીને જાહેરમાં લાવવામાં આવ્યા હતા અને આરોપ છે કે સ્વયં ડીસીપીએ તેમને લાકડી વડે ફટકાર્યા હતા.

બીબીસી ગુજરાતી ઉત્કર્ષ દવે રાજદીપસિંહ નકુમ સુરત પોલીસ ગુજરાત હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

આરોપીઓના આ રીતે સરઘસ કાઢવા અને તેમને જાહેરમાં મારવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે તથા ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવનો પરિપત્ર પણ આરોપીઓ સાથે આવા વર્તનની ના પાડે છે, છતાં ડીસીપી નકુમે કથિત રીતે આરોપીઓને આ રીતે જાહેરમાં માર માર્યો તેની સામે ઍડ્વોકેટ ઉત્કર્ષ દવેએ કોર્ટમાં અરજી કરી હતી.

બીબીસી સાથે વાત કરતા ઉત્કર્ષ દવેએ જણાવ્યું કે "આરોપીને સજા આપવી એ કોર્ટનું કામ છે અને કોઈ પોલીસ અધિકારીને આ રીતે આરોપીઓને સજા કરવાનો અધિકાર નથી."

બીબીસી ગુજરાતી ઉત્કર્ષ દવે રાજદીપસિંહ નકુમ સુરત પોલીસ ગુજરાત હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, Utkarsh Dave

ઇમેજ કૅપ્શન, ઍડ્વોકેટ ઉત્કર્ષ દવેએ જાહેરમાં આરોપીઓના પોલીસ દમન અંગે હાઇકોર્ટને અરજી કરી હતી

ગુજરાત હાઇકોર્ટને આ અરજી કરવાની કેમ જરૂર પડી તે વિશે ઉત્કર્ષ દવેએ જણાવ્યું કે, "મેં આ મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસને અરજી લખી હતી."

"તેમાં કહ્યું કે આ રીતે આરોપીઓના વરઘોડા કાઢવા એ કાયદાની વિરુદ્ધ છે અને મૂળભૂત અધિકારનો ભંગ છે."

"આ વિશે ડી. કે. બાસુ વિરુદ્ધ સ્ટેટ ઑફ બંગાળના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો, જેમાં માર્ગદર્શિકા પણ છે કે પોલીસે પોતાની કસ્ટડીમાં રહેલા આરોપીઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ."

તેમણે કહ્યું કે "ભારતમાં કોઈને બીજાને ફટકારવાનો અધિકાર નથી. આ દેશમાં મુંબઈ હુમલા કેસના આરોપી અજમલ કસાબને પણ વકીલ અપાયો હતો."

સુરતના સલાબતપુરા વિસ્તારમાં આરોપીઓને હત્યાના પ્રયાસના કેસમાં પકડવામાં આવ્યા હતા.

વાઇરલ થયેલા વીડિયોમાં આરોપીઓના વાળ પકડીને મારવામાં આવતા હોય એવું પણ જોવા મળે છે.

બીબીસી ગુજરાતી ઉત્કર્ષ દવે રાજદીપસિંહ નકુમ સુરત પોલીસ ગુજરાત હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, Surat City Police

ઇમેજ કૅપ્શન, ડીસીપી રાજદીપસિંહ નકુમને તાજેતરમાં આઇપીએસ તરીકે પ્રમોશન અપાયું છે

આઇપીએસ કક્ષાના પોલીસ અધિકારી દ્વારા આરોપીઓને જાહેરમાં દંડા મારવામાં આવતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.

આ વિશે ઉત્કર્ષ દવેએ કહ્યું કે "ગૃહમંત્રાલયે સોશિયલ મીડિયા અંગે પણ એક માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં જણાવાયું છે કે પબ્લિક ઓથોરિટી તરીકે સોશિયલ મીડિયા હેન્ડલ કઈ રીતે વાપરવું. આ લોકો દરેક પોલીસ સ્ટેશનના પેજ બનાવે છે, આવા પેજ પર માહિતી આપવાના બદલે આરોપીઓને જાહેરમાં મારવામાં આવે અને બેકગ્રાઉન્ડમાં બોલીવૂડના ગીતો સાથે આ વીડિયો પોસ્ટ કરવામાં આવે તે જાહેર અપમાન છે."

આ વિશે ડીસીપી રાજદીપસિંહ નકુમનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યું કે "ગુનેગારોને ગુનેગારોની જેમ જ ટ્રીટ કરવા જોઈએ. હું માત્ર આટલો જ પ્રતિભાવ આપીશ."

આ ઘટનાનું ગુજરાત હાઈકોર્ટે સંજ્ઞાન લીધું છે તે વિશે તેમણે કહ્યું કે, "આ બાબત જ્યારે આવશે ત્યારે જોવામાં આવશે."

ખેડામાં પણ આવી ઘટના બની હતી

બીબીસી ગુજરાતી ઉત્કર્ષ દવે રાજદીપસિંહ નકુમ સુરત પોલીસ ગુજરાત હાઈકોર્ટ

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, 2022માં ખેડા જિલ્લાના એક ગામમાં પણ પોલીસે જાહેરમાં આરોપીઓને ફટકાર્યા હતા. ત્યાર પછી પોલીસ સામે કાર્યવાહી થઈ હતી.

સુરતની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા જેમાં જોઈ શકાય છે કે 15થી 20 પોલીસ કર્મચારીઓની હાજરીમાં હાથકડી બાંધીને પાંચ આરોપીઓને જાહેરમાં ચલાવવામાં આવ્યા હતા અને તેમને દંડાથી માર મારવામાં આવ્યો હતો, જે દરમિયાન કથિત રીતે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર હતા.

ગુજરાતમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે જેમાં પોલીસે આરોપીઓને જાહેરમાં દંડાથી ફટકાર્યા હોય. 2022માં ખેડાના ઉંઢેલા ગામે નવરાત્રી કાર્યક્રમ પર કથિત પથ્થરમારાની ઘટનામાં પોલીસે આરોપીઓને જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર્યા હતા. ખેડાની આ ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે એક પોલીસ ઇન્સ્પેક્ટકર, એક સબ-ઇન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલને 14 દિવસની સાદી કેદની સજા કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન