ગુજરાતમાં રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા, કેવી ઝાંકીઓ જોવા મળી

ઇમેજ સ્રોત, Sachin Pithva
અષાઢી બીજના તહેવાર નિમિત્તે આજે અમદાવાદ, રાજકોટ, સુરત સહિતનાં શહેરોમાં જગન્નાથ મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવી છે.
ગુજરાતમાં અમદાવાદની રથયાત્રાનું ખાસ મહત્ત્વ છે. આજે અમદાવાદના જગન્નાથ મંદિરેથી 149મી રથયાત્રા નીકળી છે.

ઇમેજ સ્રોત, Bipin Tankariya
અમદાવાદમાં સવારે ચાર વાગ્યે મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી હતી, ત્યાર પછી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને તેની સાથે રથયાત્રા શરૂ થઈ હતી.
અમદાવાદમાં લગભગ 30 હજાર પોલીસ કર્મચારીઓના સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રથયાત્રા કાઢવામાં આવી છે.
આ ઉપરાંત સેંકડો સીસીટીવી કેમેરા અને ડ્રોન પણ રથયાત્રા પર નજર રાખી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Bipin Tankariya
અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે મંગળા આરતી પછી ભગવાનને ખીચડાનો ખાસ પ્રસાદ ચઢાવવામાં આવ્યો હતો.
ત્યાર પછી દર વર્ષની જેમ જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર તથા સુભદ્રા નવા રથમાં સવાર થઈને નગરચર્યા પર નીકળ્યાં છે.

ઇમેજ સ્રોત, Sachin Pithva
અમદાવાદની રથયાત્રાનો ઇતિહાસ જોવામાં આવે તો લગભગ પોણા પાંચસો વર્ષ પહેલાં હનુમાનદાસજી નામના સાધુ અહીં આવ્યા હતા અને તેમણે શહેરની ભીડભાડથી દૂર સાબરમતી નદી પાસે ગાઢ જંગલોની વચ્ચે હનુમાનની મૂર્તિની સ્થાપના કરી હોવાનું કહેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Sachin Pithva
લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે.
અમદાવાદના જગન્નાથ મંદિરની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે, વર્ષ 1878માં તત્કાલીન મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા રથયાત્રાની શરૂઆત કરાવવામાં આવી હતી.
અમદાવાદના જગન્નાથ મંદિરમાં ગૌસેવા સિવાય દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા, સંતનિવાસ, અપંગાશ્રમ, ઑડિટોરિયમ, ભંડારા જેવા સેવાકાર્યો પણ મંદિર ટ્રસ્ટ દ્વારા ચાલે છે.

ઇમેજ સ્રોત, Sachin Pithva

ઇમેજ સ્રોત, Bipin Tankariya
15થી 20 જેટલા સુશોભિત હાથી આ રથયાત્રામાં જોડાય છે. ત્રણ અલગ-અલગ રથમાં બેસીને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા નગરચર્યા કરવા માટે નીકળે છે. યાત્રામાં ડઝનબંધની સંખ્યામાં ટ્રક પણ જોડાય છે, જેમાં અલગ-અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવે છે.
અખાડાઓ દ્વારા તલવારબાજી, મલખમ તથા અન્ય અંગકસરતના દાવ રજૂ કરવામાં આવે છે. તેમની પાછળ રાસમંડળીઓ અને ભજનમંડળીઓ જોડાય છે.

ઇમેજ સ્રોત, Bipin Tankariya
સરસપુરમાં ભગવાનનું મોસાળું છે, જ્યાં બપોરના ભાગે રથયાત્રા ભોજન માટે રોકાય છે.
જ્યાં રથયાત્રિકોને, સ્થાનિકોને તથા સાધુ-સંતોને જમાડવામાં આવે છે. જેમાં મગ, જાંબુ અને કાકડી સહિતના પ્રસાદનું માહાત્મય રહેલું છે. આ સિવાય ગાંઠિયા, પૂરી, શાક, માલપુઆ, ખીચડી, મોહનથાળ અને લાડવા જેવા પ્રસાદ પણ ધરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Bipin Tankariya
રાજકોટમાં જગન્નાથ મંદિરે રાજવી માંધાતાસિંહના હાથે પહિંદવિધિ કરવામાં આવી હતી અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે રથયાત્રા શરૂ થઈ હતી.

ઇમેજ સ્રોત, Bipin Tankariya
રાજકોટમાં રથયાત્રા લગભગ 22 કિલોમીટરના રૂટ પર ફરશે. આ દરમિયાન કેટલાક લોકોએ આકર્ષક વેશભૂષા ધારણ કરી છે તથા કેટલાક ભાવિકો કરતબ દેખાડી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Bipin Tankariya
અમદાવાદમાં કોરોનાને કારણે વર્ષ 2020માં 143મી રથયાત્રા નીકળી શકી ન હતી. પરંતુ ત્યાર પછી નિયમિત રથયાત્રા કાઢવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























